લોકોએ તેમને કહ્યાં પાગલ, થયો સામાજિક બહિષ્કાર, પણ તેમણે હાર ના માની, આપી મહિલાઓને એક અનોખી ભેટ!

પત્ની અને માતાએ કર્યો બહિષ્કાર, સમાજે તેમને તરછોડ્યા, મિત્રોએ તેમને પાગલ જાહેર કર્યા છતાં પણ ના માની હાર, સામાજીક ક્રાંતિ માટે કરી એક નવી શોધ

લોકોએ તેમને કહ્યાં પાગલ, થયો સામાજિક બહિષ્કાર, પણ તેમણે હાર ના માની, આપી મહિલાઓને એક અનોખી ભેટ!

Wednesday October 21, 2015,

7 min Read

તમિલનાડુના અરરૂણાચલમ મુરુગનાથનની ગણતરી આજે દેશના સફળ ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ એક મશીનના કારણે ભારતમાં એક એવી ક્રાંતિ આવી કે મહિલાઓને તેના દ્વારા ખૂબ જ ફાયદો થયો. મહિલાઓ માટે સસ્તા, પરંતુ ગુણવત્તાથી ભરપૂર સેનિટરી નેપકીન બનાવનારી મશીનની શોધ કરી અરૂણાચલમે દેશભરમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી. આ મશીન તૈયાર કરવા માટે તેમણે એક કારખાનું પણ ખોલ્યું. અરૂણાચલમની કંપની જયશ્રી ઇન્ડસ્ટ્રીઝે દેશના 29 રાજ્યોમાંથી 23 રાજ્યોમાં પોતાનું મશીન વેચ્યું છે અને હવે વિદેશોમાં પણ તેમના મશીનની માંગ થઇ રહી છે. ક્રાંતિકારી શોધ અને સફળ ઉદ્યોગના કારણે 2014ના વર્ષમાં તેમને વિશ્વપ્રસિદ્ધ ‘ટાઇમ્સ મેગેઝિન’માં દુનિયાના સૌથી પ્રભાવશાળી 100 લોકોની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. અરૂણાચલમને માત્ર એક કે બે નહીં પણ અનેક પુરસ્કારો મળ્યા છે.

image


પરંતુ સફળતા પાછળ તેમની પત્ની અને માતાનો બહિષ્કાર અને સમાજનો તિરસ્કાર પણ છે. માત્ર પરિવારના સભ્યોએ જ નહીં પરંતુ અન્ય સાથી મિત્રોએ પણ તેમની સાથે સંબંધો તોડી નાખ્યા. જ્યારે તેઓ નવી શોધ દરમિયાન કોઇ નવા પ્રયોગ કરે ત્યારે લોકો તેમને પાગલ કહેતા હતાં. તેમણે કેટલીયે વાર અપમાન સહન કરવા પડતા. પરંતુ કહેવાય છે ને કે વ્યક્તિ જ્યારે એક ધ્યેય સાથે કાર્ય કરે છે ત્યારે તેને મેળવવામાં દુનિયાની તમામ તાકાત લાગી જાય છે. આવી જ લગન અને ઇચ્છાના કારણે અરૂણાચલમ હાર માન્યા વગર પોતાનું કાર્ય કરતાં ગયા અને આજે તેઓ એક ગરીબ વ્યક્તિથી સફળ ઉદ્યોગપતિ બની ગયા છે.

અરૂણાચલમનો જન્મ તમિલનાડુના એક પછાત ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું એક દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમની પરિસ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ હતી. ઘર ખર્ચ માટે માતા ખેતરમાં કામ કરતી હતી પરંતુ સ્કૂલનો ખર્ચ ઉપાડી શકતી ના હતી અને તે કારણથી તેમણે અધવચ્ચે જ તેમનું ભણતર છોડી દેવું પડ્યું હતું. 14 વર્ષની ઉંમરે સ્કૂલ છોડ્યા બાદ અરૂણાચલમ રૂપિયા કમાવવા માટે અનેક જગ્યાએ નોકરી કરી.

