ફેરીયાથી કરોડપતિ બનવા સુધીની સફર, દ્રષ્ટિહિન ભવેશે ‘મીણ’ થકી ફેલાવી સુવાસ

1

ભવેશ ભાટિયા જન્મથી જ અંધ નહોતાં. મોટા થયા ત્યાં સુધી તેમની આંખોમાં થોડી રોશની હતી. રેટિના મસ્ક્યુલર ડિટેરિયરેશન નામના રોગથી પીડાતા ભવેશને ખબર હતી કે સમય જતા તેમની આંખોની રોશની વધારે નબળી પડી જશે. જ્યારે તે 23 વર્ષના થયા ત્યારે તેમની આંખોની રોશની તદ્દન જતી રહી. તે સમયે તેઓ હોટલમાં મેનેજર તરીકે કામ કરી પોતાની કેન્સરપીડિત માતાના ઇલાજ માટે રૂપિયા ભેગા કરવાના પ્રયત્ન કરી રહ્યાં હતાં.

ભવેશ જણાવે છે, “જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે બધા વિદ્યાર્થીઓ મને અંધ કહીને મારો મજાક ઉડાવતા. હું જ્યારે આ વાત ઘરે આવીને મારી માતાને કહેતો કે અન્ય વિદ્યાર્થીઓ મને ખીજવે છે એટલે હું સ્કૂલે નહીં જાઉં. ત્યારે મારી માતા મને કહતી કે તે બધા તારી સાથે મિત્રતા કરવા માંગે છે. હું બહુ મુશ્કેલથી તેમની વાત પર વિશ્વાસ કરી શકતો. બીજા દિવસે તેમના હેરાન કરવા છતાં પણ મેં જેમ તેમ કરીને તેમની સાથે દોસ્તી કરી લીધી અને આજે પણ અમે મિત્રો છીએ.”

તેઓ વધુમાં જણાવે છે, "જીવનનો આ શરૂઆતની શીખ મારા વ્યાવસાયિક જીવનમાં પણ ઘણો ઉપયોગી સાબિત થઇ છે. મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને કસોટીઓ આવી પરંતુ મારી માતાના વિવેકના કારણે જ હું સાચો નિર્ણય લઇ શક્યો છું.”

આ માટે જ્યારે તેમની આંખની રોશની સંપૂર્ણપણે જતી રહી ત્યારે તેઓ પોતાની બીમાર માતાને કેવી રીતે બચાવશે તે ચિંતા વધારે હતી. આંખોની રોશની જતી રહેવાના કારણે તેમની નોકરી પણ જતી રહી. તેમના પિતાજી તેમની બધી જ બચત તેમની માતાના ઇલાજ પાછળ વાપરી ચૂક્યા હતાં. નોકરી વગર તેઓ પોતાની માતાની દેખરેખ કરી શકે તેમ ન હતાં અને એક દિવસ તેમની માતાનું મૃત્યુ થયું.

ભવેશ જણાવે છે, “મારી માતાએ મને શિક્ષિત બનાવવા અનેક પ્રયત્નો કર્યા. હું બ્લેકબોર્ડ પરના અક્ષરો વાંચી શકતો ના હતો, પરંતુ મારી માતા મારા માટે ખૂબ જ ઝઝૂમતી. તેના કારણે જ હું પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું ભણતર કરી શક્યો.”

માતા અને નોકરી ગયા પછી ભવેશ તેમની જિંદગીમાં જાણે તૂટી જ ગયા. પરંતુ ભવેશને તેમની માતાએ કહેલા શબ્દો યાદ હતા. તેમની માતાએ કહેતા કે “જો તમે દુનિયા ના પણ જોઇ શકો તો શું થઇ ગયું? કઇક એવું કરો જેથી દુનિયા તમને જુવે." આ માટે દુઃખી થવાના બદલે કંઇક કરવાની શોધમાં ભવેશ લાગી ગયા. ભવેશને નાનપણથી જ પોતાના હાથે નવી નવી વસ્તુઓ બનાવવો શોખ હતો. તે પતંગો બનાવતા, માટીમાંથી રમકડાં કે પછી મૂર્તિઓ બનાવતા. આખરે તેમણે મીણબત્તીના નિર્માણમાં પોતાનો હાથ અજમાવ્યો. ભવેશ જણાવે છે, “મીણબત્તીમાં આકાર અને સુગંધની સંવેદનશીલતા રહેલી છે. આ ઉપરાંત હું પ્રકાશ પ્રત્યે વધારે આકર્ષિત રહ્યો છું.”

શરૂઆત ક્યાંથી કરવી તે ભાવેશને સમજાતું નથી. ભવેશ કહે છે, "1999માં મુંબઇના ‘નેશનલ એસોસિયેશન ઓફ બ્લાઇન્ડ’માં મેં મીણબત્તી બનાવવાની ટ્રેઈનિંગ લીધી. હું રંગો, સુગંધ અને વિવિધ આકારો સાથે રમવા માંગતો હતો પરંતુ તે મારા બજેટની બહાર હતું. એટલા માટે આખી રાત જાગીને મીણબત્તી બનાવતો અને દિવસે મહાબલેશ્વરની બહાર સ્થાનિક બજારમાં તેને વેચતો.”

બસ એક ચાન્સ અને જિંદગી બદલાઇ ગઇ...

એક દિવસ અચાનક જ ભવેશની જિંદગીમાં બધું બદલાવવા લાગ્યું. જેની શરૂઆત ત્યારે થઇ જ્યારે એક મહિલા ભવેશ પાસેથી મીણબત્તીઓ ખરીદવા ઊભી રહી. બસ પછી તો તે મહિલા રોજ ભવેશ સાથે આવીને કલાકો સુધી વાતો કરતી. ભવેશે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. તેનું નામ નીતા હતું. પરંતુ નીતાના ઘરના લોકો અંધ અને મીણબત્તી બનાવતા વ્યક્તિ સાથે લગ્ન કરવાના વિચારથી ઘણાં નારાજ હતાં. નીતા ઘણી આશાવાદી હતી. તેણે ભવેશ સાથે ત્યાં જ તેના નાનકડા ઘરમાં જિદંગીની શરૂઆત કરી દીધી. ભવેશ પાસે નવા વાસણો ખરીદવા માટેના પણ પૂરતાં પૈસા ન હતાં. દિવસે તેની પત્ની જે વાસણમાં ખાવાનું બનાવતી તે જ વાસણમાં તે રાત્રે મીણ પીગાળતા.

પતિને મીણબત્તી વેચવામાં સરળતા રહે અને તે પણ સાથે જઈ શકે એટલે નીતાએ ટુ વ્હીલર ખરીદી લીધું. ત્યારબાદ પરિસ્થિતિમાં સુધાર આવતા તેમણે ગાડી ચલાવતા પણ શીખી લીધી જેથી વધુ પ્રમાણમાં મીણબત્તી તૈયાર કરીને પોતાના પતિને શહેર વેચવા માટે લઇ જઇ શકે.

સંઘર્ષની અનોખી ગાથા...

કહેવાની જરૂર નથી કે ભવેશના જીવનમાં નીતાના આવ્યા પછી એમના માટે પરિસ્થિતિ સામે લડવું પહેલા કરતા સરળ થઇ ગયું હતું. મુશ્કેલીઓનું વજન ઉપાડવા માટે હવે એક સંગિની પણ હતી તેથી ભાર હવે એટલો વજનદાર લાગતો નહોતો. "જેમની પાસે દ્રષ્ટિ છે તેઓ માનવા માટે તૈયાર નહોતા કે એક અંધ વ્યક્તિ પગભર થઇ શકે છે. એક વખત કેટલાક ઉપદ્રવી લોકોએ મારી બધી મીણબત્તીઓ લારી પરથી ઉપાડીને ગટરમાં ફેંકી દીધી. મદદ માટે હું જેટલા પણ લોકો પાસે ગયો તે લોકોએ કહ્યું, તમે તો અંધ છો તમે શું કરી શકો છો. માર્ગદર્શન મેળવવા માટે મેં પ્રોફેશનલ મીણબત્તી નિર્માતાઓ અને અન્ય સંસ્થાઓનો સંપર્ક કર્યો પણ કોઇની પાસેથી મદદ ન મળી." લોનની અરજીઓને તો વિચાર્યા વગર રદ્દ જ કરી દેવામાં આવતી હતી. લોન સિવાયના પ્રસ્તાવો ઉપર પણ આક્રમક પ્રતિક્રિયા આપવામાં આવતી હતી. તેઓ મીણબત્તી નિર્માતાઓ અને વિશેષજ્ઞોની સલાહ લેવા માંગતા હતા પરંતુ તેમને અપમાનિત કરી કાઢી મૂકવામાં આવતા હતા.

ભવેશ કહે છે, "હું મારી પત્ની સાથે મૉલમાં જતો ત્યારે ત્યાં મૂકવામાં આવેલી કિંમતી મીણબત્તીઓને સ્પર્શ કરી તેના વિશે સમજવાનો પ્રયત્ન કરતો. અને ત્યારબાદ મારા સર્જનાત્મક વલણ દ્વારા વધારે સારી મીણબત્તી બનાવવાની કોશિશ કરતો.” તેમના જીવનમાં ટર્નિગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે સતારા બેંક દ્વારા તેમને 15 હજારની લોન મળી, જે બેંકમાં અંધ વ્યક્તિ માટે ખાસ યોજના ચલાવવામાં આવતી હતી. જેમાંથી તેમણે પંદર કિલો મીણ, બે ડાઇ અને પચાસ રૂપિયાનો એક થેલો ખરીદ્યો. અને તેના આધારે જ આજે તેમણે કરોડો રૂપિયાનો બિઝનેસ ઉભો કરી દીધો. ભવેશની મીણબત્તીના ગ્રાહકો આજે આજે દેશ – દુનિયામાં પ્રતિષ્ઠિત કોર્પોરેટસ છે અને તેમની કંપનીમાં 200 જેટલા કર્મચારીઓની ટીમ છે, જે સૌ દ્રષ્ટિહીન છે.

સફળતાનું એકમાત્ર રહસ્ય

ભવેશ જણાવે છે, "હવે જ્યારે હું પાછળ ફરીને જોવું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે હું જ્યારે લોન માંગતો હતો ત્યારે લોકો મને ના કેમ પાડી દેતા હતાં., કારણ કે દુનિયામાં નિર્મમ રીતે કામકાજ ચાલે છે. દરેક વ્યક્તિ પોતાના મગજથી વિચારે છે દિલથી નહીં. પરંતુ મને લાગે છે કે સફળ બિઝનેસમેન બનવા માટે દિલથી બિઝનેસ કરવો જોઇએ. જેમાં સફળતા મળવામાં સમય લાગી શકે પણ તમે જે લક્ષ્ય નક્કી કર્યું હશે તેના સુધી તમે અવશ્ય પહોંચી શકશો. "

એક સમય એવો પણ હતો જ્યારે ભવેશ બીજા દિવસની મીણબત્તી બનાવવાનું મીણ ખરીદવા માટે 25 રૂપિયા અલગ મૂકતા હતાં. જ્યારે આજે તેમની ‘સનરાઇઝ કેન્ડલ્સ’ ૯૦૦૦ ડીઝાઈન્સ ધરાવતી સાદી, સુગંધિત અને સુગંધ ચિકિત્સાની મીણબત્તી બનાવે છે. અને તે બનાવવા રોજના 25 ટન મીણનો ઉપયોગ કરે છે. મીણબત્તી બનાવવા માટેનું મીણ તેઓ યુકેથી મંગાવે છે. રીલાયન્સ ઇન્ડસ્ટ્રી, રેનબેક્સી, બિગ બઝાર, નરદા ઇન્ડસ્ટ્રીઝ અને રોટરી ક્લબ વગેરે તેમના મુખ્ય ગ્રાહકો છે.

સનરાઇઝ કેન્ડલ્સ ચલાવવા માટે દ્રષ્ટિબાધિત લોકોને જ કામ આપવા અંગે ભવેશ જણાવે છે, "અમે અંધ વ્યક્તિઓને શીખવાડીએ છીએ કે તેઓ કામને સમજી શકે અને ક્યારેક તેઓ પણ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે. પત્ની નીતા અંધ છોકરીઓને વ્યાવસાયિક શિક્ષણ આપે છે.”

ખેલાડી...

ભવેશ કહે છે, "હું નાનપણથી જ ખેલકૂદમાં સક્રિય હતો. વ્યક્તિ અંધ હોય એટલે જરૂરી નથી કે તે શરીરથી પણ નબળો હોય. હું પોતે એક ખેલાડી છું અને તેના પર મને ગર્વ છે." સનરાઇઝ કેન્ડલ્સને ઊભું કરવાના સમય દરમિયાન તે લાંબા સમય સુધી ખેલકૂદથી દૂર રહ્યાં છે, પરંતું જ્યારે બિઝનેસ બરાબર સેટ થઇ ગયો, ત્યારે તેઓ પણ તેમની દૈનિક ક્રિયાઓ અંગે ઘણાં કઠોર બની ગયા. ભવેશ કહે છે, "મીણબત્તીનો બિઝનેસ સેટ કરી દીધા બાદ હવે ફરીથી મેં સ્પોર્ટ્સ (શોર્ટપૂટ, ડિસ્કસ અને જેવલિન થ્રો)ની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પારાલિમ્પિક સ્પોર્ટ્સમાં મને 109 મેડલ્સ મળ્યા છે. મેં મારા કારખાનામાં જ જીમ બનાવ્યું છે જેનો હું ભરપૂર ઉપયોગ કરું છું. મારી પત્ની દોરીનો એક છેડો ગાડીને અને બીજો છેડો મને બાંધી દે છે. અને તે મારી સ્પીડ પ્રમાણે ગાડી ચલાવે છે. હું રોજના 8 કિમી. દોડું છું. પરંતુ મને ડર પણ મારી પત્નીથી જ લાગે છે જ્યારે પણ હું તેની સાથે ઉંચા અવાજમાં વાત કરું છું ત્યારે તેના બીજા દિવસે ગાડીની સ્પીડ પણ તે વધારી દે છે.

સપના, લક્ષ્ય અને ભવિષ્ય...

અત્યારે ભવેશ બ્રાઝિલમાં થનાર પારાલિમ્પિક 2016માં ભાગ લેવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ એક વિશ્વ રેકોર્ડ બનાવવા માટે ઉત્સાહિત છે.

"દુનિયામાં 21 મીટર ઉંચી મીણબત્તી બનાવવાનો રેકોર્ડ જર્મનીના નામે છે. મારી યોજના તેનાથી પણ ઊંચી મીણબત્તી બનાવવાની છે. ગયા એપ્રિલ મહિનાથી અમે એક નવી શરૂઆત કરી છે – શ્રી નરેન્દ્રમોદી, શ્રી અમિતાભ બચ્ચન, સચિન તેંદુલકર અને અન્ય 25 નામાંકિત વ્યક્તિઓના મીણની આદમકદ મૂર્તિઓ બનાવવાની છે."

વધુમાં ભવેશ કહે છે, "મારા ઘણાં સપના પણ છે અને લક્ષ્ય પણ છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર હું દુનિયાનો પ્રથમ અંધ વ્યક્તિ બનવા માંગું છું. હું મારા દેશ માટે બ્રાઝિલમાં થનાર પારાલિમ્પિક 2016માં ગોલ્ડ મેડલ જીતવા માંગું છું. પરંતુ આ બધાથી ઉપર હું દેશના જરેક અંધ વ્યક્તિને એવી વિશ્વાસ અપાવવા માંગુ છું કે તેઓ પણ મહેનત કરીને પોતાના પગ પર ઉભા થઇ શકે છે."

Related Stories