દુનિયાને મુઠ્ઠીમાં કરવા જોઈએ ‘સંકલ્પ’, NITના વિદ્યાર્થીઓએ સેંકડો બાળકોને ચીંધ્યો નવો માર્ગ

0

'સંકલ્પ' 3 રાજ્યોમાં પોતાની શાખાઓ ધરાવે છે!

'સંકલ્પ' થકી ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે અનેક વિદ્યાર્થીઓ!

બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે NITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ!

કહેવાય છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી મોટી વાત છે, અને એક વાર જો હિંમત અને મહેનતથી તમે તમારા માર્ગ પર નીકળી પડો તો સમજો કે તમે અડધી બાજી મારી લીધી છે. આશરે 7 વર્ષ પહેલાં જમશેદપુરમાં 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી' એટલે કે NITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એક નાનકડો પ્રયાસ આજે આ આદિવાસી વિસ્તારમાં રહેતાં બાળકોમાં નવી ઊર્જા ભરી રહ્યો છે. એક સમયે NITની મેસમાં કામ કરનારા નાનાં બાળકો આજે જુદી જુદી સરકારી અને ખાનગી શાળાઓમાં ભણી રહ્યા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પાસે જે બાળકો કાલ સુધી ભણ્યા હતા, તેઓ આજે ખુદ એન્જિનિયરિંગ અને અન્ય ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. NITના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ‘સંકલ્પ’ની સ્થાપના કરનારા શિવેન્દ્ર શ્રીવાસ્તવનું કહેવું છે, "અમારી આવી કોઈ યોજના નહોતી, છતાં પણ આજે અમે ત્રણ રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ!"

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં રહેનારા શિવેન્દ્ર શ્રીવાસ્તવનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું, પરંતુ ભણવામાં હોશિયાર શિવેન્દ્રને NIT, જમશેદપુરમાં પ્રવેશ મળ્યો. ત્યાં તેમને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી ટાટા સ્ટીલમાં નોકરી મળી. શિવેન્દ્ર જણાવે છે કે તેઓ જ્યારે NITમાં ભણતા હતા ત્યારે નવરાશના સમયમાં તેઓ પોતાના મિત્રો સાથે આદિવાસી વિસ્તારોમાં ફરવા માટે ચાલ્યા જતા હતા. ત્યાં તેમણે જોયું કે આ વિસ્તારમાં બહુ ગરીબી છે અને અહીંનાં બાળકો શાળાએ ભણવા જતાં નથી. ત્યારે તેમના દિમાગમાં આ બાળકો માટે કંઈક કરવાનો વિચાર આવ્યો. પોતાનો વિચાર તેમણે પોતાના મિત્રો સ્વીકૃતિ અને વિક્રાંત સમક્ષ રજૂ કર્યો. ત્યાર બાદ શિવેન્દ્રે કૉલેજ કેમ્પસની બહાર આજુબાજુમાં રહેનારાં બાળકોને બદલે કૉલેજની જુદી જુદી મેસમાં કામ કરનારાં નાનાં બાળકોને ભણાવવા અંગે વિચાર્યું. તેમણે આશરે 30 બાળકોને ભેગા કરીને ‘સંકલ્પ’ નામે પોતાની ઝુંબેશ શરૂ કરી.

