એવા સ્ટેશન માસ્તર કે જે પહેલા પોતાના પગારમાંથી અને હવે પેન્શનમાંથી ગામના બાળકોને ભણાવે છે!

0

બી. પી. રાણા લગભગ 38 વર્ષ પહેલાં સ્ટેશન માસ્તર બનીને છત્તીસગઢના લાટાબોડ આવ્યા

26 વર્ષ પહેલાં ગામનાં બાળકોને સ્ટેશન ઉપર ભણાવવાની કરી શરૂઆત!

પોતાના પગારનો મોટો હિસ્સો બાળકોનાં ભણતર પાછળ ખર્ચે છે!

આજે પોતાનાં પેન્શનમાંથી બાળકોને ભણાવે છે!

દરેક લોકો માટે જીવનમાં શાંતિ અને સંતોષની વ્યાખ્યા અલગ હોય છે. કોઈ પોતાની જાતને શ્રેષ્ઠ બનાવીને શાંતિ મેળવે છે, કોઈ પોતાના પરિવારને શ્રેષ્ઠ બનાવીને શાંતિ મેળવે છે, કોઈ પોતાના અડોસપડોસના લોકોને શ્રેષ્ઠ બનાવીને શાંતિ મેળવે છે તો કોઈ સમાજની સાથે સાથે રાષ્ટ્રનું નિર્માણ કરીને શાંતિ મેળવે છે. બી. પી. રાણા એવી જ વ્યક્તિ છે કે જેમણે પોતાનું જીવન નાનાં બાળકોનાં ભવિષ્યનાં નિર્માણ પાછળ ખર્ચી નાખ્યું છે. તેઓ જે કંઈ પણ કમાયા તે તમામ બાળકોનાં શિક્ષણ પાછળ ખર્ચી નાખ્યું.

બી. પી. રાણા પશ્ચિમબંગાળના મિદનાપુર જિલ્લાના વતની છે. રેલવેમાં નોકરી કરતા કરતા 1978માં છત્તીસગઢના બાલોદ જિલ્લાના લાટાબોડ સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર બનીને પહોંચ્યા તો ત્યાંના જ બનીને રહી ગયા. બી. પી. રાણાએ યોર સ્ટોરીને જણાવ્યું,

"એક વાર આ સ્ટેશન ઉપર એક માલગાડી રોકાઈ. તેના ગાર્ડે થોડો સમય મારી સાથે વીતાવ્યો. તે ગાર્ડે મારું અંગ્રેજી સાંભળીને જણાવ્યું કે આનો લાભ ગામડાંનાં બાળકોને શા માટે નથી આપતા? ત્યાર પછી તો મારું જીવન જ બદલાઈ ગયું. અને મેં રેલવે સ્ટેશન ઉપર જ રેલવે કર્મચારીઓનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ ગામનાં બાળકોને પણ ગણિત અને અંગ્રેજી ભણાવવા લાગ્યો."

આ કાર્ય બદલ તેઓ કોઈ જ પૈસા લેતા નથી પરંતુ તેનાથી વિપરીત પોતાના પૈસે તેઓ બાળકોને સ્લેટ, પેન્સિલ અને પુસ્તકો આપે છે. કેટલીક વખત ખાવા માટે સારી વસ્તુ પણ આપે છે. ધીમે ધીમે કરીને તેમના ક્લાસનાં બાળકો પોતાની શાળામાં સારું પરિણામ લાવવા લાગ્યા તો આસપાસનાં ગામોનાં બાળકો પણ રાણા સરના ક્લાસમાં આવવા લાગ્યા. રાણાના પગારનો મોટો હિસ્સો બાળકોનાં શિક્ષણ પાછળ ખર્ચાવા લાગ્યો.

આ બાળકોને ભણાવવામાં રાણા એટલા તો રચ્યા પચ્યા રહેવા લાગ્યા કે તેમણે લગ્ન ન કર્યાં. નિવૃત્ત થયા બાદ તેઓ પોતાનાં ઘરે બાળકોને ભણાવવા લાગ્યા. હવે રાણાના ક્લાસમાં 60 બાળકો આવે છે અને તેઓ પોતાના પેન્શનનો મોટાભાગનો હિસ્સો બાળકોનાં ભણતર પાછળ ખર્ચ કરી દે છે. રાણાને કુલ રૂ. 15 હજારનું પેન્શન મળે છે જેમાંથી તેઓ પોતાના ખાવાપીવાના અને જીવન જીવવાના પૈસાને બાદ કરતાં તમામ રકમ બાળકો પાછળ ખર્ચી નાખે છે. વર્ષ 1994માં જ્યારે ગામમાં શાળા બનાવવા માટે પૈસા ખૂટ્યા તો રાણાએ પોતાનાં બોનસની આખી રકમ દાન પેટે આપી દીધી હતી.

62 વર્ષના રાણા ઘરનું તમામ કામ જાતે કરે છે. તેમની પાસે એક જૂની સાઈકલ છે તે લઈને તેઓ દર રવિવારે 15 કિમી દૂર બાલોદ જઈને પોતાની રોજિંદી જરૂરીયાતનો સામાન લાવે છે. તેઓ રોજ સવારે ત્રણ વાગે ઉઠીને યોગ કરે છે. તેમજ ઘરમાં કચરો વાળવાથી માંડીને જમવાનું બનાવવા સુધીનાં તમામ કામો જાતે કરે છે. તેમનાં ઘરમાં સામાનનાં નામે અંગ્રેજી અને ગણિતનાં પુસ્તકો જ જોવા મળે છે. રાણાએ બાજુના ગામનો એક છોકરો દત્તક પણ લીધો હતો કે જે આજે ભારતીય લશ્કરમાં પોતાની સેવા આપી રહ્યો છે.

ગામની શાળાના શિક્ષક સીતારામ સાહૂ જણાવે છે કે રાણાના ક્લાસમાં જે પણ વિદ્યાર્થી સતત જાય છે તેને ગણિત અને અંગ્રેજીમાં સારા ગુણ આવે જ છે.

ગામના રહેવાસીઓનું કહેવું છે કે રાણા ગામના વિકાસ માટે ભણાવવાથી માંડીને આર્થિક મદદ કરવા માટે તૈયાર હોય છે.

લેખક- રવિ વર્મા

અનુવાદક- મનીષા જોશી

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત અન્ય સ્ટોરીઝ વાંચો:

કેન્સરપીડિતોની સહાય માટે મુંબઈની લોકલ ટ્રેનોમાં ગિટાર વગાડતા સૌરભ નિંબકર

બાળકો સાથે સારી રીતે વાતચીત કરવા એક માતાએ શરૂ કર્યું 'Steller children’s museum'

ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને આગવી 'પહેચાન' અપાવવા દિલ્હીના આ યુવાનો કરે છે દિવસ-રાત એક!