ગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ

ગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ

Saturday September 02, 2017,

2 min Read

આ MoU અંતર્ગત, મોટા પાયે, એક રાષ્ટ્રીય કક્ષાની 'યુથ સ્ટાર્ટઅપ કોન્ફરન્સ'નું આયોજન કરાશે!

image


ગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચર, રીસર્ચ અને ઇનોવેશન ઇકો-સિસ્ટમને વેગ મળી રહે તેવા આશયથી ગુજરાત યુનિવર્સિટી અને ક્લેરિસ કેપિટલે એમઓયુ સાઈન કર્યા છે.

આ જોડાણ થકી, ગુજરાત યુનિવર્સિટી તેમજ ક્લેરિસ સાથે મળીને કામ કરશે અને ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સને અનુકૂળ હોય તેવી વધુ ને વધુ સુવિધાઓ મળી રહે તે દિશામાં કામ કરશે. સાથે જ ક્લેરિસ કેપિટલ તરફથી સ્ટાર્ટઅપ્સને ફંડિંગની પૂરતી તકો મળી રહેશે. 

આવનારા ટૂંક સમયમાં જ આ MoU અંતર્ગત એક કોન્ફરન્સનું આયોજન કરાશે જેમાં દેશભરના સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. તેની સાથે જ મોટા પાયે એક 'બિઝનેસ આઈડિયા'ની સ્પર્ધાનું આયોજન થશે.

image


 ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ.હિમાંશુ પંડ્યાનું આ અંગે કહેવું છે,

"ગુજરાત યુનિવર્સિટી, GUSEC દ્વારા ગુજરાતમાં એક સારી 'સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ' પૂરી પાડે છે. હાલમાં અમે 45 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરી રહ્યાં છીએ. ગુજરાત CSR ઓથોરીટીના માધ્યમથી CSR પ્રવૃત્તિઓ માટે ફંડિંગ અપાવવામાં પણ ગુજરાત યુનિવર્સિટીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે તેવામાં ક્લેરિસ સાથે જોડાઈને, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો તેમજ ઇનોવેટર્સને વધુ સારી રીતે મદદ કરી શકીશું. નજીકના ભવિષ્યમાં ગુજરાત યુનિવર્સિટી યુથ દ્વારા ચાલતા ઓછામાં ઓછા 100 સ્ટાર્ટઅપ્સને બનતી તમામ મદદ કરી શકે તે લક્ષ્યથી આગળ વધી રહ્યાં છીએ."

image


ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આન્ત્રપ્રેન્યોર્શીપ કાઉન્સિલ (GUSEC) દ્વારા ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતના સ્ટાર્ટઅપ્સ, આન્ત્રપ્રેન્યોર્સ અને ઇનોવેટર્સને વર્ષ 2015થી મદદ કરે છે. ગુજરાત યુનિવર્સિટીએ, યુનિવર્સિટી કેમ્પસમાં જ, 100 જેટલા સ્ટાર્ટઅપ્સને સમાવી શકે તેવી વ્યવસ્થા કરી છે. હાલ ગુજરાત યુનિવર્સિટી 45 સ્ટાર્ટઅપ્સને સહાય કરી રહ્યું છે, જ્યારે કે ગુજરાત CSR ઓથોરીટીના માધ્યમ દ્વારા GUSECએ 37 સ્ટાર્ટઅપ્સને પ્રિ-સીડ ફંડિંગ કર્યું છે. 

સ્ટાર્ટઅપ્સમાં એન્જલ અને સીડ ઇન્વેસ્ટમેન્ટ કરતા ક્લેરિસ કેપિટલનો VC વિભાગ, હાલ ક્રિષ્ના હાંડાના નેતૃત્વ હેઠળ કામગીરી કરી રહ્યો છે.


જો આપની પાસે પણ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને લગતી કોઈ ખબર છે કે કોઈ રસપ્રદ સ્ટાર્ટઅપની જાણ છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...