ઈ-વાહનમાં ક્રાંતિનું બ્યુગલ ફૂંકનારાં ‘હેમલતા અન્નામલાઈ’

ઈ-વાહનમાં ક્રાંતિનું બ્યુગલ ફૂંકનારાં ‘હેમલતા અન્નામલાઈ’

Monday October 19, 2015,

6 min Read

ભારતમાં પ્રદૂષણનું પ્રમાણ વધવા છતાં સરકારની ઢીલી નીતિ અને સુસ્ત વલણ તેમજ એક સારા તંત્રની ગેરહાજરીના કારણે ઇલેક્ટ્રિક વાહનોનું બજાર આશા અનુસાર પોતાનું સ્થાન જમાવવામાં નિષ્ફળ જ રહ્યું છે. રસ્તા ઉપર આ પ્રકારનાં વાહનોની સંખ્યા નહીંવત્ જોવા મળે છે. જોકે સરકારે જ્યારથી વર્ષ 2020 સુધીમાં રસ્તા ઉપર 70 લાખ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો ઉતારવાની મહત્વકાંક્ષા દર્શાવી છે ત્યારથી નિરાશા ભરેલાં વાતાવરણમાં આશાનું એક કિરણ જાગ્યું છે.

એવા સમયમાં કે જ્યારે આ ઉદ્યોગ પોતાની એક સ્વતંત્ર ઓળખ ઊભી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે તેવામાં પણ કેટલાંક નામો આ ક્ષેત્રમાં એક સોનેરી ભવિષ્યનું નિર્માણ કરવા માટે રાત-દિવસ એક કરી રહ્યાં છે. ભારતમાં હાલ બાલ્યાવસ્થામાંથી પસાર થઈ રહેલાં ઇલેક્ટ્રિક વાહનોનાં ઉદ્યોગનાં ક્ષેત્રે સતત પ્રયાસ કરી રહેલું આવું જ એક નામ છે Ampere Electric (એમ્પિયર ઇલેક્ટ્રિક)નું. આ કંપની ઈ-સાઈકલ અને ઈ-સ્કૂટરનાં નિર્માણ ઉપરાંત માલનાં વહન માટે ઈ-ટ્રોલી, કચરો ઉપાડવા માટેનાં સાધનો અને વિકલાંગ વ્યક્તિઓ માટે વિશેષ વાહનો બનાવીને તેને બજારમાં રજૂ કરી રહી છે.

image


પોતાનાં પતિ સાથે એક સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનની મુલાકાત દરમિયાન હેમલતા અન્નામલાઈનાં મનમાં આ કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો. તે સંમેલનમાં એક વક્તાએ ખૂબ જ દૃઢતા સાથે એ તર્ક આપ્યો હતો કે આઈસીઈ (આંતરિક દહન ધરાવતાં એન્જિન) વીતેલા જમાનાની વાત છે. તેમણે આ જમાના અંગે પણ વિસ્તારથી સમજાવ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહનો કેવી રીતે ભવિષ્યનાં વાહનો બનશે.

હેમલતાએ વર્ષ 2007માં ‘એમ્પિયર ઇલેક્ટ્રિક’ની સ્થાપના રૂ.50 મિલિયનના શરૂઆતનાં રોકાણ સાથે કરી હતી. આ કામ શરૂ કરવું તેમનાં માટે ખૂબ જ પડકારજનક હતું.

હેમલતા કહે છે, “અમારી આખી ટીમ પોતાનાં કામ પ્રત્યે ખૂબ જ જુસ્સો ધરાવે છે. તેના કારણે જ અમે ઝડપથી આ વેપારની આંટીઘૂંટી સમજી શક્યા. આ દરમિયાન અમે અનેક ભૂલો પણ કરી હતી પરંતુ દરેક ભૂલે અમારા પાયાને વધુ મજબૂત કરવાનું કામ કર્યું. આજે અમે જે સ્થાને છીએ તે એ પડકારોના કારણે છીએ કે જેનો સામનો અમે કર્યો છે. આ ઉપરાંત અમને સારા માણસો મેળવવા માટે અને એક મજબૂત ટીમ ભેગી કરવા માટે પણ અનેક પડકારોનો સામનો કર્યો હતો.”

image


હેમલતાએ માત્ર 27 વર્ષની ઉંમરે વેપારની દુનિયામાં પોતાનું પ્રથમ પગલું માંડ્યું હતું. પ્રાથમિક તબક્કે તેમણે વ્યાવસાયિક સેવાઓ, તકનિકી શિક્ષણ, ટૂર અને ટિકિટિંગ ઉપરાંત પ્રતિભા શોધવા માટે એક આંતરરાષ્ટ્રીય સલાહ કેન્દ્ર સાથે જોડાયેલા વેપારનો પાયો નાખ્યો. એક શ્રેણીબદ્ધ વેપારીનાં રૂપે હેમલતાએ પોતાનાં જીવનનાં 15 વર્ષ વિવિધ ઉદ્યોગોને શરૂ કરીને તેનું સંચાલન કરવામાં વીતાવ્યાં છે. તેમનું કહેવું છે કે ઉદ્યોગનાં ક્ષેત્રમાં દરેક નવો દિવસ પોતાની સાથે અનેક પડકારો અને વિજય સાથે લઈને આવે છે. પરંતુ તેમાંથી મળતો અનુભવ અમૂલ્ય હોય છે.

તાજેતરમાં જ જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ બેંગલુરું સ્થિત આ ઇલેક્ટ્રિક વાહનનાં સ્ટાર્ટ અપમાં રોકાણ કર્યું છે. (રકમ જાહેર નથી કરી) હેમલતા કહે છે, “અમે અત્યાર સુધી ઈ-સાઈકલ અને ઈ-સ્કૂટર માટે 36 વોલ્ટ અને 48 વોલ્ટના ચાર્જર્સનું સફળતાપૂર્વક ઉત્પાદન કરી રહ્યાં છીએ. આવી રીતે અમે રોજગારીનું પ્રમાણ વધારવા ઉપરાંત ઇલેક્ટ્રિકલ વાહનોનાં ક્ષેત્રમાં સક્રિય ભારતીય વેપારીઓ વચ્ચે ‘એમ્પિયર’ને એક વિશ્વસનીય વિકલ્પના રૂપે સ્થાપિત કરી શકીશું.”

બીટુસીનાં ક્ષેત્રમાં એમ્પિયરનાં પ્રાથમિક ઉત્પાદન ઇલેક્ટ્રિક સાઈકલ અને ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ ઉપરાંત બીટુબીની દુનિયામાં આ સ્ટાર્ટઅપ કેરિયર વોયેજ અને ઘર સુધી સામાન પહોંચાડનારા માટે ઈ-સ્કૂટરનું ઉત્પાદન કરી રહ્યાં છે.

image


સંશોધન અને વિકાસ શરૂઆતથી જ ‘એમ્પિયર’ની કરોડરજ્જુ રહ્યાં છે. ‘એમ્પિયર’નો દાવો છે કે તે આ સ્ટાર્ટઅપ ભારતમાં ઈ-વાહનો માટે પોતાનાં 36 વોલ્ટ અને 48 વોલ્ટના ચાર્જર્સનું ઉત્પાદન કરનારી પહેલી કંપની છે.

હેમલતા કહે છે, “ભારત માટે ચાર્જર હંમેશા મોટી સમસ્યા છે. કારણ કે વિદેશમાંથી આયાત કરવામાં આવતાં ચાર્જર ભારતીય રસ્તાની સ્થિતિ તેમજ વીજળીની અનિયમિતતાનો સામનો કરવા માટે બિલકુલ યોગ્ય નથી.”

આજે ‘એમ્પિયર ઇલેક્ટ્રિક’ દ્વારા તૈયાર કરાયેલાં તમામ વાહનો તેની ‘આર એન્ડ ડી’ ટીમ દ્વારા તૈયાર કરાયેલી મોટર અને નિયંત્રકો દ્વારા સંચાલિત થઈ રહ્યાં છે. આ ઉપરાંત તેની ટીમે બેટરીઝનું આયુષ્ય વધારવા માટે એક ચિપ પણ બનાવી છે. હેમા આગળ જણાવે છે, “અમે અમારો મોટાભાગનો કાચો માલ ભારતમાં ફેલાયેલાં સ્થાનિક બજારોમાંથી ખરીદીએ છીએ. પરંતુ બેટરીનાં ઉત્પાદન માટે જરૂરી સીસું, ચુંબક જેવાં ઘટકો ભારતમાં ન મળતાં હોવાને કારણે તેની ચીનમાંથી આયાત કરવા પડે છે. અમે આયાત ઉપરનાં આ અવલંબનનો વિકલ્પ શોધી રહ્યા છીએ. હાલમાં અમારી ક્ષમતા પ્રતિવર્ષ 30 હજાર વાહનોનું ઉત્પાદન કરવાની છે.”

સરકાર હાલમાં દેશમાં બનેલાં ઉત્પાદનો (મેઇક ઇન ઇન્ડિયા)ખરીદવા માટે ભાર આપી રહી છે તેવામાં આ ક્ષેત્રમાં વેપારની તકો વધારે ઉજળી બની જાય છે.

હેમલતા જણાવે છે, “અમે અમારા નાનકડા પ્રયાસ મારફતે સંપૂર્ણપણે દેશમાં જ વાહન બનાવીને આ ક્ષેત્રનાં ભવિષ્યમાં અમારું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. સરકારે પણ લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા અંગે પ્રોત્સાહિત કરવામાં પોતાનો રસ દાખવ્યો છે. હવે લોકોએ પણ આગળ આવીને આ પ્રકારનાં વાહનો ખરીદવા માટેની જાગરૂકતા કેળવવી જોઈએ.”

આ સ્ટાર્ટઅપનો દાવો છે કે તે તામિલનાડુ અને કેરળમાં વિકલાંગો માટે ઇલેક્ટ્રિક વાહનો તૈયાર કરનારી પ્રથમ કંપની છે. આ ઉપરાંત એમ્પિયરે કાંતવાનું અને કાપડની મિલોમાં કામ કરતાં મજૂરો માટે ‘ત્રિશૂલ’ નામનું એક વિશેષ વાહન તૈયાર કર્યું છે. આ મજૂરવર્ગમાં મોટાભાગે 20થી40 વર્ષની વય ધરાવતી મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે પોતાનું કામ કરવા માટે કારખાનાંની અંદર જ રોજ 12થી 15 કિલોમીટર પગે ચાલવું પડે છે.

હેમલતા કહે છે, “સ્થાપના બાદ તરત જ એમ્પિયરે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ત્યાં સુધી કે અમારાં કારખાનામાં 30 ટકા મહિલા કર્મચારી કાર્યરત છે અને ટૂંક સમયમાં અમે તેમની સંખ્યાને બમણી કરવામાં પણ સફળ થઈશું.”

આ ઉત્પાદનોની કિંમત- બજારની સ્થિતિ અને એ વાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે વધુમાં વધુ લોકો તેને ખરીદવા માટે પ્રેરાય. તેની ઈ-સાઈકલની કિંમત રૂ. 20થી30 હજારની વચ્ચે અને ઈ-સ્કૂટર રૂ. 20થી45 હજારમાં પ્રાપ્ય છે.

હેમલતા કહે છે, “અમને આશા છે કે અમે સરકારનાં લક્ષ્યો પૂરાં કરવામાં એક અગત્યની ભૂમિકા ભજવીશું. હાલમાં વાહનની જરૂરીયાત 70 લાખની છે તેમાંના 15થી20 ટકા અમે બનાવીને વેચવા માગીએ છીએ. ઓછાં અંતરની મુસાફરી કરવા માટે અમે લોકોને ઈ-બાઇક્સનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ના કાર્યક્રમમાં સહયોગ આપવા માટે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

હાલ ‘એમ્પિયર ઇલેક્ટ્રિક’ પ્રતિ માસ લગભગ 200 વાહનો વેચી રહી છે. વર્ષ 2010-12 દરમિયાન જ્યારે સરકારે તેને વધારાની છૂટ આપી હતી ત્યારે આ આંકડો 687 સુધી પહોંચી ગયો હતો.

તેમની ઇચ્છા આગામી 3 વર્ષમાં પોતાનું વિસ્તરણ દેશનાં અન્ય 10 રાજ્યોમાં કરવાનું છે. આ ઉપરાંત, કંપની આ વર્ષના અંત સુધીમાં અન્ય 2 નવાં મોડલ પણ માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. ઉપરાંત આગામી ત્રણ વર્ષમાં એક એવું પણ કારખાનું બનાવવા માગે છે કે જેનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરવામાં આવતું હોય.

અંતમાં હેમલતા જણાવે છે, “આપણી સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ વિશે જ વાત કરવા ઉપરાંત લઘુ ઉદ્યોગનાં ક્ષેત્રે કામ કરી રહેલાં એકમોની ઓળખ કરીને દેખાડવું જોઇએ કે તેનો અમલ કેવી રીતે કરી શકાય છે. જોકે તે એટલું સરળ નથી પણ જો મન હોય તો માળવે જવાય.”