આ બિંદાસ, નીડર 'બાઈકરની' પડકારે છે પુરુષપ્રધાન ક્ષેત્રોને!

0

એક વખત કોઈ કામ કરવાનું ઝનૂન મગજ પર સવાર થઈ જાય પછી કોઈ કામ મુશ્કેલ નથી રહેતું. 14 વર્ષની ઉર્વશી પટોલેએ જ્યારે પહેલી વખત બાઈકને સ્પર્શ કર્યો ત્યારે તેને સહેજ પણ અંદાજ નહોતો કે તે આગામી સમયમાં પ્રોફેશનલ બાઈકર બનવાની સાથે સાથે રેસિંગ ચેમ્પિયન પણ બનશે. આજે ઉર્વશી સોશિયલ મીડિયા દ્વારા ‘બાઈકરની’ નામનું એક ગ્રૂપ ચલાવી રહી છે. તેમાં ૭૦૦ જેટલી મહિલાઓ જોડાયેલી છે અને તે બધી જ બાઈક ચલાવવામાં કુશળ છે. 'બાઈકરની' દ્વારા ઉર્વશી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલા કામ પણ કરે છે. એટલું જ નહીં, 'બાઈકરની' દેશનું પહેલું એવું મહિલા ગ્રૂપ છે જેમણે દિલ્હીથી માંડીને દુનિયાના સૌથી ઉંચા માર્ગ લદાખના ખરદુંગલા દર્રે સુધીની યાત્રા કરી છે. આ કારણે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે.

ઉર્વશી જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેણે એક પંચરવાળાના બાઈક પર હાથ અજમાવ્યો હતો. યોરસ્ટોરીને ઉર્વશી જણાવે છે,

"મને કોઈએ બાઈક ચલાવતા નથી શિખવ્યું પણ મેં જાતે જ શીખી લીધું હતું. મને રોમાંચક કામ કરવા પસંદ છે અને તે સમયે એક એવી જ ફિલ્મ આવી હતી જેમાં બાઈકના ઘણા સ્ટંટ હતા. મજાની વાત એ હતી કે જ્યારે મેં બાઈક ચલાવવાનું શરૂ કર્યું તો મારા ઘરમાં જાણ પણ નહોતી થવા દીધી, કારણ કે મને ડર હતો કે મારા પરિવારજનો મને આમ કરતા રોકશે. આ રીતે હું છુપાઈને મારા મિત્રોના બાઈક ચલાવતી."

ઉર્વશી કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે બાઈક પર સ્ટંટ કરવાનો ક્રેઝ હતો. ત્યારબાદ તેણે પણ સ્ટંટ બાઈકર સાથે જોડાઈને સ્ટંટ કરવાનું શરૂ કર્યું. એક વખત સ્ટંટ કરવા દરમિયાન તેના હાથમાં ગંભીર ઈજા થઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. જ્યારે ઉર્વશીના માતા-પિતા હોસ્પિટલ પહોંચ્યા તો તેણે ડરતા ડરતા પહેલી વખત તેમને જણાવ્યું કે, તે બાઈક ચલાવવાની સાથે સાથે સ્ટંટ પણ કરે છે. તેની ધારણાથી વિપરિત તેના પિતાએ તેને આશ્વાસન આપ્યું અને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે, તેઓ પણ તેમના જમાનામાં સારા બાઈકર હતા અને સ્ટંટ પણ કરતા હતા. ત્યારબાદ તેમણે ઉર્વશીને એક બાઈક લાવી આપ્યું.

ઉર્વશી જણાવે છે કે, તેણે જ્યારે બાઈક સ્ટંટ શીખ્યા ત્યારે ખૂબ જ ઓછી છોકરીઓ બાઈક ચલાવતી હતી. સ્ટંટ શીખવા દરમિયાન તેને ખ્યાલ આવ્યો કે આ કામ કરવાથી મહિલાઓને ખાસ માન-સન્માન નથી મળતા. તે ઉપરાંત સ્ટંટ કરવા માટે તેમને મોખરે પણ નથી રાખવામાં આવતી. ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે એવું કંઈક અનોખું કરશે જેથી આ ક્ષેત્રમાં જે સન્માન છોકરાઓને મળે છે તે છોકરીઓને પણ મળે. ધીમે ધીમે ઉર્વશીની ચર્ચા ઓટોમોબાઈલ ક્ષેત્રમાં થવા લાગી. આ દરમિયાન એક ઓટોમોબાઈલ કંપનીએ તેને પોતાની બાઈક માટે ટેસ્ટ રાઈડર બનાવી. આ દરમિયાન ઉર્વશીની મુલાકાત એવી કેટલીક છોકરીઓ સાથે થઈ જે બાઈક ચલાવવાની શોખીન હતી. ત્યારે તેને વિચાર આવ્યો કે એવું કોઈ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે જ્યાં બીજા રાજ્યોની પણ છોકરીઓ જોડાઈ શકે.

2011માં ઉર્વશીએ એક ફેસબુક પેજ બનાવ્યું અને તેનું નામ રાખ્યું 'બાઈકરની'. શરૂઆતમાં માત્ર 15 છોકરીઓ આ ગ્રૂપમાં જોડાઈ હતી. ધીમે ધીમે તેમની સંખ્યા વધતી ગઈ અને જ્યારે બાઈક ચલાવતી યુવતીઓની સંખ્ય 40 પહોંચી ત્યારે તેમણે સાથે મળીને એક લાંબી યાત્રા પર જવાનું નક્કી કર્યું. આ માટે તેમણે રોયલ એન્ફિલ્ડ કંપની સાથે વાત કરી તો કંપની પણ તૈયાર થઈ ગઈ. સપ્ટેમ્બર 2011માં બાઈકરની ગ્રૂપની 11 છોકરીઓ દિલ્હીથી લદાખના ખરદુંગલા સુધી બાઈક ચલાવીને ગઈ. આ પહેલાં છોકરીઓનું કોઈ ગ્રૂપ ત્યાં સુધી નહોતું પહોંચ્યું. ત્યારબાદ તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું.

આ કારનામા બાદ 'બાઈકરની' ગ્રૂપ પ્રસિદ્ધ થઈ ગયું. ત્યારબાદ અન્ય શહેરો અને રાજ્યોની છોકરીઓ તેમાં જોડાવા માટે પ્રયાસ કરવા લાગી. ત્યારબાદ દરેક શહેરના અલગ અલગ ગ્રૂપ તૈયાર થવા લાગ્યા. આજે આ ગ્રૂપમાં પુના, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતાનો સમાવેશ થાય છે. બાઈકરનીમાં કુલ 700 જેટલી યુવતીઓ અને મહિલાઓ જોડાયેલી છે. બાઈકરનીનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ છે. તેઓ એ પ્રયાસ કરી રહ્યા છે કે, તેઓ છોકરાઓને સિદ્ધ કરી આપે કે છોકરીઓ કોઈપણ કામ કરી શકે છે અને તેમને પણ કોઈ બંધન નથી નડતા. કોઈ છોકરી બાઈક ચલાવવા માગે તો તે ચલાવી શકે છે અને તેમાં કોઈ નડતર કે મુશ્કેલી આવતા નથી.

આ લોકો મહિલાઓને બાઈક ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તે ઉપરાંત કોઈપણ સામાજિક કાર્યક્રમમાં સ્વયંસેવકની ભૂમિકા પણ ભજવે છે. આ લોકો ક્રાય જેવા સામાજિક સંગઠનો માટે કામ કરે છે. 'બાઈકરની'ના સભ્યો બાઈક ચલાવવા દરમિયાન મુશ્કેલી ન આવે તે માટે સભ્યોને બાઈક રિપેર કરવાની પણ તાલિમ આપે છે. તે ઉપરાંત જે યુવતીઓ કે મહિલાઓને બાઈક ચલાવતા નથી આવડતું તેને શીખવાડે પણ છે. 'બાઈકરની' ગ્રૂપ એક જ શહેરમાં શાંત નથી રહેતું. તે ગમે ત્યારે નાની-મોટી યાત્રા કરતું રહે છે. કેટલાક સભ્યો વિવિધ સ્ટંટ સ્પર્ધામાં પણ ભાગ લે છે.

ઉર્વશી જણાવે છે,

"અમને ઘણી મહિલાઓ કહે છે કે તેમને અમારા દ્વારા પ્રેરણા મળે છે. તેઓ જણાવે છે કે અમારી સાથે જોડાતા પહેલાં તેઓ ખૂબ જ તાણમાં હતી તથા 'બાઈકરની' સાથે જોડાયા પછી શીખી ગઈ છે કે, મુશ્કેલ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવી શકાય."

તેનું એક કારણ એ પણ છે કે આ મહિલા બાઈકર્સ એકબીજાની ખૂબ જ મદદ કરે છે પછી તે પારિવારિક હોય કે કોઈ અંગત. તેઓ આવી મહિલાઓના પરિવારને સમજાવે છે કે તેમને કોઈ કામ કરતા અટકાવશો નહીં. આજે 'બાઈકરની'ની સફળતાને ધ્યાનમાં લેતા ઘણા બીજા ગ્રૂપ આગળ આવી રહ્યા છે.

બાઈકરનીમાં કોલેજમાં ભણતી યુવતીથીમાંડીને 60 વર્ષની મહિલા સુધી તમામનો સમાવેશ થાય છે. આ ગ્રૂપમાં એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી મોટાભાગની મહિલા સભ્યો છે. તેમાં કેટલીક મહિલા પત્રકારો અને બિઝનેસવુમન પણ છે. આગામી સમયમાં તે મહિલાઓ માટે એક ટ્રેનિંગ અને રેસની માહતી આપશે. આ ઉપરાંત તેઓ દરેક શહેરમાં બાઈકની જાળવણી માટે એક વર્કશોપ પણ ખોલવા માગે છે. બાઈકરનીના સભ્યો દર વર્ષે બે વખત ભેગા થાય છે. 2016માં યોજાનારી બેઠક હૈદરાબાદ ખાતે થવાની છે. જ્યારે બીજી બેઠક મે મહિનામાં 'ઈન્ટરનેશનલ ફીમેલ રાઈડ ડે’ના અવસરે થાય છે.

ઉર્વશી જણાવે છે કે, ગયા વર્ષે અત્યાર સુધીમાં તે બે રેસ જીતી ચૂકી છે. તેમાંથી એક રેસ ગત ત્રણ વર્ષથી જીતતી આવે છે. ખાસ વાત એ છે કે રેસ માટીના ટ્રેક પર હોય છે.


લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

Related Stories