75 ટકા દ્રષ્ટિહીનતા છતાં IIM-Aમાંથી MBA અને IIM-Cમાંથી Ph.D ડીગ્રી મેળવતા અમિત જૈન

75 ટકા દ્રષ્ટિહીનતા છતાં IIM-Aમાંથી MBA અને IIM-Cમાંથી Ph.D ડીગ્રી મેળવતા અમિત જૈન

Wednesday March 30, 2016,

4 min Read

હાલ સમગ્ર દેશ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતને અનામતના મુદ્દાએ ઘમરોળીને મૂકી દીધું છે. બંધારણની રચના સમયે અનામત રાખવાનું કારણ સૌ કોઇને સમાનતા મળે તે હેતુ હતો. જોકે ત્યારબાદ બંધારણમાં OBC અનામતનો સમાવેશ કરવામાં આવ્યો, જેનો હેતુ દેશમાં આર્થિક રીતે નબળા વર્ગને સમાનતાનો હક આપી ભણતરથી લઇને નોકરીમાં ઉપર લાવવાનો હતો. જોકે આ OBC અનામતમાં કઇ જ્ઞાતિ આવે તેના માટે કેટલાક મુ્દ્દા બંધારણમાં ઉમેરવામાં પણ આવ્યા હતા. જોકે તે સમયની વાત અલગ હતી અને આજની વાત અલગ છે, આ અનામતની રચનાને છ દાયકા બદલાયા.. દેશ બદલાયો, વિચારધારા બદલાઇ પણ આરક્ષણની વિચારધારા આરક્ષણ જ રહી ગઇ. પણ કહેવાય છે ને કે મહેનત કરનારાને ન તો કોઇ તકલીફ નડે છે ન તો કોઇ સીમાડા કે ન તો કોઇ સંજોગો નડે છે તે પોતાના ભવિષ્યના રસ્તા કરીને જ જંપતા હોય છે. આજના યુવાનોએ પણ આ બધી ભાંજગડમાંથી બહાર આવીને મહેનતના અનામતમાં ભાગીદાર થવા ક્રાંતિ સર્જવી જોઇએ.

આ સ્ટોરીમાં એવી વ્યક્તિની વાત છે કે જે શારીરિક રીતે અક્ષમ હોવા છતાં દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થામાં એડમિશન લઇને દરેક વિરોધ કરનારા અને નિષ્ફળતાની બહાનાબાજી કરનારા માટે એક ઠંડા કલેજાનું ઉદાહરણ છે.

image


આ વાત છે ઉત્તરપ્રદેશના સહારનપુરના અમિત જૈનની.. અમિતને બાળપણમાં જ સફેદ મોતિયા થઇ ગયો હતો. જેને પગલે તેને એક વર્ષની ઉંમરમાં જ આંખના 3થી 4 ઓપરેશન કરાવવા પડયા હતા, તેમ છતાં કોઇ જાજો ફરક પડ્યો નહીં. અમિતની આંખોની માત્ર 25 ટકા રોશની રહી હતી. તેમ છતાં અમિત અને તેના પરિવારે હિંમત કર્યા વગર તેને તમામ પ્રકારની સુવિધા અને શિક્ષણ આપવાની નેમ થામી હતી. જોકે અમિતે મુશ્કેલીઓ અને 75 ટકા દ્રષ્ટિ છેદ સાથે મેરઠ યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજયુએશન પૂરૂ કર્યું. જ્યારબાદ શરૂઆતમાં અમિતની ઇચ્છા સિવિલ સર્વિસમાં જવાની હતી, જેના માટે તેને એકેડમિક ક્લાસીસ પણ કર્યા અને સાથે CATની પરીક્ષાની તૈયારી પણ કરતો હતો. દરેક યુવાનનું IIMમાં ભણવાનું સપનું હોય છે, પણ તેની ટફ એન્ટરન્સ ટેસ્ટને પગલે દરેક કોઇ એડમિશન મેળવી શકતું નથી હોતું. આવા સંજોગોમાં અમિતે દેશની અઘરી ગણાતી એન્ટરન્સ ટેસ્ટમાંની એક એવી CATની પરીક્ષા પાસ વર્ષ 2002માં કરી અને વર્ષ 2003માંઅમદાવાદ IIM જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થામાં ભણવાનો મોકો મળ્યો. અમિત અમદાવાદ IIMમાં જનરલ મેનેજમેન્ટમાં એડમિશન મેળવ્યું, જોકે એડમિશન સમયે IIMના મેનેજરે અમિતને કહ્યું કે તું દેશનો પહેલો વિદ્યાર્થી છે જેને 75 ટકા દ્રષ્ટિ છેદ હોવા છતાં IIM કેમ્પસમાં એડમિશન મેળવ્યું હોય. અત્યાર સુધી અનેક દિવ્યાંગોએ IIM કેમ્પસમાં એડમિશન મેળવ્યા હતા પરંતુ 75 ટકા જેટલી દ્રષ્ટિ છેદ હોય તેવો પહેલો કિસ્સો હતો. જોકે IIM અમદાવાદમાં ભણતર દરમિયાન અમિતને કોલેજ તરફથી પણ તમામ પ્રકારની સગવડ અને મદદ આપવામાં આવી હતી, સાથે અંધજનમંડળ તરફથી તમામ સહાય અમિતને મળતી હતી. ઘણી વખત આંખમાં દુખાવાની તકલીફ થાય અને અમિત વાંચી ન શકે તો અંધજન મંડ‌ળ તરફથી વ્યક્તિ આપવામાં આવતો જે વાંચે અને અમિત સાંભ‌ળે તેમ પણ અમિતે કપરા સંજોગોમાં પરીક્ષા આપી હતી.

image


IIM અમદાવાદમાં MBA પૂર્ણ કર્યા બાદ અમિતે મુંબઇમાં નોકરી મેળવી હતી. જ્યાં નોકરી કરવા સાથે દિવ્યાંગોની શાળામાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે સેવા પણ આપતા હતા. ત્યાર બાદ અમિત વિઝ્યુઅલી ચેલેન્જ હોય અને MBA કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓને ગાઇડન્સ આપવા સાથે ભણતરમાં પણ મદદ કરતો હતો. જોકે અમિતે પોતે એકેડેમિક દુનિયામાં કરિઅર બનાવવા માટે Ph.D કરવાનું નક્કી કર્યું અને જ્યાર બાદ વર્ષ 2013માં IIM-કોલકાતામાં Ph.Dમાં એડમિશન મેળવ્યું છે, અમિત એક માત્ર એવો વિદ્યાર્થી છે જેને 75 ટકા દ્રષ્ટિ છેદ હોવા છતાં IIM કેમ્પસમાંથી MBA અને Ph.D કર્યું હોય.

image


અમિતના 2 Ph.D રિસર્ચ પેપર વિદેશમાં સિલેક્ટ થયા છે!

અમિત BEHAVIORAL SCIENCE પર Ph.D કરી રહ્યો છે.જેમાં તે દિવ્યાંગોને નોકરીના સ્થળ પર કેવા પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે અને સાથી કામદાર દ્વારા કરતા વર્તન અને કેવી રીતે તે દિવ્યાંગને ઓફિસ વાતાવરણમાં સમાવી લે છે તે અંગે રિસર્ચ પેપર તૈયાર કરી રહ્યો છે. અમિત દ્વારા તૈયાર કરાયેલા બે પેપરમાંથી એક પેપર 2014માં કેનેડામાં સિલેક્ટ થયું હતુ, જ્યારે બીજું રિસર્ચ પેપર વર્ષ 2015માં અમેરિકાની એકેડેમિક મેનેજન્ટમાં સિલેક્ટ થયુ હતું, જોકે તેનું પ્રેઝન્ટેશન કેનેડામાં રાખવામાં આવતા તેને રિપ્રેઝન્ટ કરવા અમિત ખુદ પણ ગયો હતો. હાલ અમિતનું Ph.D ચાલુ છે.

image


એક સમય એવો આવ્યો જ્યારે ભણતર છોડવું પડે તેમ હતું

અમિત જ્યારે દેહરાદુનમાં 11માં ધોરણમાં ભણતો હતો ત્યારે એકાએક આંખનો દુખાવો વધી ગયો હતો. જેથી ડોકટરે તેને વાંચવાની ના પાડી હતી અને ભણતર છોડવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી. તેમ છતાં અમિતના પરિવાર અને શિક્ષકોએ તેને હિંમત હાર્યા વગર આગ‌ળ વધવા પ્રોત્સાહન આપ્યું. જોકે અમિત શાળાએ જઇ શકતો ન હતો ત્યારે તેની બહેન અમિતના ક્લાસમેટ પાસેથી નોટબુક્સ લઇને બધી જ નોટ્સ કોપી કરતી હતી. અને પરીક્ષાના સમયે તેના પરિવારના બધી નોટ્સ તેને વાંચીને સંભળાવતા અને અમિત સાંભળીને તે યાદ રાખતો હતો. જોકે આવી મુશ્કેલ ઘડીમાં પણ પરિવાર અને શિક્ષકો - ક્લાસમેટના સહારે અમિત આજે દેશની સર્વોચ્ચ સંસ્થામાંની એક IIMજેવી સંસ્થામાંથી MBA કર્યા બાદ Ph.D પણ કરી રહ્યો છે.