જાતે ડ્રાઈવિંગ કરી સડક માર્ગે દિલ્હીથી લંડન પહોંચી 'વિમેન બિયોન્ડ બાઉન્ડ્રીઝ', નારી શક્તિનો ધ્વજ લહેરાવ્યો

0

23 જુલાઈએ દિલ્હીના ઇન્ડિયા ગેટથી મુસાફરીની શરૂઆત કરી 27 ઓક્ટોબરે લંડન પહોંચી પૂરી કરી આ સફર!

નીધિ તિવારી, રશ્મિ કોપ્પર અને ડૉ.સૌમ્યા ગોયલ નામની ત્રણ મહિલાઓએ પ્રાપ્ત કરી આ અજોડ સિદ્ધી!

માત્ર નીધિએ જ 97 દિવસની મુસાફરીમાં 17 દેશોમાંથી પસાર થતાં 23,800 કિલોમીટરની સફરમાં ગાડી ચલાવી!

ત્રણ સ્ત્રીઓની સડકમાર્ગની ગજબ મુસાફરી કરીને 97 દિવસમાં 17 દેશોનું 23,800 કિલોમીટરનું અંતર કાપવાની બેજોડ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મૂળ બેંગલુરુનાં રહેવાસી નીધિ તિવારી, રશ્મિ કોપ્પર અને ડૉ. સૌમ્યા ગોયલે ભારતની રાજધાની દિલ્હીથી પોતાની મુસાફરી શરૂ કરી લંડન સુધી સડકમાર્ગે પહોંચવાનો પડકાર માત્ર એક જ સ્કોર્પિયો ગાડીથી પૂર્ણ કરી એક અનોખી સફળતા પ્રાપ્ત કરી. આ મહિલાઓએ 23 જુલાઈના રોજ ઈન્ડિયા ગેટના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ દિલ્હીથી મુસાફરીની શરૂઆત કરી અને 95 દિવસ પછી 27 ઓક્ટોબરના રોજ લંડન પહોંચી પૂર્ણ કરી અને આજના જમાનાની આ સ્ત્રીઓએ સાબિત કરી દીધુ કે પરણેલી અને છૈયાં-છોકરાવાળી હોવાથી તેઓ કોઈનાથી કોઇપણ પ્રકારે પાછળ રહેવા માગતી નથી.

આ અભિયાનની સૌથી રસપ્રદ વાત એ છે કે આ મહિલાઓ પાસે આખી મુસાફરી માટે એક જ વાહન હતું અને એક જ ગાડીચાલક હતી. નીધિ તિવારીએ લગભગ 24000 કિ. મિ.ની મુસાફરી દરમિયાન એકલે હાથે ગાડી ચલાવી. આ આખું અભિયાન અને મુસાફરી નીધિના જ મગજમાં આવ્યું હતું. લાંબા સમયની મુસાફરી પર જવું તે તેમનો ખૂબ જ જૂનો શોખ છે.

એક સૈન્ય અધિકારીની પત્ની અને બે સંતાનોની માતા નીધિ તિવારી એક ખ્યામનામ આઉટડોર શિક્ષક હોવા ઉપરાંત ઑફ-રોડ જીપર પણ છે. તેઓ જીપની સવારી કરવા ઉપરાંત લાંબા સમય અને વધારે ઊંચાઈવાળા સ્થળે ડ્રાઇવિંગ કરવામાં નિપુણતા ધરાવે છે.

યોરસ્ટોરી સાથે વાતચીત કરતી વખતે નીધિ કહે છે, "આ મુસાફરીમાં જતાં પહેલાં મેં પશ્ચિમી પહાડી વિસ્તારો ઉપરાંત ભારતના હિમાલયી રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, સિક્કિમ, અરુણાચલપ્રદેશ અને નેપાળ , ભૂતાન , અમેરિકા, દક્ષિણ કોરિયા અને કેન્યામાં ડ્રાઈવિંગ કર્યું હતું. હું લગ્ન પહેલા જ બેંગલુરુમાં જીપીંગ કરતી હતી. તે સમયે લોકો મને બેંગલુરુની પહેલી મહિલા જીપર પણ કહેતાં હતાં.

લગ્ન પછી નીધિ દિલ્હી આવી ગઇ પરંતુ મુસાફરી અને ડ્રાઈવિંગ પ્રત્યે તેમનું ઝનૂન સહેજ પણ ઓછું થયું નહીં અને એક સૈન્ય અધિકારી પતિએ તેમની ઇચ્છાઓ પૂર્ણ કરવા મદદ કરી. નીધિ કહે છે કે લગ્ન પછી પોતાના પતિ સાથે પોતે ગાડી ચલાવી આખા દેશની મુસાફરી કરી છે. એના પછી 2007માં પહેલીવાર તેઓ ગાડી પોતે ચલાવી લદ્દાખ લઇ ગયાં હતાં અને ત્યારબાદ તેમને ઊંચાઈવાળા વિસ્તારોમાં ગાડી ચલાવાની મજા આવવા લાગી.

તે આગળ કહે છે કે ગત વર્ષે તેઓ પોતાની જીપથી લદ્દાખની મુસાફરીએ ગયા હતાં તે સમય દરમિયાન ઘણી વિષમ પરિસ્થિતિઓ આવી હતી તે સમયે તેમના બીજા સાથીદારો અધૂરી યાત્રા મૂકી પાછા ફર્યાં હતાં. તેમ છતાં પણ તેઓએ આ યાત્રા સંપૂર્ણ આત્મવિશ્વાસથી ક્ષેમકુશળ પાછા આવી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ત્યાર પછી તેમણે નક્કી કર્યું કે પોતે જીપથી લગભગ આખા દેશમાં ડ્રાઈવિંગ કરી ચૂક્યાં છે તો પોતાના વ્યાપ આગળ વધારવો જોઈએ અને પોતે આતંરરાષ્ટ્રીય કક્ષાએ ડ્રાઈવિંગ કરવું જોઈએ.

લદ્દાખથી પાછાં આવ્યા પછી તેમણે પોતાની જૂની બહેનપણી સ્મિતા રાજારામ સાથે આ અંગેની વાત કરી. તેઓએ સ્ત્રીઓમાં ડ્રાઈવિંગ અંગેની જાગરૂકતા કેળવવાનાં લક્ષ્ય સાથે ખૂબ જ ચર્ચાવિચારણાં બાદ 'વિમેન બિયોન્ડ બાઉન્ડ્રીઝ'ની રચના કરી. નીધિ કહે છે કે ભારતના લોકોના મગજમાં સ્ત્રીઓનાં વાહન ચલાવવા બાબતે ઘણી શંકાકુશંકા ઘર કરી ગઇ છે અને મોટાભાગની સ્ત્રીઓને પણ પોતાના ડ્રાઇવિંગ અંગે શંકા છે.

ભારતની નારીઓ ગાડીના સ્ટિયરિંગથી દૂર રહેતી હોવાનાં કારણો જણાવતાં નીધિ કહે છે, "સૌથી પહેલા તો ભારતીય સ્ત્રીઓમાં ડ્રાઈવિંગની કુશળતા બહુ ઓછી છે. આ સિવાય અહીં સ્ત્રીઓને વાહન ચલાવવાની તક બહુ ઓછી મળે છે જેને કારણે તેમનામાં ડ્રાઈવિંગનો આત્મવિશ્વાસ કેળવાતો નથી. અમારો ઈરાદો આ સંસ્થા દ્વારા સ્ત્રીઓમાં ડ્રાઈવિંગમા રસ કેળવવાનો અને વિકાસને પંથે પુરૂષોની સમોવડી બની દુનિયાના કોઈપણ છેડે ગાડી ચલાવી શકવા માટે સક્ષમ બને તે અંગેનો છે."

હવે 'વિમેન બિયોન્ડ બાઉન્ડ્રીઝ'ની રચના કર્યા પછી તેમની સામે સૌથી મોટો પડકાર હતો કે આવું ભારે ખર્ચાળ ડ્રાઈવિંગ અભિયાન પાર પાડી શકે તેવા પ્રયોજકને શોધવાનો હતો. નીધિના કહેવા પ્રમાણે પ્રયોજક શોધવો તે તેમના માટે સૌથી મોટો પડકાર હતો. અને ખરેખર આ કામ પાર પાડતા તેમને 'લોઢાનાં ચણા ચાવવા' કહેવત યાદ આવી ગઈ. "મોટાભાગના પ્રયોજકો માટે એક જ મોટી શંકા હતી કે,ઘણાં દેશો,ઘણાં દિવસોની લાંબી મુસાફરી અને દુર્ગમ માર્ગમાં એકલી સ્ત્રી અને કેટલાંકે તો એવું પણ કહ્યું કેતમે જાણો છો કે તમે શું કરવા માગો છો? અને આ સિવાયના મોટાભાગના લોકોએ તો મને એવી સલાહ આપી કે હું જે વિચારી રહી છુ તે કરવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. પરંતુ આવી સલાહ આપનારા લોકો કોઈને કોઈ પ્રકારે મારા માટે પ્રેરણારૂપ બની રહેતાં હતાં."

