“સરકાર આગામી બજેટમાં સ્ટાર્ટઅપ માટે અનુકૂળ અને પ્રોત્સાહક કરવેરા વ્યવસ્થાની જાહેરાત કરશે”

0

'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા' થકી બે વર્ષમાં આશરે 3,00,000 નવા ઉદ્યોગસાહસિકો તૈયાર થશે!

સરકાર દેશમાં સ્ટાર્ટઅપ કે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે આગામી મહિને રજૂ થનાર બજેટમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અનુકૂળ કર વ્યવસ્થા જાહેર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમમાં આ બાબતની જાહેરાત કરી હતી.

તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સંમેલનમાં કહ્યું,

“અમે ઉદ્યોગસાહસિકતાને અનુકૂળ કરવેરા વ્યવસ્થા બનાવવા કામ શરૂ કરી દીધું છે. કેટલીક એવી પહેલ પણ છે, જે જાહેરનામું થકી શરૂ કરી શકાય છે. અન્ય કેટલીક પહેલોને આગળ વધારવામાં આવશે. કેટલીક પહેલો માટે કાયદાકીય જોગવાઈની જરૂર છે, જે બજેટમાં ફક્ત ફાઇનાન્સ બિલના ભાગરૂપે જ રજૂ થઈ શકે છે. જેથી સ્ટાર્ટઅપ એકમો માટે અનુકૂળ કર વ્યવસ્થા તૈયાર કરી શકાય.”

વધુમાં તેમણે જણાવ્યું કે, સ્ટાર્ટઅપ એકમો માટે જરૂરી પ્રોત્સાહનને અનુભવીને ગયા વર્ષે બજેટમાં એક ભંડોળ ઊભું કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

જેટલીએ સ્ટાર્ટઅપ એકમોને ખાતરી આપી હતી કે બેંકિંગ સિસ્ટમ અને સરકાર બંને તેમના માટે જરૂરી સ્ત્રોતો ઉપલબ્ધ કરાવશે.

નાણાં પ્રધાને સ્ટાર્ટઅપ સિવાય અન્ય એક બાબત પર જણાવ્યું કે, સરકાર સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના રજૂ કરશે, જે અંતર્ગત બેંકોની શાખાઓ અનુસૂચિત જાતિ-જનજાતિ અને મહિલા ઉદ્યોગસાહસિકોને લોન આપશે.

તેમણે કહ્યું હતું,

“સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાની જાહેરાત કરી હતી. સ્ટેન્ડઅપ ઇન્ડિયાને અલગ રીતે રજૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત મહિલા ઉદ્યોગસાહસિકો અને અનુસૂચિત જાતિ-જનજાતિના ઉદ્યોગસાહસિકો માટે બેંકોને લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો આશય દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકો અને અનુસૂચિત જાતિ-જનજાતિના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાનો છે. આ બંને વર્ગમાંથી ઉદ્યોગસાહસિકો બહાર આવતા નહોતા.”

તેમણે કહ્યું હતું કે, “સરકાર અને ખાનગી એમ બંને ક્ષેત્રની દરેક બેંકની શાખા અનુસૂચિત જાતિ-જનજાતિ વર્ગની એક અને એક મહિલાને સ્ટાર્ટઅપ એકમ શરૂ કરવા માટે સાથસહકાર આપશે. આ રીતે દરેક શાખા બે ઉદ્યોગસાહસિકોને અપનાવશે અને તેમને યુનિટ સ્થાપિત કરવા ભંડોળ આપશે.” તેમણે જણાવ્યું હતું કે, આ બંને વર્ગમાંથી વ્યાવસાયિક કે માળખાગત એકમોને નાણાકીય મદદ પ્રદાન કરવાથી આગામી બે વર્ષમાં 3,00,000થી વધારે નવા ઉદ્યોગસાહિસકો તૈયાર થશે.