ઈન્ટરનેટ બન્યું આસામની ગ્રામીણ મહિલાઓનું 'સાથી', મહિલાઓ આર્થિક રીતે બની મજબૂત!

'ઈન્ટરનેટ સાથી'ની મદદથી અત્યાર સુધી એક લાખથી પણ વધુ ગ્રામીણ મહિલાઓને ઈન્ટરનેટ વિશે માહિતગાર કરવામાં આવી છે. જેમાંથી કેટલીક મહિલાઓ તેમના પતિને પણ તેમના ક્ષેત્રની જાણકારી ઈન્ટરનેટ દ્વારા આપી રહી છે!

0

આસામના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ્ય વિકાસ મંચ તરફથી 'ઈન્ટરનેટ સાથી' નામનો એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેની મદદથી ત્યાંની મહિલાઓની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ રહી છે. હકીકતમાં, તેમના જીવનમાં આવનાર આ બદલાવનું સૌથી મોટું કારણ છે ઈન્ટરનેટ. મોબાઈલ અને ઈન્ટરનેટના સહારે ત્યાંની મહિલાઓ પોતાના બિઝનેસનો ખૂબ ઝડપથી ફેલાવો કરી રહી છે. ઇન્ટરનેટની મદદથી દુનિયાભરની ડીઝાઈન્સ તેઓ પોતાની હથેળી (એટલે કે મોબાઈલ) પર જોઈ રહી છે અને અવનવા પ્રયોગો કરી રહી છે. તેમના કામમાં તો વધારો થઇ જ રહ્યો છે અને સાથે સાથે દરરોજ તેઓ કંઈક ને કંઈક નવું શીખી રહી છે. 

'ઇન્ટરનેટ સાથી'ની શરૂઆત માર્ચ 2016માં થઇ હતી. આ મહિલાઓ સાઈકલ પર સવાર થાય છે અને ટેબલેટ તેમજ ફોન લઈને ગામ-ગામ ફરે છે. આમ કરી તેઓ ગામની મહિલાઓની જિંદગી બદલવાનો પ્રયાસ કરે છે. આ પ્રોજેક્ટ નાલવાડીમાં ગ્રામ્ય વિકાસ મંચની મદદથી ચલાવવામાં આવી રહ્યો છે. 

ઈન્ટરનેટ સાથી ગૂગલ તેમજ ટાટા ટ્રસ્ટનો એક સંયુક્ત પ્રોગ્રામ છે જેના માધ્યમથી ગામડાંની કેટલીક ભણેલી-ગણેલી છોકરીઓ અન્ય મહિલાઓને ઈન્ટરનેટથી રૂબરૂ કરાવે છે અને તેમને મદદ પણ કરે છે. 

નિજારા તાલુકદારની ઉંમર 30ની આસપાસ છે. તે પણ ગામની અન્ય મહિલાઓની જેમ ગરીબીમાં ઉછરી છે અને ગામમાં જ સિલાઈનું કામ કરે છે જેનાથી તે થોડું ઘણું કમાઈ લે છે પણ આજે તે ઈન્ટરનેટ સાથીને ધન્યવાદ કરી રહી છે. ઇન્ટરનેટ સાથીની મદદથી તેના બિઝનેસ તેમજ આવકમાં 30થી 40%નો વધારો થયો છે.   

નિજારાનું ઘર આસામના બાસ્કા જિલ્લામાં છે. છેલ્લા ઘણાં વર્ષોથી તે વણાટનું કામ કરે છે જેમાં તે તેની માતાએ શીખવાડેલી ડીઝાઈન્સનો ઉપયોગ કરે છે. જોકે તેની પાસે કેટલીક સીમિત ડીઝાઈન્સ હોવાના કારણે ગ્રાહકોને લુભાવવામાં નિષ્ફળ રહેતી હતી. જ્યારે કે હવે ઈન્ટરનેટ પર ઘણાં પ્રકારની ડીઝાઈન્સ જોઇને કપડાં બનાવે છે જેથી તેનું વેચાણ ઘણું વધી ગયું છે. આ અંગે નિજારા કહે છે,

"વેચાણ તો ઘણું વધી ગયું છે, સાથે જ ગ્રાહકો મારા કામના વખાણ પણ કરી રહ્યાં છે. મારા કેટલાક જૂના ગ્રાહકો પણ છે જેમણે વધુ સામાન ખરીદવાનું વચન પણ આપ્યું છે."  

