એક જ ક્લિકમાં પૂજાનો સામાન તમારા ઘરે પહોંચાડશે vedicvaani.com

એક જ ક્લિકમાં પૂજાનો સામાન તમારા ઘરે પહોંચાડશે vedicvaani.com

Friday October 30, 2015,

3 min Read

vedicvaani.comની શરૂઆત ઓગસ્ટ 2013માં થઈ હતી.

હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી તમામ પૂજન સામગ્રી હવે ઓનલાઇન

વેદિકવાણી વિશ્વભરમાં પૂજન સામગ્રી પહોંચાડી રહી છે.

કોઈ મોટું કામ કરવા માટે એ જરૂરી નથી કે માણસ મોટા મોટા વિચારો જ કરે, ઘણી વખત નાના-નાના આઇડિયા પણ મોટા કામનો પાયો નાખી દે છે. મુંબઈના કલ્પેશ ગાંધી, આશિષ ગાંધી અને વિક્રમ શાહના મગજમાં આવો જ એક નાનો આઇડિયા આવ્યો હતો જે આજે મોટા બિઝનેસ મોડેલમાં બદલાઈ ગયો છે.

image


જૂન 2013ની એક સાંજે કલ્પેશ, આશિષ અને વિક્રમ નવરા બેઠા ગપ્પા મારતા હતા. તેવામાં ત્રણેયના મગજમાં કંઈક નવા જ પ્રકારનું કામ કરવાનો વિચાર આવ્યો. ખૂબ જ વિચાર્યા બાદ ત્રણેય એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે પૂજાપાઠની સામગ્રીને દેશ-વિદેશમાં વેચશે. આવો વિચાર તેમનાં મનમાં કેમ આવ્યો તે અંગે કલ્પેશ જણાવે છે કે અમારો પરિવાર પૂજાપાઠનાં કામ સાથે સંકળાયેલો છે. મારા પિતા આ જ કામ કરે છે તેમાં અમે અનુભવ્યું હતું કે લોકોને પૂજન સામગ્રી વિશે ઓછું જ્ઞાન હોય છે. પૂજાના સામગ્રીની ગુણવત્તાની બાબતે તો તેઓ એકદમ અજ્ઞાન જ હોય છે. તેવામાં અમને લાગ્યું કે લોકોને પૂજનની યોગ્ય સામગ્રી વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે. તેના કારણે લોકોને પણ મદદ મળશે અને તેમને પૂજાનો સામાન એક જ સ્થળે મળી જશે. શરૂઆતમાં આ બિઝનેસ સ્થાપવામાં અમે ખૂબ જ તકલીફ પડી પણ અમે ત્રણેય જણાએ તેના માટે ખૂબ જ મહેનત કરી હતી. ત્યારબાદ તો લોકોને પણ અમારું કામ ગમવા લાગ્યું. જે ગ્રાહક એક વાર અમારી પાસે આવતો તે વારંવાર આવવા લાગ્યો અને લોકો દ્વારા કરવામાં આવેલી માઉથ પબ્લિસિટીના કારણે અમારા કામને આગળ વધવામાં ખૂબ જ મદદ મળી. કલ્પેશ આગળ જણાવે છે કે જૂન 2013માં આ આઇડિયા અમને આવ્યો અને ઓગસ્ટ 2013માં અમે વેદિકવાણી ડોટ કોમની શરૂઆત કરી.


image


કલ્પેશ, આશિષ અને વિક્રમ ત્રણેય કોમર્સના સ્નાતક છે. તેમણે પોતાનું કામ બે રીતે શરૂ કર્યું. પોતાની વેબસાઇટ મારફતે તેઓ ઓનલાઇન ઓર્ડર પણ લે છે અને લોકો ઇચ્છે તો ફોન કરીને પણ તેમને ઓર્ડર આપી શકે છે. તેમની પાસે પૂજાપાઠ સાથે સંકળાયેલી તમામ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ છે જેમ કે હવન સામગ્રી, પૂજાની થાળી, કપૂર, કળશ, શ્રીફળ, પૂજાનું કાપડ, રૌલી-મૌલી, ધૂપ-દીપ, સોપારી, ઘંટડી, ધોતી, મૂર્તિ, રત્નો વગેરે. વેદિકવાણી રૂ. 50થી માંડીને રૂ. 5 લાખ સુધીની સામગ્રી ઉપલબ્ધ કરાવી આપે છે. જે લોકો ફોન કરીને ઓર્ડર આપે છે તેમના માટે કેશ ઓન ડિલિવરીની સગવડ પણ છે.

કામ શરૂ કર્યું તે દરમિયાન શું ભંડોળ મેળવવામાં કોઈ તકલીફ પડી હતી તેવા પ્રશ્નના જવાબમાં કલ્પેશે જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી આ વ્યવસાય શરૂ કરવા માટે કોઈનીયે પાસેથી નાણાં લીધાં નથી. અમે અમારા પોતાના પૈસે જ આ વેપાર ઊભો કર્યો છે. તહેવારોની મોસમમાં વેચાણ ખૂબ જ વધી જાય છે. અમે એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે અમારો સામાન લોકોને સરળતાથી મળી રહે. તેથી અમે બધી જ મોટી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ ઉપર અમારો માલ ઉપલબ્ધ કરાવડાવ્યો છે.

વેદિકવાણી જે પણ સામાન આપે છે તે તમામ ભારતમાં જ બને છે. મેક ઇન ઇન્ડિયા સ્પિરિચ્યુઅલ પ્રોડક્ટ્સને તેઓ વિશ્વભરમાં ફેલાવી રહ્યા છે. જેથી કરીને વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા ભારતીયને પૂજાપાઠ કરવામાં કોઈ તકલીફ ન પડે અને તેમને સરળતાથી પૂજાપાઠની સામગ્રી મળી જાય. વિશ્વના લગભગ તમામ દેશોમાં વેદિકવાણી પોતાનો સામાન પહોંચાડે છે.


image


વેદિકવાણીની પોતાની માર્કેટિંગ ટીમ પણ છે કે જે વિશ્વનાં બજાર ઉપર નજર રાખે છે. જ્યાં જે વસ્તુની જરૂર પડે છે ત્યાં તે વસ્તુને પહોંચાડવામાં આવે છે. હાલમાં વેદિકવાણી હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા પૂજાપાઠના સામાનનો જ વેપાર કરે છે પરંતુ ભવિષ્યમાં તેની યોજના અન્ય ધર્મોનાં ધાર્મિક અનુષ્ઠાનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીનો વેપાર શરૂ કરવાની પણ છે. તે દિશામાં વેદિકવાણી કામ કરી રહી છે.