ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતની ટોચની 5 મહિલા સીઈઓ

0

લોકોમાં સામાન્ય રીતે છાપ એવી છે કે ટેક્નોલોજીના ક્ષેત્રમાં પુરુષોનું જ વર્ચસ્વ છે અને આ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. પણ અહીંયા અમે એવી મહિલાઓ સાથે તમને રૂબરૂ કરાવવા માંગીએ છીએ કે જે ભારતીય ટેક્નોલોજી ક્ષેત્રમાં ટોચની પદ પર કામ કરી રહી છે અને કેટલીક મહિલાઓ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેક્નોલોજી કંપનીઓનું સંચાલન પણ કરે છે. રોજના હજારો લોકોનું સંચાલન કરતી આ મહિલાઓ આ ક્ષેત્રમાં નવી તાકાત તરીકે ઉભરી રહી છે:

વનિથા નારાયણન, એમડી, આઈબીએમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ

વનિથા નારાયણન આઈબીએમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર હોવાની સાથે સાથે ભારત અને દક્ષિણ એશિયાઈ વિસ્તારો (આઈએએસ)ના જનરલ મેનેજર તરીકેની જવાબદારી પણ સારી રીતે નિભાવી રહ્યાં છે. જાન્યુઆરી 2013માં આ પદ માટે નિયુક્ત થયા બાદ તેઓ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં આઈબીએમના દરેક પ્રકારના વેચાણ, માર્કેટિંગ, સેવાઓ અને વૈશ્વિક વિતરણના સંચાલનની જવાબદારી નિભાવી રહ્યાં છે. ભારત આજે પણ આઈબીએમ માટે મહત્વનું બજાર માનવામાં આવી રહ્યું છે તથા કંપનીની ગ્લોબલ સર્વિસ ડિલિવરી માટે પણ મહત્વનું મનાય છે.

વનિથા 1987માં અમેરિકા ખાતે આઈબીએમમાં જોડાય હતાં જેના કારણે તેમની પાસે આ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના ગ્રાહકો સાથે કામ કરવાનો 25 વર્ષનો અનુભવ છે. 2009 પછી તેમણે આઈબીએમના આઈએસએ બિઝનેસનું મહત્વપૂર્ણ અંગ સાબિત થયા હતા. આ દરમિયાન તેમણે સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી. તાજેતરમાં જ તેમને કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસિઝ માટે મેનેજિંગ પાર્ટનરના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ એશિયા-પેસેફિક વિસ્તારોની કોમ્યુનિકેશન શાખાના ઉપાધ્યક્ષ તથા આઈબીએમના ટેલિકોમ્યુનિકેશન પ્રોબ્લેમ સોલ્વિંગના વૈશ્વિક ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે.

તે ઉપરાંત તેઓ આઈબીએમની ઈન્ટિગ્રેશન અને વેલ્યૂ ટીમના પણ સભ્ય છે. આ ટીમમાં કંપનીના ટોચના ગ્લોબલ એક્ઝિક્યુટિવ્સનો સમાવેશ કરવામાં આવે છે જેની પસંદગી આઈબીએમના અધ્યક્ષ કરે છે. 2012માં વનિથા ને આઈબીએમ ઈન્ડસ્ટ્રી એકેડેમીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત વનિથા આઈએસએ માટે નેતૃત્વ વિકાસ અને વિવિધતાની અનેક પહેલનું પણ નેતૃત્વ કરે છે. મહિલાઓને ભવિષ્યની યોજનાઓ માટે તૈયાર કરવાની યોજના માટેના પણ તેઓ કાર્યકારી પ્રયોજક છે. વનિથા ને 2013-14માં ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ)ના રાષ્ટ્રિય પરિષદના સભ્ય તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા.

તે મદ્રાસ યુનિવર્સિટીથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન-માર્કેટિંગમાં માસ્ટર્સ કરવા ઉપરાંત હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી સુચના પ્રણાલીના બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી ચૂક્યા છે.

નીલમ ધવન, મેનેજિંગ ડાયરેક્ટર, એચપી ઈન્ડિયા

નીલમ ધવન હેવલેટ-પેકર્ડ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર છે. તેમના ફાળે એચપીની સેવા, પર્સનલ સિસ્ટમ અને ઈમેજિંગ તથા પ્રિન્ટિંગ બિઝનેસ દ્વારા કંપનીની આવક અને નફામાં વધારો કરવાની જવાબદારી છે.

બીપીઓ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, સંશોધન અને આઈટી સેવાઓ જેવા ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ ધરાવતા નીલમ કંપનીના સમગ્ર બિઝનેસ એજન્ડાને આકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે એચપીને ભારતમાં સૌથી પસંદગીની કંપની બનાવવાની દિશામાં થઈ રહેલા રણનીતિ અને કોર્પોરેટ વિકાસના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ પહેલાં નીલમ વર્ષ 2005 થી 2008 સુધી માઈક્રોસોફ્ટ ઈન્ડિયામાં મેનેજિંગ ડાયરેક્ટર પદે હતા. પોતાના કાર્યકાળ દરમિયાન નીલમે માઈક્રોસોફ્ટની રણનીતિને વધારે કુશળ અને અસરકારક બનાવવાની સાથે સાથે સંચાલન ક્ષમતા અને કાર્યક્ષમતામાં સુધારો કર્યો તથા કંપનીના આર્થિક દેખાવ અને ગ્રાહકો પ્રત્યેના વલણમાં આમૂલ પરિવર્તન લાવવામાં સફળ રહ્યા. આ કામગીરી સંભાળતા પહેલાં નીલમ એચસીએલ અને આઈબીએમ ઉપરાંત ઘણી બીજી ટોચની આઈટી કંપનીઓમાં મહત્વના પદને સંભાળી ચૂક્યા છે.

અરુણા જયંતિ, સીઈઓ, કેપજેમિની ઈન્ડિયા

અરુણા જયંતિ કેપજેમિની સમૂહના સૌથી મોટા વ્યાપારિક એકમોમાના એક કેપજેમિની ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી છે. અરુણા કંપનીના તમામ એકમોનું સંચાલનની જવાબદારી લેવા ઉપરાંત 40,000થી વધારે કર્મચારીઓના પ્રદર્શન અને એકત્રીકરણ પર ધ્યાન આપે છે અને સાથે સાથએ ભારતમાં કન્સલ્ટેશન, ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ સેવાઓની પણ કામગીરી સંભાળે છે.

જાન્યુઆરી 2011માં સીઈઓની ભૂમિકા સંભાળ્યા પહેલાં અરુણા કેમજેમિની આઉટસોર્સિંગના ગ્લોબલ ડિલિવરી અધિકારી હતા અને આ પદ પર કામ કરવા દરમિયાન તેમણે વૈશ્વિક સ્તરે કેપજેમિનીના આઉટસોર્સિંગ સંચાલનમાં ગુણવત્તા, ઉત્પાદન અને નફાકારતામાં વધારો કર્યો હતો. અરુણાને આઈટી સેવા ઉદ્યોગમાં કામ કરવાનો બે દાયકા કરતા વધારેનો અનુભવ છે અને તેઓ મલ્ટિનેશનલ અને સિંગલ એમ બંને પ્રકારની કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. તે યુરોપ અને ઉત્તરી અમેરિકાની બહાર કામ કરી ચૂક્યા છે અને અત્યારે પણ ગ્રાહકો અને વિશ્લેષકો ઉપરાંત કંપનીના કર્મચારીઓને મળવામાં, ગ્રાહકોની અપેક્ષાઓ અને બજારની દિશા જાણવા માટે સતત પ્રવાસ કરતા રહે છે. સીઈઓ પદ પર પોતાની નિયુક્તિના ખૂબ જ ટૂંકા ગાળામાં અરુણાએ ભારતીય બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ છાપ છોડવામાં સફળતા મેળવી છે. તેમણે ફોર્ચ્યુન ઈન્ડિયાની વર્ષ 2012ની યાદીમાં વેપાર ક્ષેત્રની સૌથી શક્તિશાળી 50 મહિલાઓની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તે ઉપરાંત 2012માં તે સતત બે વર્ષ સુધી બિઝનેસ ટુડેની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ટોચના સ્થાને આવતા રહ્યા હતા. તે ઉપરાંત ઈન્ડિયા ટૂડે વુમન સમિટમાં અરુણાને ઈન્ડિયા ટૂડે વુમન ઈન કોર્પોરેટ વર્લ્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કીર્થિગા રેડ્ડી, ઓફિસ હેડ, ફેસબુક ઈન્ડિયા

કીર્થિગા રેડ્ડી ભારતમાં વૈશ્વિક માર્કેટિંગ સોલ્યુશન ટીમનું નેતૃત્વ કરવા ઉપરાંત ટોચની ક્ષેત્રીય સંસ્થાઓ તથા ગ્રાહકો સાથે વ્યૂહાત્મક સંબંધો બાંધવામાં તથા તેની ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કીર્થિગાએ જુલાઈ 2010માં ફેસબુક ઈન્ડિયાની પહેલી કર્મચારી તરીકે કામગીરી સંભાળી અને દુનિયાભરમાં કંપનીના ગ્રાહકો, વિજ્ઞાપનદાતા અને ડેવલપર્સની વધતી જતી સંખ્યાને સાથ આપતા હૈદરાબાદમાં ભારતીય ઈન્ડસ્ટ્રીની સ્થાપના કરી.

