બાપુ મહાન છે અને રહેશે...

બાપુ મહાન છે અને રહેશે...

Saturday September 17, 2016,

5 min Read

મારી તે કૉલમ રાષ્ટ્રપિતા એમ કે ગાંધી પર નહતી, પરંતુ એ લેખમાં તેમના સંદર્ભનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમના કારણે આપણને ભારતીયોને ખુલ્લી હવામાં શ્વાસ લેવાની તાકાત મળી. જેમને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ. મારા કેટલાક ટીકાકારોનું માનવું હતું કે હું તેમના માટે વાતો કરવા માટે અનુભવહીન છું અને મે લખેલી કૉલમ દ્વારા મેં તે મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. ભારતમાં કેટલાક સમય પહેલા સુધી કોઈ પણ તેમના વિશે વાત કરી શકતું હતું, તેમના વિશે કંઈ પણ જાણી શકતું હતું. ભારતના મહાન દીકરાએ કહ્યું હતું કે,

"મારા જીવનનું સૌભાગ્ય છે કે હું મહાત્મા ગાંધીને વ્યક્તિગત રીતે ઓળખું છું અને હું કહી શકું છું કે તેઓ નિર્મળ છે, સજ્જન છે, સાહસી છે. તેઓ સામાન્ય માણસોની વચ્ચેથી જ આવેલા એક સામાન્ય વ્યક્તિ છે, તે હીરો છે, દેશભક્તોની વચ્ચે એક સાચ્ચા દેશભક્ત છે."

આ વાત અન્ય કોઈએ નહીં, પણ ભારતના એક મહાન વ્યક્તિ ગોપાલ કૃષ્ણ ગોખલેએ કહી હતી. 

image


કેટલાક લોકોને મારી એ કૉલમ નિંદાત્મક લાગી. શું સાચ્ચે એવું હતું? આ વાતની ચર્ચા હું પછી કયારેક કરીશ. પરંતુ જો કોઈ એવી વ્યક્તિ હોય કે જેના હંમેશાં મેં વખાણ કર્યા છે તો તે છે એમ કે ગાંધી. ના તો હું તેમનો કટ્ટર અનુયાયી છું અને ના તો તેમનો અંધ ભક્ત. છતાં પણ હું ઈમાનદારીપૂર્વક માનું છું કે બ્રિટીશ સામ્રાજ્યની વિરુદ્ધ ભારતીયોને એકજુટ કરી વિજય અપાવવાનો શ્રેય જો કોઈને જાય છે તો તે બાપુ છે. જો કોઈ એક વ્યક્તિએ ભારતમાં સામૂહિક ચેતના જાગૃત કરી છે તો તે વ્યક્તિ મહાત્મા ગાંધી જ છે અને તેમણે આ કામ અપ્રચલિત રીતે કર્યું હતું. જ્યારે ઈતિહાસ અને સંસ્કૃતિઓનો ઉપયોગ હિંસા માટે કરવામાં આવતો ત્યારે બાપુએ બીજો રસ્તો પસંદ કર્યો. તેમણે પોતાના જીવના જોખમે અહિંસાનો માર્ગ પસંદ કર્યો.

બની શકે કે વર્તમાન પેઢી એ નથી જાણતી કે એક સમય એવો પણ હતો કે જ્યારે તેઓ હિંસાનું સમર્થન કરતા. આ વાત તેમણે જાતે સ્વીકારેલી છે. "જ્યારે હું ઇંગ્લેન્ડ ગયો હતો ત્યારે હું હિંસાનો સમર્થક હતો. ત્યારે મને અહિંસા પણ નહીં, હિંસા પર વિશ્વાસ હતો." પરંતુ તેમનામાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેમણે મહાન રૂસી લેખક લિયો ટોલ્સટોય વિશે વાંચ્યું. ગાંધી એક સાચ્ચી વ્યક્તિ હતી, તેમણે વર્ષ 1942માં લખ્યું હતું, "એક ઉદ્દેશ્ય.. વર્ષ 1906માં મને મળ્યું કે હકીકતનો ફેલાવો કરું અને માનવતાની વચ્ચે હિંસાની જગ્યાએ અહિંસાનું સ્થાન હોય."

હિંસા કોઈને પણ આકર્ષી શકે છે અને જેના પર પણ તેનો ફરક પડે છે તેમને હિંસા સનસનીખેજ અને મંત્રમુગ્ધ કરનારી લાગે છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો માલૂમ પડશે કે વીરો સાથે જોડાયેલી કેટલીયે વાતોની ભરમાર જોવા મળશે કે કેવી રીતે હિંસાએ ઈતિહાસને બદલીને મૂકી દીધો. વર્ષ 1917માં થયેલી રૂસી ક્રાંતિ તેનું ઉદાહરણ છે. આ એ સમય હતો કે જ્યારે માર્ક્સવાદ-સામ્યવાદને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહ્યો હતો. તેના કારણે કેટલાંયે દિગ્ગજ નેતાઓએ જન્મ લીધો. માર્ક્સવાદી મજૂરો અને કામકાજી વર્ગના નામે હિંસાને યોગ્ય ઠેરવતા જેથી એક વર્ગહીન સમાજનું નિર્માણ થઇ શકે અને શત્રુ વર્ગનો સામનો શક્ય બને. સાથે જ પૂંજીવાદના કારણે ગુલામી અને બંધનમાંથી લોકોને આઝાદ કરી શકાય. 

તેઓ અહિંસાને લઈને દ્રઢ વિશ્વાસી હતા, ગેટ બ્રિટનના વિરુદ્ધની લડાઈ લડવામાં 'સત્યાગ્રહ' આશાનું એક મોટું કિરણ હતું. જ્યારે સમગ્ર દેશ કર્ઝન વાયલીની હત્યા કરનારા મદલ લાલ ઢીંગરાને સાચ્ચા સાબિત કરવાના પ્રયાસોમાં લાગેલા હતો તેવામાં પણ ગાંધીજી ન પીગળ્યા. તેમણે કહ્યું કે, "ભારતમાં હત્યારાઓના રાજથી કંઈ નથી મળવાનું. પછી એ મહત્ત્વનું નથી કે વ્યક્તિ કાળો છે કે ધોળો. આ પ્રકારનાં રાજમાં ભારત સમગ્ર રીતે બરબાદ અને ઉજ્જડ બની જશે."

ગાંધીની મહાનતાનો પ્રચાર કરવો પણ કંઈ ખોટું નથી. ગાંધીની મહાનતાનો પ્રચાર કરવામાં કંઈ અસત્ય પણ નથી, તેમના સિદ્ધાંતોમાં સત્ય દેખાય છે. તેમણે ક્યારેય એવી કોઈ વાત નથી કહી જેનો અમલ તેમણે પોતાના જીવનમાં ન કર્યો હોય. તેના કારણે કેટલીયે વખત તેમના પરિવારે ઘણી પરેશાનીઓનો મુકાબલો કરવો પડ્યો. તેમના પત્ની કસ્તૂરબા સૌથી વધુ સહન કરવું પડ્યું. ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે સત્યાગ્રહ દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી. એ સમયે કસ્તૂરબા ઘણાં બીમાર હતા અને તેમની હાલત ઘણી ગંભીર હતી. ત્યારે લોકોએ ગાંધીને સલાહ આપી તેઓ પેરોલ પર બહાર આવી જાય, પરંતુ ગાંધી તેના માટે તૈયાર ન થયા. તેની જગ્યાએ તેમણે એક પત્ર લખ્યો, આજના મોડર્ન સમયમાં કદાચ જ કોઈ પતિ એવું કરે. 

બાપુના દીકરા હરીલાલ પણ તેમના વર્તનથી ખુશ નહતા. હકીકતમાં તો પછીથી તેઓ પોતાના પિતાથી ઘણાં પરેશાન રહેવા લાગ્યા. તેઓ એ વાત પર દુઃખી રહેતા કે ન માત્ર તેમના પિતાએ તેમના શિક્ષણ પર વધુ જોઈતું ધ્યાન આપ્યું પરંતુ કાયદાના શિક્ષણ માટે ઇંગ્લેન્ડ પણ ન મોકલ્યા. જ્યારે કે હરીલાલ ઇંગ્લેન્ડ જઈને કાયદાનું શિક્ષણ મેળવવા ઈચ્છતા હતા. હરિલાલે એક પત્રમાં પોતાના પિતાને લખ્યું હતું કે, "તમે અમને અજ્ઞાની બનાવી દીધા." તમે એવું પણ કહી શકો છો કે ગાંધી પોતાની પિતાની જવાબદારી નિભાવી ન શક્યા, પરંતુ હકીકત એ છે કે તેઓ કોઈ પણ ભોગે કોઈ જ પ્રકારનું સમાધાન કરવા નહતા માગતા. પછી ભલે તે તેમનો દીકરો જ કેમ ન હોય. જો તેઓ અન્યો પ્રત્યે કઠોર થઇ શકે છે તો પોતાના દીકરા સાથે પણ થઇ શકે છે.

સમકાલીન ભારતમાં જ્યાં દરેક રાજનેતા પોતાના બાળકોને આગળ વધારવામાં લાગેલા રહે છે, ત્યાં બીજી બાજુ ગાંધીજી એક ચમકતું ઉદાહરણ છે. તેમના વિચાર અને આકાંક્ષામાં હર કોઈ બરાબર હતું અને તમામની સાથે સમાન રૂપે વ્યવહાર પણ કર્યો. તેમના પ્રમાણે, ઇંગ્લેન્ડમાં કાયદાકીય શિક્ષણ માટે મળનારી સ્કોલરશીપ માટે છગનલાલ, હરીલાલના મુકાબલે વધુ લાયક હતા. તેનું પરિણામ એ આવ્યું કે પિતા અને દીકરા વચ્ચે દીવાલ ઉભી થઇ ગઈ. 

ગાંધીજી મહાન હતા કારણ કે તેઓ સાધારણ વ્યક્તિ હતા. હકીકત એ હતી કે તેઓ જે પણ બોલતા કે કરતા હતા તેમાં સ્પષ્ટતા રહેતી. તેમનું માનવું હતું કે સત્ય એવી વસ્તુ છે જેનાથી કોઈ સમાજના ચારિત્ર્ય અને વ્યક્તિ વિશે માલૂમ પડે છે. પરંતુ આજે આપણે એ સમયમાં જીવી રહ્યાં છીએ જ્યારે સત્યને આપણે એક કિનારા પર મૂકી દીધું છે. ગાંધી મહાન હતા અને મહાન રહેશે. માત્ર એક કૉલમ, ઈતિહાસના ચોપડામાં તેમનું સ્થાન નીચું નથી કરી શકતી. ઉલટાનું, તેમના જીવન અને સમય વિશે શોધખોળ કરવાથી ઈતિહાસ સમૃદ્ધ બનશે. તેના પર ચર્ચા ચાલતી રહેવી જોઈએ. 

 લેખક પરિચયઃ આશુતોષ

આશુતોષ ટીવીના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. તેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)