આ બાળકોને ભણતાં જોઈને તેમનાં માતા-પિતા બહુ ખુશ થયા અને તેમણે શિવેન્દ્ર અને તેમના મિત્રોને કહ્યું કે તેમના ગામમાં પણ એવા ઘણાં બાળકો છે, જે ભણવા માગે છે એટલે કેમ્પસની સાથે સાથે તેમના ગામે આવીને પણ એ બાળકોને ભણાવવાનું શરૂ કરો. આ રીતે વર્ષ 2008માં તેમણે મોહનનગર વિસ્તારમાં કદી શાળાએ ન ગયેલાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. વર્ષ 2009માં શિવેન્દ્રનું એન્જિનિયરિંગનું ભણતર પૂરું થઈ ગયું અને તેમને ટાટા સ્ટીલમાં નોકરી મળી ગઈ, છતાં પણ બાળકોને ભણાવવાનો સિલસિલો તૂટ્યો નહીં. આનો શ્રેય શિવેન્દ્રના જૂનિયર્સને જાય છે. તેમના જૂનિયર્સે આ ઝુંબેશને ચાલુ રાખવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. શિવેન્દ્રને આ વાત બહુ ગમી અને તેમણે પોતાના જૂનિયર્સને જણાવ્યું કે ક્યારે અને કેવા બાળકોને ભણાવવાનાં છે તેમજ તેમની જરૂરિયાત શું છે. આ રીતે તેમણે નોકરીની સાથે સાથે પોતાના જૂનિયર્સને માર્ગદર્શન આપવાનું કામ પણ ચાલુ રાખ્યું.

બાળકો મન દઈને ભણવા માંડ્યા અને તેમની સંખ્યા સતત વધતી ગઈ એટલે શિવેન્દ્ર તથા તેમના સાથીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો. અત્યાર સુધી 200થી વધારે બાળકો ભણી ચૂક્યા છે, પરંતુ શિવેન્દ્ર ઇચ્છે છે કે આ બાળકો શાળામાં પણ જાય, જેથી કોઈ ડિગ્રી હાંસલ કરી શકે, પરંતુ આ માટે એ બાળકોનાં માતા-પિતા તૈયાર નહોતાં થતાં. શિવેન્દ્ર અને તેમના સાથીઓ પાસે હવે એક જ માર્ગ બચ્યો હતો – બાળકોને શાળાએ ન મોકલવા તૈયાર ન હોય એવાં માતા-પિતાનું કાઉન્સેલિંગ. આ ઉપરાંત આ લોકોએ ઘણી સભાઓ કરી, બેઠકો પણ કરી અને લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવવા કોશિશ કરી. તેમની આ ઝુંબેશ રંગ લાવી. પછાત વિસ્તારનાં એ બાળકોને જુદી જુદી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો. જોકે, બાળકો શાળાએ જતાં હોવા છતાં શિવેન્દ્ર અને સાથીઓએ તેમને ભણાવવાનું કામ ન છોડ્યું. આ રીતે બાળકો શાળાએ પણ જતાં હતાં અને તેમની પાસે પણ ભણવા આવતાં હતાં.

એક તરફ બાળકો ભણવા માંડ્યા હતા અને સાથે સાથે વિસ્તારમાં શિક્ષણ બાબતે જાગૃતિ પણ આવી રહી હતી, તો બીજી તરફ NITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઇચ્છતા હતા કે તેઓ પણ આવું જ કંઈક પોતાના રાજ્યમાં પણ કરે. આ કામ માટે શિવેન્દ્રએ તેમની મદદ કરી. આને કારણે જમશેદપુર ઉપરાંત બિહારના મધેપુરા અને વારાણસીના બીએચયુમાં ‘સંકલ્પ’નાં કેન્દ્રો કામ કરી રહ્યાં છે. તાજેતરમાં જ સંકલ્પે પોતાનું એક કેન્દ્ર ધનબાદમાં પણ ખોલ્યું છે. આજે સંકલ્પનાં કુલ 8 કેન્દ્રો કાર્યરત છે. જોકે, જમશેદપુરનાં અમુક કેન્દ્રોને છોડીને બીજી જગ્યાએ બહારના શિક્ષકો ભણાવવાનું કામ કરે છે, જ્યારે જમશેદપુરનાં 5 કેન્દ્રોમાં મોટા ભાગે NITના વિદ્યાર્થીઓ જ જાતે ભણાવે છે.

