૧૦૪ વર્ષના કુંવરબાઈએ પોતાની બકરીઓ વેચીને ઘરમાં શૌચાલય તૈયાર કરાવ્યું!

PM મોદીએ ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ લીધા

૧૦૪ વર્ષના કુંવરબાઈએ પોતાની બકરીઓ વેચીને ઘરમાં શૌચાલય તૈયાર કરાવ્યું!

Saturday April 02, 2016,

4 min Read

છત્તીસગઢના રાજનાંદગાંવના ૧૦૪ વર્ષના મહીલાએ પોતાની બકરીઓ વેચીને શૌચાલય તૈયાર કરાવ્યું!

પીએમના સ્વચ્છતા મિશનથી પ્રેરિત થઇને શૌચાલયનું નિર્માણ કરાવ્યું

કહેવાય છે કે જુસ્સા માટે કોઇ વય નથી હોતી. એક બાળક પણ પોતાના જુસ્સાની મદદથી જંગ જીતી શકે છે અને ઉંમરલાયક વ્યક્તિ પણ. શું તમે વિશ્વાસ કરશો કે ૧૦૪ વર્ષના એક વૃદ્ધ મહીલામાં એવો જુસ્સો છે જે દેશના ઘણાં લોકોમાં નથી. તમને આશ્ચર્ય ત્યારે થશે જ્યારે તમે જાણશો કે આ ઉંમરલાયક મહીલાએ ન તો ક્યારેય ટીવી જોયું છે કે ન તો ક્યારેય અખબાર વાંચ્યું છે. નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાં રહેનારી આ મહીલાએ જે કામ કર્યું છે તે ખરેખર એક મોટી વાત છે. મોટી એટલા માટે કારણ કે તેમના આ કામથી દેશની તમામ મહીલાઓ અને પુરુષો પદાર્થપાઠ લઇ શકે છે અને પોતાની જાતને અને સમાજને સારો બનાવી શકે છે. આ મહિલાનું નામ છે કુંવરબાઈ. કુંવરબાઈએ પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત થઇને પોતાની ૧૦ બકરીઓ વેચી દીધી અને પોતાના ઘરમાં શૌચાલયનું નિર્માણ કરાવ્યું. એટલું જ નહીં, કુંવરબાઈ શૌચાલય નિર્માણના અભિયાન વિશે લોકોને જાણકારી પણ આપી રહ્યાં છે. આ જૈફ વયે પણ તેઓ ગામમાં ફરીને લોકોને તેના વિશે જાણકારી આપી રહ્યા છે. વાત મોટી છે, તેથી તેને મોટા મંચ પર કહેવામાં આવે તેની જરૂર પણ છે.

image


રાજનાંદગાંવ જિલ્લાના નક્સલવાદ પ્રભાવિત બરારી ગામના રહેવાસી કુંવરબાઈએ જીવનના ૧૦૪ વર્ષ આ વિસ્તારમાં જ કાપી નાખ્યા છે. શહેર એ કઇ બલાનું નામ છે, તે કેવું દેખાય છે – તે તેમના માટે સ્વપ્ન સમાન વાત છે. પણ કહેવાય છે ને કે આ જરૂરી નથી કે અત્યંત પછાત ગામમાં રહેનારા લોકોની માનસિકતા પણ તેવી જ હોય. તે વાતને જ કુંવરબાઈએ સાકાર કરી બતાવી છે. કુંવરબાઈ જણાવે છે,

‘‘અમે જ્યાં રહીએ છીએ ત્યાં તમે લોકો આવશો તો જોશો કે અમારું જીવન કેટલું મુશ્કેલ છે. ગંગરેલ બંધની વચ્ચે અમારું બરારી ગામ એક ટાપૂ જેવુ છે. એક વરસાદ થાય, તો જીવન દુનિયાથી કપાઇ ગયું હોય તેમ લાગે છે. મને અહીં રહેતા પચાસ વર્ષો થઇ ગયા છે. અમને લોકોને તો ક્યારેય શૌચાલયની જરૂર નહોતી અનુભવાઈ, પણ જ્યારે ઘરમાં વહુઓ આવી તો ઠીક નહોતું લાગ્યું. ઘરના પૈસાની જરૂરિયાત બકરીઓથી પૂરી થાય છે. મારી પાસે આઠ-દસ બકરીઓ હતી. વહુઓ, પૌત્રીઓ અને દોહિત્રીઓને સારું જીવન અને સારું આરોગ્ય આપવા માટે બકરીઓ વેચી મારી હતી. તેનાથી મળેલા ૨૨ હજાર રૂપિયાથી બે શૌચાલય તૈયાર કરાવ્યા.’’

આ સ્ટોરી પણ વાંચો:

સ્કૂલ વિદ્યાર્થીઓનું અનોખું સ્વચ્છતા અભિયાન: ‘ધ બેગ ઇટ ચેલેન્જ’

કુંવરબાઈ ખૂબ ગર્વ સાથે કહે છે,

‘‘કોઇ ઘેર આવે તો તેમને પણ જણાવું છું. જુઓ, મારા ઘરના લોકો હવે બહાર નથી જતા, તમે પણ શૌચાલયનું નિર્માણ કરાવો. બધા લોકો પૈસેટકે સદ્ધર નહોતા, તેથી શૌચાલય બંધાવવા માટે બીજા લોકોની જે મદદ થઇ શકે, તે પણ કરી હતી. હવે અમારા ગામમાં દરેક ઘરમાં શૌચાલય છે.’’
image


હકીકતમાં છત્તીસગઢના નક્સલવાદ પ્રભાવિત રાજનાંદગાંવ જિલ્લાના કુર્રૂભાઠ ગામમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરઅર્બન મિશનની શરૂઆત કરી હતી. અહીં આયોજીત જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦૪ વર્ષના કુંવરબાઈના ચરણોને સ્પર્શ કરીને તેમના આશિર્વાદ લીધા હતા. 

image


પીએમ મોદીએ તેમને મંચ પર સન્માનિત કર્યા હતા અને મંચ પરથી તેમની પ્રસંશા પણ કરી હતી. કુંવરબાઈ વિશે પીએમ મોદીએ કહ્યું હતું,

“‘અહીં ૧૦૪ વર્ષના માતા કુંવરબાઈના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય મળ્યું. દેશ બદલાઇ રહ્યો છે. એમ લાગે છે કે જ્યારે કોઇ સુદૂરવર્તિ વિસ્તારના એક ગામની મહીલા સ્વચ્છ ભારત મિશનના સ્વપ્નને પૂર્ણ કરવાના પ્રયાસો કરે છે ત્યારે તે દરેક માટે, ખાસ કરીને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત હોય છે. કુંવરબાઈ જેવા પ્રૌઢ મહીલાનો આ વિચાર સમગ્ર દેશમાં ઝડપથી આવી રહેલા પરિવર્તનનું પ્રતિક છે. હું તેમને પ્રણામ કરું છું. જે લોકો પોતાને નવયુવાન માને છે તેઓ નક્કી કરે કે શું તેમની વિચારધારા પણ યુવાન છે?”
image


મોદીએ મીડિયાને પણ અપીલ કરી હતી કે તેઓ ભલે તેમનું ભાષણ ના દેખાડે, પણ કુંવરબાઈના આ પ્રેરણાદાયક કાર્યને લોકો સુધી જરૂર પહોંચાડે. સ્પષ્ટ છે કે કુંવરબાઈ આ ઉંમરે પણ જે વાતો માટે લોકોને જાગૃત કરી રહ્યા છે, તેને જોતા તેમના માટે તમામ વિશેષણો નાના છે. તેથી જ કહેવાય છે કે કોઇ પણ ઉંમરની દ્રષ્ટિએ નાના કે મોટા નથી હોતા. મન, મસ્તિષ્ક અને માનસિકતાથી જ માનવી નાનો કે મોટો હોય છે. કુંવરબાઈ જેવી ઉંમરની દ્રષ્ટિએ વૃદ્ધ મહીલા પણ મન-મસ્તિષ્કથી સચેતન હોઇ શકે છે અને દુનિયાને માર્ગ ચિંધી શકે છે. દેશને જરૂર છે કુંવરબાઈ જેવા વધારે લોકોની જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નોને ભારત હકીકતમાં જોઇ શકે.

લેખક- રવિ વર્મા

અનુવાદક- YS ટીમ ગુજરાતી 

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો

હવે વાંચો આ સંબંધિત સ્ટોરીઝ:

સ્ત્રી સશક્તિકરણઃ વારાણસીની વણકર મહિલાઓ અગરબત્તી વેચીને ઘર ચલાવે છે!

'સફાઈ સેના'- તમારો કચરો ઉઠાવવા ઉપરાંત પર્યાવરણનું રક્ષણ પણ કરે છે!

દેશને સ્વચ્છ રાખવા મોદી જ નહીં, આ યુવાનો પણ ચલાવે છે સ્વચ્છતા અભિયાન!