ફિલોસોફીઃ દુનિયા એક વર્ગખંડ અને એક ખંડમાં આખી યુનિવર્સિટી, સપનુઃ દેશને 100 ટકા સાક્ષર બનાવવો

દરેક બાળકને ઉત્તમ શિક્ષકો સાથે વિડિયો થકી જોડવાનો પ્રયાસ... પાંચ લાખ બાળકો ઉઠાવી રહ્યાં છે વિડિયો ક્લાસનો લાભ... અવધાન માઇન્ડ પાવરની ડિરેક્ટર સુરભિએ મોટા પગારની નોકરી છોડીને બાળકોને ભણાવવા શિક્ષણ યજ્ઞ આદર્યો છે!

0

મહાન એ નથી જે પોતાના માટે જીવે છે, પોતાના સુખ-સુવિધા માટે મથે છે, બલકે મહાન એ છે જે પોતાની તમામ સુખ-સુવિધાનો ત્યાગ કરીને પોતાની આજુબાજુના લોકોનો વિકાસ કરે છે. વાત શિક્ષણની આવે ત્યારે આપણું ધ્યાન આવા લોકો તરફ જવું જરૂરી છે. કહે છે કે

વિદ્યા દદાતિ વિનયમ્ વિનયાદ યાતિ પાત્રનામ, પાત્રત્વાદ ધનમાપ્નોતી ધનાદ ધર્મસ્તતઃ સુખં.

અર્થાત્ વિદ્યાથી વિનય, વિનયથી યોગ્યતા, યોગ્યતાથી ધન અને ધનથી ધર્મ અને ધર્મના પાલનથી સુખની પ્રાપ્તિ થાય છે. આ સુભાષિતને ચરિતાર્થ કર્યું છે સુરભિ ભગતે. મોટા મનને કારણે તેઓ ભલે ખુદને ‘મહાન’ની શ્રેણીમાં નથી રાખતાં, પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં તેઓ જે કામ કરી રહ્યાં છે, તે બહુ મહાન છે. http://www.univexcellence.com/home/ ના સંસ્થાપિકા અને ‘અવધાન માઇન્ડ પાવર’ની ડિરેક્ટર સુરભિ ભગત શિક્ષણના ક્ષેત્રમાં એક એવી કંપની સંચાલિત કરી રહી છે, જે દુનિયાની પહેલી એવી સંસ્થા છે, જ્યાં બાળકોને અંગ્રેજી ઉપરાંત હિંદીમાં પણ વાંચન સામગ્રી ઉપલબ્ધ કરાવાય છે. માત્ર વાંચનસામગ્રી જ નહીં, વિડિયો કન્ટેન્ટ પણ પૂરું પાડવામાં આવે છે. આયોજન તો પ્રાદેશિક ભાષામાં બાળકોને તેમની વાંચનસામગ્રી પૂરું પાડવાનું, જેથી તેઓ આસાનીથી વાંચી શકે, સમજી શકે અને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે.

સુરભિએ યોરસ્ટોરી સાથેની વાતચીતમાં જણાવ્યું, 

"મારું મિશન છે, દેશને 100 ટકા સાક્ષર બનાવવો. ઉદ્દેશ છે દરેક બાળકને પોતાની ભાષામાં શિક્ષણ પૂરું પાડવું. માત્ર પુસ્તકિયું શિક્ષણ નહીં, સંપૂર્ણ શિક્ષણ, જેમાં આજનું શિક્ષણ તો હોય જ સાથે સાથે વૈદિક શિક્ષણ પણ હોય. કારણ કે આજે બાળકોને પૌરાણિક વારસા સાથે જોડીને આધુનિક બનાવવાની જરૂર છે. માત્ર આધુનિક બનાવવાથી તેમનો પૂર્ણ વિકાસ શક્ય નથી."

શરૂઆત કઈ રીતે થઈ?

