કપિલ શર્મા: અમૃતસરથી મેડમ તુસાદ મ્યુઝિયમ સુધીની હસતી-રડતી સફર

1

એક સ્ટેન્ડઅપ કોમેડિયન, બોલિવૂડ હીરો, ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટીના લિસ્ટમાં સ્થાન અને હવે લંડનના મેડમ તુસાદમાં મુકાશે તેનું વેક્સ સ્ટેચ્યુ. પોતાના પિતાના મોતના આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ તેના માથે પરિવારની જવાબદારી આવી ગઈ અને તે સંજોગોમાં પણ પોતાના પેશનને અનુસરી તેણે એક આગવું સ્થાન મેળવ્યું. અને હાલમાં જ આવેલા એક રીપોર્ટ પ્રમાણે હવે કપિલ એ દેશની સૌ પ્રથમ ઇન્ડિયન ટીવી સેલિબ્રિટી બનશે કે જેનું મેડમ તુસાદમાં વેક્સ સ્ટેચ્યુ હશે. જોકે કપિલ શર્માએ હજી સુધી આ ન્યૂઝ અંગે કોઈ ટીપ્પણી નથી કરી પરંતુ તેના ફેન્સ હાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. 

રીપોર્ટ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેક્સ સ્ટેચ્યુ માટે જે ટીમે તેમનું માપ લીધું તેજ ટીમ કપિલ શર્માને મળી અને તે જ ટીમે કપિલ શર્માના ફોટોગ્રાફ્સ અને માપ લીધું. આશરે આગામી ૬ મહિનામાં કપિલ શર્માનું સ્ટેચ્યુ મેડમ તુસાદમાં જોવા મળશે. કપિલ શર્માની આજની સફળતા વિશે તો સૌ કોઈ જાણે છે પણ સૌ કોઈને હસાવતો કપિલ ખુદ ઘણો રડ્યો છે, ઘણો સંઘર્ષ કર્યો છે અને ત્યારે આજે તે આ મુકામ હાંસિલ કરી શક્યો છે.

પિતાના મોત બાદ પરિવારની જવાબદારી તેના માથે!

કપિલ શર્મા અમૃતસરના એક સરળ પરિવારમાંથી આવે છે. તેના પિતા હેડ કોન્સ્ટેબલ હતા અને કેન્સરના કારણે તેના પિતાનું વર્ષ ૨૦૦૪માં મોત થયું. તેના પિતાના આમ અચાનક મૃત્યુના કારણે કપિલ અને તેના પરિવાર પર તો જાણે આભ જ તૂટી પડ્યું. પણ તેને તરત જ a આ આઘાતમાંથી બહાર આવવું પડ્યું કારણ કે હવે તેના પરિવારની જવાબદારી તેના પર હતી. ખૂબ નાની ઉંમરે કપિલે તેના પરિવારની જવાબદારી સંભાળી અને તેની બહેનને પરણાવવાની જવાબદારી પણ તેના શિરે આવી ગઈ. એ સમય કપિલ માટે ખૂબ અઘરો હતો છતાં પણ તેણે પોતાની પેશનને અનુસરી અને પરિવારની સારસંભાળ લીધી. કપિલમાં નાનપણથી કોમેડી પ્રત્યે ઝુકાવ હતો અને એ ક્ષેત્રમાં તેણે પ્રોફેશનલી આગળ વધવાનું નક્કી કર્યું. એ સમયે કપિલ અમૃતસરના એક થિયેટર ગ્રુપનો સભ્ય પણ હતો, પણ તેણે નાટકોમાં કામ કરવા દિલ્હી જવાનું નક્કી કર્યું. દિલ્હી જઈ તેણે થોડું-ઘણું કામ પણ કર્યું અને તેવામાં તેણે એક પંજાબી કોમેડી શો 'હસદે, હસાંદે રહો'માં કામ કર્યું. પણ તેને એની લાઈફનો સૌથી મોટો બ્રેક મળ્યો વર્ષ 2007માં. જ્યાં તેને 10 લાખનું ઇનામ પણ મળ્યું. તેના પરિવાર માટે પણ તે ગર્વની વાત હતી. 

આવડત અને ટેલેન્ટના જોરે કામ મળતું રહ્યું!

ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના મેકર્સને કપિલમાં ઘણી કાર્યક્ષમતા દેખાઈ અને તેમણે કપિલને કોમેડી સર્કસમાં ભાગ લેવા કહ્યું. કપિલ કોમેડી સર્કસની ૬ સિઝનમાં ભાગ તો લીધો અને તે તમામ સિઝનમાં જીત પણ મેળવી. અને ત્યારથી કપિલની લોકપ્રિયતા વધવા લાગી. કપિલનું કોમિક ટેલેન્ટ ટીવી ઇન્ડસટ્રીના ઘણાં લોકોના ધ્યાનમાં આવી ગયું હતું અને તેને ધીરે ધીરે ટેલિવિઝન શો હોસ્ટ કરવાનો મોકો મળ્યો. કપિલે ઝલક દિખલા જા સિઝન 6 અને બાળકોનો કોમેડી શો 'છોટે મિયા' હોસ્ટ કર્યા. 

કંઇક પોતાનું કરવાનો કર્યો નિર્ણય!

ત્યારબાદ કપિલે કંઇક પોતાનું, પોતાના નામ, બેનર હેઠળ કંઇક કરવાનું વિચાર્યું. અને K9 પ્રોડક્શન્સ કરી પોતાનું બેનર તૈયાર કરી વર્ષ 2013માં કોમેડી નાઈટ્સ વિથ કપિલ શો લોન્ચ કર્યો. અને ત્યારથી કપિલની લોકપ્રિયતાનો ગ્રાફ આપણે સૌ કોઈ જાણીએ છીએ. 

ત્યારબાદ તો કપિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને પ્રમોટ કરતો જોવા મળ્યો. PETA ઇન્ડિયા સાથે તે પ્રાણીઓને લગતા અભિયાન પર કામ કરવા લાગ્યો. કપિલે એક નિવૃત્ત પોલીસ ડોગ 'ઝંજીર'ને દત્તક પણ લીધો.  

બોલિવૂડ ફિલ્મ મળતાં પોતાના દેખાવ પર કામ કરવાનું શરૂ કર્યું!

બોલિવૂડ બ્રેક મળતાં કપિલે પોતાના દેખાવ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તેણે હેરસ્ટાઈલ મેકઓવર કરાવ્યું. જોકે તેની ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન તેને સ્લીપ્ડ ડિસ્કની સમસ્યા થઇ અને તેના કોમેડી શોમાંથી તેણે થોડા દિવસ સુધી રજા લેવી પડી. 

આખરે કપિલ માટે એ સમય પણ આવ્યો કે જે શોથી તે લોકપ્રિયતાના ગ્રાફમાં સૌથી ટોચની પોઝિશન પર પહોંચી ગયો હતો તે શો છોડવો પડ્યો. અને હવે કપિલ શર્મા ફરી એક વાર તૈયાર છે પોતાની આવડતના જોરે એક નવા શો સાથે આપણને સૌને હસાવવા!


Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories