માતાએ દિકરાને આપ્યું મિશન, એક ડૉક્ટર બની ગયો કેન્સરના ગરીબ દર્દીઓનો ઉદ્ધારક!

0

600થી વધુ દર્દીઓની થઇ ચૂકી છે સારવાર!

20 હજારથી વધુ લોકો કરાવી ચૂક્યા છે ચેકઅપ!

જરૂરીયાતમંદો માટે ઉદ્ધારક બન્યા ડૉ. સ્વપ્નિલ માને, જેમણે મહારાષ્ટ્રના અહમદનગરથી દૂર આવેલા રાહુરી વિસ્તારમાં કેન્સરના દર્દીઓ માટે રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલ શરૂ કરી છે. જ્યાં ગરીબોને તદ્દન મફતમાં કેન્સરની સારવાર કરી આપવામાં આવે છે. અત્યાર સુધી 600થી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે!

તેમની માતાએ તેમને જિંદગીનું મિશન આપ્યું, ત્યારબાદ તેમની જીદ હતી ડૉક્ટર બની ગરીબ દર્દીઓને મદદ કરવાની. એટલા માટે જ આજે મહારાષ્ટ્રના અહમદનગરમાં રહેતા ડૉક્ટર સ્વપ્નિલ માનેને લોકો એક દેવદૂત ગણે છે. આર્થિક રીતે પછાત વિસ્તારમાં રહેતા ગરીબ લોકો માટે તેઓ કેન્સર જેવી મોંઘી બીમારીની મફત સારવાર આપે છે. તેઓ મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં કેન્સરના નિદાન માટે મફત કેમ્પનું આયોજન પણ કરે છે. ડૉ.સ્વપ્નિલ જે વિસ્તારમાં કામ કરે છે એ રાહુરી વિસ્તાર અહમદનગરથી 35 કિલોમીટર દૂર છે. ઓછો જાણીતો આ વિસ્તાર કેન્સરના ગરીબ દર્દીઓ માટે આશાની છેલ્લી કિરણ સમાન છે.

ડૉક્ટર સ્વપ્નિલ માનેનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના એક નાનકડા ગામડામાં થયો હતો. એમના પિતા બેંકમાં ક્લાર્ક અને માતા આંગણવાડીમાં શિક્ષક હતા. જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે તેમણે એમના પડોસમાં રહેતા કેન્સરના એક દર્દીને જોયા હતા. દર્દીને ફેફસાનું કેન્સર હતું અને તેઓ મજૂરી કરીને દિવસના ફક્ત 50થી 60 રૂપિયા જ કમાઈ શકતા હતાં. સતત બગડી રહેલી તબિયતને કારણે ડૉકટરે એ ગરીબ મજૂરને સારવાર માટે મોટી હોસ્પિટલમાં જવાનું કહ્યું.

મોટી હોસ્પિટલમાં સારવાર માટે રૂપિયા 60 હજાર માગવામાં આવ્યા અને દર્દી પાસે આટલા રૂપિયા નહોતા. ડૉ.માને કહે છે,

"મેં મારી માતાને પૂછ્યું કે ડૉક્ટર આપણાં પાડોશીની સારવાર કેમ નથી કરતા, જવાબમાં બાએ કહ્યું કે ડૉક્ટર ફક્ત એમનો જ ઇલાજ કરે છે જેમની પાસે સારવાર માટે પૈસા હોય."

આ વાત માનેના હૃદયને સ્પર્શી ગઇ. ત્યારે જ તેમની માતાને માનેએ કહ્યું,

"હું મોટો થઇને ડૉક્ટર બનીશ અને ગરીબ દર્દીઓને મફત સારવાર આપીશ."

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક રિપોર્ટ પ્રમાણે દેશમાં દરરોજ 1300 લોકો ફક્ત કેન્સરને કારણે મૃત્યુ પામે છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2014માં કેન્સરને કારણે 5 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. આ વર્ષમાં જ 50 હજાર મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો શિકાર બની હતી. ઝડપથી વધી રહેલા કેન્સરના ફેલાવાને ધ્યાનમાં રાખીને ડૉક્ટર માનેએ પાંચ વર્ષ પહેલા ભાડાની જગ્યામાં 'માને મેડિકલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર'ની રાહુરીમાં સ્થાપના કરી. 16 બેડ ધરવતા આ હોસ્પિટલમાં ડૉ.માને ઉપરાંત 12 ડૉક્ટર્સની ટીમ કામ કરે છે. આ સેન્ટરમાં અત્યાર સુધી 600થી વધુ દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે.

ડૉક્ટર માનેના કહેવા પ્રમાણે તેઓ અત્યારે બે પ્રોજેકટ્સ પર કામ કરી રહ્યાં છે. એક છે કોમ્યૂનિટી બેઇઝ્ડ સર્વાઇકલ કેન્સર પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટમાં ડૉક્ટર્સની ટીમ ગામડે ગામડે જઇને લોકોને કેન્સર પ્રત્યે લોકોને જાગરૂક કરે છે અને યોગ્ય સલાહ આપે છે. ડૉક્ટર માનેનું માનવું છે કે કેન્સરની સારવાર ખૂબ જ મોંઘી છે અને દેશમાં આવા ખૂબ ઓછા સેન્ટર્સ છે જ્યાં કેન્સરની મફત સારવાર થતી હોય. તેથી જ સારવાર ન મળવાને કારણે હજારો દર્દીઓ મૃત્યુ પામે છે. ડૉ.માનેએ મહારાષ્ટ્રના મુંબઇ સ્થિત ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ફેલોશિપ કરી છે. તેઓ કહે છે કે આ હોસ્પિટલમાં ક્ષમતા કરતા વધારે દર્દીઓ સારવાર માટે આવે છે. આવામાં જે લોકોના ખિસ્સામાં 100-200 રૂપિયા છે તેઓ અહીં સારવાર મેળવી શકતા નથી.

ગરીબ દર્દીઓની કફોડી સ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉક્ટર માને અને એમની ટીમ મહારાષ્ટ્રના વિવિધ પછાત વિસ્તારોમાં ફરી ફરીને કેન્સર જાગૃતિના કેમ્પ યોજે છે.

"છેલ્લા પાંચ વર્ષોમાં અમે મેડિકલ કેમ્પ મારફતે 20000થી વધુ લોકોનું ચેકઅપ કરી ચૂક્યા છીએ.”

તેઓ વધુમાં જણાવે છે,

"અહમદનગર અને આસપાસના વિસ્તારોની મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે. અહીં દર 100માંથી 1 મહિલા આ બિમારીથી પિડાઇ રહી છે. પશ્ચિમી દેશોમાં કેન્સર અંગે જાગૃતિ વધારે હોવાથી કેન્સરને કારણે મરનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, જ્યારે આપણા દેશમાં લોકોને કેન્સર અંગે ઓછી માહિતી હોવાને કારણે તેઓ આ બીમારીને વધુ ગંભીરતાથી નથી લેતા અને જ્યારે તેઓ ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચે છે ત્યારે બીમારી શરીરમાં વધુ પ્રસરી ગઇ હોય છે."

ડૉક્ટર માનેના કહે છે કે કેન્સરના 60 ટકા દર્દીઓ ત્યારે સામે આવે છે જ્યારે બીમારી છેલ્લા સ્ટેજમાં પહોંચી જાય છે અને આવી સ્થિતિમાં ડૉક્ટર્સ પણ મજબૂર બની જતાં હોય છે.

આજે ડૉક્ટર માને એક મિશનની જેમ કેન્સરના દર્દીઓની મફત સારવાર કરી રહ્યાં છે. ડૉ.માનેના રિસર્ચ સેન્ટરમાં કેન્સરની સારવારનો ખર્ચ રૂ.12000 છે અને જે લોકો સારવારનો ખર્ચ આપી નથી શકતા તેમની મફત સારવાર કરવામાં આવે છે. ડૉ.માને કહે છે,

"ઘણી વખત અમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ દાતાઓ પાસેથી મળતી મદદને કારણે જરૂર પૂરતાં નાણાં મળી જતાં હોય છે."

ડૉ.માનેએ જ્યારે હોસ્પિટલની સ્થાપના કરી ત્યારે તેમણે પોતાની તમામ બચત ખર્ચી નાખી હતી. ડૉ.માનેની સૌથી મોટી સમસ્યાએ છે કે જ્યારે પણ એમના હોસ્પિટલનું કોઇ મશીન બગડી જાય છે ત્યારે તેને રીપેર કરાવવા દિલ્હી કે મુંબઇ જવું પડે છે. જેના કારણે સમય અને રૂપિયા બન્ને વધુ ખર્ચાય છે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories