દિવંગત આપ્તજનોને શ્રદ્ધાંજલિ આપવા ઑનલાઇન મંચ ઉપલબ્ધ કરાવે છે shradhanjali.com

દિવંગત આપ્તજનોને શ્રદ્ધાંજલિ આપવા ઑનલાઇન મંચ ઉપલબ્ધ કરાવે છે shradhanjali.com

Saturday January 02, 2016,

3 min Read

રાજકોટના 2 યુવાનોની અનોખી પહેલ

લોકોની દુનિયામાંથી વિદાય બાદ તેમના પરિવારજનો અલગ-અલગ પ્રસંગોએ પોતાના દિવંગત આપ્તજનોને ઘણા પ્રકારે શ્રદ્ધાંજલિ આપતા હોય છે. તેઓ પોતાની ભાવનાઓ-લાગણીઓને વ્યક્ત કરવા માટે સમાચારપત્રોમાં શોક સંદેશ પ્રસિદ્ધ કરાવે છે. પણ મોટાભાગે અખબારમાં છપાયેલા આ સંદેશ લોકોના પગ નીચે આવી જતા હોય છે તો ક્યારેક તેમનો ઉપયોગ ખાવાની વસ્તુઓ વેચવા માટે કરાય છે. આ વાતથી દુઃખી વિવેક વ્યાસ અને વિમલ પોપટે પ્રારંભ કર્યો shradhanjali.comનો.

image


આ અંગે વિવેકનું કહેવું છે, 

"વર્ષ ૨૦૧૦માં હું રાજકોટમાં એક ઇન્શ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો. એક વાર હું અને વિમલ રોડની સાઈડ પર સમોસા ખાવા માટે રોકાયા હતા. દુકાનદારે અમને ન્યૂઝપેપરના એક ટુકડામાં મૂકીને સમોસા આપ્યા હતા. સમોસા ખાધા બાદ હું જેવો એ ન્યૂઝપેપરના તે ટુકડાને ફેંકવા ગયો ત્યારે મેં તેમાં એક શોક સંદેશ જોયો હતો. તેને વાંચીને અમે ખૂબ જ દુઃખી થયા. અમને બંન્નેને લાગ્યુ કે શું શોકસંદેશ વધારે સન્માનિત રીતે રજૂ ના કરી શકાય. આ સવાલના જવાબમાં જ અમને shradhanjali.com શરૂ કરવાનો આઇડિયા આવ્યો.

વિવેક જણાવે છે, 

"ભારતમાં આ પ્રકારનું આ પહેલું પોર્ટલ છે. તેના પર લોકો પોતાના દિવંગત આપ્તજનો માટે શોક સંદેશનું પેજ તૈયાર કરાવી શકે છે. અને તે પેજને પોતાના મિત્રો, સગા-સંબંધીઓ અને ઓળખીતા-પાળખીતા લોકો સુધી પહોંચાડી શકે છે. તે ઉપરાંત આવનારી પેઢીના સભ્યો ઈચ્છે ત્યારે પોતાની પાછલી પેઢીના લોકો સાથે સંબંધિત શોક-સંદેશાઓને આ પોર્ટલ પર જઇને વાંચી શકે છે."
image


આ વેબસાઇટ પર કોઇ પણ વ્યક્તિ પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને પોતાના દિવંગત સ્વજનની તસવીર અપલોડ કરી શકે છે. તેમની સાથે જોડાયેલા વીડિયો અપલોડ કરી શકે છે. શોક સંદેશ લખીને પોતાના મિત્રો, સગા સંબંધીઓ અને ઓળખીતા લોકો સુધી મોકલી શકે છે. દિવંગત આપ્તજનની કે પોતાની પસંદગીનું સંગીત શોક સંદેશ સાથે અહીં લગાવી શકાય છે. આ પોર્ટલમાં જન્મદિવસ અને પુણ્યતિથિના રિમાઇન્ડરનું ફિચર પણ ઉપલબ્ધ છે. આ પેજની માલિકીનો હક સંપૂર્ણપણે તેને બનાવનારનો હોય છે. તેનો અર્થ થાય છે કે પેજ તૈયાર કરાવનાર જ આ પેજ પર કંઈ પણ ઉમેરી શકે છે કે પછી હટાવી શકે છે.

image


વિવેકના જણાવ્યા પ્રમાણે તેમની વેબસાઇટ પર દરેક પેજ ૩૦ વર્ષ માટે બનાવવામાં આવે છે. તેના માટે ૫૦૦૦ રૂપિયા આપવાના હોય છે. બીજો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. તેમના કહેવા અનુસાર વેબસાઇટ પર ૧,૫ અને ૧૦ વર્ષના પેકેજ પણ ઉપલબ્ધ છે. વિવેકના જણાવ્યા પ્રમાણે, 

"અમે આ પોર્ટલને એક એવા મંચનું સ્વરૂપ આપવા માગતા હતા, જ્યાં લોકો પોતાના પ્રિય સ્વજનોને યાદ કરી શકે અને તેમની સાથે જોડાયેલી ભાવનાઓને અન્યો સાથે વહેંચી શકે."

વિવેક અને વિમલના આ પ્રયાસની લિમ્કા બૂક ઑફ રેકોર્ડે પણ પ્રસંશા કરી છે. લિમ્કા બૂક ઓફ રેકોર્ડ અનુસાર તેમની વેબસાઇટ દેશની પહેલી શ્રદ્ધાંજલિ આપનારી વેબસાઇટ છે. આ વેબસાઇટ પર હાલ ૧૦૦ કરતા પણ વધારે પ્રોફાઈલ્સ ઉપલબ્ધ છે. તેમાં સમાજસેવકો, રાજનેતાઓ, ખેલાડીઓ વગેરે સામેલ છે.

વેબસાઈટ


લેખક- અનમોલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી