એક માતાને પોતાની દીકરી પર દીકરાઓ કરતાં વધારે ગર્વ, ‘માયા’એ બદલ્યું ‘પ્રિયંકા’નું જીવન

0

“મારી માતાને મારા પર બહુ જ ગર્વ છે. તેણે આજીવન એવું જ સાંભળ્યું હતું કે તેણે દીકરીને નહીં દીકરાને જન્મ આપવો જોઇતો હતો કે જે વૃદ્ધાવસ્થામાં તેનો ટેકો બનત. આજે તે સમાજ સામે ગર્વથી માથું ઊંચકીને કહે છે કે તેની દીકરી એક દીકરા જેવી છે.”

સોળ વર્ષની પ્રિયંકા પૂણેની એપિફની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ભણે છે. જે ઓછી આવક ધરાવતા લોકોનાં બાળકોની સ્કૂલ છે. આ વર્ષે ઉનાળામાં તે ભણવા માટે ઇટલી જઈ રહી છે. જ્યાં તે એડ્રિયાટિક (ઇટાલી)ની યુનાઇટેડ વર્લ્ડ કોલેજ (યુડબલ્યૂસી)માં બે વર્ષ શિક્ષણ લેશે. “ત્યાં મેં ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, હાયર ઈંગ્લીશ, જીવ વિજ્ઞાન, ગણિત અને ઇટાલિયન વિષય સાથે ભણવાનું નક્કી કર્યું છે.”

જીવનમાં તેની સામે મોટા પડકારો હતાં પરંતુ તે પાછળ હટનારાઓમાંની નહોતી. તેના પિતા જેલમાં છે અને તે માતા સાથે એકલી રહે છે. એક એવા સમાજમાં કે જ્યાં એકલી માતાઓ અને ખાસ કરીને ઓછી આવક ધરાવતી એકલી માતાઓને ખરાબ નજરે જોવામાં આવે છે. જીવનનું ગુજરાન કરવું ખૂબ જ કપરું કામ હતું.

“માને જોઈ જોઇને જ હું શીખી કે મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરાય છે. તેણે જન્મથી જ મને પિતાની ઉણપ વર્તાવા દીધી નહોતી. એ વાતની ચિંતા થવા દીધી નહોતી કે પરિવારના મોભી તરીકે પિતા અમારી સાથે ઘરે નહોતા. તે તમામ ભૂમિકાઓ એક સાથે નિભાવતી રહી. જે પુરુષ તેને હેરાન કરવાની કોશિશ કરતાં તેની સાથે તે લડતી-ઝઘડતી. કોઈનાયે ટેકા વિના અડિખમ ઊભી રહી અને મને શીખવાડ્યું કે વિપરીત સંજોગો ઊભા થાય તો સમાજ સામે કેવી રીતે ઊભા થઈ જવું અને મુકાબલો કરવો.”

‘કનેક્ટિંગ ધ ડોટ્સ’- માયા અને પ્રિયંકા

વર્ષ 2013માં ‘ટીચ ફોર ઇન્ડિયા’એ સર્વાંગી શિક્ષણની આવશ્યકતા ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કર્યો અને ત્યારે જ ‘માયા’નો જન્મ થયો. ‘માયા’ ‘ટીચ ફોર ઇન્ડિયા’ના વિદ્યાર્થીઓ તેમજ બ્રોડવે આર્ટિસ્ટ્સની ભાગીદારી સાથે તૈયાર કરવામાં આવેલી સંગીતબદ્ધ નૃત્યનાટિકા છે. જે સંગીત સાથે મૂળ સ્ક્રિપ્ટ રાજકુમારી માયાની વાત કરે છે. જેને એવો આદેશ આપવામાં આવ્યો હતો કે તે રાજ્યમાં પ્રકાશ પાછો લઈને આવે. ત્યારે તે પોતાનાં પાંચ મિત્રો દક્ષિણ ભારતીય ડાકણ કુટ્ટી, બોલતો મોર ઇન્ડિગો, ચક્રાકારે ફરતો જાદુઈ જારા અને નવ મુખ ધરાવતા સાપ રુકાને લઈને લાંબી મુસાફરીમાં નીકળી પડી. આ બધાએ સાહસ, દયા અને સમજણનો ઉપયોગ કરીને દુનિયાને ત્રણ મોટા શ્રાપમાંથી મુક્ત કરાવી.

બ્રોડવે અભિનેતા નિક ડાલ્ટન સાથે મળીને સંગીત નિર્દેશન કરનારી સાનયા ભરુચા કહે છે, “એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઓછી આવક ધરાવતાં વર્ગના બાળકો કે જેમને પહેલાં પોતાની કલા દર્શાવવાની ક્યારેય તક નથી મળી તેઓ કેટલું બધું કરી શકે છે. આ એક સંકેત છે કે તેમને કયા પ્રકારનું શિક્ષણ આપવું. એવું શિક્ષણ કે જે શિક્ષણનાં મૂલ્યો, માનસિકતા, તકો અને પહોંચનો એકસાથે સમાવેશ કરી શકે. માયાની જેમ આ 30 બાળકો આત્મખોજ માટે લાંબી યાત્રાએ નીકળી પડ્યા હોય અને પોતાનાં મૂલ્યોને શોધીને તેને ચમકાવ્યાં હોય તેવી રીતે.”

પ્રિયંકા જે શાળામાં ભણી રહી છે ત્યાં વર્ષ 2009થી ‘ટીચ ફોર ઇન્ડિયા’ના ફેલોઝ કેટલાંક ધોરણોમાં આવતાં રહ્યાં છે. પરંતુ પ્રિયંકા તેમાંનાં એક પણ ધોરણમાં નહોતી. એટલે પ્રશ્ન એ પણ થાય કે પ્રિયંકાને રુકાની ભૂમિકા કેવી રીતે મળી અને તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું?

હળવો ધક્કો

ટીચ ફોર ઇન્ડિયાની એક ફેલો અહોના કૃષ્ણાએ પ્રિયંકાને શાળામાં અભિનય કરતાં જોઈ હતી અને તેણે શાળા પાસે રજૂઆત કરી કે પ્રિયંકાને ઓડિશન આપવાની પરવાનગી આપવામાં આવે. “અહોના દીદી (ત્યાં શિક્ષકોને દીદી કે ભૈયા કહેવાનો રિવાજ છે)એ મને રાતે 11 વાગે પૂછ્યું કે હું બીજા દિવસે તેમની સાથે ઓડિશન માટે જઈ શકું. મારી માતા હંમેશા ઇચ્છતી હતી કે હું અભિનય કરું. મને એમ હતું કે આ અભિનય માટેનું ઓડિશન હશે. તેથી મેં હા પાડી દીધી. પછી મને ખબર પડી કે ‘માયા’ એ કઈ બલા છે અને તેના માટે ખૂબ જ સમય આપવો પડશે. (આ કાર્યક્રમ શાળા છૂટી ગયા પછી યોજાય છે). ઓડિશનમાં આવેલા કુલ 320 બાળકોમાંથી 30ને પસંદ કરવામાં આવ્યા. પ્રિયંકાની માતાની ચિંતાનું નિવારણ તેના આયોજકોએ કર્યું અને તમામ માતા-પિતાને સમજાવવામાં આવ્યું કે માયાની આ મુસાફરી મારફતે તેઓ એમ ઇચ્છે છે કે બાળકો કોઈ મોટી સિદ્ધી હાંસલ કરે.”

અસર

સાનયા શરૂઆતથી જ આ બધી ગતિવિધિઓની વચ્ચે રહી અને સતત બધું જોઈ રહી હતી. સાનયાનું કહેવું છે કે ‘માયા’નો વિષય પ્રત્યક્ષ રીતે શિક્ષણ ઉપર કેન્દ્રિત ન હતો પરંતુ એકંદરે શિક્ષણ કેન્દ્રિત હતો જ. જેમ કે ‘માયા’માં સંગીત શીખવાડવું હોય તો અન્ય વિષયના ટુકડાઓ મારફતે શીખવાડવામાં આવતું હતું. તેવી જ રીતે નૃત્ય શીખવાડતી વખતે પણ શિક્ષકો ઇતિહાસ અને પરંપરાના પાઠ શીખવે છે. અથવા તો કોઈ સંગીત કે ગીત અગ્નિ વિશે હોય તો પાત્ર વર્ગમાં સાચો અગ્નિ લઈને આવશે. અગનજ્વાળાઓને નજીકથી જોશે અને તેની પ્રકૃતિ વિશે સારી રીતે માહિતી મેળવી શકશે. ‘માયા’ના વિદ્યાર્થીઓ ભારતના બીજા ‘ટીચ ફોર ઇન્ડિયા’ના વિદ્યાર્થીઓ કરતાં 80 ટકા વધારે સારું પરિણામ આપી રહ્યાં છે.

બાળકોનાં વર્તનમાં પરિવર્તન

એક ઉદાહરણ જોઇએ તો ‘માયા’ના જ અન્ય એક વિદ્યાર્થી મોહિતનો ઉલ્લેખ કરતાં સાનયા કહે છે, “નાનામાં નાની વાત પણ તેને ગુસ્સો અપાવતી હતી અને તે મારામારી કરવા લાગતો હતો. તેની આસપાસના લોકો તેને મહોલ્લાનો દાદા કે ગુંડો કહેવા લાગ્યા હતા. પરંતુ કલાએ તેને એક સમજતો અને વિચારતો માણસ બનાવવામાં ખૂબ જ મદદ કરી.”

પ્રિયંકામાં થયેલાં પરિવર્તનો અંગે તે કહે છે,

“હું જ્યારે પહેલીવાર પ્રિયંકાને મળી ત્યારે તે શરમાળ છોકરી હતી. તે પોતાનાં મનની વાત કહી નહોતી શકતી કે પોતાના વિચારો પણ રજૂ નહોતી કરી શકતી. ખાસ કરીને એવા વિચારો કે જે તેના માટે અગત્યના હોય. તે ખૂબ જ જવાબદાર, દર વખતે શીખવા માટે તૈયાર અને ખૂબ જ અલગ છોકરી હતી. છેલ્લાં બે વર્ષમાં મેં તેને થોડી અસલામતીની ભાવનાથી પીડાતી છોકરીમાંથી એક દયાળુ, સાહસી, અને સમજદાર યુવતીમાં તબદિલ થતાં જોઈ છે. ‘માયા’ મારફતે પ્રિયંકાને વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ક્ષેત્રોમાં અલગ-અલગ વિચારો તેમજ સામાન્ય રીતે આ દુનિયાનો પરિચય કેળવવાની તક મળી હતી. તે એક વિશ્વાસપાત્ર, ખુશમિજાજ અને વિચારશીલ વ્યક્તિ તરીકે સામે આવી છે અને મને ખરેખર લાગે છે કે તે દુનિયા બદલી શકે છે.”

ત્રિભુજની ત્રણ ભુજાઓ

તેનું શાળાકીય શિક્ષણ, નૃત્ય નાટિકા અને વિદેશમાં શિક્ષણની તક, આ બધું એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલું છે. કારણ કે ‘માયા’માં જ યુડબલ્યૂસીના પ્રિન્સિપાલ ઓફ ઇન્ડિયા કેમ્પસે માયા સાથે જોડાયેલી તમામ છોકરીઓને જોઈ. અને ટીચ ફોર ઇન્ડિયાને રજૂઆત કરી કે આ છોકરીઓને યુડબલ્યૂસી એડ્રિયોટિકના કાર્યક્રમ માટે અરજી કરવી જોઇએ. શરૂઆતમાં પ્રિયંકાને થોડો સંકોચ થતો હતો પરંતુ આયોજકોએ સમજાવી તેથી તે તમામ પસંદગી પ્રક્રિયાઓમાં આગળ વધતી વધતી તે સફળ થઈ ગઈ. તેણે આ પ્રોગ્રામ માટે અરજી કરી. ભારતમાંથી પસંદ કરવામાં આવેલા 120 બાળકોની યાદી બનાવવામાં આવી. જેમાં પ્રિયંકા અંતિમ રાઉન્ડમાં પણ સફળ રહી હતી.

અનંત શક્યતાઓ

“મેં જાત ઉપર વિશ્વાસ રાખવાનું શીખ્યું છે. આજે પણ જ્યારે મારી સામે વિકટ સ્થિતિ આવે છે અને મારો વિશ્વાસ ડામાડોળ થવા લાગે છે તો હું વિચારું છું કે એવા અનેક લોકો છે કે જે મારા ઉપર તેમના કરતાં પણ વધારે વિશ્વાસ રાખે છે કે જેટલો મને મારી જાત ઉપર છે. આ વાત મને મારી મર્યાદાનો વિસ્તાર કરવા માટેની પ્રેરણા આપે છે.”

તેના મિત્રો તેની આ સિદ્ધિ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે તે અંગે તે જણાવે છે, “તેઓ મને ચિડવે છે કે હું તેમને ભૂલી જઈશ પરંતુ તેમને મારા ઉપર ખૂબ જ ગર્વ છે. તેમને અનુભવ થાય છે કે હું દુનિયામાં તેમની પ્રતિનિધિ છું અને ઉદાહરણરૂપ છું કે દુનિયામાં તમે ગમે તે વર્ગમાંથી આવો પણ તમે જે ઇચ્છો તે મેળવી શકો છો.”

આશ્ચર્યની વાત એ છે કે પ્રિયંકાની માતા એમ ઇચ્છતી હતી કે તે 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરી લે ત્યાર પછી તેનાં લગ્ન કરી દેવાં. શું તે પોતાની માતાને સમજાવવામાં સફળ થઈ? આ અંગે તે ખડખડાટ હસી પડે છે અને કહે છે, “સાચી વાત તો એ છે કે હું તેને મનાવવામાં સફળ નહોતી રહી. પરંતુ ‘માયા’એ મને શીખવાડ્યું છે કે તમે શું વિચારો છો તેનાં વખાણ ન કરવાં જોઇએ તે કરીને દેખાડવું જોઇએ. માયા મારફતે હું મારી માને એ દેખાડવામાં સફળ રહી કે લગ્ન એકમાત્ર વિકલ્પ નથી. માના પોતાનાં જ લગ્ન નાની ઉંમરે થઈ ગયા હોવાને કારણે તેણે ખૂબ જ દુઃખો વેઠવા પડ્યા હતાં. તેમ છતાં પણ તે નાની ઉંમરે મારાં લગ્ન કરાવી દેવા માગતી હતી કારણ કે તેને ખબર હતી કે તેના પછી તેની સંભાળ રાખનારું કોઈ નથી. પણ તેણે જોયું કે મને તક મળે તો હું ગમે તે કરી શકું છું તેને વિશ્વાસ બેઠો અને તેને લાગ્યું કે હું મારી સંભાળ જાતે લઈ શકું છું પછી તેણે મારા નિર્ણય ઉપર મંજૂરીની મહોર મારી.”

હજી સુધી પ્રિયંકાએ એ નિર્ણય લીધો નથી કે તે જીવનમાં શું કરવા માગે છે. પરંતુ તેને ખબર છે કે તેણે કયા રસ્તે આગળ વધવું છે.

“હવે હું માત્ર મારી પ્રાથમિકતાઓ ઉપર નથી વિચારતી પરંતુ એ પણ વિચારું છું કે હું સમાજને શું આપી શકું છું. હું એમ વિચારું છું કે હાલ અત્યારે હું શું કરી શકું, એમ નહીં કે સમય આવવાની રાહ જોઇને બેસી રહું. દરેક ક્ષણ મહત્વની છે. હાલમાં હું એક મનોવૈજ્ઞાનિક બનવા માગું છું પરંતુ જેમ જેમ હું આગળ વધીશ તેમ તેમ મારી ઇચ્છા રૂપજીવીનીઓ માટે કામ કરવાની છે. એવું કામ કરું કે જેના કારણે તેમનાં બાળકો પણ પોતાનાં સપનાં સાકાર કરી શકે જેમ મેં કર્યાં છે.”

Related Stories