જીવનની ખુશીની શોધમાં છોડી દીધી કોર્પોરેટ નોકરી અને મનાલીમાં ખોલી દીધું કૅફે!

ઝગમગાતી ઓફિસમાં ઊંચા હોદ્દા પર બેસી, તગડો પગાર મેળવવાથી જો ખુશી મળતી તો મોટા શહેરોમાં રહેતા લોકોના ચહેરા પર આમ નિરાશા ના દેખાતી! કંઇક આવું જ થયું રૂસથી ભારત આવીને વસેલી માર્ગેરિટાની સાથે!

0

ખુશી એ છે કે જે દિલનો અવાજ સાંભળીને ધડકે છે! એટલે કે, કંઇક એવું કરી છૂટીએ કે જેમાં દિલનો અવાજ હોય. રૂસના માસ્કો શહેરથી ભારત આવેલી માર્ગેરિટાને પોતાના દિલનો અવાજ કંઇક આવી રીતે સંભળાયો. તેણે નોએડાની એક જાણીતી બિલ્ડર કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકેની નોકરી એટલે છોડી, કારણ કે મોટું પદ અને તગડો પગાર પણ તેને ખુશી નહોતા આપી રહ્યાં. તેની ખુશી તો છૂપાયેલી હતી હિમાચલ પ્રદેશના મનાલીના એ નાનકડા કૅફેમાં! જે શરૂ કર્યા બાદ તેને પૂર્ણતાની લાગણી થઇ. 

માર્ગેરિટા અને વિક્રમ
માર્ગેરિટા અને વિક્રમ

માર્ગેરિટા અને વિક્રમે પોતપોતાની નોકરીઓ છોડી મનાલીમાં એક મોટું શાંતિપ્રિય કૅફે શરૂ કર્યું જ્યાં માર્ગેરિટા જાતે જ કૉફી બનાવે છે અને સર્વ કરે છે!

સવારે 9 વાગે કામ પર જવું, મીટીંગ્સ, ટાર્ગેટસ તેમની જિંદગીને નીરસ બનાવી રહ્યાં હતાં અને ત્યારે જ તેમણે આ નિર્ણય લીધો.

માર્ગેરિટા ઓલ્ડ મનાલીમાં એક નાનકડું કૅફે ચલાવી રહી છે. કૅફેમાં આવતા ગ્રાહકો માટે કૉફીથી લઈને ઘણી રેસિપી તે ખુદ તૈયાર કરે છે અને સર્વ પણ કરે છે. આ બધાં કામમાં તેમને મદદ કરે છે તેમના પતિ વિક્રમ જેમણે આ કૅફે ચલાવવા પોતાનું 22 વર્ષનું કોર્પોરેટ કરિયર છોડી દીધું.

વિક્રમ ગુડગાંવની એક મલ્ટીનેશનલ બેંકના ઉંચા હોદ્દા પર કામ કરતા અને સારો એવો પગાર પણ મેળવતા. પરંતુ ખુશીની તેમની પરિભાષા આ માપદંડો પર ખરી નહોતી ઉતરતી. એવામાં જ માર્ગેરિટાએ કંઇક એવું કરવાનો વિચાર કર્યો જેનાથી તેમને અસલી ખુશી મળે. સવારે 9 વાગે ઓફિસ જવું, મીટીંગ્સ, રીપોર્ટસ, ટાર્ગેટસ જિંદગીને નીરસ બનાવી રહ્યાં હતાં અને ત્યારે જ તેમણે નિર્ણય કર્યો પોતપોતાની નોકરી છોડી અસલી ખુશી મળે તેવું કંઇક કરવાનો.

માર્ગેરિટા અને વિક્રમના કૅફેની સફર કંઇક આવી રીતે શરૂ થઇ. લગભગ 5 વર્ષ પહેલા માર્ગેરિટા માસ્કોથી ભારતના પ્રવાસે આવી હતી. એ ટૂર દરમિયાન જ તેની મુલાકાત વિક્રમ સાથે થઇ. ટૂર પત્યા બાદ માર્ગેરિટા માસ્કો પરત ફરી. પરંતુ વિક્રમના સંપર્કમાં રહી. થોડા સમય બાદ માર્ગેરિટા નોકરી માટે ફરી ભારત આવી અને નોએડાની એક મોટી બિલ્ડર કંપનીમાં AGM તરીકે કામ કરવા લાગી અને એ જ સમય દરમિયાન માર્ગેરિટા-વિક્રમે લગ્ન કરી લીધા.

માર્ગેરિટા કહે છે,

"જે કામ અમે કરી રહ્યાં હતાં તેમાં પૈસા તો ઘણાં હતાં પરંતુ તેમાં ખુશી નહોતી. અમે અમારા માટે સમય નહોતા કાઢી શકતા. મારે કંઇક એવું કરવું હતું જે અમને બંનેને ખુશી આપે અને થોડા સમય બાદ માલૂમ પડ્યું કે અમે જે જીવન જીવી રહ્યાં છીએ તે અમારો મુકામ નથી. અમારે તો જીવનથી કંઇક બીજું જ જોઈએ છે."

તેણે આ અંગે વિક્રમને વાત કરી. વિક્રમ પણ અગાઉ લંડનમાં રહી ભારત પરત ફરેલા. આ અંગે વિક્રમનું કહેવું છે કે તેઓ એવું કંઇક કરવા ઈચ્છતા હતાં જેનાથી મનની શાંતિ અને ખુશી મળે. માર્ગેરિટાએ આ અંગે જ્યારે વિક્રમને વાત કરી ત્યારે વિક્રમ માટે તો જાણે ભાવતું હતું ને વૈદ્યે કહ્યું જેવી સ્થિતિ સર્જાઈ. તેમણે નોકરી છોડવામાં બિલકુલ વાર ના લગાડી.

માર્ગેરિટા અને વિક્રમે મનાલીના ઘણાં ચક્કર લગાવ્યા અને આખરે તે બંનેએ નિર્ણય કર્યો કે તેઓ મનાલીમાં એક કૅફે ખોલશે. આજે તે બંને ઓલ્ડ મનાલીમાં મસ્ત મજાનું કૅફે ચલાવી રહ્યાં છે. વિક્રમનું કહેવું છે કે આજે તેઓ એ બધું જ કરી શકે છે જે કરવાનું ક્યારેક તેઓ માત્ર વિચારતા હતાં.

મનાલીના આહલાદક વાતાવરણમાં રહેતા માર્ગેરિટા અને વિક્રમ ઘણી વાર ટહેલવા નીકળે છે. ઝરણાંઓ પાસે ક્યાંય સુધી બેસી રહે છે. સાઈકલ ચલાવે છે. માર્ગેરિટા નોએડાના પ્રદૂષણભર્યા વાતાવરણમાંથી બહાર નીકળીને ઘણી જ ખુશ છે. તે હવે બોર્ડ મીટીંગ્સની જગ્યાએ પોતાના કૅફેના કિચનમાં નવી રેસિપી તૈયાર કરીને અને ત્યાં ફરવા આવતા પર્યટકોને કૉફી પીવડાવીને ઘણી ખુશી અનુભવે છે. હવે તેઓ એ બધું જ કરી શકે છે જે કરવાનું તેમનું સપનું હતું અને જે કરવાનો તેઓ વિચાર કર્યા કરતા!

ઠંડીના સમયમાં, બરફ પડયા બાદ વિક્રમ ખુદ ડ્રાઈવ કરીને પૂરા દેશમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છે અને હાલ તેઓ એ ખુશી અનુભવી રહ્યાં છે જે તેમને કોર્પોરેટ સેક્ટરની મસમોટા પગારની નોકરીએ ક્યારેય નહોતી આપી!

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories