વિદર્ભના ખેડૂતો સીધા જ ગ્રાહકોને વેચે છે નારંગી! વચેટિયાઓની કનડગત થઇ દૂર, ખેડૂતો-ગ્રાહકોને વધુ લાભ

વિદર્ભના ખેડૂતો સીધા જ ગ્રાહકોને વેચે છે નારંગી! વચેટિયાઓની કનડગત થઇ દૂર, ખેડૂતો-ગ્રાહકોને વધુ લાભ

Friday December 18, 2015,

2 min Read

વિદર્ભના ખેડૂતોએ મહેનત કરીને ઉગાડેલી નારંગીઓ જાતે જ વેચવાનો અવસર આવે તે વધારે સારો છે. અધિકારીઓ જણાવે છે કે વિદર્ભના ખેડૂતો પોતે જ ઉગાડેલી નારંગીઓ જાતે જ વેચવા નીકળે છે જેના કારણે વચેટિયાઓની કનડગત જતી રહે, પૈસા વધારે મળે તથા ગ્રાહકોને પણ ફાયદો થાય અને તાજી વસ્તુ મળી રહે. થાણેના જિલ્લા પરિષદ ખાતે ફળો વેચવા માટે બનાવવામાં આવેલું કાઉન્ટર એટલું સફળ રહ્યું કે પહેલાં જ દિવસે ત્યાંથી 1.5 ટન ફળો વેચાયા.

image


મહારાષ્ટ્ર સરકારના કૃષિ તજજ્ઞ અમોલ પછાડે જણાવે છે કે, કેટલીક બાબતોનું નિરિક્ષણ કર્યા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે રાજ્યના 16 નગરો અને શહેરોમાં ફળોના સીધા વેચાણ માટે કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ શરૂઆત સર રતન તાતા ટ્રસ્ટના કો-ઓર્ડિનેટેડ એગ્રિકલ્ચર ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ તથા ઈન્ટરનેશનલ એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આઈએફએડી દ્વારા વિદર્ભના છ જિલ્લામાં ખેડૂતોને મદદ કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે, અંદાજે 70 ગામના 1,200 ખેડૂતોએ આ પ્રોજેક્ટમાં ભાગ લીધો છે. આવું જ સેલ ગત વર્ષે પૂણે, મુંબઈ અને બેંગલુરુમાં પણ રાખવામાં આવ્યું હતું જેમાં 128 ટન ફળો વેચાયા હતા અને તેના દ્વારા ખેડૂતોને પ્રતિ ટન 13 લાખનો ફાયદો થયો હતો. ખેડૂતોને વચેટીયાઓ અને વેપારીઓ દ્વારા ખૂબ જ ઓછા ભાવ આપવામાં આવે છે અને આ સ્થિતિના નિવારણ માટે જ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તજજ્ઞો જણાવે છે કે, આ વખતની સિઝનમાં દરેક જિલ્લામાંથી પાંચ ટન નારંગી વેચવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે અને તેને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ એગ્રિ પ્રોડક્ટ માર્કેટિંગ મેનેજર મોહન ઘાબ્બિરાઓએ જણાવ્યું કે, સંત ગાડગે બાબા અમરાવતિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને પોતાના ઉત્પાદોના સીધા વેચાણની વિવિધ તરકીબો શીખવવામાં આવી રહી છે.

અમરાવતી ખાતે હેડક્વાર્ટર ધરાવતા કોઓર્ડિનેટેડ એગ્રિકલ્કરલ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટના ડાયરેક્ટર રવિન્દ્ર ઠાકરે જણાવ્યું કે, ખેડૂતો જે જિલ્લામાં જઈ રહ્યા છે ત્યાંના લોકો તરફથી તેમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા પણ તેમને સહાય કરવામાં આવી રહી છે. થાને ઝેડપી સીઈઓ ઉદય ચૌધરીએ નાગરીકોને અપીલ કરી હતી કે તેઓ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ખેડૂતોને શક્ય એટલી મદદ કરે જેથી આ વિસ્તારના ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવી શકાય.


લેખક – પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા

અનુવાદ – રવિ ઈલા ભટ્ટ