અનાથ અને નિરાધાર બાળકો માટે ‘પ્રેરણા સેવા સંસ્થાન’ અને ઝૂંપડપટ્ટીઓમાં રહેતા બાળકો માટે એક 'ડે કેર સેન્ટર'

0

‘‘मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, लोग मिलते गए कारवां बढ़ता गया।’’

દેશની રાજધાની દિલ્હી પાસેના જ ગાઝિયાબાદમાં અનાથ અને નિરાધાર બાળકો માટે આશ્રયગૃહ ચલાવનાર તરુણ ગુપ્તાના જીવન માટે આ પંક્તિઓ યોગ્ય લાગે છે. વર્ષ 2006માં પોતાના દીકરાના જન્મ પછી ભેટ સ્વરૂપે મળેલી વસ્તુઓ ગરીબ બાળકોમાં વહેંચવાનું શરૂ કરવાનું તેમનું અભિયાન સમય સાથે વિશાળ થતું ગયું અને અનેક લોકો તેમના આ અભિયાનમાં જોડાવા લાગ્યા. તેનું જ પરિણામ છે અનાથ અને નિરાધાર બાળકો માટે ચાલી રહેલું ‘પ્રેરણા સેવા સંસ્થાન’ તથા ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા ગરીબ બાળકો માટે ચાલી રહેલું એક 'ડે કેર સેન્ટર.'


સમયની સાથે ક્યારે તરુણ ગુપ્તા પોતાના સેવાભાવના કારણે આચાર્ય તરુણ ‘માનવ’ થઈ ગયા તેની તેમને પોતાને જાણ નથી. ખોવાયેલા બાળકોને શોધવા માટે ગાઝિયાબાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાન ‘ઓપરેશન સ્માઈલ’માં તેમના સક્રિય સહયોગે અભિયાનની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી. સેલ્સ અને માર્કેટિંગમાં સ્નાતકોત્તર થયેલા તરુણ વર્ષ 2006 સુધી અનેક મોટી કંપનીઓને મેનપાવર સપ્લાય કરતી કન્સલટન્સી ફર્મનું સંચાલન કરતા હતા. આ દરમિયાન તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો અને ત્યાર પછી તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે પોતાનું જીવન બીજાઓને સમર્પિત કરી દીધું.

શરૂઆત અંગે વાત કરતા તરુણ જણાવે છે, "મારા પુત્રના જન્મ સમયે અમારા ઘરે નવજાત બાળક માટેના સામાનનો ઢગલો થઈ ગયો અને તેથી મેં કેટલોક સામાન મારી ઓફિસની આસપાસ આવેલી ઝૂંપડપટ્ટીઓમાં વહેંચવાનું શરૂ કરી દીધું. થોડા દિવસોમાં મારી આસપાસ રહેતા લોકોએ પણ તેમના ઘરે રહેલો જૂનો સામાન, કપડાં વગેરે ગરીબ બાળકોને આપવાની શરૂઆત કરી દીધી. આ રીતે ધીમે ધીમે મને આ કામમાં રસ પડવા લાગ્યો."

કેટલાક વર્ષો સુધી લોકોની આ પ્રકારે મદદ કરવા દરમિયાન તેમની સામે ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા બાળકોના જીવનની કડવી વાસ્તવિકતા આવી જેણે આ બાળકોના જીવનની દયનિયતા અને દુર્દશા રજૂ કરી. ત્યારબાદ તેમણે બાળકો માટે કામ કરનારા નોબેલ પારિતોષક વિજેતા કૈલાશ સત્યાર્થીની સંસ્થા 'બચપન બચાઓ આંદોલન'નો સંપર્ક સાધ્યો અને ‘ચાઈલ્ડ રાઈટ એડવોકેસી’નો પ્રારંભ કર્યો. તરુણ જણાવે છે, "તે સમયે અમે બચપન બચાઓ આંદોલન સાથે મળીને ગરીબ અને અનાથ બાળકો સાથે સંબંધિત સરકારી યોજનાઓને જાણવાનો અને સમજવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અમે વિવિધ સરકારી વિભાગો દ્વારા સંચાલિત યોજનાઓની જાણકારી મેળવી અને આ દરમિયાન જાણ્યું કે મોટાભાગની યોજનાઓ યોગ્ય રીતે જરૂરિયાતવાળા વર્ગ સુધી પહોંચતી જ નથી. અમે સતત સંબંધિત વિભાગો અને મંત્રાલયો સાથે સંપર્ક સાધવાનું ચાલુ રાખ્યો અને બાળ અધિકારોના ઉલ્લંઘનના કેસ એનસીપીસીઆર અને એનએચઆરસી સામે મૂકતા ગયા.

"કેટલાક સમય સુધી આ બાળકોના અધિકારો માટે લડવા દરમિયાન અમને સમજાયું કે દેશમાં સતત ગાયબ થઈ રહેલા બાળકોની જાણકારી ઉપલબ્ધ કરાવે તેવી કોઈ સંસ્થા જ નથી." તરુણ વધુમાં જણાવે છે, "આપણા દેશમાં દર વર્ષે હજારો બાળકો ગાયબ થયા છે અને તે સમય સુધી કોઈ કેન્દ્રિય અહેવાલ ઉપલબ્ધ નહોતો. તેને ધ્યાનમાં રાખીને જ મેં ‘મિસિંગ ચિલ્ડ્રન ઓફ ગાઝિયાબાદ’નું પ્રકાશન શરૂ કર્યું જેમાં દર વર્ષે ગાઝિયાબાદમાંથી ગાયબ થનારા બાળકોની સંપૂર્ણ જાણકારી આપવામાં આવતી. મેં 2012 સુધી તેનું પ્રકાશન કર્યું અને 2012માં અનાથ બાળકોને આશ્રય મળે તે માટે 'જુવેનાઈલ જસ્ટિસ એક્ટ' હેઠળ એક બાળ આશ્રમની નોંધણી કરાવી જે ગાઝિયાબાદનો પહેલો આવો આશ્રમ હતો."

તે ઉપરાંત ભીખ માગતા અને રસ્તા પર કચરો સાફ કરતા કે માથે મેલુ ઉપાડતા બાળકોને પણ શિક્ષણ આપવા માટે એક 'ડે કેર સેન્ટર'ની શરૂઆત કરી જે વિવેકાનંદનગર વિસ્તારમાં કાર્યરત છે. હાલમાં આ સેન્ટરમાં 45 બાળકો નોંધાયેલા છે અને અહીંયા આ બાળકોના અભ્યાસ ઉપરાંત પ્રાથમિક ઉપચાર, સિઝન પ્રમાણે કપડાં, દાંત અને આંખોની ચકાસણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે.


હાલમાં તેમનો ‘પ્રેરણા પરિવાર બાળ આશ્રમ’ ગાઝિયાબાદના કવિનગર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં ચાલી રહ્યો છે જેમાં 26 અનાથ અને નિરાધાર બાળકો રહે છે તથા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. તરુણ જણાવે છે, "શરૂઆતમાં અમારી સામે અનેક પ્રકારની સમસ્યાઓ આવી. સૌથી મોટી સમસ્યા આશ્રમની સ્થાપના માટે જગ્યા અને તેના સંચાલન માટે ભંડોળ ભેગું કરવાની હતી. અમારી સંસ્થા એક એવી સંસ્થા છે જે અત્યારે પણ કોઈપણ પ્રકારની સરકારી મદદ વગર માત્ર દાનના આધારે ચાલે છે અને અત્યારે અમારી સાથે રહેતા 18 બાળકો એક સ્થાનિક ખાનગી શાળામાં અભ્યાસ માટે જાય છે. આ તમામ બાળકોની ફી સમયસર ભરી દેવામાં આવે છે. અમે સતત એવો પ્રયાસ કરીએ છીએ કે આ બાળકોને સારામાં સારી સુવિધાઓ આપવામાં આવે જેથી આ બાળકો આવનારા સમયમાં દેશના જવાબદાર નાગરિક બનીને પોતાનું જીવન પસાર કરી શકે."


તરુણ જણાવે છે કે અનેક વખત એવી સ્થિતિ આવી હતી કે તેમના માટે આશ્રમ ચલાવવો મુશ્કેલ બની ગયું હતું. તેમનો આશ્રમ લોકોની સહાય દ્વારા જ ચાલે છે અને હવે સમય બદલાતા લોકો જાતે જ તેમની મદદ માગે આગળ આવી રહ્યા છે. લોકોની મદદથી જ તે ટૂંક સમયમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 24 પર પોતાની જગ્યા ખરીદીને એક આશ્રમ તૈયાર કરાવવાના છે. તરુણ જણાવે છે કે, અમે હાલમાં 45 લાખ રૂપિયામાં પોતાની 200 ગજ જગ્યા ખરીદી છે જ્યાં અમે આધુનિક સુવિધાઓ ધરાવતો આશ્રમ તૈયાર કરવા માગીએ છીએ. આ જગ્યા ખરીદવા માટે મેં મારી દુકાનો પણ વેચી દીધી છે. ટૂંક સમયમાં જ અમે આશ્રમનું નિર્માણ કાર્ય શરૂ કરીશું અને તેને પૂરું કરવા માટે 2.5 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

નોબેલ પારિતોષક વિજેતા અને 'બચપન બચાઓ આંદોલન'ના પ્રણેતા કૈલાશ સત્યાર્થીને પોતાના આદર્શ માનનારા તરુણ લોકોને યોગ વગેરે કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે જેથી લોકો હવે તેમને 'આચાર્ય' તરીકે ઓળખવા લાગ્યા છે. તે ઉપરાંત તરુણ જણાવે છે કે તેઓ નાત-જાતમાં કોઈ વિશ્વાસ ધરાવતા નથી અને માનવતા જ તેમના માટે સૌથી મોટી બાબત છે. આ કારણે હવે લોકો તેમને 'આચાર્ય તરુણ માનવ'ના નામે ઓળખવા લાગ્યા છે.

આ આશ્રમનું સંચાલન કરવા ઉપરાંત આચાર્ય તરુણ રસ્તા પર ભીખ માગનારા અને કચરો ઉપાડનારા તથા અનાથ બાળકોના પુનર્વસન માટે પણ સક્રિય છે. ઉપરાંત તેઓ આસપાસના વિસ્તારોમાં બાળ અધિકારો પ્રત્યે લોકોને જાગ્રત કરે છે. લોકોના ઘરમાં નોકરોની જેમ કામ કરનારા બાળકોને પણ તેમાંથી મુક્તિ અપાવવામાં તરુણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને આવી કોઈ સૂચના મળતાની સાથે જ સ્થાનિક પોલીસની મદદથી બાળકને મુક્ત કરાવે છે. આ રીતે તેમણે અનેક બાળકોને મુક્ત કરાવીને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કામ કર્યું છે.


અંતે આચાર્ય તરુણ માનવ પોતાની વાતને વિરામ આપવા જાણીતા શાયર નિદા ફાઝલીનો એક શેર જણાવે છે જીવન જીવવાના તેમના ઉદ્દેશ સાથે બિલકુલ તાલમેલ ધરાવે છે,

‘ઘર સે મસ્જિદ હૈ બહુત દૂર ચલો યૂં કર લેં,

કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાએ.’