'ધંધામાં ક્યાંય ફસાયા છો?' મસ્ટર્ડ સીડનો વિશેષ કોર્સ કરશે તમારી મદદ!

'ધંધામાં ક્યાંય ફસાયા છો?' મસ્ટર્ડ સીડનો વિશેષ કોર્સ કરશે તમારી મદદ!

Thursday October 22, 2015,

4 min Read

એક એવી કંપની જે ઉદ્યોગસાહસિકોને તેમના સફળ ભવિષ્ય માટે ખાસ પ્રકારનો કોર્સ કરાવે છે!

પ્રથમ નજરમાં ઉદ્યોગ શરૂ કરવો ભલે આકર્ષક લાગતો હોય, પણ તેની વાસ્તવિકતા ત્યારે જ ખબર પડે છે, જ્યારે કોઈ ઉદ્યોગસાહસિક સાથે વાત કરવામાં આવે. કોઈ પણ નવા વ્યવસાયને શરૂ કરવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. ઘણી વાર લોકો ખોટા કારણોસર ઉદ્યોગસાહસિક બનવાની લાલચ ધરાવે છે, જેના પરિણામ બહુ ખરાબ હોય છે. તેમ છતાં પણ ઘણાં લોકો આ બાબતમાં ગંભીર હોય છે અને તેમના માર્ગમાં આવનારી મોટામાં મોટી સમસ્યા પણ નાની લાગવા માંડે છે. આની પાછળ મોટી ભૂમિકા હોય છે ઉચિત માર્ગદર્શનની તથા સલાહકારની. અનુભવી ઉદ્યોગપતિ આનંદ જૈન તેનાં માટે પ્રશિક્ષણ કેન્દ્રોની તરફેણમાં તો નથી પણ 'મસ્ટર્ડ સીડ' નામની કંપની એમના માટે ખાસ છે. તેમનું કહેવું છે કે, આ ક્ષેત્ર વિશે વધુ જાણકારી માટે તેઓ 'મસ્ટર્ડ સીડ'ના સંપર્કમાં રહે છે. વાસ્તવમાં અનિલ થૉમસ અને દીપાએ મળીને 'માસ્ટર્સ સીડ'ની સ્થાપના કરી હતી. 'મસ્ટર્ડ સીડ' નવા ઉદ્યોગસાહસિકોને પ્રશિક્ષણ આપતી કંપની છે. જેનો વિશ્વાસ છે કે, "કામ કરવાથી જ શીખી શકાય છે." આ કંપની ઉદ્યોગસાહસિકોને તેમના સફળ ભવિષ્ય માટે ખાસ પ્રકારનો કોર્સ કરાવે છે. તેમની સાથેની આ મુલાકાતમાં અનિલ થૉમસે કંપની અને તેમના કામકાજ વિશે વધુ જાણકારી આપી.

image


YS: મસ્ટર્ડ સીડમાં સહ-સંસ્થાપક ટીમ વિશે જણાવો, સાથે જ એ પણ જણાવો કે તમે લોકો કેવી રીતે મળ્યાં?

અનિલ થૉમસ: એચ.આર પ્રોફેશનલ તરીકે મેં મારી કારકિર્દીની શરૂઆતમાં જ જાણી લીધું હતું કે મને જ્ઞાન તથા વિકાસના ક્ષેત્રમાં હોવું જોઈએ. આ જ કારણ છે કે, પ્રશિક્ષણ મારું જનૂન હતું. લગભગ એક દાયકા સુધી વિવિધ પ્રશિક્ષણ કંપનીઓમાં પ્રશિક્ષક, અને L&Dનો ચીફ બન્યાં પછી હું જાણી ગયો હતો કે કોર્પોરેટ્સ, ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિક લોકોની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવે છે. આટલું બધું શીખ્યાં પછી જ્યારે 'મસ્ટર્ડ સીડ'નો જન્મ થયો ત્યારે, મારે તો પોતાની નોકરી છોડવી પડી, મારી પત્ની દીપાને પણ એની નોકરીમાંથી રાજીનામું આપવું પડ્યું. તે સમયે, તે ફોર્ચ્યૂન 500 માં સામેલ એક કંપનીમાં નૌકરી કરી રહી હતી. 2007માં અમે બન્નેએ મળીને 'મસ્ટર્ડ સીડ'ની સ્થાપના કરી. અમે સાથે ચાલ્યાં અને સમાન વિચારધારા ધરાવતાં નિષ્ણાતોને સાથે જોડતાં જઈને એક રોમાંચક યાત્રામાં સામેલ થઈ ગયા.

YS: ઉદ્યોગસાહસિકો માટે શું પાઠ્યક્રમ છે?

અનિલ થૉમસ: બધાં વ્યવસાયો અલગ-અલગ પડાવમાં વિકસે છે. દરેક પડાવમાં ખાસ સાવધ રહેવાની જરૂર હોય છે, અને થોડાક પણ ઢિલાં પડવાથી વ્યવસાય પર માઠી અસર થઈ શકે છે. આ જ કારણ છે કે ઘણી વાર ઉદ્યોગસાહસિકો અમારી પાસે આવે છે અને કહે છે કે, તેઓ મુસીબતમાં ફસાઈ ગયાં છે. ઉદ્યોગસાહસિકોની મદદ માટે જ 'મસ્ટર્ડ સીડ' માસ્ટર માઈન્ડને ડિઝાઈન કરવામાં આવ્યું છે. અમે બતાવીએ છીએ કે, કેવી રીતે કોઈ ઉદ્યોગસાહસિક ફસાઈ શકે છે, અને બીજું કે એ કેવી રીતે આ ચક્રમાંથી બહાર આવી શકે છે. આ એક એવો સુધાર કાર્યક્રમ છે જે ઉદ્યોગસાહસિકો અને વ્યાપારીઓની મદદ તો કરે જ છે, સાથે જ એમના અડધા પ્રયાસને બમણાં ઉત્પાદનમાં પરિવર્તિત કરે છે. આ કોર્સ એક વર્ષનો હોય છે જેમાં, 12 દિવસનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. આ દરમિયાન, તેમને ખાસ પ્રકારનું કૉચિંગ આપવામાં આવે છે જેમાં, તેમની કુશળતા અને પ્રશિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ પ્રશિક્ષણમાં સેલ્સ, ડિજિટલ ટ્રેનિંગ, પોતાના ઉત્પાદનની પ્રસ્તુતિ જેવાં ઘણાં ગુણ તેમને શીખવાડવામાં આવે છે.

YS: તમે આ કોર્સ ક્યારે શરૂ કર્યો અને આટલા વર્ષોમાં, ઉદ્યોગસાહસિકો સાથે વાતચીતનો તમારો અનુભવ કેવો રહ્યો?

અનિલ થૉમસ: અમે વર્ષ 2007થી ઉદ્યોગસાહસિકો અને વ્યાપારીઓની મદદ કરી રહ્યાં છીએ. આ દરમિયાન, તેમની સાથે થતી વાતચીતમાં અમને વિવિધ પ્રકારના અનુભવો થયાં છે, જેના થકી અમને ઘણી બાબતો સમજવામાં મદદ મળી છે. જેમકે:

1. તેઓ ઘણું બધું જાણવા માંગે છે.

2. જો તમે એમની ઈચ્છાઓ પૂર્ણ કરો, તો તેઓ નિષ્ઠાવાન રહે છે.

અમે બધાં રેકોર્ડ રાખીએ છીએ, કે અમારી મદદ લીધા બાદ, સેલ્સમાં કેટલી વૃદ્ધી થઈ અમે પાછલા નફા પર તેની શું અસર થઇ. આ કારણ છે કે વિવિધ સંગઠનો સાથે અમારો એક ખાસ સંબંધ બની જાય છે, જે વર્ષો સુધી એકબીજાને બાંધી રાખે છે.

YS: તમે ઉદ્યોગસાહસિકોમાં એવી શું ભૂલો જુઓ છો, જે તેઓ વારંવાર કરતાં હોય?

અનિલ થૉમસ: હાલના સમયમાં બે વાતો જોવા મળે છે. 1) અસાધારણ તક, 2) સ્પર્ધાનું સ્તર, જોકે, જ્યારે ઉદ્યોગસાહસિકો પ્રતિસ્પર્ધા પર વધુ ધ્યાન નથી આપતાં, તો તેઓ તે અસાધારણ તકને નથી જોઈ શકતાં અને તેઓ શાનદાર તક ખોઈ બેસે છે. આજના ઉદ્યોગસાહસિકોમાં ઘણાં પ્રકારના ભ્રમ છે, જેના વિશે મેં મારા વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવ્યું છે.

વિડીયો

YS: તમે એવી શું સલાહ આપશો, જેથી ઉદ્યોગસાહસિકો પોતાના કામ અને જીવન જીવવામાં સમતોલન જાળવી શકે?

અનિલ થૉમસ: પોતાના કામ તથા જીવન જીવવા વચ્ચે સમતોલન બનાવવા માટે સૌથી સરસ રસ્તો એ છે કે, એમનામાં યોગ્યતા અને અયોગ્યતા વિશે જાગરૂકતા હોવી જોઈએ. સાથે જ પોતાની યોગ્યતા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

YS:  મસ્ટર્ડ સીડની ટીમ કેટલી મોટી છે અને આ કંપનીનું વિઝન શું છે?

અનિલ થૉમસ: 6 સભ્યોનું અમારું એક કૉર ગ્રુપ છે. અમારા વિઝન મુજબ, ઉદ્યોગસાહસિકોને કંઇક નવું શીખવાડી તેમના જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવવાનો છે. જેની સીધી અસર વ્યાપારનાં પરિણામ પર પડે છે.

વેબસાઇટ- Mustard Seed


લેખક- જુબિન મેહતા

અનુવાદક- નિશિતા ચૌધરી