સેનિટરી નેપકીન બનાવવાની ઇચ્છા લગ્ન પછી જાગૃત થઇ

image


1998માં અરૂણાચલમના લગ્ન શાંતિ નામની એક મહિલા સાથે થયા. લગ્નના થોડા સમય બાદ અરૃણાચલમે જોયું કે તેમની પત્ની સમાચારપત્રો અને કપડાના જૂના ટુકડા ભેગા કરતી અને ક્યાંક છુપાડતી. પત્નીને આમ કરતા જોઇને તે અરૂણાચલમને તે અંગે જાણવાની ઇચ્છા જાગૃત થઇ. તેણે તેની પત્નીને આ અંગે પૂછ્યું ત્યારે તેમની પત્નીએ માસિકધર્મ વિશે જણાવ્યું. આશ્ચર્યની વાત તો એ હતી કે આ માસિકધર્મ વિશે અરૂણાચલમને પહેલી વખત જાણ થઇ હતી. તેની પત્નીએ જણાવ્યું કે જો હું બહારથી કાપડ નવા ખરીદીશ તો ઘરખર્ચ વધી જશે. એટલા માટે આ સમાચારપત્રો અને અને કપડાના ટુકડાનો ઉપયોગ કરું છું. આ અંગે અરૂણાચલમને વધારે જાણવાની ઇચ્છા થઇ. તેમણે આ અંગે વધુ માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને જાણ થઇ કે આ રીતે ગંદા કપડા કે કાગળનો ઉપયોગ કરવાથી કેન્સર જેવી બીમારી થઇ શકે છે અને તે સ્વાસ્થ્ય માટે સારૂ નથી.

આ માટે અરૂણાચલમે તેના અન્ય વિકલ્પ અંગે તપાસ કરી તો સેનિટરી નેપકીન વિશે જાણવા મળ્યું. એક દિવસ દુકાનમાં જઇને સેનિટરી નેપકીન લઇ આવ્યા અને તેની પત્નીને આપ્યા. આ એક નેપકીનની કિમત 40 રૂપિયા હતી. આ માટે તેની પત્નીએ તેને બીજા વાર આવા ખર્ચા કરવાની ના પાડી. અરૂણાચલમને આશ્ચર્ય એ થયું કે આ નાનકડા નેપકીનમાં માત્ર 10 ગ્રામ કપાસ જાય છે અને 10 ગ્રામ કપાસ 10 પૈસામાં મળે છે તો પછી આ નેપકીનની કિમત કીંમત 40 ગણી વધારે કેમ લેવામાં આવે છે. આ જાણી અરૂણાચલમનું દિમાગ ચકરાવવા લાગ્યું. તેણે હવે તેની પત્ની માટે જાતેજ સેનિટરી નેપકીન બનાવવાનો નિર્ણય લીધો અને તૈયાર કર્યું. તેણે તેની પત્નીને આ નેપકીન આપીને કહ્યું કે તે તેના ફીડબેક આપે. ત્યારે તેમની પત્નીએ તેમને એક મહિનો રાહ જોવાનું કહ્યું. પરંતુ તે એક મહિના સુધી રાહ જોઇ શકતા ના હતા. તેમણે ગામડાંની અન્ય મહિલાઓ અંગે વિચાર્યું જે લોકો પણ આ રીતે જ ગંદા કપડાં અને કાગળનો ઉપયોગ કરતા હતાં. જે સ્વાસ્થ્ય માટે ઘણાં હાનિકારક છે.

બસ ત્યારથી અરૂણાચલમે નક્કી કરી લીધું કે જ્યાં સુધી તે મહિલાઓ માટે સારું, સસ્તું અને સવાસ્થ્ય માટે યોગ્ય હોય તેવું સેનિટરી નેપકીન નહીં બનાવી લે ત્યાં સુધી તે ચેનથી બેસશે નહીં.

કેવી રીતે બનાવ્યું સેનિટરી નેપકીન?

અરૂણાચલમે હવે વધારે સેનિટરી નેપકીન્સ તૈયાર કર્યા અને તેની બહેનોને આપીને કહ્યું કે તેઓ આ અંગે તેમને ફીડબેક આપે, પરંતુ બહેનોએ તેને ઘમકાવી પાછો મોકલી દીધો. પરંતુ તેમણે હાર ના માની. તેમણે નક્કી કર્યું કે તેઓ કોલેજમાં જઇને ત્યાંની છોકરીઓ સાથે વાતચીત કરશે. અરૂણાચલમે કોલેજની 20 છોકરીઓને નેપકીન મફતમાં આપ્યા અને સાથે એક ફોર્મ પણ આપ્યું જેથી તેઓ તેના ફીડબેક તેમાં લખીને આપી શકે. થોડા સમય પછી તેઓ જ્યારે ફરી કોલેજ ગયા ત્યારે તેમણે જોયું કે બે–ત્રણ છોકરીઓ આમ જ પોતાની મરજીના ફીડબેક લખી રહી હતી. અરૂણાચલમને એ વાતનો અહેસાસ થયો કે આ રીતે ફીડબેક લેવા યોગ્ય નથી.

image


અરૂણાચલમને એક બીજો વિચાર આવ્યો જે થોડો અલગ અને લોકોને ચોંકાવનારો હતો. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતે જ પોતાના બનાવેલા સેનિટરી નેપકીનનો ઉપયોગ કરીને જાણશે કે તેમાં વધારે શું કરવું જોઇએ. પોતે પુરુષ હોવાના કારણે માસિકધર્મ થઇ શકે નહીં. આ માટે તેમણે પોતાના શરીરમાંથી રક્તસ્ત્રાવ થાય તે માટે કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું જેમાં એક નાનકડું કાણું પાડ્યું. હવે તેમાં અસલી બ્લડ મળી રહે તે માટે એક કસાઇ સાથે વાતચીત કરી લીધી અને બકરીના લોહીનો ઉપયોગ કરવા લાગ્યા. લોહીથી ભરેલા આ કાણાવાળા ફૂટબોલ બ્લેન્ડરથી બનેલા કૃત્રિમ ગર્ભાશય પર પોતાની બનાવેલું નેપકીન પહેરી પોતે જ્યાં ત્યાં ફરવા લાગ્યા, ક્યારેક સાઇકલ ચલાવે તો ક્યારેક દોડે. તે જાણવા માગતા હતા કે આ એક નેપકીન કેટલા સમય સુધી લોહીને બહાર આવતા રોકી શકે છે. તેમના માટે આ એક મિશન હતું, એક પ્રયોગ હતો. પરંતુ તેમની માતા અને પત્ની તેમની આ પ્રકારની હરકતોથી કંટાળી ગયા અને જુદા રહેવા ચાલ્યા ગયા. ગામમાં પણ લોકો અરૂણાચલમને ગાંડો કહેવા લાગ્યા હતાં. જ્યારે કેટલાંક લોકોને તો લાગતું હતું કે તેને કોઈ લૈંગિક રોગ થઇ ગયો છે. તે કેટલાંકને તો એવું લાગતું કે અરૂણાચલમને ભૂત વળગ્યું છે.

એક દિવસ તો ગામના બધા લોકોએ ભેગા થઇને અરૂણાચલમને એક વૃક્ષ સાથે બાંધી દીધો અને કોઇ તાંત્રિકની સલાહથી તેને માર મારવા લાગ્યા. ગમે તેમ કરીને તેઓ ત્યાંથી બચીને નીકળી તો ગયા પરંતુ તેમને પોતાનું ગામ છોડવું પડ્યું.

અનેક પ્રકારના પ્રયોગ કરવા છતાં પણ તેઓ જાણી ના શક્યા કે વિદેશી કંપનીઓ આ સેનિટરી નેપકીન કેવી રીતે બનાવે છે. તેમને લાગ્યું કે કપાસ ઉપરાંત અન્ય કોઇ વસ્તુ પણ છે જેનો ઉપયોગ તેમાં થાય છે.

અરૂણાચલમે તેમના જાણીતા કોઇ પ્રોફેસરની મદદ લઇને વિદેશી કંપનીઓને ચિઠ્ઠી લખી કે તેઓ આ સેનિટરી નેપકીનમાં કપાસ સિવાય બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરે છે. પરંતુ તેમને કોઇ જવાબ મળ્યો નહીં. લગભગ બે વર્ષની મહેનત પછી તેમને ખ્યાલ આવ્યો કે સૈલુલોજ ફાઇબરનો ઉપયોગ સેનિટરી નેપકીન બનાવવામાં કરવામાં આવે છે. આ સૈલુલોજ ફાઇબર પાઇન બાર્ક વુડ પલ્પમાંથી નીકળે છે. આ જાણકારી પ્રાપ્ત થતા તેમના મનમાં એક નવો ઉત્સાહ જાગૃત થયો.

અરૃણાચલમે હવે નેપકીન બનાવવાના મશીનની શોધ કરવાની શરૂઆત કરી. તેમને આ દરમિયાન જે જાણકારી મળી તેનાથી તેઓ દંગ રહી ગયા. કારણ કે સૌથી સસ્તી મશીનની કિંમત રૂપિયા 3.5 કરોડ હતી. હવે તેમણે નક્કી કરી લીધું કે તેઓ સેનિટરી નેપકીન બનાવવાનું મશીન પણ તૈયાર કરશે. તેમની તનતોડ મહેનતના અંતે તેમણે સસ્તા અને સારી ગુણવત્તાવાળા સનિટરી નેપકીન તૈયાર થઇ શકે તેવું મશીન ઓછા ખર્ચમાં તૈયાર કરાવ્યું. જેની કિંમત માત્ર રૂ.65 હજાર હતી. બસ ત્યારથી અરૂણાચલમે ક્યારેય પાછળ ફરીને જોયું જ નહિં, તેઓ સતત પ્રગતિ કરતા જ ગયા.

જિંદગીમાં આવ્યો એક નવો બદલાવ...

અરૂણાચલમને તેમની આ સફળતા માટે આઇઆઇટી મદ્રાસ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ જાણવા માંગતા હતા કે અરૂણાચલમે સેનિટરી નેપકીન બનાવવાનું મશીન કેવી રીતે તૈયાર કર્યું. અરૂણાચલમની આખી જીવનકથની સાંભળ્યા બાદ આઇઆઇટીના વૈજ્ઞાનિકો અને અન્ય લોકો ખૂબ જ પ્રભાવિત થઇ ગયા હતાં. આજ લોકોએ અરૂણાચલમનું નામ ‘ઇનોવેશન્સ એવોર્ડ’ માટે મોકલ્યું. અરૂણાચલમે આ એવોર્ડ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હાથેથી મેળવ્યો.

આ એવોર્ડ બાદ અરૂણાચલમની ખૂબ જ પ્રગતિ થઇ. બધાથી ઉત્સાહિત થઇને તેમણે અજયશ્રી ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી. જ્યાં સેનિટરી નેપકીન બનાવતી મશીનનું વેચાણ થાય છે. ઉદ્યોગ જગતમાં આજે તેઓ ઘણી ખ્યાતિ મેળવી ચૂક્યાં છે.

અરૂણાચલમના મશીનના કારણે દેશભરમાં સસ્તા અને સારી ક્વોલિટી ધરાવતાં સેનિટરી નેપકીન બનવા લાગ્યા અને ખૂબ વેચાવા પણ લાગ્યા. જેના દ્વારા મહિલાઓમાં પણ ઘણી જાગરૂકતા લાવી શકાઇ કારણ કે તેઓ જે ગંદા કપડાનો ઉપયોગ કરતા હતા તેઓ હવે સેનિટરી નેપકીનનો ઉપયોગ કરવા લાગ્યા જેનાથી બીમારીની સમસ્યા ઘણી ઓછી થઇ ગઇ.

આ દરેક બાબતનો શ્રેય અરૂણાચલની મહેનત, કોશિશ અને સંઘર્ષને જાય છે કે જેના દ્વારા ભારતમાં એક નવી ક્રાંતિ આવી. અને તેના દ્વારા મહિલાઓ અને છોકરીઓને ઘણાં લાભ થયા.

પરિવાર હવે ગર્વ અનુભવે છે!

અરૂણાચલમની સફળતા બાદ તેમનો પરિવાર તેમની પાસે પાછો આવી ગયો. જે લોકો તેમને પાગલ કહેતા હતા તેઓ આજે તેમના વાક્યો પર ખૂબ જ પસ્તાવો કરી રહ્યાં છે. તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યો આજે તેમના પર ગર્વ અનુભવી રહ્યાં છે.

દેશ – દુનિયાની મોટી મોટી સંસ્થાઓ આજે અરૂણાચલમને તેમના વિચારો વ્યક્ત કરવા બોલાવી રહી છે.

આજે અરૂણાચલમ માત્ર શોધકાર જ નહીં, પરંતું એક સફળ ઉદ્યોગપતિ, સમાજસેવક, માર્ગ પ્રદર્શક, આદર્શ અને ક્રાંતિકારી વ્યક્તિ છે.