‘ગોકૂપ’, ગ્રામીણ કલાકારોની પ્રોડકટ્સને સીધી તમારા સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ

0

આજના સમયમાં સમગ્ર બજાર ડિજિટલ થતું જઇ રહ્યું છે અને ઓફલાઇન છૂટક વ્યાપારીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઇન માધ્યમો પર પોતાની પ્રોડકટ્સ રજૂ કરીને નફો રળી રહ્યા છે તેવામાં ગ્રામીણ કારીગરો અને કલાકારો ઘણાં પાછળ રહી ગયા હોય તેમ લાગે છે. દુનિયામાં દેશનું નામ રોશન કરનારી મોટાભાગની પ્રતિભાઓ આ ગ્રામીણ વિસ્તારોમાંથી જ નિકળીને આવે છે જે મોટાભાગે શિક્ષણ અને અન્ય વિકલ્પોની અછત હોવાને કારણે તેઓ પોતાના કામો માટે પ્રસંશા અને યોગ્ય મળતરથી પણ વંચિત રહી જતા હોય છે જેના તેઓ હકદાર હોય છે. બજારમાં દલાલો અને વચેટિયાની મોટી સંખ્યા આ કારીગરોની બગડેલી સ્થિતિ માટે સૌથી વધારે જવાબદાર છે. એક તરફ તો આ કારીગરો પોતે તૈયાર કરેલી પ્રોડકટ્સને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ વચેટિયાઓ અને દલાલો પર આધાર રાખે છે જેઓ તેમનું શોષણ કરી રહ્યા છે અને બીજી બાજૂ સિવા દેવીરેડ્ડી જેવા લોકો પણ છે જેઓ કોઇ પણ જાતની લાલચ વિના જ તેમની મદદ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ‘ગોકૂપ’ (GoCoop)ના સંસ્થાપક સિવા દેવીરેડ્ડી આ અસલી કારીગરો અને ગ્રામીણ સહકારી સમિતિઓને તેમની પ્રોડકટ્સ ઓનલાઇન વેચવામાં મદદ કરીને તેમને દલાલો અને વચેટિયાઓની નાગચૂડમાંથી મુક્ત કરાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

‘ગોકૂપ’ને શરૂ કરવાના કારણો વિશે વાત કરતા દેવીરેડ્ડી કહે છે, “હું આ ગ્રામીણ ઉત્પાદકોના જીવનસ્તરને સુધારવાની દિશામાં મારૂ ધ્યાન કેન્દ્રિત કરવા માગતો હતો. આ ઉત્પાદકોની સામે બજાર સુધી પોતાની પહોંચ બનાવવી અને બજાર સંબંધિત જાણકારી મેળવવી સૌથી મોટો પડકાર હતો. બજારમાં રહેલા તમામ વ્યાપારીઓ આ ઉત્પાદકોનું શોષણ કરી રહ્યા હતા અને તેમની પાસેથી માત્ર ૧૦ રૂપિયા જેવી સામાન્ય કિંમતે ખરીદવામાં આવેલી પ્રોડકટ્સને તેઓ ૩૦થી ૫૦ રૂપિયામાં વેચીને તગડો નફો કમાતા હતા. આ તમામ મૂલ્યચેનમાં પ્રોડકટ્સની કિંમતોમાં ૩થી ૫ ગણા સુધીનું અંતર છે અને તેમાં ઉત્પાદકને નફાનો એક નાનો ભાગ જ મળી શકે છે. ખાસ કરીને કૃષિ અને શિલ્પના ક્ષેત્રે તો પરિસ્થિતિ વધુ ખરાબ છે કારણ કે આ ક્ષેત્ર બિલકુલ અસંગઠિત છે જે કારણે તેની સાથે જોડાયેલા કારીગરોની સમસ્યાઓ વધુ વિકટ બને છે.

‘ગોકૂપ’નો પાયો નાખતા પહેલા દેવીરેડ્ડી જ્યાં કામ કરતા હતાં ત્યાં ઘણા ‘સીએસઆર’ પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરવા દરમિયાન તેમનો સામનો આવા કારીગરોની સ્થિતિથી થયો હતો અને આ કારીગરો માટે કાંઇ કરવાનો વિચાર તેમને સ્ફૂર્યો હતો. બે વર્ષ સુધી આ બાબતના પક્ષ અને વિપક્ષ વિશે ઘણી વિચારણા કર્યા બાદ અંતે તેમણે પોતાની નોકરી છોડીને આ કામ શરૂ કરી દીધુ હતું.

જોકે, તેમની આ સફર એટલી સરળ નહોતી અને તેમણે આવનારા પડકારો માટે પોતાને તૈયાર કરવાના હતા. તેમનો પ્રારંભિક પડકાર વિભિન્ન ગ્રામીણ સહકારી સમિતિઓ અને ગ્રામીણ વણકરો સાથે વાતચીત કરીને તેમના કામની જટિલતાઓ વિશે જાણીને તેમને કમ્પ્યુટર અને ઓનલાઇન વેચાણ પ્રક્રિયા સાથે માહિતગાર કરવાનો હતો. પણ તેમણે હાર નહોતી માની.

દેવીરેડ્ડી કહે છે કે,‘‘અમે આ ગ્રામીણ કારીગરોને જાગૃત કરવા માટે અમારી ઘણી ઊર્જા અને સમય ‘જાગૃતિ સત્ર’ આયોજિત કરવામાં લગાવ્યો હતો. આ તેનું જ પરિણામ છે કે હવે નિકાસકારો અને વણકરો તરફથી ઓનલાઇન ખરીદ-વેચાણ માટે સારી પ્રતિક્રિયા મળી રહી છે અને તે લોકો આને અપનાવી રહ્યા છે.’’

‘‘તે ઉપરાંત અમારી સામે એક મોટો પડકાર એક એવી ટીમને તૈયાર કરવાનો હતો જે સામાજિક ક્ષેત્ર માટે ઈ-કોમર્સને ઝનૂનભેર લાગૂ કરવામાં સક્ષમ હોય. આ ખરેખર એક મુશ્કેલ કામ રહ્યું હતું અને તે કામને લાગૂ કરવામાં પોતાનું સર્વસ્વ લગાવી દેનારી ટીમને તૈયાર કરવી ખરેખર એક મોટો પડકાર સાબિત થયો હતો. અમે છેલ્લા બે વર્ષની સખત મેહનત બાદ જ આવી એક ટીમને તૈયાર કરવામાં સફળ થઇ શક્યા છીએ.’’

તેમની ટીમ દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં પોતાનું કામ કરે છે અને ત્યાંના લોકોની વચ્ચે કમ્પ્યુટર અને ઈ-કોમર્સ પ્રત્યે રસ પેદા કરવાની સાથે-સાથે જ જાગૃતિ બેઠકોનું પણ આયોજન કરે છે. એક વાર કારીગર કે સહકારી સમિતિઓ તેની સાથે જોડાવા માટે તૈયાર થઇ જાય તે બાદ તેમની પ્રોફાઇલ તૈયાર કરીને તેમની પ્રોડકટ્સને વેબસાઇટ પર વેચાણ માટે સૂચિબદ્ધ કરવામાં આવે છે. કોઇપણ વસ્તુ માટે ઓર્ડર મળવા પર તેઓ ઉત્પાદકનો સંપર્ક કરે છે અને પ્રોડક્ટના નિરીક્ષણ બાદ તેને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે.

હાલ તેમની પાસે ૪૦ ટકા કરતા પણ વધારે ગ્રાહકો દેશની બહારના છે અને વિતરણ સંબંધિત મુદ્દાઓ અંગે માત્ર ૧ ટકા કરતા પણ ઓછો સામાન પરત આવવાનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. આ લોકો પોતાની વેબસાઇટ મારફત થતા દરેક સોદાના બદલામાં થોડુંક કમિશન લે છે અને તે ઉપરાંત સભ્ય ફીમાંથી થતી કમાણી જ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. હાલ તેમની વેબસાઇટ ૧૭૦ વિક્રેતાઓની ૧૦ હજાર કરતા પણ વધારે પ્રોડકટ્સને દુનિયા સામે લાવી રહી છે.

હાલ ક્રાફ્ટ્સવિલા જેવા અન્ય ઈ-કોમર્સ મંચ પણ આ ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને આશા છે કે આ વિસ્તારની સંભાવનાઓને જોતા એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા દિગ્ગજો પણ આ બજાર તરફ પગલા વધારશે. જોકે, પ્રારંભિક તબક્કામાં ગ્રામીણ ભારતના આ કારીગરો સુધી પોતાની પહોંચ બનાવવી આ લોકો માટે થોડું મુશ્કેલ થઇ શકે છે. તે ઉપરાંત આ વાતની પણ સંભાવના છે કે આ નાના ખેલાડીઓ દ્વારા કરવામાં આવી રહેલા પૂરતા વ્યાપાર પર નજર રાખીને આ મોટા ખેલાડીઓ થોડા સમય બાદ તેમનું અધિગ્રહણ કરવા માટે પણ વિચાર કરવા લાગે.

Related Stories