પત્ની અને કામ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવશો?

પત્ની અને કામ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવશો?

Thursday December 17, 2015,

6 min Read

તમે જો એક ભારતીય ટેક સાહસી હશો તો તમારી મારી જેમ શહેરી મધ્યમવર્ગમાં રહેવાની શક્યતાઓ વધારે છે. મારી જેમ તમારા પિતાએ આખી જિંદગી તમારા પરિવાર માટે મહેનત કરી અને પૈસા ભેગા કર્યા. મારી માતાની જેમ જ તમારી માતાએ તમારા ઘરનું સંચાલન કર્યું હશે અને તમને ઉચ્ચ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી હશે. તમારા માતા-પિતા સતત એવા પ્રયાસો કરશે કે તમને તેમના કરતા વધારે અવસર મળે તથા તમે તેમના કરતા વધારે આવક રળતા થાવ. તેમાંય તમે જો પરિણિત હશો તો શક્યતાઓ વધી જશે કે તમારી પત્ની પણ તેવા જ પરિવાર, આશાઓ અને શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધરાવતી હશે. તમારા બંનેની માતાથી વિપરીત તે કામ કરતી હશે અથવા કામ કરવા માગતી હશે. તમારે વર્ક-વાઈફ બેલેન્સ કરતા શીખવું પડશે.

image


સામાન્ય રીતે આપણું મગજ આપણા માતા-પિતાની જેમ જ કામ કરવા ટેવાયેલું હોય છે. બાળકો તેમના માતા-પિતા મનાઈ કરે તે કામ કરતા નથી, તેઓ તેમના માતા-પિતાનું અનુકરણ કરે છે. જાતીય તફાવત પણ આપણે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ માતા-પિતાને જોઈને જ આવતો જાય છે. પુરુષની જવાબદારી આવે છે કે તે આવકની અને ગુજરાન ચલાવવાની જવાબદારી પોતાની શિરે લે. બીજી તરફ સ્ત્રીઓએ સિંહણની જેમ પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું અને સુખી વાતાવરણ જાળવવાનું. આજના સમયમાં યુગલો એકબીજા સાથે તાલમેલ સાધીને કેવી રીતે આ બધું કરી શકે?

સામાન્ય રીતે જ્યારે પત્ની એમ ઈચ્છે કે તેનો પતિ તેની જવાબદારીઓ અડધી કરી આપે તથા તે તેના પતિની કામગીરી અને જવાબદારીમાં પણ અડધો ભાગ માગે ત્યારે ઘરમાં યોગ્ય સંતુલન જાળવવું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં આવ્યા પછી દંપત્તિ પાણી વગરની માછલી જેવા તરફડતા હોય છે. પતિ પોતાની પત્નીની કરિયર સેટ કરવામાં મદદ કરે છે ત્યારે તેનો અહમ સંતોષાય છે. તેવી જ રીતે પત્ની જો પોતાના પતિ કે ઘરની યોગ્ય સંભાળ ન કરી શકે તો તે નાનમ અનુભવે છે કે તે પોતાની માતા કરતા ઉતરતી કક્ષાની છે અને ઘરની જાળવણી આવડતી નથી. આ બાબતે આપણે જે બેલેન્સ રાખવાનો પ્રયાસ કરીએ છીએ તે બાળકો જોતા હોય છે. આપણે કોણ છીએ અને કોના માટે તથા કેવી રીતે કામ કરીએ છીએ તે તમામ બાબતો તેમના મગજમાં સેટ થાય છે અને તેઓ જાતિગત કાર્યોને નક્કી કરે છે.

સાહસિકો માટે આ સ્થિતિ સૌથી વધુ મુશ્કેલ હોય છે. સારી બાબત ગણો કે ખોટી, પણ સાહસિકના જીવનસાથીઓ બિચારા આ સફરમાં જાણે-અજાણે જોડાતા જ હોય છે અને ભાવનાત્મક રીતે જીવનના રોલરકૉસ્ટરમાં આવી જતા હોય છે. તેમાં પણ પુરૂષ ઉદ્યોગસાહસિકની પત્નીને સૌથી ઓછી આંકવામાં આવે છે. કોઈપણ સ્ટાર્ટઅપ શરૂ થાય ત્યારે તેના માટે લાગતી મહેનત અને પ્રયાસ બમણા હોવાથી પુરુષ અત્યંત થાકી અને કંટાળી જાય છે. આ સંજોગોમાં તે પોતાની પત્નીની કદર કરવાના બદલે તેના પ્રત્યે સહાનુભૂતિની અપેક્ષા રાખે છે કે, તે કેટલી મહેનત કરી રહ્યો છે. બીજી તરફ પત્ની પણ એવું વિચારે છે કે મેં મારું સર્વસ્વ મારા પતિને અર્પણ કરી દીધું, મારી કરિયર છોડી દીધી અને બીજા ઘણા બલિદાન આપ્યા છતાં મારી કોઈને કદર નથી. એમ કહીને તે સહાનુભૂતિ માગતી હોય છે. આવા સંજોગોમાં વ્યક્તિની લાગણીઓ અને માગણીઓ બંને વચ્ચે સંઘર્ષ થતો હોય છે. આવા સંજોગોમાં સહાનુભૂતિની માગ જેટલી પ્રબળ બને છે તેટલી જ સમસ્યા વધારે આવે છે. આ કારણે જ વર્તમાન સમયના ઉદ્યોગસાહસિકોમાં સંબંધો તૂટવાની શક્યતાઓ પ્રબળ બની જાય છે. તમે પણ જો આવી જ સ્થિતિમાં હોવ તો હું માત્ર એટલી જ હૈયાધારણા આપી શકીશ કે આમાં કશું જ નવું નથી, આ બધું ખૂબ જ સામાન્ય છે.

તેની સારી બાબત વિચારીએ તો પતિ અને પત્ની બંને કામ કરતા હોય તો બમણી આવક ઘરમાં આવે તે ઉદ્યોગ સાહસિક માટે સારી બાબત છે. પત્ની સ્ટાર્ટઅપ શરૂ કરે અને પતિ પોતાની નોકરી દ્વારા ઘરની આવકની સાતત્યતા જાળવી રાખે અથવા તો તેનાથી ઉંધુ પણ વિચારી શકાય. તેમ છતાં જો યોગ્ય સ્થિતિ ન જળવાતી હોય તો બંને સાથે મળીને સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. તેમનામાં વધારે સહનશક્તિ હોય અને પીડા સહન કરવાની શક્તિ વધારે હોય તો તેમણે બંનેએ અલગ અલગ સ્ટાર્ટઅપ એકસાથે શરૂ કરવા જોઈએ. અહીંયા વાત એવી નથી કે કોણ પોતાની કરિયરમાં વધારે સફળ થાય છે અને કોણ ખૂબ જ સહજતાથી ઘર ચલાવી શકે છે. વાત એટલી જ આવે છે કે કોઈ એક વ્યક્તિએ પોતાના પ્રોફેશનલ લોગનું બલિદાન આપવું જેથી જીવનસાથી પોતાના ગોલને સરળતાથી હાંસલ કરી શકે.

તમે માત્ર છેલ્લાં કેટલાક સમયમાં લીધા હોય તેવા મોટા નિર્ણયો જેમ કે, એક સ્થળેથી બીજા સ્થળે રહેવા જવું કે નોકરી કરવા જવું વગેરે યાદ કરો. હું આવા ઉદાહરણ એટલા માટે પસંદ કરું છું કારણ કે તે લગભગ દરેકને લાગુ પડતા હોય છે અને સરળતાથી સમજાય તેવા હોય છે. અન્ય ઉદાહરણો હોય તો હું તેમને તમારા ઉપર છોડું છું. એવું કેટલી વખત બન્યું છે કે પત્ની કંઈક અલગ કરવા માગતી હોય? એવું પણ કેટલી વખત બન્યું છે કે પતિ પોતાના વિશ્વાસના જોરે એમ કહેતો હોય કે આપણે બીજા શહેરમાં જઈએ હું બધું કરી લઈશ? જ્યારે બંને પોતાની વાત પર અડગ હોય અને નમતુ જોખવું ન હોય છતાં લાંબા ગાળાના સંબંધો જાળવવા મથતા હોય ત્યારે શું થાય?

હવે જીવનસાથી પ્રતિભાવ આપે છે. એવી કોઈ પેટર્ન છે જેના દ્વારા કંઈ ખ્યાલ આવે? જો તેમાં વિસંગતતા જણાય કે સંતુલન સધાયેલું ન દેખાય તો શું કરવું? ખાસ કરીને જાતિગત કામગીરી અંગે શું કરવું? તેમાંય કોણે કેટલું બલિદાન આપ્યું છે તેનું મેરિટકાર્ડ કે પછી સ્કોરકાર્ડ હોય છે? મને તો આ સ્થિતિનો કોઈ જવાબ ખબર નથી અને શંકા પણ છે કે ખરેખર તેનો કોઈ જવાબ અસ્તિત્વ ધરાવતો પણ હશે. માત્ર એક જ વ્યક્તિ ખુશ થાય એવી કોઈ ફોર્મ્યુલા નથી અને એક કે બે વ્યક્તિને પણ ખુશ કરી શકાય તેવું પણ નથી. મને ખ્યાલ છે કે આપણા ઉદ્યોગસાહસિકોમાં આ એક સામાન્ય પ્રશ્ન છે અને આપણે તેનો ઉકેલ શોધવો જ પડશે. આપણી પાસે તક છે કે આપણે જાતિગત કાર્યોની નવી પરિભાષા તૈયાર કરીએ જે આગામી પેઢીને પણ ઉપયોગી સાબિત થાય.

દરેક યુગલ અને પરિવારે તેમની સમસ્યાઓનો સચોટ અને નક્કર ઉકેલ લાવવાનો હોય છે જેથી પારિવારિક સંતુલન જળવાઈ રહે અને સ્થિતિ સુધરે. આપણું સામાન્ય વર્તન સ્થિતિને પણ સામાન્ય રાખશે. તેમાંય જો આપણા માતા-પિતાની સ્થિતિને જોઈને કંઈક શીખવાનો પ્રયાસ કરીશું તો સમસ્યા ઘટવાના બદલે વધતી જશે. વર્તમાન ઉદ્યોગ સાહસિકો માટે વર્ક-વાઈફ બેલેન્સ એકમાત્ર અને સૌથી મોટી સમસ્યા છે. આ સમસ્યાનો જડમૂળથી નિકાલ નથી આવ્યો. આપણી આગામી પેઢી તેના માટે આપણી સામે મીટ માંડીને બેઠી છે.

અમારા લગ્ન પછી બે વર્ષ બાદ અમે મુંબઈ શિફ્ટ થયા જેથી હું ચોપાટી બઝાર શરૂ કરી શકું. આ વર્ષની શરૂઆતમાં અમે દિલ્હી શિફ્ટ થયા જેથી શ્રુતિ સીઈઆરસીમાં રીન્યૂએબલ એનર્જી રેગ્યુલેટર બની શકે. અમે હાલમાં પણ ચર્ચા કરીએ છીએ કે ખરેખર આપણા માટે ઘર શું છે? તેમાંય મારી વધુ વાતો તમને મારા પુસ્તક 'ધ ગોલ્ડન ટેપ- ઈનસાઈડ સ્ટોરી ઓફ હાયપર ફંડેડ ઈન્ડિયન સ્ટાર્ટઅપ'માં જાણવા મળશે.

લેખક – કશ્યપ દિયોરા

અનુવાદ – રવિ ઈલા ભટ્ટ