આ સમય દરમિયાન તેમની મુલાકાત જૂની ગાડીઓની લે-વેચ કરતી કંપની 'મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ વ્હીલ્સ'ના સંચાલકો સાથે થઇ. તેમણે આમાં રસ લીધો પણ નીધિ આ કાર્ય એકલા હાથે પાર પાડી શકશે કે કેમ તે બાબતમાં શંકા સેવી. નીધિ કહે છે, "મહિન્દ્રાના લોકો સાથે મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી પણ તેમણે મને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે આ સફર ખૂબ જ લાંબી અને જોખમી છે તો આ સફરમાં તમારી સાથે બીજા સાથીઓને જોડો તો અમે તેને પ્રયોજિત કરીશું. આના સિવાય લેનોવોએ પણ અમને મુસાફરી કરતી વખતે ટીમ ફોન થિંક પેડ અને નેવિગેશન સાધનો આપવાનું વચન આપ્યું કે જેથી અમારી મુસાફરી સરળ બની ગઈ."

ત્યારબાદ નીધિએ પોતાની શાળા સમયની બે સહેલીઓ રશ્મિ કોપ્પર અને ડૉ.સૌમ્યા ગોયલનો સંપર્ક કર્યો અને તે બને આ સફરમાં જોડાવા ખુશીથી તૈયાર થઈ ગઈ. એક દીકરીની માતા રશ્મિ કોપ્પર બેંગલુરુની એમ.એસ.રામૈયા યુનિવર્સિટીમાં હોટલ મેનેજમેન્ટની પ્રોફેસર છે અને આ સિવાય સાહસિક રમતોની શોખીન છે. લાંબી મુસાફરીની શોખીન ડ્રાઇવર પણ છે. આ બે સિવાય આ સમૂહના ત્રીજા સાથી બન્યાં બે સંતાનની માતા ડૉ. સૌમ્યા ગોયલ કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે અને તેઓ પણ મુસાફરી પાછળ ગાંડા છે.

આ મહિલાઓનાં જૂથે પોતાને મુસાફરી માટે માનસિક અને શારીરિક રીતે સક્ષમ બનાવી ફરી એક વાર પ્રયોજકોનો સંપર્ક સાધ્યો. નીધિ કહે છે, "અમે મુસાફરી માટે તૈયાર થયા કે તરત જ મહિન્દ્રાએ એક 68,500 કિલોમીટર ચાલેલી જૂની સ્કોર્પિયો ગાડી અમને આપી. ઘણા સમયથી ગાડી ચલાવવાના કારણે મને ખબર હતી કે આ પ્રકારની મુસાફરી માટે આ ગાડી ઉત્તમ કહેવાય.આ ખૂબ જ ઉત્તમ ગાડી હતી. આના સિવાય ઘણા બધા દેશામાંથી પસાર થવાનું હતું તે માટે કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયો અને ઓફિસનો પૂર્ણ સહયોગ મળ્યો અને તેમનું સકારાત્મક વલણ જોવા મળ્યું."

આખરે 24 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના બે મત્રીઓ અંનત કુમાર અને સર્વાનંદ સોનેવાલે આ મહિલા ત્રિપુટીને લીલી ઝંડી દેખાડી વિદાય આપી. આ લોકોએ પહેલા જ અઠવાડિયામાં લગભગ 2500 કિલોમીટરની મ્યાનમાર સુધીની મુસાફરી પૂરી કરી હતી. ત્યારબાદ આ મહિલાઓ ચીન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશિયા, યુક્રેન, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની તેમજ બેલ્જિયમ જેવા દેશોમાં થઈને અંતે 27 ઓક્ટોબરે 23800 કિ. મિ.ની માર્ગ મુસાફરી પૂરી કરીને લંડન પહોંચી હતી.

નીધિ જણાવે છે કે શરૂઆતમાં તેમની યોજના નેપાળ થઈને આગળ જવાની હતી. પરંતુ તાજેતરમાં જ ત્યાં વિનાશક ભૂકંપ આવ્યો હોવાને કારણે તેમણે મ્યાનમાર થઈને જવું પડ્યું હતું. જોકે, તેમનો મ્યાનમાર વાળો રસ્તો પણ એટલો સરળ નહોતો રહ્યો. ત્યાં આવેલા ભયાનક પૂરને કારણે તેમણે આગળ વધવા માટે એક મહિના સુધી રાહ જોવી પડી હતી. નીધિ જણાવે છે, "ઘણાં લોકોએ અમને એવી સલાહ આપી કે અમારે પાછા વળી જવું જોઇએ અને આવતાં વર્ષે ફરીથી પ્રયાસ કરવો જોઇએ. મારી બે સાથીઓ થોડા સમય માટે પરત જતી રહી પરંતુ હું સફર પૂરી કરવા માટે મક્કમ હતી અને ત્યાં જ રોકાયેલી રહી. અંતે થોડા દિવસ બાદ રસ્તો ખૂલ્યા પછી હું એકલી જ આગળ વધી અને મેન્ડલિન પહોંચ્યા પછી રશ્મિ અને સૌમ્યા ફરીથી મારી સાથે જોડાઈ."

મ્યાનમારમાં ચાર અઠવાડિયા જેટલો સમય રોકાયા બાદ મારી સામે વિઝાને લગતા પ્રશ્નો આવ્યા. આ વિલંબને કારણે અન્ય કેટલાક દેશોમાં પણ વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. નીધિ જણાવે છે, "આ સમયે વિવિધ દેશોમાં રહેલા દૂતાવાસોમાં કામ કરતાં અધિકારીઓની ભરપૂર મદદને કારણે અને સામે આવેલા પડકારોનો સામનો કરતા કરતા હું મારા સફરને પૂરી કરવામાં સફળ રહી."

નીધિ જણાવે છે કે આ પ્રકારની મુસાફરીનો સ્પષ્ટ અર્થ વધારે પડતાં નિર્જન ક્ષેત્રોમાં પસાર થવા ઉપરાંત તૂટેલા રસ્તાઓ, પહાડી વિસ્તારો, જંગલો, નદીઓ, નાળાઓ ઉપરાંત બિલકુલ અસાધારણ વિસ્તારોમાં સફર કરવાનો છે. જે ખૂબ જ રોમાંચક હોવા ઉપરાંત ક્યારેક ખૂબ જ જોખમી પણ સાબિત થઈ શકે છે. પરંતુ હું નાનપણથી જ આવા કામો કરનારી જિદ્દી તેમજ નીડર રહી છું. અને મારા માતા-પિતાએ હંમેશા મને આગળ વધવા માટેની પ્રેરણા આપી છે. આ ઉપરાંત એક સૈનિકની પત્ની હોવાને કારણે મને આવા કામો કરવાની વધુ પ્રેરણા મળી છે."

નીધિ જણાવે છે કે આ યાત્રા પૂરી કરવામાં તેમને પ્રતિ વ્યક્તિ રૂ. 8 લાખનો ખર્ચ આવ્યો છે. જે પ્રાયોજકો દ્વારા ખર્ચવામાં આવેલી રકમ કરતાં બિલકુલ અલગ છે. ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતાં નીધિ જણાવે છે, "આગામી દિવસોમાં અમારો ઇરાદો 'વિમેન બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ'નું વિસ્તરણ કરીને વધુ મહિલાઓને પોતાની સાથે જોડવાનો અને તેમને ડ્રાઇવિંગ માટે પ્રેરણા આપવાનો છે. આ ઉપરાંત, દિલ્હીથી લંડન સુધીની સફર સફળતાપૂર્વક પૂરી કર્યા બાદ અમે આ જ પ્રકારના અન્ય કેટલાંક અભિયાનો વિશેની યોજના બનાવી રહ્યાં છીએ."

છેલ્લે નીધિ જણાવે છે, "યાત્રાઓનો સંબંધ તેના અંતર સાથે હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. તે તો માત્ર અનુભવો, દ્રશ્યો, માનસિક અને શારીરિક ક્ષમતાઓ વિશે હોય છે. મુસાફરીનો અર્થ પોતાની ક્ષમતાઓને ઓળખતાં પોતાનાં માટે નીતનવા લક્ષ્યો નિર્ધારિત કરીને અને તેને પામવા માટે પોતાની જાતને પ્રેરિત કરવાનો છે. ભલે તે નવું ફલક હોય, નવા લોકો હોય કે પછી પોતાની અંદર બદલાઈ રહેલું નવું વ્યક્તિત્વ હોય."

વેબસાઇટ/ફેસબુક

વિશેષ – તમામ તસવીરો વિમેન બિયોન્ડ બાઉન્ડ્રીઝનાં સૌજન્યથી

લેખક – નિશાંત ગોયલ

અનુવાદ – મનીષા જોશી

Related Stories