‘ટ્રાવેલ જાયકા’ મુસાફરોને સ્વાદિષ્ટ ભોજન કરાવશે

0

પ્રવાસનું માનવીના જીવનમાં ઘણું મહત્વ હોય છે. યાત્રા-પ્રવાસથી માનવી ઘણી વાર એવી વાતો પણ શીખે છે જે અન્ય કોઇ માધ્યમથી નથી શીખી શકતો. આવા જ એક પ્રવાસે પંકજ ચંદોલાને એક એવો વિચાર આપ્યો હતો જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યુ પણ નહોતું.

પંકજ ચંદોલા એક વાર ટ્રેન મારફત ગોવાથી જયપુર જઇ રહ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે જ્યારે પોતાના માટે ભોજનનો ઓર્ડર કર્યો ત્યારે તે ભોજનનો સ્વાદ અને ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી. તેમણે જ્યારે આ વાત પોતાની સાથે જ પ્રવાસ કરી રહેલા મિત્રને કરી ત્યારે તેણે પણ કહ્યુ હતું કે, હા, ખરેખર ભોજન ખાવાલાયક નહોતું. નિશ્ચિત રીતે જ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વેઠવી પડતી. આ એક સામાન્ય વાત બની ગઇ છે કારણ કે ટ્રેનમાં કેવા પ્રકારનું ભોજન પિરસવામાં આવે છે, તે આપણે બધા જાણીએ છીએ પરંતુ આ ઘટનાએ પંકજને એક નાનકડું રિસર્ચ કરવા પ્રોત્સાહિત કર્યો હતો. પંકજ આ જાણવા ઇચ્છતા હતાં કે ટ્રેનના ભોજનની ક્વોલિટી અને તે ભોજન વિશે જનતાનો શું મત છે. તેને જાણવા મળ્યું કે ઘણા બધા મુસાફરોને ભોજનની ગુણવત્તા સામે સંતોષ નથી. સાથે જ, ટ્રેનમાં જે ડિલીવરી સ્ટાફ હોય છે, સામાન્ય રીતે તેમનો વ્યવહાર પણ મુસાફરો સાથે ઠીક નથી હોતો. તેવામાં મુસાફરો પાસે કોઇ ખાસ વિકલ્પો નથી રહેતા કે જેનો ઉપયોગ કરીને તેઓ પોતાની મુસાફરીમાં સારું ભોજન કરી શકે.

બસ, પછી તો તેમના મગજમાં ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોને સારું ભોજન ઉપલબ્ધ કરાવવાનો વિચાર ઘુમરાવા લાગ્યો. અને પછી તે વિચારથી ‘ટ્રાવેલ જાયકા’નો જન્મ થયો હતો. 'ટ્રાવેલ' એટલે કે પ્રવાસ કે મુસાફરી અને 'જાયકા'નો અર્થ થાય છે સ્વાદ. એટલે કે મુસાફરી કરી રહેલા મુસાફરોને સ્વાદિષ્ટ અને સારૂ ભોજન ઉપલબ્ધ કરાવવું. તે બાદ પંકજ ચંદોલા, કરણ અને રજત ગોયલ આ ત્રણ મિત્રોએ સાથે મળીને ‘ટ્રાવેલ જાયકા’ નામે એક વેબસાઇટ શરૂ કરી હતી જેના માધ્યમથી મુસાફરો માટે સારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

પંકજ ચંદોલા એક મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે જેમને માર્કેટિંગ અને સેલ્સમાં કુશળતા પ્રાપ્ત છે અને સાથે જ તેઓ આઈટી સેક્ટરમાં સાત વર્ષ કરતા પણ વધારે સમય કામ કરવાનો અનુભવ ધરાવે છે. ટીમના અન્ય સભ્ય કરણ, ‘ટ્રાવેલ જાયકા’ના સહસંસ્થાપક છે. તેમની પાસે પાંચ વર્ષનો ટ્રેડિંગનો અનુભવ છે. ડૉ.રજત ગોયલ કંપનીના ત્રીજા સહસંસ્થાપક હોવાની સાથે-સાથે જ કંપનીના સીઓઓ પણ છે. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લીધુ હતું અને તેઓ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ ઘણો અનુભવ છે.

ટ્રાવેલ જાયકાનો પાયો ઓક્ટોબર ૨૦૧૪માં નખાયો હતો. જયપુરમાં તેની 8 લોકોની ટીમ છે. તે ઉપરાંત ગાઝિયાબાદમાંપણ તેમની માર્કેટિંગ ટીમ કામ કરે છે. કંપનીએ શરૂઆતમાં તે સ્ટેશનોને કામ માટે પસંદ કર્યા હતા, જ્યા લોકોની ભીડ વધારે રહે છે. કંપની સ્ટેશનથી 10-15 કિલોમીટર દૂરના વેન્ડર્સ પાસે ગઇ હતી અને તેમના ભોજનની ગુણવત્તા ચકાસી હતી. સાથે જ મેન્યૂ લિસ્ટ પણ જોયુ હતું અને આ રીતે કંપનીએ વેન્ડર્સની પસંદગી કરી હતી. આજે કંપની પાસે પચાસ વેન્ડર્સ છે જે રોજના હિસાબે ૫૦થી 60 ઓર્ડર્સ લે છે. કંપનીને સૌથી વધારે ઓર્ડર મથુરા, અલીગઢ, નવી દિલ્હી, જયપુર, જોધપુર, અજમેર, કોટા, રતલામ, ભોપાલ, સુરત, વડોદરા, અમદાવાદ, પુણે અને નાસિકથી મળી રહ્યા છે.

આ સેવાનો અનુભવ લેવા માટે એક કસ્ટમરે સૌ પહેલા ‘ટ્રાવેલ જાયકા’ની વેબસાઇટ પર જવુ પડે છે. ટ્રેનનો પીએનઆર નંબર કે પછી ટ્રેન નંબર લખવાનો રહે છે. સાથે જ કેટલીક અન્ય જાણકારીઓ પણ આપવી પડે છે. તે બાદ એક મેન્યૂ લિસ્ટ સામે આવે છે જેમાં દરેક નાની-મોટી વિગત આપવામાં આવી હોય છે. તમારે ત્યા ભોજન પસંદ કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરવુ પડે છે કે પછી તમે ‘કેશ ઓન ડિલીવરી’નો વિકલ્પ પસંદ કરવા માગો તો તેને પણ પસંદ કરી શકો છો. તે બાદ મુસાફર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા સમયે તેની પાસે ભોજન પહોંચી જાય છે.

પોતાની નાની સફરમાં ‘ટ્રાવેલ જાયકા’ને તગડો નફો કમાવવાની શરૂઆત હજૂ સુધી નથી થઇ. કંપનીએ આ કામ પાછળ જેટલા પૈસા ખર્ચ્યા છે, તે હાલ તેટલા જ કમાઈ રહી છે પણ આટલા ઓછા સમયમાં જ ‘ટ્રાવેલ જાયકા’ને ઘણી સકારાત્મક પ્રતિક્રિયા મળવા લાગી છે. સૌથી મોટી વાત તો આ છે કે કુલ બુકિંગમાંથી તેમને લગભગ ૧૫ ટકા ઓર્ડર તેવા મુસાફરો પાસેથી મળી રહ્યા છે, જેઓ તેમની સર્વિસ પહેલા પણ લઇ ચુક્યા છે. એટલે કે અત્યાર સુધીમાં જે લોકો તેમની પાસે આવ્યા હતા તેઓ તેમની સેવાથી સંતુષ્ટ રહ્યા છે. આ તેમની સૌથી મોટી સિદ્ધી છે.

કંપની ઈચ્છે છે કે હવે નાના રોકાણકારો પણ તેના કામમાં પૈસા રોકે. પ્રારંભિક દિવસોમાં આ લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સૌથી વધારે સમસ્યા વેન્ડર્સ સાથે તાલમેળ બેસાડવામાં આવતી હતી. લોકોને ‘ટ્રાવેલ જાયકા’ વિશે જણાવવું પણ સરળ નહતું. વેન્ડર્સ સાથે પૈસા અંગે પણ તાલમેળ બેસાડવો સરળ નહોતો પણ આ બધા કામોથી તેમને ઘણું બધું શીખવા મળ્યું હતું. ‘ટ્રાવેલ જાયકા’ આવનારા સમયમાં પોતાનો વિસ્તાર કરવા માગે છે. હવે તે માત્ર ટ્રેનો જ નહીં પણ બસના મુસાફરો માટે પણ ભોજન ઉપલબ્ધ કરાવવા માગે છે. સાથે જ ભારતના દરેક ખૂણામાં પોતાની પહોંચ બનાવવા માગે છે. જે મહેનત, ધગશ અને પ્રમાણિકતા સાથે તેઓ કામ કરી રહ્યા છે તેનાથી આશા છે કે જલ્દી જ ટીમ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે.

Related Stories