ઈચ્છાશક્તિના જોરે એક રોકાણકાર ઉદ્યોગસાહસિક બની ગયા!

“કેટલીક બાબતો કુદરતી રીતે જ ગોઠવાઈ જતી હોય છે. ઉદ્યોગસાહસિકતા અદભૂત અનુભવ છે અને સાચું કહું તો ક્યાંક ઉંડે ઉંડે મનમાં એવી ઈચ્છા હતી કે આમ પડદા પાછળ રહેવા કરતા આગળ આવીને કંઈક કરી બતાવવું છે.” મોટાભાગના ઉદ્યોગસાહસિકોના મોઢામાંથી આવા શબ્દો નીકળતા હશે પણ ખરેખર તેની પાછળ રહેલી જે વાત છે તે ઘણું બધું કહી જાય છે.

4

ગૌતમ સિંહાએ તેમની ઉદ્યોગસાહસિકતાની શરૂઆત વર્ષ 1996માં કરી હતી જ્યારે ભારતમાં આવું ખાસ ચલણ નહોતું. 2000ની સાલની શરૂઆતમાં રિક્રૂટમેન્ટ ફર્મના માલિક બની ગયા હોવાથી તેમના માટે તે ક્ષેત્ર નવું નહોતું. તેમની સંસ્થા 2008માં ખરીદી લેવાઈ અને તેઓ એક નવા જ કિરદારમાં આવ્યા, રોકાણકારના.

2013ના શિયાળાની વાત છે, જ્યારે ગૌતમે ‘નોકરી’માં રોકાણ કર્યું. આ કંપની સંજીવ પુનવાની દ્વારા શરૂ કરવામાં આવી હતી જે ભારતીય કંપનીઓને વિદેશી કર્મચારીઓ લાવી આપતી હતી. તે જણાવે છે, “તે સમયે પાયાગત રોકાણકાર તરીકે ક્યારેય વિચાર નહોતો આવ્યો કે સહસ્થાપક બનીને તેનું સંચાલન કરવું છે. મારા માટે તો તે રોકાણ બીજા દસ રોકાણ જેવા જ હતા તેની પાછળ હું સમય અને શક્તિનો ખર્ચ કરતો હતો.”

થોડા સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. ગૌતમ અને સંજીવ ધીમે ધીમે આ કંપની પાછળ વધારે ને વધારે સમય પસાર કરવા લાગ્યા. જેમ જેમ તેઓ કામ કરતા ગયા તેમ તેમ તેમને ખ્યાલ આવતો ગયો કે આંતરરાષ્ટ્રીય સ્તરેથી કર્મચારી લાવવો તેમાં સ્થાનિક સ્તરે કેટલી મુશ્કેલી નડે છે. હવે જરૂર હતી કંઈક મોટું અને નક્કર કરવાની જે લાંબા સમય સુધી ટકી રહે.

વિદેશી લોકોને ખેંચી લાવવાની સંજીવની કળા તથા રિક્રૂટમેન્ટ ફર્મ ચલાવવાનો ગૌતમનો અનુભવ કામ કરી ગયા. તેનું પરિણામ આવ્યું ‘CBREX’. એક એવું ટેક્નોલોજી પ્લેટફોર્મ કે જેના દ્વારા સમગ્ર વિશ્વના રિક્રૂટમેન્ટ કન્સલ્ટન્સી અને ફ્રિલાન્સ રિક્રૂટરને એક સાથે જોડી શકાય.

હું એન્જલ ઈન્વેસ્ટિંગમાં છેલ્લાં પાંચ વર્ષથી કામ કરતો હતો, અને આ ક્ષેત્રમાં નજર જતાં તથા આંતરિક વિચારોના જોરે મેં કંઈક નવું કરવાની ઈચ્છાથી ઝંપલાવી દીધું. હું એવું કહીશ કે ‘CBREX’ પારંપરિક રીતે વિદેશી કર્મચારીઓને નોકરી રાખવાની ફર્મ બનાવવા દરમિયાન થયેલી ભૂલોનું સુખદ પરિણામ છે.

‘CBREX’ના સીઈઓ અને સહસ્થાપક ગૌતમ જણાવે છે, “હું દ્રઢપણે માનું છું કે આ સંસ્થા શરૂ કરવાના વિચારો અને સંસ્થાનો જન્મ ખરેખર એક ભૂલમાંથી થયો છે.”

તે કેવી રીતે કામ કરે છે?

આંતરરાષ્ટ્રીય સ્તરે રિક્રૂટર સાથે કર્મચારીઓનું એક્સચેન્જ કરવામાં આવે છે જેથી મધ્યમ અને લઘુ ઉદ્યોગોને મોટા રોકાણ વગર સારા કર્મચારીઓ ઉપલબ્ધ થઈ જાય. એમ કહી શકાય કે અમારી સંસ્થા વિદેશોમાંથી સક્ષમ વ્યક્તિને શોધી લાવે છે. ઉદાહરણ તરીકે જોઈઅ તો, ભારતીય કંપની ચીનના બેઈજિંગમાં વિસ્તરી રહી છે અને તેને કર્મચારીઓની જરૂર છે. તેવી જ રીતે ત્યાંની કોઈ કંપની છે જે ભારતમાં આવી રહી છે અને તેને કર્મચારીઓની જરૂર છે. આવી બંને સ્થિતિમાં અમે તેમને કર્મચારીઓ પૂરા પાડીએ છીએ.

દુનિયામાં ફેલાયેલા ટોચના 40 રિક્રૂટમેન્ટ કંપનીઓના નેટવર્કની મદદથી ‘CBREX’ ઉપરોક્ત કેસ માટે બંને દેશોના કર્મચારીઓની શોધ કરીને કંપનીની જરૂરીયાત પૂરી કરે છે. આ રીતે કંપની અને કર્મચારીને વિદેશમાં જવાની કે ફરવાની મુશ્કેલીમાંથી રાહત મળે છે તથા બંનેનું કામ પણ પાર પડી જાય છે. ‘CBREX’ માત્ર કર્મચારી અને કંપનીનો મેળાપ કરી આપે છે. તેઓ ક્યારેય કોઈ કંપની કે કર્મચારીને પોતાનામાં ભરતી કરતા નથી.

આવકનું માળખું

જ્યારે એક કામ પૂરું થાય છે ત્યારે કર્મચારીનો સપ્લાય કરનારને ઉમેદવારના CTCની 50 ટકા રકમ ચૂકવવામાં આવે છે. બીજી તરફ કંપની જેની પાસેથી ડિમાન્ડ કરતી હોય તેને 30 ટકા રકમ મળે છે. આ સંજોગોમાં મધ્યસ્થી તરીકે રહેલી ‘CBREX’ને 10 થી 20 ટકા ભાગ મળે છે.

ઉદાહરણ તરીકે જોઈએ કે, ભારતીય કંપનીને ચીનમાં ચીની કર્મચારી જોઈએ છે અને તેને મેળવી આપ્યો. ચાઈનિઝ એજન્સી કે જેણે કર્મચારી આપ્યો તે 50 ટકા રકમ લેશે જ્યારે ભારતીય રિક્રૂટિંગ કંપની 30 ટકા ભાગ લેશે. મે, 2015 બાદ કંપનીએ બે આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી કરી હતી. આ કામગીરી માટે 90 દિવસનો સમય લાગે છે.

‘CBREX’નો વિસ્તાર

‘CBREX’ની કામગીરીને યોગ્ય રીતે પાર પાડવા અલગ અલગ જગ્યાએ તેના કર્મચારીઓ રાખવામાં આવ્યા છે, જેમ કે મુંબઈમાં પાંચ, બેંગલુરુંમાં બે, એનસીઆરમાં એક, ચેન્નાઈમાં એક તથા યુએસએમાં બે. વિદેશોમાંથી કર્મચારીઓ લાવતા હોવાથી કંપનીએ વિદેશોમાં પણ પોતાની ટીમ બનાવી છે. આ 11 લોકોની ટીમમાંથી ચાર લોકો ભારતીય નાગરિક નથી.

આમ કરવા પાછળવો ઉદ્દેશ એટલો જ છે કે, ટીમમાં વિવિધતા આવે અને ભૌગોલિક રીતે તેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ આવી જાય. ભવિષ્યમાં આ ટીમના 80 ટકા સભ્યો ભારત બહાર તેમના દેશોમાં કામ કરતા હશે. વર્તમાન સમમયાં કંપની 20 લોકોની ભરતી કરવાનું વિચારી રહી છે જેઓ સારી રીતે સ્પેનિશ બોલી શકે અને દક્ષિણ અમેરિકામાં કંપનીનો વિસ્તાર કરી શકે.

વિસ્તારો પ્રમાણે થતું સંચાલન

વિસ્તારો અને દેશો પ્રમાણે સંચાલન કરવા માટે સંસ્થા પાસે પોતાનું નેટવર્ક છે. ઉપરાંત તે વિસ્તારના અને બજારના તથા ત્યાંની ભાષાના જાણકારો પણ છે. તેઓ ભારત અને મ્યાંમાર જેવા સાર્ક દેશોમાં પણ ઉપલબ્ધ છે. ચીન, કોરીયા અને જાપાનને બીજા ઝોનમાં, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ-પૂર્વ એશિયાને ત્રીજા ઝોનમાં વહેંચી નાખવામાં આવ્યા છે. આફ્રિકા ખંડની વાત કરીએ તો, ફ્રેન્ચ બોલતા દેશોના ફ્રાન્સ અને મધ્યપૂર્વના દેશો સાથે ચોથા ઝોનમાં ઉપરાંત સ્પેનિશ બોલતા દક્ષિણ અમેરિકા, પશ્ચિમ યુરોપ, યુકે અને સ્કેન્ડેન્વિયન દેશોનો પાંચમાં ઝોનમાં રાખવામાં આવ્યા છે. કંપની માટે અંતિમ બજાર છે ઉત્તર અમેરિકા.

વર્તમાન સમયમાં કંપની ચીન, ફિલિપિન્સ, સિંગાપુર, મોટાભાગનો આફ્રિકા, રોમાનિયા, સ્વીડન અને નોર્વે સહિતના 40 દેશોમાં પોતાની રીતે જ કામ કરે છે. આ દેશોમાં 50 જેટલી રિક્રુટમેન્ટ એજન્સીઓ જોડે જોડાણ કરવામાં આવ્યું હતું અને સપ્ટેમ્બર 2015 સુધીમાં તે આંકડો 100 સુધી પહોંચાડી દેવાયાની શક્યતા છે.

સતત વિકાસ

વર્તમાન સમયમાં જે 50 રિક્રૂટમેન્ટ એજન્સીઓ જોડે જોડાણ છે તે આંકડો વધારીને ડિસ્મ્બર 2015 સુધીમાં 500 સુધી પહોંચાડવાની યોજના છે. રિક્રૂટરના માપદંડો વિશે વાત કરતા ગૌતમ કેટલીક રસપ્રદ બાબતો કહે છે, “અમારે રિક્રૂટરના માપદંડોને અનુસરવું પડે છે કારણ કે આ એક જ કંપની છે જે કર્મચારી લાવી આપે છે અને તેની ડિમાન્ડ પણ કરે છે. વર્તમાન સમયમાં એવી ઈચ્છા છે કે દરેક માર્કેટમાંથી 1,00,000 રિક્રૂટરની મદદથી આગળ વધીને 6,00,000 રિક્રૂટિંગ એજન્સીઓ જોડે જોડાઈને ડિસેમ્બર 2018 સુધીમાં 30,000 કરતા વધારે લોકોની ભરતી કરાવવી છે.” તેઓ ચીન, અમેરિકા અને ભારતના બજારને મુખ્ય આધાર માને છે.

પ્રેરણા

સમગ્ર ચર્ચાના અંતે ગૌતમ તેમને તથા તેમની ટીમને કેવી રીતે પ્રેરણા મળે છે તે અંગે કહે છે, “મૂળ વિચાર ત્યારે આવ્યો જ્યારે જીવંત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમે લોકો કંપનીમાંથી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં પરિવર્તિત થવા માગીએ છીએ જેથી લોકોને ખ્યાલ આવે કે નાની કંપની પણ વૈશ્વિક સ્તરે કામ કરી શકે છે. અમે લોકો પરંપરાગત વિચારો અને અભિગમને બદલવા માગીએ છીએ જેથી કોઈપણ કદની સંસ્થાઓને વૈશ્વિક બજારમાં જઈને સારા અને સક્ષમ કર્મચારીઓની ભરતી કરવાની તક મળે. તેવી જ રીતે નાની કંપનીઓ પોતાનું ટેલેન્ટ વિદેશોમાં સરળતાથી મોકલી શકે, જેમાં ક્યારેય કોઈ ભૌગોલિક સ્થિતિનું નડતર ન રહે.”

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories