કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપતું માધ્યમ એટલે ‘ફુચ્ચા’

0

કોલેજકાળ એવો સમય છે જ્યારે વ્યક્તિને નવા નવા વિચારો આવતા હોય છે, કંઈક કરવાની ઈચ્છા થતી હોય છે, પોતાના મંતવ્યો હોય, પ્રેરણા હોય. આવા સમયે જરૂર હોય છે એક સરખા વિચારો ધરાવતા લોકોને એકબીજા સાથે સાંકળવાની. દુઃખદ બાબત એ છે કે આજના સમયમાં યુવાનોને રજૂ કરતા પારંપરિક માધ્યમોની અછત છે અને એવા મંચ પણ ઉપલબ્ધ નથી જે વિદ્યાર્થીઓને એક કોમ્યુનિટી જેવા અનુભવ પૂરા પાડે.

દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)ના એલમ્ની તરુણ ભારદ્વાજ અને સની તલવાર કે જેઓ આ અંતરનો સામનો કરી આવ્યા હતા તેમણે નક્કી કર્યું કે તેઓ એવું મંચ તૈયાર કરશે જે આ અંતરને ખાળી નાખશે. તેમણે એવું મંચ તૈયાર કરવાનું નક્કી કર્યું જ્યાં વિદ્યાર્થીઓ તેમની વાતો રજૂ કરી શકે, માહિતી મેળવી શકે અને અન્ય કોલેજમાં કે યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે તે અંગે પોતાની જાતને માહિતગાર કરી શકે.

2013માં તેમણે ફુચ્ચા (દિલ્હી યુનિવર્સિટીમાં 'ફ્રેશર'ને ફુચ્ચા કહેવામાં આવે છે) લોન્ચ કર્યું જે એકંદરે વિદ્યાર્થીઓના મુખપત્ર જેવું બની રહ્યું. વધુમાં જણાવીએ તો તેમાં દેશભરની કોલેજોમાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ, કોન્ફરન્સ, ડિબેટ અને અન્ય કાર્યક્રમો વિશેની માહિતી હતી. તેમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી શકે તેવી પણ વ્યવસ્થા છે. તેના દ્વારા તેઓ પોતાની કેરિયર, તક અને અન્ય બાબતે ચર્ચા કરી શકે છે.

ફુચ્ચાનો 28 વર્ષીય સહસ્થાપક તરુણ જણાવે છે,

"અમે પહેલાં માત્ર દિલ્હી યુનિવર્સિટીનો જ સમાવેશ કરવાનું વિચાર્યું હતું, પણ એક જ વર્ષમાં અમને દેશભરના વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને સવાલો આવવા લાગ્યા. આજે અમારી પાસે 200થી વધુ કોલેજ અને એક લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. હાલમાં અમારી માસિક મુસાલાકત અને વેબસાઈટને જોનારા લોકોની સંખ્યા બે લાખ કરતા વધઈ ગઈ છે જે સતત એકબીજાના સંપર્કમાં રહે છે."

તે વધુમાં જણાવે છે કે, અમારા 80 ટકા સબસ્ક્રાઈબર્સ અને મુલાકાતીઓ 15 થી 30 વર્ષની વચ્ચેના છે. માત્ર બે વર્ષમાં ફુચ્ચાને 3,000 કરતા વધારે ઈન્ટર્નશિપની અરજીઓ મળી જ્યારે 500થી વધુ લેખકોએ તેમના આ મંચ પર પોતાનું યોગદાન આપ્યું.

બિઝનેસ મોડલ

આ સાઈટ પર હજારો લોકો આવતા હોવાથી બિઝનેસ કરવાનું ખાસ મુશ્કેલ નહોતું. અહીં લાખોની સંખ્યામાં લોકો હોવાથી કોર્પોરેટ કંપનીઓ તેમનું ધ્યાન તેમની તરફ દોરવા માટે અમારી પાસે આવતી હતી.

'ફુચ્ચા' વિવિધ બ્રાન્ડ્સને ઓનલાઈન પાર્ટનરશિપના માધ્યમથી હજારો કોલેજ સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝ સાથે જોડાણનો વિકલ્પ પૂરો પાડે છે. આ બ્રાન્ડ્સને ફાયદો થાય છે કારણ કે તે યુવાનો સાથે જોડાય છે, તેમની માનસિકતાને સમજે છે અને તેમની પરંપરાને જાણે છે તથા પોતાની જણાવે છે. આ રીતે તેઓ ભવિષ્ય માટે તકનું સર્જન કરે છે અને તેમને નોકરીની તક પૂરી પાડે છે.

ફુચ્ચા કોલેજમાં યોજાતા વિવિધ ફેસ્ટિવલ્સ માટે ઓનલાઈન પાર્ટનર પણ બને છે અને તેણે આ રીતે આઈઆઈએ-લખનઉ, આઈઆઈએમ બેંગલુરુ, આઈઆઈએમ ટ્રીચી અને બિટ્સ પિલાની જેવી 200થી વધુ સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે.

તરુણ જણાવે છે કે, જાહેરાતો અને કસ્ટમાઈઝ કેમ્પેઈન (કોલેજ અને ઈવેન્ટ એક્ટિવેશન) અમારી આવકનો મુખ્ય સ્ત્રોત છે. અમે ડ્યુરેક્સ, વાઈબર, સ્ટડી ઓવરસીઝ, રેલિગેર અને સ્ટ્રેપ્સિલ્સ જેવી 12 બ્રાન્ડ સાથે કામ કર્યું છે. તેઓ કેમ્પેઈન માટે 5,000 થી 25,000 જેટલો ચાર્જ લે છે.

પડકારો

ફુચ્ચાની સફર ક્યારેય સરળ રહી નથી!

તેમને ટીમ ભેગી કરવાથી માંડીને લોકોને સમજાવવા સુધી ઘણી મહેનત કરવી પડી હતી અને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તરુણ જણાવે છે,

"જ્યાં સુધી લોકોને તમારામાં કે તમારા વિચારોમાં વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તેઓ તમારા સ્ટાર્ટઅપ સાથે લાંબાગાળાની યોજના નહીં બનાવે કે નહીં તમારી સાથે કામ કરે. અમારા માટે આ જ સૌથી મોટો પડકાર હતો."

હાલમાં તેઓ છ લોકોની ટીમ છે.

તે વધુમાં જણાવે છે કે, જ્યાં સુધી તેમની પ્રોડક્ટનો સવાલ છે, ઘણી ડિજિટલ મીડિયા કંપની હાઈ ક્વોલિટી કન્ટેન્ટ અને વિશ્વાસ ઉભો કરવામાં અને બ્રાન્ડનું જોડાણ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. અમે મીડિયા તરીકે કામ કરીએ છીએ. અમારા માટે સૌથી મોટો પડકાર એ જ રહ્યો છે કે, અમે શ્રેષ્ઠ લેખકો, લેખ અને વિચારકોને અમારી સાથે જોડી રાખીશું.

માર્કેટ ઓવરવ્યૂ

ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે હાલ ભારતમાં 350 મિલિયન ઈન્ટરનેટ યૂઝર્સ છે. 2017 સુધીમાં આ આંકડો 500 મિલિયનને વટાવી જશે. તરુણ જણાવે છે કે, આ યૂઝર્સમાંથી 70 ટકા લોકો 15 થી 35 વર્ષ વચ્ચેના છે. તેમને સીધા સરળ સમાચારોમાં રસ નથી, તેમને પોતાનું મંચ જોઈએ છીએ જ્યાં તે પોતાનો અવાજ ઉઠાવી શકે, માહિતી મેળવી શકે અને આપી શકે. હાલમાં તે આવા લોકોની મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે. 2016ના અંત સુધીમાં તે પોતાની સાઈટ પર 30 લાખ યૂઝર્સ લાવવા માગે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં યુવા કેન્દ્રીત ઘણા માધ્યમો શરૂ થયા છે અને બજારમાં ફેલાઈ રહ્યા છે. યુથ કી આવાઝ, સ્કૂપવ્હૂપ તથા એમટીવીના પૂર્વ વડા સાયરસ ઓશિદારની 101ઈન્ડિયા ડૉટ કૉમ વગેરે યુવા કેન્દ્રીત માહિતી આપતા માધ્યમો છે.

તરુણ સ્વીકારે છે કે, આ ક્ષેત્રમાં ઘણા મોટા ખેલાડીઓની હાજરી છે છતાં તેમનું ટાર્ગેટ ઓડિયન્સ અલગ છે.

રોડમેપ

'ફુચ્ચા' દરેક કોલેજ માટે માઈક્રોસાઈટ બનાવવા માગે છે. 2016માં તેઓ મોબાઈલ એપ અને વીડિયો ચેનલ લોન્ચ કરવા માગે છે જેમાં તેમનું પોતાનું સાહિત્ય હોય.

બીઆઈ ઈન્ટેલિજન્સના અભ્યાસ મુજબ, 2018 સુધીમાં ડિજિટલ જાહેરાતનું બજાર 10,220 કરોડ અને નેટિવ એડનું બજાર 21 બિલિયન ડોલર સુધી પહોંચશે. તરુણ જણાવે છે કે, આ વિકાસની અસર અને લાભ અમારી ચેનલ અને માધ્યમને પણ મળશે.

તરુણ અંતે જણાવે છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમની સાઈટ પરના ટ્રાફિકમાં 70 ટકા વધારો થવાની આશા છે. અમે ખૂબ જ સ્પષ્ટ છીએ કે, ફુચ્ચા ડિજિટલ ઈન્ડિયામાં મોટાપાયે સહયોગ આપશે અને યુવાનો માટે પ્રેરણાદાયક બની રહેશે.

વેબસાઈટ

FB પેજ

લેખક- તૌસિફ આલમ

અનુવાદ- રવિ ઈલા ભટ્ટ

આવી જ અન્ય સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો

Related Stories