ફેસબુક સાથે જોડાયા પહેલાં કીર્થિગા ફિનિક્સ ટેક્નોલોજીઝના ભારતીય ક્ષેત્રના સંચાલન તથા ગ્રાહક સુરક્ષા વ્યાપાર એકમના ઉપાધ્યક્ષ અને જનરલ મેનેજર હતા. તેમણે અમેરિકા, ભારત, જાપાન, કોરિયા અને તાઈવાનમાં રહેલી એક વૈશ્વિક ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે મોટોરોલા સાથે પ્રોડક્શન મેનેજમેન્ટના ડાયરેક્ટર પદે પર કામ કરવા ઉપરાંત સિલિકોન ગ્રાફિક્સમાં એન્જિનિયરિંગના ડાયરેક્ટર પદે અને બૂઝ એલેન હેમિલ્ટનમાં એસોસિએટ તરીકે કામ કર્યું છે. તેમણે પોતાના પ્રોફેશનલ જીવનમાં મોટાભાગનો સમય કેલિફોર્નિયા અને સિલિકોનવેલીમાં જ પસાર કર્યો છે.

તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સફળતાપૂર્વક એમબીએ કર્યું જેમાં તેઓ આર જે મિલર સ્કોલરના ટોચના સન્માન સાથે સફળ થયા. તે ઉપરાંત તેમણે સિરેક્યૂઝ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર એન્જિયનિયરિંગમાં એમ એસ અને ભારતની આંબેડકર યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં બી.ઈ કર્યું છે. કીર્થિગાના કામને દુનિયાભરમાં નામના મળી છે અને તેમણે ઘણા જાણીતા પ્રકાશનોએ તેમની ટોચની યાદીમાં સ્થાન આપ્યું છે. 2013માં ફાસ્ટ કંપની તરફથી વેપાર જગતમાં 100 સૌથી વધુ રચનાત્મક લોકોની યાદીમાં સ્થાન મેળવવા ઉપરાંત તે બિઝનેસ ટૂડે દ્વારા લોકપ્રિય યુવા અધિકારી તરીકે પણ પસંદગી પામ્યા છે. તે ફોર્ચ્યુન ઈન્ડિયાની ભારતની ટોચની 50 શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સ્થાન મેળવી ચૂક્યા છે. તે ઉપરાંત કીર્થિગા ભારતની ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પણ છે. તે બાળકો સાથે સંકળાયેલા અનેક મુદ્દા અને મહિલાઓના વિકાસ માટેના અનેક કાર્યોમાં સક્રિય રીતે જોડાયેલા છે.

કુમુદ શ્રીનિવાસન, અધ્યક્ષ, ઈન્ટેલ ઈન્ડિયા

કુમુદ શ્રીનિવાસન ભારતમાં ઈન્ટેલના સંચાલન સાથે સંકળાયેલા સામાન્ય વ્યવસ્થાપન માટે જવાબદાર છે અને તે તેની સમગ્ર રણનીતિ, વ્યાપાર સંચાલન, સંગઠનાત્મક વિકાસ, એન્જિનિયરિંગ અને બજારના વિકાસ માટે કામ કરવા ઉપરાંત સરકાર, ગ્રાહક જગત અને શૈક્ષણિક સંસ્થાઓની સાથે યોગ્ય રીતે સંબંધ જાળવી રાખવાનું કામ પણ કરે છે.

આ પહેલાં કુમુદ સિલિકોન સોફ્ટવેર અન્ડ સર્વિસિઝના આઈટી વિભાગના ઉપાધ્યક્ષ તથા જનરલ મેનેજર હતા જ્યાં તે ઈન્ટેલના સોફ્ટવેર અને હાર્ડવેર એન્જિનિયરો માટે આઈટી સોલ્યુશન અને સેવાઓના વિતરણનું કામ સંભાળતા હતા. કુમુદ 1987માં ઈન્ટેલમાં જોડાયા હતા અને ઈન્ટેલના મેન્યુફેક્ચરિંગ અને આઈટી સંગઠનોમાં અનેક મહત્વપૂર્ણ વ્યાપારિક અને સૂચના પ્રણાલી સાથે સંકળાયેલા પદ પર સફળતાપૂર્વક કામ કરી ચૂક્યા છે.

તે ઉપરાંત શ્રીનિવાસન સિરેક્યૂઝ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ફોર્મેશન સ્ટડીઝના સલાહકાર બોર્ડમાં પણ સભ્ય છે. તે ઉપરાંત તેઓ બેંગ્લુરુંના ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીસની ગવર્નિંગ બોડીના સભ્ય છે. તે અનિતા બોર્ગ સંસ્થાનની ભારતીય પરિષદમાં પણ કાર્યરત છે.

શ્રીનિવાસને વર્ષ 1981માં કોલકાતા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પોતાની સ્નાતકની ડિગ્રી મેળવી અને પછી વર્ષ 1984માં સિરેક્યૂઝ યુનિવર્સિટીમાંથી સૂચના અને પુસ્તકાલય અધ્યયનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવવામાં સફળ રહ્યા. તે ઉપરાંત તેઓ કેલિફોર્નિયાની બર્કલે યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન સાયન્સમાં ડોક્ટરેટ પર થિસિસ લખી ચૂક્યા છે.

Related Stories