‘સંકલ્પ’ થકી ન માત્ર બાળકોને ભણાવવામાં આવે છે, બલકે તેમને ત્યાં ભણવા આવતાં બાળકો સારામાં સારી શાળામાં પ્રવેશ મેળવે એવો પ્રયાસ પણ કરવામાં આવે છે. એટલે જ જે બાળકો ભણવામાં હોંશિયાર હોય છે, તેમને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવે છે. આ રીતે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 54 બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ અપાવાયો છે. આ બાળકોમાં 28 બાળકો અને 26 બાળાઓ છે. આ બાળકોને દિલ્હી પબ્લિક સ્કૂલ, રામકૃષ્ણ મિશન સ્કૂલ, ડીએવી સ્કૂલ અને અન્ય ખ્રિસ્તી મિશનરી શાળાઓ જેવી ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવાય છે. આ બાળકોની શાળાની ફીથી માંડીને યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચ તેઓ પોતે ઉઠાવે છે. આવી શાળામાં ભણતાં બાળકો ત્રીજા ધોરણથી 10મા ધોરણ સુધી અભ્યાસ કરે છે. ખાસ વાત એ છે કે આ તમામ બાળકોને NITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ દત્તક લીધાં છે અને તેઓ જ ભણવાનો સમગ્ર ખર્ચ પણ ઉઠાવે છે.

‘સંકલ્પ’માં ભણનારા અનેક બાળકો એવાં પણ છે, જે હવે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે. આ બાળકો ન માત્ર ગ્રેજ્યુએશનનું ભણે છે, બલકે કેટલાક વિદ્યાર્થીઓ તો જુદી જુદી જગ્યાઓએ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કરે છે. આ ઉપરાંત આ લોકો સમયાંતર ભણવામાં હોંશિયાર બાળકોની પરીક્ષાઓ પણ લે છે, જેથી તેમને જુદી જુદી ખાનગી શાળાઓ ઉપરાંત નવોદય શાળામાં કે અન્ય સારી શાળામાં પ્રવેશ અપાવી શકાય. ‘સંકલ્પ’માં ભણનારા 90 ટકા બાળકો પછાત ગણાતી જાતિઓમાંથી આવે છે અને તેમના અભ્યાસનો તમામ ખર્ચ NITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળીને ઉઠાવે છે. આ ઉપરાંત NITમાં ભણનારા દરેક વિદ્યાર્થીઓ દર મહિને 10 રૂપિયા ‘સંકલ્પ’ને આપે છે. ‘સંકલ્પ’ની એક અલગ ટીમ છે, જે સ્પોન્સર્ડ બાળકોના અભ્યાસ પર ખાસ નજર રાખે છે અને જ્યાં પણ તેમને બાળકોમાં ક્યાંક ખોટ દેખાય તો તરત તેને સુધારી લેવાનું કામ કરે છે.

શિવેન્દ્ર અને તેમની સંસ્થા ‘સંકલ્પ’ ન માત્ર બાળકોને શિક્ષિત કરવાનું કામ કરે છે, બલકે તેમનાં કેન્દ્રો પર આવનારી બાળકોની 50 જેટલી માતાઓને પણ શિક્ષિત કરવાનું કામ કરી રહ્યા છે. ભવિષ્યનાં આયોજન અંગે પૂછતાં શિવેન્દ્રનું કહેવું છે, 

"અમે દેશભરમાં 36 એવા જિલ્લાઓ પસંદ કર્યા છે, જ્યાં એવાં બાળકોની સંખ્યા વધારે હોય જેમણે કોઈ ને કોઈ કારણોસર શાળા છોડી દેવી પડે છે અથવા તો પછી જેમના માતા-પિતા મજૂરી કરે છે. અમે તેમના માટે કામ કરવા માગીએ છીએ, જેથી આ બાળકોને કમ સે કમ પ્રાથમિક શિક્ષણ આપી શકાય."


લેખક – હરીશ બિશ્ત

અનુવાદક – સપના બારૈયા વ્યાસ

Related Stories

Stories by YS TeamGujarati