ગ્રામીણ અને આદિવાસી મહિલાઓ માટે શરૂ થઇ સૅનિટરી પૅડ બૅંક

મહારાષ્ટ્રના વર્સોવાના MLA ડૉ.ભારતી લાવેકરે એક નવી પહેલ શરૂ કરી છે જેમાં તેમણે તેમના NGO ટી ફાઉન્ડેશન અંતર્ગત આદિવાસી વિસ્તારોની મહિલાઓ તેમજ જરૂરીયાતમંદ છોકરીઓ માટે સૅનિટરી પૅડ બૅંક લૉન્ચ કરી છે!

ગ્રામીણ અને આદિવાસી મહિલાઓ માટે શરૂ થઇ સૅનિટરી પૅડ બૅંક

Thursday June 29, 2017,

3 min Read

ભારતીય મહિલાના માસિક ધર્મ (પીરિયડ્સ)ને લગતા નિરાશાજનક આંકડા સામે આવ્યા છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2015-16 પ્રમાણે 57.6% મહિલાઓએ પીરિયડ્સ વખતે સૅનિટરી પૅડનો ઉપયોગ કર્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ પીરિયડ્સ વખતે કાપડના પૅડનો ઉપયોગ કરે છે! તેમાંથી કેટલીક મહિલાઓ એવી પણ છે કે જેઓ માસિક ધર્મ વખતે કોઈ પણ પ્રકારના પૅડનો ઉપયોગ નથી કરતી. 

આ અભિયાન અંતર્ગત માત્ર મહિલાઓને પૅડ જ નથી અપાયા પરંતુ નવા પૅડ્સ પણ લૉન્ચ કરવામાં આવ્યા. ડૉ.ભારતીના આ નવા ફાઉન્ડેશન દ્વારા ગામના ખૂણે ખૂણે સુધી સૅનિટરી પૅડ્સ પહોંચાડવામાં આવશે.

આદિવાસી વિસ્તારોની મહિલાઓ પોતાનું નામ નોંધાવીને નિ:શુલ્ક સૅનિટરી પૅડ મેળવી શકશે.

image


સૌ કોઈ જાણે છે કે મહિલાઓની અડધા જેટલી જનસંખ્યા પીરિયડ્સ દરમિયાન સૅનિટરી પૅડ્સનો વપરાશ નથી કરતી. ઘણી મહિલાઓ આજે પણ માસિક ધર્મને લઈને જાગરૂક નથી. ઘણી મહિલાઓ એવી છે કે જેમને પૅડ્સનો ઉપયોગ ન કરવાના કારણે કોઈ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઘણી બ્લડ બેંક બની, મિલ્ક બેંક બની પરંતુ કોઈનું ધ્યાન મહિલાઓની સમસ્યા પર નથી ગયું. મહારાષ્ટ્રના વર્સોવાના MLA ડૉ.ભારતી લાવેકરે એક નવી પહેલ શરૂ કરી છે જેમાં તેમણે તેમના NGO ટી ફાઉન્ડેશન અંતર્ગત આદિવાસી વિસ્તારોની મહિલાઓ તેમજ જરૂરીયાતમંદ છોકરીઓ માટે સૅનિટરી પૅડ બૅંક લૉન્ચ કરી છે!   

શું છે યોજના?

કોઈ પણ ઓળખ કાર્ડ વિના જ આદિવાસી વિસ્તારની મહિલાઓને સૅનિટરી નેપકિન્સ મફતમાં આપવામાં આવશે. જ્યારે કે આદિવાસી વિસ્તારમાં ન રહેતી મહિલાઓ, ઓરેન્જ કાર્ડ બતાવીને પોતાનું નામ નોંધાવી શકે છે, ત્યારબાદ આ મહિલાઓને મહિનાના 10 પૅડ્સ આપવામાં આવશે. મહિલાઓ ફેસબુક, વેબસાઈટ, ફોન કૉલ કે પછી ઓફિસ પર જઈને પોતાનું નામ નોંધાવી શકે છે. આ અભિયાન અંગે જાગરૂકતા ફેલાવવા વિવિધ સ્કૂલ્સ, કોલેજ અને જાહેર શૌચાલયોમાં સૅનિટરી પૅડ વેન્ડિંગ મશીન તેમજ ડિસ્પોઝેબલ મશીન પણ લગાવવામાં આવશે. સૅનિટરી પૅડ બૅંકનું ભવ્ય લોન્ચિંગ ફિલ્મ અભિનેત્રી જીનત અમાન તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું. મહારષ્ટ્રમાં આવું પ્રથમ વાર થયું કે જેમાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગે જાગરૂકતા ફેલાવવા સૅનિટરી પૅડ બૅંક બનાવવામાં આવી હોય.

image


શું છે આ અભિયાનનો ઉદ્દેશ્ય?

આ અંગે ડૉ.ભારતીનું કહેવું છે,

"જ્યાં સુધી મહિલાઓ ખુદ જાગરૂક નહીં થાય, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખે, ત્યાં સુધી આવનારી પેઢીને જાગરૂક કરવી ઘણી મુશ્કેલ હશે. હાલ પૂરતું તો સરકાર 10 મહિનાઓ માટે સૅનિટરી પૅડ્સ મફતમાં આપશે. પરંતુ કોઈ ગ્રામીણ સ્કૂલ અમારી સાથે જોડાશે તો અમે બાકીના 2 મહિના પણ મફતમાં પૅડ્સ આપીશું. ટી ફાઉન્ડેશનના માધ્યમથી અમે દાતાઓ અને જરૂરીયાતમંદો વચ્ચેનું અંતર ઘટાડી, ડિજીટલ સૅનિટરી પૅડ બેંકની શરૂઆત કરી છે. છેલ્લા 1 વર્ષથી અમે આ તૈયારી કરી રહ્યાં હતાં. ડોનર્સ પૈસા અથવા તો સૅનિટરી પૅડ દાનમાં આપી શકે છે. 10 પૅડના એક પેકેટની કિંમત 7 રૂપિયા છે."  

હજી આજે પણ મહિલાઓ આ મુદ્દા પર વાત કરતા ખચકાય છે અને એવામાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓની વિચારસરણી બદલવાનો આ એક અવસર છે.

આ પૅડ બૅંકને આશા છે કે દરેક મહિલા અને છોકરીની જરૂરીયાત મુજબ પૅડ ઉપલબ્ધ કરી શકશે. મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરનું પ્રમાણ ઘટે તે માટે જાગરૂકતા ફેલાવવી પણ આ અભિયાનનો આશય છે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...