‘વિકાસ’ અને ‘જુનૂન’ વચ્ચે સ્વાદરસિયાઓની લાંબી કતાર

0

છ વર્ષ જેટલી નાની ઉંમરે આપણા જેવા મોટા ભાગના લોકો ગાર્ડનમાં રમવા ગયા હશે, કેટલીયે વાર માટીમાં રમીને હાથપગ ગંદા કર્યાં હશે અને ભાઇ બહેનના રમકડાં લઇને તેમની સાથે ઝગડવામાં જ રચ્યા પચ્યા રહ્યાં હોઈશું. જ્યારે કે ૬ વર્ષની ઉંમરે અમૃતસરના સામાન્ય ઘરમાં રહેતા વિકાસ ખન્ના તેમની દાદીને રસોઇમાં મદદ કરી રહ્યાં હતાં. તેઓ પણ અન્ય બાળકોની જેમ ખેલખૂદ કરી શકતા હતાં પરંતુ જાણે નાનપણથી જ તેમણે પોતાની દિશા નક્કી કરી લીધી હતી. જ્યારે તેઓ મોટા થયા ત્યારે અમૃતસરના સુવર્ણમંદિરના રસોઇઘરમાં લંગર (ગુરુદ્રારાના રસોઇઘર જેમાં મફતમાં ભોજન પીરસાય છે)માં સ્વૈચ્છિક સેવા આપવા લાગ્યા. જ્યારે 17 વર્ષની ઉમરે તો તેમણે લોરેન્સ ગાર્ડનમાં પોતાનો કેટરિંગનો બિઝનેસ શરૂ કરી દીધો.

આજે વિકાસ ખન્ના ન્યૂર્યોક અને દુબઇમાં મિશલિન સ્ટારવાળા રેસ્ટોરન્ટ જુનૂનના મુખ્ય શેફ અને બ્રાન્ડ એમ્બેસેડર છે. ભારતીય વ્યંજનો-વાનગીઓનું વૈશ્વિક સ્તર પર પ્રતિનિધિત્વ કરતા આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી છે. શેફ તરીકે પોતાની કરિયર બનાવવા માંગતી દરેક વ્યક્તિ માટે આજની તારીખમાં વિકાસ એક પ્રેરણાસ્ત્રોત છે.

YourStoryને હાલમાં જ તેમને મળવાનો અવસર મળ્યો ત્યારે અમૃતસરથી લઇને ન્યૂર્યોક સુધીની તેમની સફર અંગે તેમણે વાતચીત કરી.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત થવા માટે કઇ બાબતો મહત્વ ધરાવે છે? તે સવાલના આ જવાબમાં વિકાસ ખન્ના જણાવે છે કે તેના માટે દ્રઢતા, ઇમાનદારી, મૌલિકતા અને નવીનીકરણ જરૂરી છે.

‘દ્રઢતા’

"મેં જેટલા નાના સ્તરે શરૂઆત કરી હતી તે સ્તર પર તો ભાગ્યે જ કોઈ નવી શરૂઆત કરી શકે." વિકાસ કહે છે કે અમેરિકામાં પગ મૂક્યા બાદ અસંભવ કામ પણ કરવા પડતા હતાં. તેમણે વાસણ ઘસવાના કામની શરૂઆત કરી હતી. ન્યૂર્યોકના વોલ સ્ટ્રીટ નજીક તંદૂર પેલેસ નામની એક રેસ્ટોરન્ટ શરૂ કરતા પહેલા તેમણે અનેક પ્રકારનાં કામો કર્યા. તંદૂર પેલેસ પણ ખૂબ જ નાના લેવલથી શરૂ થઇ હતી પરંતુ એક વાર વિકાસે ફૂડ-વાનગી ક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી ત્યારબાદ લોકો તેમની નોંધ લેવા લાગ્યા.

વર્ષ 2007માં ન્યૂયોર્કનું ડિલ્લન્સ રેસ્ટોરન્ટ બંધ થવાના આરે હતું, પરંતુ વિકાસે કન્સલટન્ટ શેફ તરીકે રેસ્ટોરન્ટના પુન:નિર્માણમાં પોતાનો સહયોગ આપ્યો. ડિલ્લન્સનું પુર્ન:નિર્માણ કરી તેને નવું નામ ‘પૂર્ણિમા’ આપવામાં આવ્યું. આ રેસ્ટોરન્ટને તેમણે દોઢ વર્ષ સુધી ચલાવી અને ત્યારબાદ રેસ્ટોરન્ટના માલિક રાજેશ ભારદ્વાજની સાથે પોતાના બીજા પ્રોજેક્ટ પર કામ કરવા જતા રહ્યાં. લાંબા સમયના અથાગ પરિશ્રમ બાદ 2 ડિસેમ્બર, 2010ના રોજ ‘જુનૂન’નું વ્યાવસાયિક (કોમર્શિયલ) કામ શરૂ કરવામાં આવ્યું. ‘‘ઘણાં લોકોનું કહેવું હતું કે જુનૂન કોઇ સક્ષમ વિચાર નથી. તે લાંબા સમય સુધી નહીં ચાલે, કારણ કે તેની ડિઝાઇન ખૂબ જ સાધારણ હતી.

પરંતુ તે બધા લોકો ખોટા સાબિત થયા. જુનૂનને પ્રથમ મિશલિન સ્ટાર 22 ઓક્ટોબર, 2011ના રોજ માત્ર ૧૦ મહિનાની અંદર જ મળ્યો હતો.

વિકાસ કહે છે, "તે વર્ષે લોકો મને અમેરિકાનો હોટેસ્ટ શેફ ગણવા લાગ્યા. અને મને તે ઓળખ મળી. અચાનક જ લોકો અને મીડિયા ભારતના આ ગોરી ચામડીવાળા છોકરાને જોવા માટે ભીડ જમા કરવા લાગ્યા. ત્યારબાદ જુનૂનને સતત ૪ વર્ષ સુધી મિશલિન સ્ટાર મળતા રહ્યાં. થોડા સમય પહેલા જ જુનૂને દુબઈમાં પણ તેની બીજી બ્રાન્ચ શરૂ કરી છે.

‘નવીનીકરણ’

વિકાસ ખન્ના જણાવે છે કે "મેં ખાદ્ય સામગ્રીઓ સાથે ખૂબ જ અલગ અલગ રીતે કામ કર્યું છે." તેમણે ભારત દેશની પાકકલામાં પોતાના પુસ્તકો, વિવિધ શો, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ અને માધ્યમો દ્વારા નવીનીકરણ આવે તે માટે પોતાની કારકિર્દી સમર્પિત કરી દીધી.

ખાદ્ય સામગ્રીઓના વિવિધ પાસા વિકાસ ખન્નાના વિવિધ પુસ્તકોના નામમાં જોવા મળે છે. એવોર્ડ વિનર શેફ વિકાસ ખન્નાએ 17 જેટલા પુસ્તકો લખ્યા છે. જેમાંથી દરેક પુસ્તકોએ વિવિધ સામગ્રીઓ અને પકવાનોની વાર્તાઓ સારી રીતે ચરિતાર્થ કરી છે. તેમણે ‘ધ મેજિક રોલિંગ પિન’ શિર્ષક હેઠળ બાળકો માટે પણ એક પુસ્તક લખ્યું છે. આ ઉપરાંત તેમના દ્વારા તૈયાર થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘હોલી કિચન્સ’માં આધ્યાત્મિક રીતે ખાવાનું પિરસવાની પરંપરાની છબી દેખાડવામાં આવી છે.

‘ઇમાનદારી’

રસોઈ અને ટેકનોલોજીના સંબંધને લઈને વિકાસ ખન્ના જણાવે છે, “ભોજન બનાવવામાં સૌથી મહત્ત્વની બાબત છે હાથ. હું ટેકનોલોજીથી બને ત્યાં સુધી દૂર રહેવાનું પસંદ કરું છું. આમાં ટેકનોલોજીની જરૂરત નથી. જરૂર છે તો ટેક્નિકની.

વિકાસજી પોતાની પ્રાસંગિકતા જાળવી રાખવા માટે સતત નવી નવી રેસિપીની શોધ કરતા રહે છે. આ બાબત ‘જુનૂન’ના મેન્યૂમાં પણ જોવા મળે છે. જેમાં નવી નવી સામગ્રીઓ, સ્વાદ અને અનુભવો દ્વારા સતત પરિવર્તન જોવા મળે છે.

‘પ્રેરણા’

વિકાસ ખન્નાએ અનેક લોકોને પ્રેરિત કર્યા છે કે લોકો કિચનને પોતાનું કરિયર બનાવે. માસ્ટરશેફ ઇન્ડિયા દ્વારા તેમણે લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી. વિકાસ ખન્નાને જો શેફ તરીકે ના જોઈએ તો તે ખૂબ જ સામાન્ય વ્યક્તિત્વ ધરાવનાર સેલિબ્રિટી છે. લોકો સાથે ઉદારતાથી વાતચીત કરવી. પોતાના ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરવામાં તેમને વધારે આનંદ મળે છે. તેમનું વ્યક્તિત્વ અન્ય સેલિબ્રિટીઝ કરતા ઘણું અલગ જ છે.

Related Stories