એક એવું સ્ટાર્ટઅપ કે જે વડીલોનું જીવન બનાવે છે સરળ!

0

સીનિઅર વર્લ્ડ ડૉટ કૉમ વડીલોને વ્યસ્ત રાખવાની દિશામાં કામ કરે છે.

સીનિઅર વર્લ્ડ ડૉટ કૉમ સાથે વડીલોનાં સપનાંઓને મળે છે પાંખો.

તાજેતરમાં કંપનીએ વડીલોને ધ્યાનમાં રાખીને પોતાનો પહેલો મોબાઇલ 'ઇઝી ફોન' લૉન્ચ કર્યો છે.

આજે ભારતને કોઈ પણ ખીલી રહેલી શક્તિનાં રૂપે જોવાઈ રહ્યું છે. દુનિયાભરનાં દેશો ભારત ઉપર આશાની મીટ માંડીને બેઠા છે. તેનું કારણ એ છે કે ભારતને વિશ્વનો સૌથી યુવાન દેશ માનવામાં આવે છે. ભારતમાં યુવાનોની વસતી દુનિયાના અન્ય દેશોની સરખામણીએ સૌથી વધારે છે. તેના કારણે જ ભારતનો દરેક ઉદ્યોગ યુવાનોને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે. ચાહે તે વસ્ત્ર ઉદ્યોગ હોય, મોબાઇલ ઉદ્યોગ હોય, ખાદ્ય ઉદ્યોગ હોય, મનોરંજન ઉદ્યોગ હોય કે પછી સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્ર હોય. દરેક ક્ષેત્ર યુવાનોને મહત્વ આપી રહ્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં અનેક સ્ટાર્ટઅપ યુવાનોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે. દરેક સ્ટાર્ટઅપ સારું કામ કરી રહ્યાં છે. પરંતુ આ બધાંની વચ્ચે 55 વર્ષની ઉંમર કરતાં વધારે ઉંમરના લોકોને સૌથી વધારે અવગણવામાં આવી રહ્યા છે. બજાર પણ આ ઉંમરના લોકો પ્રત્યે વધારે ધ્યાન નથી આપી રહ્યું. તેવામાં સીનિઅર વર્લ્ડ ડૉટ કૉમ નામનું સ્ટાર્ટઅપ આગળ આવ્યું. તેણે આ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કામ કરવાનું શરૂ કર્યું. શરૂ થયાનાં એક વર્ષની અંદર જ તેને જબરદસ્ત સફળતા મળી રહી છે.

સીનિઅર વર્લ્ડ ડૉટ કૉમની શરૂઆત 2014માં કરવામાં આવી હતી અને કંપનીએ ઓક્ટોબર 2015માં ઇઝી ફોનનાં નામે પોતાનું પહેલું ઉત્પાદન બજારમાં ઉતાર્યું. ઇઝી ફોન એવો મોબાઇલ છે કે જે ખાસ સીનિઅર સિટિઝન્સની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે.

સીનિઅર વર્લ્ડના સ્થાપક રાહુલ ગુપ્તા અને એમ. પી. દિપુ છે. રાહુલ ગુપ્તા વ્યવસાયે સીએ છે અને તેમણે જીઈ, એરટેલ તેમજ એસઆરએફ ફાયનાન્સ ઉપરાંત ઘણી કંપનીઓમાં લગભગ 25 વર્ષ સુધી કામ કર્યું છે. જ્યારે એમ. પી. દિપુએ ટેલિકોમ ઉદ્યોગને ખૂબ જ નજીકથી જોયો છે. આ ક્ષેત્રે તેમને લગભગ 20 વર્ષનો અનુભવ છે. રાહુલ અને દિપુ ઘણા સમયથી પોતાનું કામ શરૂ કરવા અંગે વિચારતા હતા. આ દરમિયાન રાહુલના પરિવારમાં કોઈ એક વડીલનું અવસાન થઈ ગયું. તે દરમિયાન રાહુલે વિચાર્યું કે સીનિઅર સિટિઝન્સ માટે કંઇક એવું કરવું જોઇએ કે જેના કારણે તેઓ આખો દિવસ વ્યસ્ત રહે અને સાથે જ તેમનો સમય યોગ્ય કામમાં વીતાવે. જેથી તેમને તેમનાં જીવનમાં રહેલી એકલતા સાલે નહીં. આ વિચાર તેમણે પોતાના મિત્રો સામે રજૂ કર્યો. તે બધાંને આ વિચાર ખૂબ જ ગમ્યો. બંનેએ આ દિશામાં કામ કરવાનું નક્કી કર્યું. ત્યાર બાદ 2014માં બંનેએ પોતાનાં કામની શરૂઆત કરી.

રાહુલ જણાવે છે કે સીનિઅર સિટિઝન્સને આજે તમામ લોકો ભૂલી ગયાં છે. આ એક એવો ઉપેક્ષિત વર્ગ છે કે જેના ઉપર બજાર, સમાજ કે સરકાર કોઈનું ધ્યાન જતું નથી. કોઈ પણ કંપની પોતાની સેવા કે ઉત્પાદન આ વર્ગને ધ્યાનમાં રાખીને નથી બનાવતી. જે ખોટું છે. એક માણસે પોતાની યુવાનીમાં પોતાની જવાબદારીનું પાલન કરવા માટે જાતે દોડભાગ કરે છે અને પોતાના પરિવારને સંભાળે છે. પરંતુ જ્યારે તે દોડભાગ કરવામાં સક્ષમ નથી રહેતો તો તે વિખૂટો પડી જાય છે. તેના ઉપર કોઈ ધ્યાન નથી આપતું. આવા જ લોકોને વ્યસ્ત રાખવામાં તેમની મદદ કરવા માટે અને તેમનાં જીવનની એકલતાને દૂર કરવા માટે સીનિઅર વર્લ્ડ કંપની કામ કરી રહી છે.

સીનિઅર વર્લ્ડ કંપનીએ મોબાઇલ લૉન્ચ કર્યા બાદ હવે આ પ્રકારનાં ઘણાં ઉત્પાદનો બજારમાં ઉતારવા અંગે વિચારી રહી છે. જે વડીલો માટે ઉપયોગી હોવા ઉપરાંત તેમની એવી જરૂરીયાતોને પણ પૂરી કરશે. કે જેના તરફ હજી સુધી કોઈનું પણ ધ્યાન નથી ગયું.

સીનિઅર વર્લ્ડ કંપનીની વેબસાઇટ ઉપર શોખનો પણ એક વિભાગ છે. આ વિભાગ ખાસ કરીને એવા લોકો માટે છે કે જે લોકો પોતાની યુવાનીના દિવસોમાં વ્યસ્તતાને કારણે પોતાના શોખ પૂરા નથી કરી શક્યા. આ વિભાગમાં આવીને તેઓ પોતાનાં શહેરમાં ચાલતાં કોઈ પણ વર્કશોપ કે ક્લાસિસ વિશેની માહિતી મેળવી શકે છે. અને તેમાં જોડાઈ શકે છે.

આ ઉપરાંત વેબસાઇટ ઉપર એક વિભાગ બ્લોગનો પણ છે. અહીં વિવિધ પ્રરણાદાયી કથાઓ મોજુદ છે. જેને વાંચીને સીનિઅર સિટિઝન્સ પ્રેરણા મેળવી શકે છે. તેમજ જીવનને સકારાત્મક રીતે જીવી શકે છે. અને સમાજને પણ પોતાનું પ્રદાન આપી શકે છે. આજે ઘણા એવા વડીલો છે કે જેઓ સમાજ માટે સારું કામ કરી રહ્યા છે. તેમનાં કામો સમાજ માટે દાખલારૂપ છે. અહીં એવા જ લોકોના કિસ્સાઓ મૂકવામાં આવ્યા હોય છે.

સીનિઅર વર્લ્ડ કંપની ભવિષ્યમાં પોતાની યોજનાઓનું વિસ્તરણ કરવા અંગેની વિચારણા કરી રહી છે. રાહુલનું કહેવું છે કે અમારી 12 લોકોની ટીમ સતત નવાં અને સર્જનાત્મક કામોને આકાર આપવાની તૈયારી કરી રહી છે કે જેથી કરીને ભારતની દરેક વડીલ વ્યક્તિ પોતાને એકાકી અને ખાલી ન સમજે. રાહુલ જણાવે છે કે આ કામમાં અમને યુવાનોનો પણ સારો એવો સહયોગ મળી રહ્યો છે.

વેબસાઇટ


લેખક- આશુતોષ કંટવાલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Related Stories