16 વર્ષની છોકરીએ બનાવ્યું દેસી AC!

આ ACની કિંમત માત્ર 1800 રૂપિયા છે જે સોલર સિસ્ટમથી ચાલે છે!

0

ઝાંસીની એક 16 વર્ષની છોકરીએ માત્ર 1800 રૂપિયામાં AC તૈયાર કરી બતાવ્યું છે. કલ્યાણી શ્રીવાસ્તવ નામની આ છોકરીના આ ACને IIT દિલ્હીએ, રાષ્ટ્રીય કક્ષા પર યોજાયેલી સ્પર્ધામાં પસંદ કર્યું છે. આ AC સોલર સિસ્ટમથી ચાલે છે જે પર્યાવરણ અને ગ્રામીણ પરિવેશને પણ અનુકૂળ છે.

કલ્યાણીના આ દેસી ACમાં થર્મોકોલથી બનેલા આઈસબોક્સમાં 12 બોલ્ટના DC પંખાથી હવા છોડવામાં આવે છે. એલ્બોથી ઠંડી હવાનો પ્રવાહ થાય છે. આ ACને એક કલાક ચલાવવાથી તાપમાનમાં 4-5 ડીગ્રીનો ફર્ક આવી જાય છે અને પર્યાવરણને પણ કોઈ નુકસાન નથી પહોંચતું.

કલ્યાણી શ્રીવાસ્તવ હજી માત્ર 16 વર્ષની છે અને ઝાંસીની રહેવાસી છે. મોંઘવારીના આ સમયમાં તેણે માત્ર રૂ.1800નું AC બનાવ્યું છે જે આર્થિક રીતે નબળા લોકોના ખિસ્સા પર ભારે નથી પડતું કારણ કે તેની કિંમત તો ઓછી જ છે અને સાથે સાથે તે સૌરઉર્જાથી ચાલે છે જેથી વીજળીના મોટા બિલથી પણ છુટકારો મળે છે.

આ ACના કારણે કલ્યાણીને જાપાનમાં યોજાનાર વૈજ્ઞાનિક કોન્ફરન્સમાં પણ આમંત્રણ મળ્યું. ઉત્તર પ્રદેશ સરકાર અને હિન્દી વર્તમાનપત્ર 'અમર ઉજાલા'ની સયુંકત પહેલ 'નારી સમ્માન' અભિયાન અંતર્ગત ગયા વર્ષે કલ્યાણીને ખેલકૂદ, શિક્ષણ, બહાદુરી, કલા, સામાજિક કાર્ય તેમજ ઉદ્યમશીલતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારી 6 મહિલાઓની સાથે સન્માનિત પણ કરવામાં આવી.

કલ્યાણી શ્રીવાસ્તવ પ્રતિભાશાળી તો છે જ, સાથે જ તે  સંગીત ક્ષેત્રે પણ કુશળતા ધરાવે છે. તેની ગાવાની પ્રતિભા દ્વારા પણ લોકોના દિલ જીતી ચૂકી છે. તે રિઆલિટી શો 'ઇન્ડિયન આઈડલ'ના ત્રણ રાઉન્ડ સુધી પહોંચીને પોતાની ટેલેન્ટ લોકો સુધી પહોંચાડી ચૂકી છે. કલ્યાણી લખનઉ, કાનપુર, આગ્રા, લખીમપુર, ઝાંસી, ગ્વાલિયર સહિત ઘણાં શહેરોમાં યોજાયેલી સંગીત સ્પર્ધાઓમાં 50થી વધુ ઇનામો જીતી ચૂકી છે.

લોકમાન્ય તિલક ઇન્ટર કોલેજની વિદ્યાર્થીનીના પિતા દિનેશ શ્રીવાસ્તવ શિક્ષણ વિભાગમાં અધ્યાપક છે. તેના માતા દિવ્યા શ્રીવાસ્તવ પણ શિક્ષિકા છે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories