મૂક-બધિરોના અધિકારોની લડાઈ માટે જ્ઞાનેન્દ્ર પુરોહિત ઠુકરાવી ચૂક્યા છે મોટી નોકરી!

મૂક-બધિરોના અધિકારોની લડાઈ માટે જ્ઞાનેન્દ્ર પુરોહિત ઠુકરાવી ચૂક્યા છે મોટી નોકરી!

Thursday March 10, 2016,

7 min Read

મૂક-બધિરો માટે દેશનું પ્રથમ અને એકમાત્ર પોલીસ સ્ટેશન શરૂ કર્યું...

વડાપ્રધાનને મળીને સાંકેતિક ભાષામાં શરૂ કરાવ્યું રાષ્ટ્રગાન...

સાંકેતિક ભાષામાં કરી અનેક ફિલ્મો ડબ...

મૂક-બધિર ભાઈના મોતથી દ્રવી ઊઠેલા જ્ઞાનેન્દ્ર પુરોહિતે પોતાનું જીવન કર્યું મૂક-બધિરોને સમર્પિત...

જિંદગીમાં ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ જ્યારે સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય છે, સૌથી વધારે કપરા સમય સામે ઝઝૂમી રહ્યો હોય છે, તેમાંથી તેને જિંદગીનું લક્ષ્ય મળી જતું હોય છે. એવું લક્ષ્ય જેમાં અનેક લોકોની જિંદગી સુધારવાની ઇચ્છા દૃઢ હોય, એવું લક્ષ્ય જેમાં અન્ય પરેશાન લોકોના ચહેરા પર ખુશી લાવી શકાય. આવા લોકો થકી જ દેશ અને સમાજને એક દિશા મળતી હોય છે, આવા લોકોના પ્રતાપે જ આપણે કહી શકીએ કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ માનવતા મરી પરવારી નથી. પોતાના અંગત વ્યક્તિના નિધનથી ભાંગી પડેલી એક વ્યક્તિએ લાંબા સંઘર્ષ અને ડઠર વ્યવસ્થાતંત્ર સામે લડતાં લડતાં સમાજમાં સૌથી ઉપેક્ષિત વર્ગના લોકોની મદદ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. આ કહાણી છે ઇંદૌરના જ્ઞાનેન્દ્ર પુરોહિતની, જેણે પોતાના મૂક-બધિર ભાઈના નિધન પછી આંસુ સાર્યા કરવાને બદલે અન્ય મૂક-બધિરોને સમાજની મુખ્ય ધારામાં જોડવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સીએનો અભ્યાસ અધૂરો જ છોડીને મૂક-બધિરોને ન્યાય અપાવવા માટે એલએલબી કર્યું, એલએલએમ કર્યું અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કાળો કોટ પહેરીને કોર્ટમાં જંગ પણ ખેલ્યા. આ લડાઈમાં જ્ઞાનેન્દ્રની પત્ની પણ ખભે ખભો મિલાવીને પોતાના પતિની સાથે ચાલી રહી છે અને 15 વર્ષથી પતિ સાથે કંટકભર્યા માર્ગ પર સંઘર્ષરત છે.

કઈ રીતે શરૂ થઈ વાત?

આ વાતની શરૂઆત થાય છે 1997માં જ્યારે 2 વર્ષના આનંદ પુરોહિતનું એક ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે. એ વખતે આનંદનો નાનો ભાઈ 21 વર્ષનો જ્ઞાનેન્દ્ર સીએનો અભ્યાસ કરી રહ્યો હતો. સીએ કરીને નામ અને દામ કમાવવાની તેની ઇચ્છા હતી, પણ મોટા ભાઈના નિધને જ્ઞાનેન્દ્રને ભાંગી નાખ્યો. બન્ને ભાઈ એકબીજાની બહુ નજીક હતા. આનંદ તો બોલી કે સાંભળી શકતો નહોતો. આનંદના કાન અને અવાજ બન્ને જ્ઞાનેન્દ્ર જ હતો. જ્ઞાનેન્દ્ર એક મૂક-બધિરની સમસ્યાઓ બહુ સારી રીતે સમજી શકતો હતો. જ્ઞાનેન્દ્ર પહેલેથી તેના ભાઈ આનંદ અને અન્ય મૂક-બધિરોની મદદ કરતો જ હતો. જ્ઞાનેન્દ્ર સાંકેતિક ભાષા થકી મૂક-બધિરો અને અન્યો લોકો વચ્ચે દુભાષિયાની ભૂમિકા ભજવતો હતો. ભાઈ અને તેના મિત્રોની મદદ માટે તેણે સાંકેતિક ભાષા શીખી હતી. આ સ્થિતિમાં આનંદના નિધનનો આઘાત સહેવો અત્યંત કપરું હતું. જોકે, જ્ઞાનેન્દ્રએ પોતાના ભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે જે પગલું ભર્યું, તેનાથી તેના પરિવારજનો સહિત મિત્રો, સબંધીઓ તમામ ચિંતામાં સરી પડ્યા. જ્ઞાનેન્દ્રએ સીએનું ભણવાનું અધૂરું જ છોડી દીધું અને મૂક-બધિરો માટે કંઈક કામ કરવા નીકળી પડ્યો. 1997થી લઈને 1999 સુધી બે વર્ષ તેણે દેશ-વિદેશમાં ફરીને મૂક-બધિરોની સ્થિતિ પર અભ્યાસ કર્યો. જ્ઞાનેન્દ્રએ જોયું કે આપણા દેશમાં મૂક-બધિરકોની હાલત દયનીય છે. સામાન્ય લોકો તેમને અપનાવતા નથી, તેમની મજાક ઉડાવે છે, કોઈ પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધાતી નથી, કારણ કે પોલીસ પાસે સાંકેતિક ભાષાના કોઈ એક્સપર્ટ જ નથી. સામાન્ય લોકોની જેમ તેઓ નથી ફિલ્મો જોઈ શકતા, એટલે સુધી કે આપણું રાષ્ટ્રગીત પણ તેમના માટે બન્યું નથી. આનાથી ઊલટું યુરોપીયન દેશોમાં મૂક-બધિરોને સામાન્ય લોકો જેવી દરેક સુવિધા મળે છે અને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિયમ-કાયદા બનાવાયા છે. આ બાબતોને લઈને ઈ.સ. 2000માં જ્ઞાનેન્દ્રએ મૂક-બધિરો માટે ‘આનંદ સર્વિસ સોસાયટી’ નામની સંસ્થા શરૂ કરી.

નોકરીની ઓફર ઠુકરાવી

ઑસ્ટ્રેલિયાના પર્થમાં થયેલા વર્લ્ડ ડેફ કૉન્ફરન્સમાં મૂક-બધિરોને ન્યાય અપાવવા માટે જ્ઞાનેન્દ્રએ એક પ્રેઝન્ટેશન આપ્યું. એ પછી ત્યાંની જ એક સંસ્થા વેસ્ટર્ન ડેફ સોસાયટીએ તેને સારા પેકેજની નોકરી ઓફર કરી હતી. જોકે, જ્ઞાનેન્દ્રએ એવું કહીને નોકરી ઠુકરાવી દીધી કે તમારા દેશ કરતાં ભારતના મૂક-બધિરોને મારી વધારે જરૂર છે. 2001માં જ્ઞાનેન્દ્રએ મોનિકા સાથે લગ્ન કર્યા, જે પહેલેથી મૂક-બધિરો માટે કામ કરી રહી હતી. લગ્ન પછી પુરોહિત દંપત્તિએ મળીને પોતાના મિશનને એક નવી દિશા આપી.

મૂક-બધિરોને ન્યાય અપાવવાનો જંગ

મૂક-બધિરોને ન્યાય અપાવવા માટે જ્ઞાનેન્દ્રએ સૌથી પહેલા મધ્યપ્રદેશના પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો. પોલીસની કાર્યશાળામાં જઈ જઈને પ્રેઝન્ટેશન આપવાનું શરૂ કર્યું. પોતાના પ્રઝન્ટેશન થકી જણાવ્યું કે મૂક-બધિરોને પણ ન્યાયની જરૂર પડે છે. કોઈ પણ મૂક-બધિર પોલીસ સ્ટેશન આવે છે ત્યારે તેની ફરિયાદને સાંકેતિક ભાષામાં સમજવા માટે તે હંમેશાં ઉપલબ્ધ રહેશે. જ્ઞાનેન્દ્રનો આ પ્રયાસ સફળ રહ્યો. ધીમે ધીમે રાજ્યની સાથે સાથે બિહાર અને રાજસ્થાન પોલીસ પણ મૂક-બધિરની ફરિયાદ નોંધવા માટે તેમની સેવાઓ લેવા માંડી. પોતાના પૈસા ખર્ચીને જ્ઞાનેન્દ્ર જતા હતા. આ દરમિયાન જ્ઞાનેન્દ્રએ કાયદાનો અભ્યાસ પણ પૂરો કરી લીધો. એલએલબી અને એલએલએમ કર્યા પછી તેઓ કોઈ ફી લીધા વિના મૂક-બધિરો માટે કેસ લડવા માંડ્યા. જ્ઞાનેન્દ્રએ મૂક-બધિરો માટે અલગ પોલીસ સ્ટેશનની માગણી શરૂ કરી. સતત બે વર્ષ સુધી પ્રદેશના ગૃહમંત્રી અને પોલીસના વડા અધિકારીઓને સમજાવતા રહ્યા અને અંતે 2002માં દેશનું પહેલું મૂક-બધિર પોલીસ સ્ટેશન ખૂલ્યું. ઇંદૌરના તુકોગંજ સ્ટેશનમાં અલગથી મૂક-બધિર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું. અહીં મૂક-બધિર સાંકેતિક ભાષામાં પોતાની ફરિયાદ નોંધી શકે છે. પહેલા જ દિવસે ઇંદૌરના એક મૂક-બધિર દંપત્તિએ ફરિયાદ નોંધાવી કે તેમના મકાન પર કેટલાંક અસામાજિક તત્ત્વ કબજો કરીને બેસી ગયાં છે. પોલીસે તત્કાળ એક્શન લઈને મકાન ખાલી કરાવીને ફરિયાદકર્તાને ઘર પાછું અપાવ્યું. મૂક-બધિર પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં 256 એફઆઈઆર નોંધાઈ છે, જ્યારે 2000 કરતાં વધારે ફરિયાદોનું નિરાકરણ સ્ટેશન સ્તરે જ થઈ ગયું છે. આ પોલીસ સ્ટેશનની સફળતા પછી સતના, રીવા અને જબલપુરમાં તેની શાખાઓ શરૂ કરવામાં આવી છે.

મૂક-બધિરો માટે ફિલ્મ

જ્ઞાનેન્દ્રએ જોયું કે મૂક-બધિરો પાસે મનોરંજનના કોઈ વધારે સાધન નથી. મૂક-બધિર પણ ફિલ્મો જોવા માગે છે, પરંતુ મુશ્કેલી એ છે કે એક એક ડાયલૉગ સાંકેતિક ભાષામાં સમજાવે કોણ. આ મુશ્કેલીનો પણ ઉકેલ શોધવામાં આવ્યો. હિંદી સુપરહિટ ફિલ્મોને સાંકેતિક ભાષામાં ડબ કરવાનો નિશ્ચય કરાયો. કાયદાકીય ગૂંચો ઉકેલ્યા પછી ઇંદૌર પોલીસની મદદથી જ્ઞાનેન્દ્રએ હિંદી ફિલ્મ શોલે, ગાંધી, તારે જમીં પર, મુન્નાભાઈ એમબીબીએસને સાંકેતિક ભાષામાં ડબ કરી. આ ફિલ્મો દેશભરના અનેક મૂક-બધિરોએ જોઈ અને વખાણી.

મૂક-બધિરો માટે રાષ્ટ્રગાન

દેશનું રાષ્ટ્રગાન મૂક-બધિર સુધી પહોંચ્યું નહોતું. 15 ઑગસ્ટ, 26મી જાન્યુઆરી સહિત અનેક કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન તો ગવાતું હતું, પરંતુ તેમને ખ્યાલ નહોતો રહેતો કે ક્યારે રાષ્ટ્રગાન શરૂ થયું અને ક્યારે ખતમ થઈ ગયું. આ તકલીફ બોલી-સાંભળી ન શકનારા તમામ ભારતીયોની હતી. રાષ્ટ્રગાનને સાંકેતિક ભાષામાં ટ્રાંસલેટ કરવા માટે પણ કેટલીક કાયદાકીય અડચણો હતી. આખરે લાંબી લડાઈ પછી 2001માં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની સરકારે જ્ઞાનેન્દ્રની માગને યોગ્ય ગણીને રાષ્ટ્રગાનને સાંકેતિક ભાષામાં ગાવાની મંજૂરી આપી દીધી.

મૂક-બધિરો માટે અનામત

વર્ષ 2011-12માં જ્ઞાનેન્દ્રએ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મૂક-બધિરો માટે અનામતનો જંગ શરૂ કર્યો. નીચલી અદાલતથી લઈને હાઇકોર્ટ સુધી લડાઈ જીતતા ગયા, પરંતુ પછી સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારે અપીલ કર્યા પછી કેસ લડવાની સાથે સાથે માર્ગ પર ઊતરીને આંદોલન શરૂ કરી દીધું. સરકાર દ્વારા માગણી સ્વીકારવામાં આવી. સરકારી નોકરીઓમાં મૂક-બધિરો માટે 2 ટકા અનામત આપવામાં આવી. પરિણામે શાળા શિક્ષણ વિભાગમાં 39 હજાર પદો માટેની નિમણૂક થનાર છે, જેમાંથી 780 મૂક-બધિરો માટે અનામત રાખવામાં આવી છે.

મૂક-બધિરોની સાંકેતિક ભાષાને બંધારણીય દરજ્જો અપાવવાનો સંઘર્ષ

જ્ઞાનેન્દ્ર છેલ્લાં ત્રણ વર્ષથી સાંકેતિક ભાષાને દેશની 23મી બંધારણીય ભાષાનો દરજ્જો અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમના અત્યાર સુધીના તમામ પ્રયાસો જોતાં નવેમ્બર-2015માં એક ટીવી શૉમાં અમિતાભ બચ્ચને પુરોહિત દંપત્તિને બોલાવ્યાં અને તેમનાં કાર્યોની ખૂબ પ્રશંસા કરી. અમિતાભ બચ્ચને પૂછ્યું કે હું તમારા માટે શું કરી શકું ત્યારે પુરોહિત દંપત્તિએ તેમને કહ્યું કે તેઓ સરકારને અપીલ કરે કે સાંકેતિક ભાષાને દેશની ભાષાનો દરજ્જો મળી શકે. અમિતાભે શૉમાં જ ભારત સરકારને વિનંતી કરી કે કાયદામાં સંશોધન કરીને વહેલામાં વહેલી તકે મૂક-બધિરોની વાજબી માગણીને સ્વીકારીને અમલમાં મૂકવામાં આવે. જ્ઞાનેન્દ્ર આ માગ માટે ભારત સરકારના સંપર્કમાં છે અને આ માગણીનું નિરાકરણ વહેલી તકે આવી શકે, એવું માની શકાય.

મૂક-બધિર ગીતા જ્યારે પાકિસ્તાનમાં હતી ત્યારે જ્ઞાનેન્દ્ર ઈદી ફાઉન્ડેશન થકી સતત તેની સાથે વિડિયો કૉન્ફરન્સિંગથી વાતો કરતા હતા. ગીતાને સાંકેતિક ભાષા અધૂરી આવડતી હતી. જ્ઞાનેન્દ્રએ તેમને સ્ક્રીન પર જ આ ભાષા પૂરેપૂરી શીખવી. ગીતાએ જ્ઞાનેન્દ્ર પાસે ઇચ્છા વ્યક્ત કરી કે તે સલમાનની ફિલ્મ બજરંગી ભાઈજાન જોવા માગે છે. આ માટે જ્ઞાનેન્દ્રએ આ ફિલ્મને સાંકેતિક ભાષામાં ડબ કરવાનું કામ શરૂ કર્યું છે.

આજે જ્ઞાનેન્દ્ર ઇંદૌર ઉપરાંત આદિવાસી વિસ્તાર ધાર, આલીરાજપુર અને ખંડવામાં પણ પોતાનાં કેન્દ્રો ખોલી ચૂક્યા છે, જ્યાં 300 મૂક-બદિર બાળકો ભણી રહ્યા છે. જ્ઞાનેન્દ્ર પોતાનો ઘરખર્ચ ચલાવવા માટે અમુક કૉલેજોમાં ભણાવવા જાય છે અને ટ્યૂશન કરે છે.

જ્ઞાનેન્દ્રનું કહેવું છે,

"મારા ભાઈના ગયા પછી મારા માટે કંઈ પણ બચ્યું નહોતું. મને જો મૂક-બધિરો માટે કામ કરવાનો વિચાર ન આવ્યો હોત તો હું પૂરેપૂરો ભાંગી પડ્યો હોત. મૂક-બધિરોની મદદ કરીને એવું લાગે છે કે હું મારા ભાઈ માટે કંઈક કરી રહ્યો છું. દરેક મૂક-બધિરમાં મને મારો ભાઈ દેખાય છે. દેશના એકેક મૂક-બધિરને ખુશ જોવાની મારી તમન્ના છે."

જ્ઞાનેન્દ્રની પત્ની મોનિકાનું કહેવું છે કે અમે જીવતેજીવ એ દિવસ જોવા માગીએ છીએ જ્યારે દેશના દરેક જિલ્લામાં મૂક-બધિર પોલીસ સ્ટેશન હોય અને અદાલતો સહિત દરેક સરકારી વિભાગમાં સાંકેતિક ભાષાના જાણકાર હોય, જે દુભાષિયાનું કામ કરી શકે.

લેખક- સચિન શર્મા

અનુવાદક- સપના બારૈયા વ્યાસ

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

અમિતા પાઈની 'વન ગુડ સ્ટેપ' સંસ્થા સમાજમાં લાવે છે આમૂલ પરિવર્તન!

નિરાધાર બાળકોનો હક અપાવવા કંઈ પણ કરી છૂટે છે 62 વર્ષનાં નિના નાયક!

'બેટી ભણાવો' અભિયાનને સફળ બનાવવા દિવસ રાત એક કરતી વડોદરાની નિશિતા

image