પિતાની મોતના આઘાતમાંથી હિંમતપૂર્વક બહાર આવી વાણી ભાટિયા પહોંચી એક નવા મુકામ પર

0

17 વર્ષની ઉંમરે વાણીએ જ્યારે પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે તેણે જોયું કે તેની માતા જેની પાસે કોઈ વ્યાપારિક આવડત નથી તે પિતાની વ્યવસાયને સાચવવા મથી રહી છે અને બીજી તરફ 13 વર્ષના પુત્રને પણ સાચવી રહી છે. અને ખૂબ જ નાની ઉંમરે વાણીએ પોતાને મુશ્કેલ સ્થિતિમાં ઘેરાયેલી જોઈ હતી.

તેને એક વાતનો ખ્યાલ આવી ગયો હતો તેની માતાને સાથ આપીને તમામ બોજ અડધો કરાવવાને પ્રાથમિકતા આપવી પડશે. ત્યારપછી તે પોતાના પિતાના વ્યવસાયને ફરી શરૂ કરવા પોતાની માતાને પ્રોત્સાહન અને સહકાર આપવા લાગી. અત્યાર સુધી ગૃહિણી તરીકે જીવન પસાર કરનાર વાણીની માતાને 42 વર્ષે પારીવારિક વ્યવસાયમાં સામંજસ્ય સાધવાનું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું, પરંતુ ધીમે ધીમે પ્રાથમિક પડકારોનો એક પછી એક સામનો કર્યા બાદ તેઓ વ્યવસાય સાથે તાલમેલ સાધવામાં સફળ રહ્યાં.

આ સમય વાણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો કારણ કે આ સમયમાં જ તેને અન્ય લોકો વિશે જાણવાની અને મુશ્કેલીના સમયમાં તેમના તરફથી કેવી પ્રતિક્રિયા આપવામાં આવે છે તે શીખવાની તક મળી હતી.

લોકપ્રિય ફેશન પોર્ટલ Gritstones.comની સ્થાપક વાણી કહે છે, “જ્યારે આપણો સારો સમય ચાલતો હોય ત્યારે આપણને કશું જ શીખવા નથી મળતું પણ જ્યારે કપરો કાળ ચાલતો હોય ત્યારે જ ઘણું શીખવા મળે છે. એ સમય મારા માટે ખૂબ જ કપરો હતો જેણે મને ઘણું બધું શીખવાડ્યું.”

એક મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલી અને દિલ્હીમાં જ ઉછરેલી વાણીએ પોતાનું શિક્ષણ પણ દિલ્હીમાં જ પ્રાપ્ત કર્યું હતું. તેણે કોમર્સમાં સ્નાતક કર્યા બાદ ‘ઈન્ટરનેશનલ કોલેજ ઓફ ફેશન’માંથી ફેશનની અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરી.

ફેશનનો કોર્સ કરવા દરમિયાન ‘સૌથી સર્જનાત્મક ડિઝાઈનર’ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવેલી વાણી પોતાનો બિઝનેસ કરવા માટે તત્પર બની. વાણી જણાવે છે, “મારી માતાએ મને એમબીએ કરાવવા માટે કેટલીક રકમ ભેગી કરી હતી પણ તેને મારા બિઝનેસ માટે રોકવા મેં તેમને સમજાવી લીધા. શરૂઆતમાં તેઓ માનતા નહોતા પણ સમય જતાં મેં તેમને મનાવી લીધા. શરૂઆતમાં તેણે કેટલીક સ્થાનિક બ્રાન્ડ માટે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારપછી તેને વીડિયોકોન જેવી મોટી કંપની સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો.”

પ્રાથમિક પડકારો પાર કર્યા બાદ વાણીને સફળતા ત્યારે મળવાની શરૂઆત થઈ જ્યારે વીડિયોકોન અને અન્ય મોટી કંપનીઓએ તેની ક્ષમતા જોઈને તેને કોર્પોરેટ ઓર્ડર આપવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં તે બીબા, ગુડ અર્થ અને યુનાઈટેડ કલર્સ ઓફ બેનેટન જેવી બ્રાન્ડ સાથે કામ કરવા લાગી.

વાણી જણાવે છે, “એક સમયે મને અનુભવ થયો કે મારે આ બ્રાન્ડ માટે કામ કરવાના બદલે પોતાની જ એક બ્રાન્ડ શરૂ કરવી જોઈએ અને ત્યારબાદ વર્ષ 2011માં Gritstonesની સ્થાપના થઈ. તે સમયે ઈ-કોમર્સનું બજાર ઝડપથી પોતાનો પ્રસાર કરી રહ્યું હતું. આ સ્થિતિનો લાભ લેવા માટે અમે અમારી બ્રાન્ડને ઓનલાઈન લાવવાનું નક્કી કર્યું. ખૂબ જ સામાન્ય શરૂઆતના કારણે તેણે નાના નાના ડગ માંડ્યા અને સમય જતાં તેણે ગુજરાતના અમદાવાદમાં પોતાનો પહેલો ઓફલાઈન સ્ટોર શરૂ કર્યો.

ખૂબ જ સામાન્ય સ્તરે પોતાનું કામ શરૂ કરનાર વાણી લાંબી સફર પસાર કરવામાં સફળ રહી. હાલમાં તેના દ્વારા તૈયાર કરાયેલા ડિઝાઈનર કપડાંની બે બ્રાન્ડ બજારમાં ઉપલબ્ધ છે, Gritstones અને Vvoguish. તેમાં ગ્રિટસ્ટોન્સ સામાન્ય રીતે પુરુષોના કપડાં તૈયાર કરે છે જ્યારે બીજી બ્રાન્ડ મહિલાઓ માટેના કપડાં તૈયાર કરવા માટે જાણીતી છે. જ્યાં એક તરફ ગ્રિટસ્સોન્સના કપડાં મિન્ત્રા, જબોંગ, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા તમામ ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે ત્યાં બીજી તરફ વોગ્યુઈશના વસ્ત્રો પણ હોમશોપ-18 અને અન્ય ટીવી ચેનલ્સ પર જોવા મળે છે. સર્જનાત્મક ગુણોની માલિક વાણી કહે છે કે, ભવિષ્યમાં તે સ્ટાઈલિશ પરિધાનો તૈયાર નહીં કરતી હોય તો સિરિયલ અથવા તો ફિલ્મોના નિર્દેશનમાં પોતાનો હાથ અજમાવતી હશે.

હાલમાં હવે તે એક સફળ વ્યવસાઈ છે પણ નાની ઉંમરમાં પિતાને ગુમાવ્યાનું દુ:ખ આજે પણ તેને ડંખી રહ્યું છે. તે ઉપરાંત તેણે એક મહિલા હોવા છતાં પુરુષપ્રધાન વ્યવસાયમાં પોતાની અલગ છાપ ઉભી કરવા ઘણી મહેતન કરી છે અને મુશ્કેલીઓનો પણ સામનો કર્યો છે. વાણી જણાવે છે, “તમારા પર સતત સારો દેખાવ કરવાનું તો દબાણ રહે જ છે પણ સાથે સાથે તમારે પોતાની ક્ષમતા પણ સિદ્ધ કરવી પડે છે જેથી લોકોને તમારા પર વિશ્વાસ આવે. આ સંજોગોમાં મારી સામે પોતાનો વ્યવસાય શરૂ કરવો, તેના આર્થિક વ્યવહારો સંભાળવા અને તેનું સંચાલન કરવું ખૂબ જ મોટો પડકાર હતો.”

પ્રોફેશનલ જીવનમાં પણ વાણી આ વર્ષના અંત સુધીમાં પોતાના કેટેલોગનો વિસ્તાર કરતા ડેનિમ, બ્લેઝર્સ અને સમર કોટને સમાવવાની તૈયારીમાં છે. તે ઉપરાંત તે પોતાની ફ્રેન્ચાઈઝી મોડલનો પ્રયોગ કરતા અન્ય ઓફલાઈન સ્ટોર ખોલીને વેપાર અને બ્રાન્ડનો વ્યાપ વધારવાની યોજના કરી રહી છે.

વ્યક્તિગત મોરચે જોઈએ તો આ અનુભવથી ઘણો આનંદ થાય છે કે એક વ્યવસાયનું તે સફળતાપૂર્વક સંચાલન કરી રહી છે અને આજે તેના પિતા જીવીત હોત તો તેની સફળતા જોઈને ઘણાં જ ખુશ થયા હોત. તે હંમેશા પોતાના પિતા સાથે દિલથી જોડાઈ રહેલી છે અને તેમની યાદને જીવીત રાખવા પ્રયાસ કરી રહી છે. તે આમ કરવામાં સફળ રહી. તેમના ભાઈ ધિરજ ભાટિયા આ કંપનીના બીજા ડાયરેક્ટર છે.

ફિલ્મો જોવાની શોખીન વાણી પોતાને મળતા ખાલી સમયમાં પોતાની પસંદગીની ફિલ્મો જોવે છે. તે ઉપરાંત તેને વધુ એક કામ ખૂબ જ ગમે છે. તે બીજાની સમસ્યાને જાણવા, તેમની સ્થિતિનું નિરિક્ષણ કરવા અને તેનો ઉકેલ લાવવાનું પસંદ કરે છે. તેના સર્જનાત્મક મગજનો કમાલ છે કે તે સવાલ જોવાના બદલે જવાબો શોધવામાં સફળ રહે છે.

Related Stories