સુરભિ ભગત રાજસ્થાનના અજમેર જિલ્લાના સાવરમાં એક એવા પરિવારમાં પેદા થઈ, જ્યાં શિક્ષણને પહેલેથી સર્વોપરી માનવામાં આવતું હતું. સુરભિના દાદાજીની હંમેશાં એવી ભાવના હતી કે વિસ્તારનાં બાળકોમાં અભ્યાસ બાબતે એક ચેતના ઊભી થાય. આ જ સંસ્કાર સુરભિને પોતાના પિતાજી પાસેથી મળ્યા. જે વાત સંસ્કારમાં મળે છે, તેની અસર અવચેતન મન પર હંમેશાં રહેતી હોય છે. સુરભિ કહે છે,

"જ્યારે હું 12મા ધોરણની પરીક્ષા પહેલાં તમામ વિષયો માટે ટ્યૂશન કરતી હતી ત્યારે સમજાયું કે આ કામ કેટલું થકવી નાંખનારું છે. સાથે મને એ કેટલું મોંઘું છે એનો પણ અંદાજ આવ્યો. કેટલાંક બાળકો માટે જ તે શક્ય છે અને મોટા ભાગનાં બાળકોને તે પરવડતું નથી. એ વખતે જ મારા મગજમાં એક વાત ઠસી ગઈ કે સમય જતાં કંઈક એવું કરવાની જરૂર છે, જેનો ફાયદો બાળકોને મળે. બસ એ જ વાત મને સતત કંઈક કરવા માટે ઉત્સાહિત કરતી રહી."

બારમું ધોરણ પૂરું કર્યા પછી સુરભિને રાજસ્થાન યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં પ્રવેશ મળ્યો. 2002-06 સુધી એન્જિનિયરિંગ કર્યા પછી સુરભિને કેમ્પસ ઇન્ટરવ્યૂ દરમિયાન આઈબીએમ ઇન્ડિયામાં નોકરી મળી ગઈ. નોકરી દરમિયાન વિદેશમાં કામ કરવાની તક પણ મળી. જોકે, ચાર વર્ષની નોકરી દરમિયાન બાળકોના શિક્ષણ માટે કંઈક કરવાની સખત જરૂર છે, એવો તેમનો વિશ્વાસ મજબૂત થતો ગયો. સુરભિ કહે છે,

"'World is a classroom and room is university'નો વિચાર મારા મન-મસ્તિષ્ક પર સતત છવાતો ગયો અને મને તીવ્રપણે લાગવા માંડ્યું કે કંઈક એવું કામ કરવું જોઈએ, જેમાં એક સાથે લાખો બાળકોને ફાયદો થાય. બાળકો ગમે ત્યાં હોય, ઇન્ટરનેટ થકી તેઓ અમારી યોજનાઓનો લાભ ઉઠાવી શકે."

નોકરી છોડી, ઈ-લર્નિંગ, વિડિયો લર્નિંગ શરૂ કર્યું

પોતાના વિચારને સાકાર કરવા માટે 2010માં સુરભિ ભગતે પોતાની નોકરી છોડી દીધી. નોકરી છોડતાં જ એવો પ્રશ્ન આવ્યો કે બાળકોને ભણાવવા માટેનું કન્ટેન્ટ ક્યાંથી આવશે અને કઈ રીતે આવશે? અંગ્રેજીમાં કન્ટેન્ટ મળવું આસાન હતું,પરંતુ હિંદીમાં કન્ટેન્ટ તૈયાર કરવું ઘણું મુશ્કેલ હતું. આની શોધ અને સંશોધનમાં સુરભિને અનેક મહિના લાગ્યા. તે શિક્ષકોને મળવા લાગી. સૌથી પહેલાં એ શિક્ષકોને મળી, જેમણે તેને ભણાવી હતી. આ દરમિયાન સુરભિને સમજાઈ ગયું કે ઘણા સારા શિક્ષકો એવા છે, જે સારું ભણાવી શકે છે, પરંતુ વિડિયો ક્લાસ માટે સક્ષમ નથી. એવા કેટલાક શિક્ષકો મળ્યા, જે વિડિયો ક્લાસ સારી રીતે લઈ શકે છે, પરંતુ સરકારી શાળાઓમાં નોકરી હોવાથી તેઓ પોતાની ઓળખ છતી કરી શકે નહીં. બહુ પ્રયાસો પછી સુરભિએ કેટલાક એવા શિક્ષકો તૈયાર કર્યા જે કન્ટેન્ટ લખી આપી શકે અને કેટલાક તૈયાર કરેલો વિડિયો ક્લાસ લઈ શકે. આ રીતે સૌથી પહેલાં નવમા અને દસમા ધોરણ માટે ઈ-લર્નિંગ અને વિડિયો ક્લાસ શરૂ કર્યા. આનો રિસ્પોન્સ બહુ સરસ મળવા લાગ્યો. ત્યાર બાદ 11 અને 12 ધોરણના ક્લાસની પણ શરૂઆત કરવામાં આવી. આ બધામાં સૌથી મોટી મુશ્કેલી આવતી હતી, વિડિયો ક્લાસ દરમિયાન બોર્ડ પર હિંદી લખવામાં. કેટલાક શિક્ષકો સારું ભણાવી શકે છે, પરંતુ જરૂરી નથી કે હિંદીની જોડણી સારી લખી શકે. આને લીધે વિડિયો શૂટિંગ દરમિયાન બહુ તકલીફ પડતી હતી. જોકે, ધીમે ધીમે દેશના અલગ અલગ પ્રદેશોમાંથી સામેલ થનારા શિક્ષકો પણ આનાથી વાકેફ થતા ગયા અને સુરભિનું કામ પણ પહેલાં કરતાં સરળ થવા લાગ્યું. લોકોની સતત સારી પ્રતિક્રિયાને કારણે 2011થી હિંદી માધ્યમમાં આ વર્ગ 6-12 ધોરણ સુધીના કરી દીધા. સુરભિનો એક જ મત છે કે બાળકો એક જ જગ્યાએ The Power of 5E સાથે પરિચિત થાય. જે છે - E Lectures, E Learning, E Avdhan, E Testing & E Query Solution.

આજે સ્થિતિ એ છે કે દેશભરમાં અલગ અલગ પ્રદેશમાં આશરે 5 લાખ બાળકો આ વર્ગો અને ઈ-લર્નિંગનો ફાયદો મેળવી રહ્યાં છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 10,000 કલાકના વિડિયો ક્લાસ એક્સપર્ટ દ્વારા તૈયાર થઈ ચૂક્યા છે, જે પોતે જ એક રેકોર્ડ છે.

40 દેશો સહિત દેશનાં 20 રાજ્યોના બોર્ડનું કન્ટેન્ટ સામેલ

ગાંધીજી કહેતા હતા, 'સફળતાની પહેલી સીડી છે, સાદું જીવન અને ઉચ્ચ વિચાર.' સુરભિ ભગતને મળ્યા અને વાત કર્યા પછી વારંવાર એવું લાગે કે ‘મોટું’ કાર્ય કરવા માટે તેમણે પોતાની જાતને કેટલી સંયમિત રાખી છે. ઉદ્દેશ બહુ મોટો હોય ત્યારે સહજ અને સરળ રીતે જ તેને હાંસલ કરી શકાય છે, એ સાચી વાત છે. એ પણ નક્કી છે કે પ્રામાણિક પ્રયાસો હંમેશાં મંજિલ સુધી લઈ જાય છે. આ જ કારણ છે કે આજે તેમની સંસ્થા ‘અવધાન માઇન્ડ પાવર’ 40 દેશોમાં બાળકોને વિડિયો ક્લાસ ઉપલબ્ધ કરાવી રહી છે. સાથે સાથે ભારતનાં 20 રાજ્યોના બોર્ડ સાથે પણ જોડાયેલી છે. એટલે કે 20 રાજ્યોના 6થી 12 ધોરણ સુધીનાં બાળકો માટે તે બન્ને પ્રકારનું કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવી રહી છે અને એ પણ બન્ને ભાષાઓમાં. સુરભિનો પ્રયાસ છે કે જુદાં જુદાં રાજ્યોનાં બાળકોને તેમની ભાષામાં કન્ટેન્ટ પૂરું પાડવું. તેમણે વાતચીતમાં જણાવ્યું કે પંજાબી (ગુરુમુખી) ભાષામાં કન્ટેન્ટ તૈયાર કરવાનું કામ ચાલે છે અને ટૂંક સમયમાં બાળકોને તેનો લાભ મળવો શરૂ થશે.

પૈસા ક્યાંથી આવે છે?

કોઈ પણ સંસ્થા ચલાવવા માટે પૈસા અત્યંત જરૂરી પાસું છે. આજે સતત છ વર્ષ સુધી સફળતાની સીડીઓ ચડ્યાં પછી પણ સુરભિ ભગત બાળકોના શિક્ષણ માટે પોતાનાં નાણાં ખર્ચી રહી છે. સુરભિનું સ્પષ્ટપણે માનવું છે,

"મારા કાર્ય અને મારી યોજનાઓ માટે સરકાર પાસે મદદ જરૂર માગી છે, પરંતુ અત્યાર સુધી ક્યાંયથી પણ આર્થિક મદદ મળી નથી. રોકાણકારોનાં નાણાંની વાત કરીએ તો એ મામલે અમે સાવધ રહીએ છીએ. સાવધ એટલા માટે કે જ્યારે પણ મૂડીપતિઓ સાથે મૂડીરોકાણની વાત કરીએ તો સમગ્ર યોજનાને વ્યાવસાયિક ધોરણે આગળ વધારવાની વાત કરે છે. પરંતુ હું શિક્ષણને વ્યવસાય બનાવવાના પક્ષમાં નથી. મને લાગે છે કે જેવી આ પ્રવૃત્તિને હું વ્યાવસાયિક બનાવીશ કે આખું મિશન નિષ્ફળ થઈ જશે."

સુરભિએ જણાવ્યું કે તેઓ એટલું જરૂર કરે છે કે આ ક્લાસ માટે અન્ય લોકો જ્યારે મોટી ફી વસૂલે છે ત્યારે અવધાન માઇન્ડ પાવર બાળકોનાં માતા-પિતા પાસેથી મામૂલી ચાર્જ વસૂલીએ છીએ. ફી એટલે લઈએ છીએ, જેથી ઇન્ટરનેટ અને અન્ય ખર્ચાઓનું વહન થઈ શકે. જોકે, શિક્ષકોને મહેનતાણુ, કન્ટેન્ટ તૈયાર કરવા માટેનાં નાણાંની જોગવાઈ સુરભિ પોતે કરે છે.

સુરભિની નીતિ બિલકુલ સ્પષ્ટ છે –

"અમે એવા લોકોને પણ પત્ર લખીએ છીએ, જે શિક્ષણના ક્ષેત્રમાં સતત કામ કરી રહ્યા છે. અમે આવા લોકો, સંસ્થાઓની સાથે મળીને કામ કરવા માગીએ છીએ, પરંતુ સચ્ચાઈ એ છે કે અન્ય સંસ્થાઓ તરફથી ક્યારેય ઉત્સાહજનક જવાબ મળતો નથી. અને જવાબ મળે તોપણ તેઓ પૈસાની માગણી કરે છે."

આગામી વર્ષોનું આયોજન

સુરભિ ભગત બાળકોની સ્મરણશક્તિને વધુ મજબૂત બનાવવા માટે એક સંશોધન કરી રહી છે. ભારતની પ્રાચીન વૈદિક વિદ્યા અને અવધાન વિજ્ઞાનને સંયોજીને એક એવી શક્તિ તૈયાર કરવાની કોશિશમાં છે, જેનાથી બાળકોની સ્મરણશક્તિને વધુ સતેજ કરી શકાય. અવધાન વિજ્ઞાનથી એક વાર વાંચેલી વસ્તુ કાયમ માટે યાદ રહી જાય છે. સુરભિનું કહેવું છે કે તેમની સંસ્થા શિક્ષકોને આ અંગેની વિગતો જણાવી શકે છે, જેથી તેઓ વિડિયો ક્લાસ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખે અને બાળકોને વધુ ને વધુ લાભ મળી શકે. સુરભિ કહે છે,

"આપણી પ્રાચીન વિદ્યા એટલી સક્ષમ રહી છે કે આનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને આ અંગે બાળકોને જાણકારી આપવામાં આવે તો પછી દેશનું ભાવિ વધારે ઉજ્જવળ બનશે. આમાં અમે પૌરાણિક અને આધુનિક બન્નેનું સંમિશ્રણ કરીને એક નવી વસ્તુ બાળકોની સામે રાખી શકીએ છીએ."

પરિવારનો સહયોગ અને સન્માન

કહેવાય છે કે દરેક પુરુષની સફળતા પાછળ એક મહિલાનો હાથ જરૂર હોય છે અને એક સફળ મહિલાની પાછળ તેના પરિવારનો ભરપૂર સાથ હોય છે. સુરભિ ભગતની આ સફળતાની પાછળ તેના પરિવારનો સતત સાથે રહ્યો છે. લગ્ન પહેલાં માતા-પિતાનો અને લગ્ન બાદ પતિનો. મહેનત પોતાની અને સહયોગ પરિવારનો, આને લીધે જ સતત મહેનત અને પ્રયાસો પછી સુરભિ ભગતને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે, જેમાં 2014માં સાઉથ ઇસ્ટ એશિયા એનજીઓ જેવા અનેક સન્માનનીય પુરસ્કાર સામેલ છે.

Student Website

Website

Youtube Channel

લેખક- ધીરજ સાર્થક

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Related Stories