કલ્યાણી ખોના: એક ‘આકસ્મિક’ ઉદ્યોગસાહસિક

કલ્યાણી ખોના: એક ‘આકસ્મિક’ ઉદ્યોગસાહસિક

Monday December 21, 2015,

6 min Read

‘અકસ્માત જે આપણને બદલે છે, તેઓ આપણને તે જ બનાવે છે જે આપણે છીએ જ !' બિલકુલ આવી રીતે જ, કલ્યાણી ખોનાનાં જીવનની વ્યાખ્યા કરવામાં આવી છે.

કલ્યાણીનાં જીવનમાં થયેલ 3 અકસ્માતોએ તેમને શીખ આપી કે બધું ઠીક થઈ જશે!

image


અકસ્માત # 1

વર્ષ 2013માં, એક ઍક્સચેન્જ પ્રોગ્રામનાં ભાગરૂપે, ત્યાંનાં પછાત તથા શિક્ષણથી વંચિત બાળકોને ભણાવવા માટે, તેમણે બ્રાઝિલની મુલાકાત લીધી. તેમની યાત્રા તેમને બેલેમ શહેર લઈ ગઈ, એક એવું શહેર જે તેની ગરીબી તથા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. તે જ સમયે, આવનારા FIFA વર્લ્ડ કપ વિરોધી પ્રદર્શન ચાલી રહ્યાં હતાં.

પણ તકદીરને કંઈક અલગ જ મંજૂર હતું. એક સાંજે તેમનું પર્સ ખોવાઈ ગયું, જેમાં તેમનો પાસપોર્ટ હતો. અને ચોર તેમની પાછળ પડ્યો હોવાથી તેઓ અસહાય થઈ ગયાં હતાં.

પણ કલ્યાણી તેને અકસ્માત નહી, પણ એક ઘટનાનાં રૂપમાં જુએ છે અને તેને હસી કાઢે છે.

"મારા માટે, તે મારો મોટામાં મોટો ડર હતો- વિદેશમાં ત્યાંની ભાષાનું જ્ઞાન ન હોવું, તથા પોતાનું એકમાત્ર મહત્વપૂર્ણ ઓળખપત્ર ગુમાવી દેવું." 

પણ કલ્યાણીએ તેમાંથી પણ એક સારો પાઠ શીખ્યો. વધુમાં તેઓ કહે છે, 

"જો તમને કશી ખબર ન હોય, અને દરેક વસ્તુ તમારી વિરુદ્ધ જતી હોય, તો તેને વળગેલા રહો. કારણ કે, મને ખબર છે કે બધું જ ઠીક થઈ જશે. બધું ના સમજ પડે તો કંઈ વાંધો નહી, મને ખબર છે કે તમે ઠીક થઈ જશો."

કલ્યાણી સાથેની મારી વાતચીત દરમિયાન મને ખબર પડી કે તેઓ આ વાતમાં દ્રઢપણે વિશ્વાસ કરે છે. પણ તેમનામાં વધુ કંઈક ખાસ છે.

વ્યક્તિગત રીતે તેમને બહુ પહેલાથી જ શરૂઆત કરી દેવાની જરૂર લાગી, કયા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવી, તે વિશે તેઓ ચોખવટ કરી દેવા માંગતા હતાં. એનાં પરિણામરૂપે, કલ્યાણીએ લગભગ બધાં જ ક્ષેત્રોમાં કામ કરી લીધું. માર્કેટિંગથી PR સુધી, જેમાં તેઓએ 2012-2014 માં લગભગ 20 વિવિધ પ્રોજેક્ટ્સ હાથ પર લીધા.

તેઓ પોતે શું કરવાં માંગે છે, તથા તેમનું પૅશન શેમાં છે, તે જાણવા માટે, તેઓ ઘણાં વ્યક્તિઓને મળ્યાં. તેમણે, HR કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઈકનૉમિક્સથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો, તથા પોતાની બૅચમાં હંમેશા ટૉપર રહ્યાં. તેમના મિત્રોએ તેમને ટૉપર વિદ્યાર્થીઓ દ્વારા આચરવામાં આવતી, પરંપરાગત રીત અપનાવવાની સલાહ આપી જેમાં, પ્લેસમૅન્ટની રાહ જોવી અને કોઈ MNC માં નોકરી મેળવી લેવી.

પણ તેમને આ વાત ન ગમી. તેઓ કહે છે કે, “કોઈ પણ નાની વસ્તુ એક દિવસ મોટો આકાર લેતી હોય છે”. તેઓ પણ ક્યાંક એ વાતમાં માનતા હતાં કે, તેમના તમામ અનુભવો તેમના માટે કંઈક મોટું ચિત્ર બનાવી રહ્યાં છે, એક એવું ચિત્ર, જેને તેઓ ગર્વ સાથે જણાવી શકે કે, તે તેમનું છે.

અકસ્માત # 2

image


કોઈ પણ વાર્તામાં એક દુ:ખદ પાસું પણ હોય છે – એક ઍન્ટી ક્લાઈમૅક્સ. તેમના કેસમાં એ તેમને અંત તરફ ન લઈ ગયું, પણ તેણે એક મોટું રૂપ ધારણ કરી લીધું.

તેમનાં મિત્રોને પોતાનાં નવી નોકરીમાં સેટ થતાં જોઈને, તેમણે પણ તેમને આવેલી એક ઑફર સ્વીકારવાનું નક્કી કર્યું. તેઓ નોકરી શરૂ કરતાં પહેલાં એક વાર મુસાફરી કરવા માંગતાં હતાં- હિમાલયમાં 14,000 ફીટ પર, 20 દિવસ સુધી ટ્રૅકિંગ.

અને આમ, તેમણે તેમના બીજા અકસ્માતને આમંત્રણ આપ્યું- ઉદ્યોગસાહસિકતામાં પ્રવેશ કરવાનો આકસ્મિક વિચાર.

તે અકસ્માતને થયે એક વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે, અને તમે આજેય તેમને એમ કહેતાં સાંભળશો કે તેઓ કેવી રીતે એક ‘આકસ્મિક ઉદ્યોગસાહસિક’ બન્યાં.

પણ તેમની બહાદૂરી ત્યાં જ ન રોકાઈ ગઈ. તેમણે એક એવી વસ્તુથી શરૂઆત કરવાનો વિચાર કર્યો, જેના વિશે તેમને બિલકુલ પણ જ્ઞાન ન હોય. તેમણે, વિકલાંગો માટે, એક બૂટીક મેચ-મેકિંગ એજન્સી શરૂ કરવાનો નિર્ણય લીધો.

તેઓ તેમની ‘બધું ઠીક થઈ જશે’ ની ફિલસૂફી પર અડીખમ રહ્યાં. આનાં વિશે કલ્યાણી જણાવે છે,

"લોકોની વિચારસરણીમાં બદલાવ લાવવો જરૂરી છે. સહાનુભૂતિથી હમદર્દી સુધી. કોઈએ ખરાબ મહેસૂસ કરીને તેમને માત્ર રસ્તો પાર ન કરાવવો જોઈએ, પણ રોકાઈને તેમને પૂછવું જોઈએ કે આજે તેમને કેવું મહેસૂસ થઈ રહ્યું છે”.

બેંગલૂરુમાં યોજાયેલ, ઈન્ડિયા ઈન્ક્લુઝન સમીટ 2015માં, મેં તેમને નારાયણને વ્હીલચેર પર લઈ જતાં જોયાં, જેઓ 40 વર્ષનાં છે અને લોકો મોટિવ ડિસેબિલિટીથી પીડાય છે. કેટલાક મહિનાઓ પૂર્વે, નારાયણે મીડિયામાં કલ્યાણીનાં એક આર્ટિકલ દ્વારા સંપર્ક સાધ્યો હતો. તેમણે કલ્યાણીને એક ઈ-મેઈલ કર્યો, જેમાં તેમણે લખ્યું હતું કે, તેઓ પણ એક એવી જીંદગી ઈચ્છે છે, જેમાં તેઓ એક સારી નોકરી કરતાં હોય, રહેવા માટે એક સારું ઘર હોય, પણ તેમના જીવનમાં એક એવાં વ્યક્તિની જરૂર છે જેનાં માટે ઘરે આવવાનું મન થાય. નારાયણનો તે એકાંકી વિચાર, કલ્યાણીને હચમચાવી ગયો.

તેઓ એક સાચી વાત કહે છે કે, દરેક હતાશા એક એવી સામાજીક જરૂરીયાતમાંથી આવતી હોય છે, જેને પૂરી કરવામાં નથી આવતી.

આજે તેમની સંસ્થા, Wanted Umbrella, વિકલાંગ લોકો માટે, 'લવેબિલિટી' નામની એક મોબાઈલ ડેટિંગ ઍપ તૈયાર કરી રહી છે. તેઓ માને છે કે, આ એક ઈન્ક્લૂસિવ ઍપ છે, જ્યાં અપંગતા વગરનાં લોકો, વિકલાંગ લોકો સાથે જોડાઈ શકે છે, અથવા તેમને મળી શકે છે.

તેમના વિશે વધુને વધુ જાણવાની ઈચ્છામાં, એક વાત મને સ્પર્શી ગઈ. તેઓ માત્ર 22 વર્ષની ઉંમરે, આટલી હિંમતથી કામ લે છે. તેમણે Wanted Umbrella ની શરૂઆત કરી ત્યારે તેઓ 21 વર્ષનાં હતાં. તેઓ મને જણાવે છે કે, તેમને વિકલાંગતા વિશે ઈન્ટરનેટ પર શબ્દો શોધીને તેને વધુ સમજવાનો પ્રયત્ન કરે છે. તે પળમાં તેમની ઉત્સુકતા દેખાઈ આવે છે.

કલ્યાણી માટે, વિકલાંગ લોકો તેમના પ્રેરણાસ્ત્રોત છે. 

"હું માનું છું કે, વિકલાંગ લોકો સાચા હીરો છે, અને દુનિયાએ તેમને સમજવા જોઈએ. તેઓ માત્ર મારા માટે જ નહીં, પણ સમાજ માટે પણ પ્રેરણાસ્ત્રોત છે. તેમની પાસે ઘણું ખરું શીખવા જેવું છે, તથા તેમને આપવા જેવું પણ ઘણું ખરું છે."

તો, આ ઉદ્યોગસાહસિકે, બીજા અકસ્માતમાંથી શું શિક્ષા લીધી?

તેઓ હસે છે અને મને જણાવે છે કે, “તમે શૂન્ય ફંડ, અનુભવ તથા આધાર સાથે શરૂઆત કરી શકો છો, અને તેમ છતાં પણ બધું ઠીક થઈ જશે!”

Wanted Umbrella થી Loveability સુધીની યાત્રાની રૂપરેખા

Wanted Umbrella થી Loveability સુધીની યાત્રાની રૂપરેખા


અકસ્માત# 3

image


Loveability નો ઈન્ટરફેસ કેવો દેખાશે તેનું ઉદાહરણ.

Loveability તેમના ત્રીજા અકસ્માતનું નામ છે. 2015માં, તેમણે તેમની ઍપ Wishberry નામનાં એક ક્રાઉડસોર્સિંગ પ્લેટફોર્મ પર મૂકી હતી.

આજે, તેમની ઍપને 143 ટેકેદારો પાસેથી રૂ. 6,15,000 મળ્યાં છે, જેનાં વિશે તેઓ કહે છે કે, “હું જાણું છું કે જ્યાં સુધી દુનિયામાં પ્રેમ છે, મને કોઈ તકલીફ પડશે નહી!”

મેં તેમને પૂછ્યું કે શું તે ખરેખર એક અકસ્માત હતો. તેઓ કહે છે, 'હા’. વાતચીતનાં અંતમાં કલ્યાણી કહે છે કે, અમે માનીએ છીએ કે, તમે જેના લાયક છો તે જ તમને મળે છે. પણ હું બધાને એ વાત જણાવવા ઈચ્છુ છું કે, આપણે પૂછવું પડશે. હું, Wishberry પર સવાલ કરીને આ અકસ્માત પર પહોંચી, અને બદલામાં મને ઘણો પ્રેમ મળ્યો.

ફોન કૉલ પરની વાતચીતનાં અંતમાં કલ્યાણી, ઉતાવળે મારી રજા માંગે છે. તેઓ જણાવે છે કે, તેઓ સવારથી વિવિધ મીટિંગ્સ માટે દોડધામ કરી રહ્યાં છે. જેના વિશે મેં પૂછ્યું કે ‘કેવી મીટિંગ્સ’?

કલ્યાણી કહે છે કે, તેઓ મિનિસ્ટ્રી ઑફ સોશિયલ જસ્ટિસ ઍન્ડ ઍમ્પાવરમેન્ટની કન્સલટૅન્ટ છે, તથા પ્રધાનમંત્રીનાં ઍક્સૅસિબલ ઈન્ડિયા પ્રોગ્રામનાં એક કન્ટ્રીબ્યૂટર પણ છે.

ખરેખર, કલ્યાણી ન્યૂ જનરેશનની પ્રેરણાસ્ત્રોત છે, એટલા માટે જ નહીં કે તેઓ શું કરી રહ્યાં છે અને ક્યાં પહોંચ્યાં છે. તેઓ પ્રેરણાસ્ત્રોત છે કારણ કે, તેમનામાં દરેક વ્યક્તિની જેમ, પોતાનાં પૅશન તથા મોટિવેશન જાણવાની ઈચ્છા છે. તેઓ, રસ્તામાં મળતા દરેક સામાન્ય યુવાન તથા યુવતીની પ્રેરણાસ્ત્રોત છે, જેમની પાસે કંઈક અસાધારણ કાર્ય કરવાની ક્ષમતા છે. કલ્યાણી સાથે વાત કર્યા પછી, આપણે આપણા અકસ્માતોની તાકાતનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ.


લેખક: તરૂષ ભલ્લા

અનુવાદક: નિશિતા ચૌધરી

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો