પર્યાવરણનું ચક્ર ચાલતું રહે તે માટે 16 વર્ષની ઉંમરે ઉપાડ્યું અભિયાન ‘ટાયરલેસલી’

0

સ્ટાર્ટઅપના આ સમયમાં મોટેરાઓની સાથે બાળકો પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. અનુભવ પણ તેવો જ એક છોકરો છે. જે ઉંમરે બાળકો પોતાની કરિયર અંગે પણ નથી વિચારતા તે ઉંમરે તેણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. 16 વર્ષના અનુભવ પાથવે વર્લ્ડ સ્કૂલ આરાવલી, ગુડગાંવનો 11મા ધોરણનો વિદ્યાર્થી છે. અનુભવે પોતાના કામની શરૂઆત 2012માં ‘ટેકએપ્ટો’ સાથે કરી અને ત્યારબાદ ડિસેમ્બર 2015માં તેણે ‘ટાયરલેસલી’નો પાયો નાખ્યો અને જાન્યુઆરી 2016માં અનુભવે પોતાના સ્ટાર્ટઅપને લોન્ચ કર્યું.


આ કંપની શરૂ કરવા અંગે અનુભવ યોરસ્ટોરીને જણાવે છે,

"જ્યારે એક દિવસ હું સ્કૂલેથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે મેં રસ્તા પર જૂના ટાયરો પડેલા જોયા અને તેને સળગતા જોઈને મને ખૂબ જ ખરાબ લાગ્યું, કારણ કે તેનાથી વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે અને હવા વધુ પ્રદૂષિત થાય છે. આ ઘટના પછી જ્યારે હું ઘરે પહોંચ્યો તો ગૂગલમાં સર્ચ કર્યું કે જૂના ટાયરોને કેવી રીતે નષ્ટ કરી શકાય, પણ મને નિરાશાં સાંપડી કારણ કે દેશમાં ક્યાંય એવી કારગર પદ્ધતિ જ નહોતી. ત્યારે મેં નક્કી કર્યું કે આ ક્ષેત્રમાં કંઈક કામ કરવું પડશે."

'ટાયરલેસલી' જૂના ટાયરોને ભેગા કરે છે અને તેનો સુરક્ષિત રીતે નિકાલ કરે છે. 'ટાયરલેસલી'ના મુખ્ય બે ઉદ્દેશ છે મટિરિયલ રિકવરી અને એનર્જી રિકવરી. ટાયરલેસલીને કોઈ પોતાના જૂના ટાયર આપવા માગે તો તેમની વેબસાઈટ પર જઈને મેસેજ નાખી દે છે. ત્યારબાદ તમારી જગ્યાએથી જૂના ટાયરો ભેગા કરવામાં આવે છે. હાલમાં તે દિલ્હી અને એનસીઆરમાં આ સેવા આપે છે ટૂંક સમયમાં તે દેશના 12 શહેરોમાં આ સેવા શરૂ કરશે.

જૂના ટાયરો ભેગા કરવા ગુડગાંવમાં તેમણે એક ગોડાઉન લીધું છે અને તેમની પાસે એક વાન છે જેના દ્વારા તે ટાયર ભેગા કરે છે. ટાયરલેસલી પાંચ લોકોના જૂથ દ્વારા કરા કરે છે અને ટૂંક સમયમાં તેનો પણ વિસ્તાર થશે. અનુભવ જણાવે છે કે, જ્યારે તે લોકો પાસેથી જૂના ટાયર લે છે ત્યારે તેમને કોઈ પૈસા નથી આપતા પણ ટાયર લઈ જવાની સેવા મફતમાં આપે છે. ખાસ વાત એ છે કે એક ટાયર હોય કે 100 તે આ સેવા મફતમાં જ આપે છે.

હાલમાં જૂના ટાયરોનો ઉપયોગ ચીની ઉદ્યોગો અને તેના જેવા અન્ય ઘણા ઉદ્યોગોમાં થાય છે. તેનાથી પ્રદૂષણ થાય છે. ટાયરલેસલી હવાને પ્રદૂષિત કર્યા વગર ટાયરો ડિસ્પોઝ કરીને તેમાંથી તેલ, ગ્રીસ અને અન્ય પદાર્થો બનાવે છે. અનુભવે પોતાના જૂના સાહસમાંથી મળેલી મૂડી દ્વારા ટાયરલેસલીમાં રોકાણ કર્યું હતું. કંપનીની આવક વિશે અનુભવ જણાવે છે કે, તેની વેબસાઈટ પર આવતી જાહેરાતો તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા અનુભવને જ્યારે યોરસ્ટોરીએ પૂછ્યું કે, તે અભ્યાસની સાથે કેવી રીતે સમય ફાળવીને આ કામ કરે છે તો તેણે જણાવ્યું,

"મેં રોજિંદા કામ માટે મારા કલાકો નક્કી કરી દીધા છે. આ રીતે હું અભ્યાસ સાથે ટાયરલેસલી માટે પણ સમય ફાળવું છું."

તેણે જણાવ્યું કે, તે મોટાભાગે દિવસ દરમિયાન અભ્યાસ કરીને સાંજના સમયે પોતાના આ સાહસ માટે સમય ફાળવે છે. આ રીતે અભ્યાસમાં ખલેલ નથી પડતી અને તેના કામને પણ અસર થતી નથી. આ કામમાં તેને સૌથી વધુ મદદ કરનારા તેના માતા-પિતા જણાવે છે કે, તેઓ નિયમિત રીતે તેને પ્રોત્સાહન આપતા રહે છે જેથી તેનું મનોબળ મજબૂત બને. અનુભવના જણાવ્યા પ્રમાણે તે સતત પ્રયાસ કરે છે કે વિવિધ સમાજના લોકોની મદદથી ટાયર બાળવાથી થતા પ્રદુષણ અંગે જાગ્રતી આવે. હાલમાં જ શરૂ કરવામાં આવેલા પોતાના સાહસ વિશે અનુભવ જણાવે છે કે, તે ફેબ્રુઆરીના અંત સુધીમાં લગભગ એક હજાર ટાયર ભેગા કરવા માગે છે અને તેની યોજના છે કે તે પોતાના આ વ્યવસાયને દેશભરમાં વિસ્તૃત કરે.


લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- મેઘા નિલય શાહ

Related Stories