શરૂઆતના દિવસોમાં નિજારાને કેટલીક મુશ્કેલીઓ જરૂર પડી પણ હવે તે સરળતાથી ઈન્ટરનેટ પર નવી ડીઝાઈન્સ શોધી લે છે. હવે તે એક પીસને 400 રૂપિયા સુધી વેચે છે. જ્યારે કે તે સિવાય, ચાદોર મેખેલા (ત્યાંની મહિલાઓનો પરંપરાગત પોશાક)ને 1200 રૂપિયા સુધી વેચી લે છે. એટલે કે તેના બિઝનેસમાં 30-40%નો વધારો થયો છે.

 ઈન્ટરનેટની મદદથી પોતાનો બિઝનેસ વધારનાર નિજારા એકમાત્ર મહિલા નથી, પરંતુ ઇન્ટરનેટે આસામના ગ્રામ્ય વિસ્તારોની કેટલીયે મહિલાઓની જિંદગી બદલી દીધી છે.

અન્ય એક મહિલા છે ભૈરવી દેવી. તેમનું કહેવું છે, 

"અમારો બિઝનેસ વધારવામાં ઇન્ટરનેટ સાથીનું ઘણું મોટું યોગદાન છે. મને નહોતી ખબર કે દુનિયાભરની ડીઝાઈન્સને મારી હથેળીમાં જોઈ શકું છું. હવે હું ઘણાં પ્રકારની ડીઝાઈન્સ બનાવી શકું છું અને અન્ય ઘણાં કપડાં માટેની ડીઝાઈન્સ પણ શીખી રહી છું."

ઇન્ટરનેટ સાથી સાથે જોડાયેલી પ્રતિમા દાસ ઓછામાં ઓછી 12 મહિલાઓને ઈન્ટરનેટ ચલાવતાં શીખવાડી ચૂકી છે. ગામની મહિલાઓ ઉપરાંત, સ્કૂલમાં ભણતી છોકરીઓને પણ આ માધ્યમથી વાકેફ કરવામાં આવે છે.

દસમા ધોરણમાં ભણતી મધુમિતા દાસ ઈન્ટરનેટની મદદથી પેઇન્ટિંગ શીખી ચૂકી છે. આ પ્રોજેક્ટને સંભાળતા પ્રાંજલ ચક્રવર્તીનું કહેવું છે,

"અમે ગ્રામ્ય વિસ્તારોની 90% મહિલાઓને ટ્રેઈનિંગ આપવા માગીએ છીએ. ઈન્ટરનેટ કામમાં તો મદદગાર નીવડે છે પણ સાથે સાથે દુનિયામાં ચાલતી ગતિવિધિઓથી પણ વાકેફ રહે છે અને પોતાના અધિકારો વિશે જાણકારી મેળવતી રહે છે." 

અત્યાર સુધી 'ઇન્ટરનેટ સાથી'ની મદદથી એક લાખથી પણ વધુ ગ્રામીણ મહિલાઓને ઇન્ટરનેટ અંગે જાગરૂક કરવામાં આવી છે. તેમાંથી કેટલીક મહિલાઓ પોતાના પતિના કામમાં પણ મદદ કરે છે. જેમ કે, કોઈ મહિલાના પતિ ખેતી કરે છે, તો આ મહિલા તેમણે બીજ ખાદ અને વાતાવરણ વિશે જાણકારી આપે છે. કેટલીક મહિલાઓ લગ્ન માટેના મેકઅપની ટ્રેઈનિંગ પણ ઈન્ટરનેટની મદદથી લે છે અને આ ક્ષેત્રમાં કામ કરી સારી કમાણી કરી લે છે. આટલું જ નહીં, મહિલાઓ હવે પેટીએમ કરતા પણ શીખી રહી છે. આવનારા સમયમાં આ મહિલાઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની મદદથી પેમેન્ટ લેવા લાગશે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories