વડોદરામાં 'અચ્છે દિન' લાવવા દિવસ-રાત એક કરતું વડોદરાનું RABV ગ્રુપ 

0

ભારત દેશમાં છેલ્લાં કેટલાક સમયથી સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે પરંતુ તેમાં પણ જોઈએ એટલી સફળતા નથી મળી રહી. તેવામાં એ સવાલ પણ થાય કે જયારે તમે બહારના દેશોમાં જઇને ગંદકી ન કરી, કચરાને યોગ્ય જગ્યા કે કચરા પેટીમાં નાખી બીજા દેશને સ્વચ્છ અને સુઘડ રાખી શકો છો તો આપણા દેશ ને કેમ નહીં? સ્વચ્છતા પર વધુ દબાણ આપી આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વધુ સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા ભારત અભિયાન શરુ કર્યું છે. પરંતુ એક વ્યક્તિ તો સમગ્ર દેશને ચોખ્ખું રાખી નથી શકતી! તેન માટે જનતાએ જાગૃત થવું પડે અને આપણે પણ આપની આજુબાજુ ગંદકી ન થાય અને જગ્યા સ્વચ્છ રહે તેવા પગલા લેવા જોઈએ. પરંતુ ૨ વર્ષ પહેલાં જયારે દેશમાં કોઈ સ્વચ્છતા અભિયાન નહોતું ચાલતું ત્યારે શું કોઈ નાના-મોટા પાયે સ્વચ્છતાની કોઈ કામગીરી કરી રહ્યાં હતાં? 

તો તેનો જવાબ છે 'હા'. વડોદરા સ્થિત એક ગ્રુપ કે જે વર્ષોથી વડોદરાને સ્વચ્છ રાખવા ઘણા પ્રયાસો કરી રહ્યાં છે. 

લગભગ ૨ વર્ષ પહેલાં રીઝોલ્યુશન : અ બેટર વડોદરા (RABV) ગ્રુપની સ્થાપના થઇ હતી. રમતરમતમાં જ આ ગ્રુપ બીરજુ પટેલ, દિના પટેલ, આનંદ શાહ, દીપ પટેલ અને જગત પરીખે શરૂ કર્યું હતું. આ લોકોનો હેતુ પોતાના ઘર, રોડ, શહેર તેમજ દેશને સ્વચ્છ રાખવાનો અને બનાવવાનો હતો. તેમજ ગંદકી ન કરવી એના વિષે જાગરૂકતા ફેલાવવાનો હતો.

કોઈ પણ ગ્રુપ કે કેમ્પેઈન થવા પાછળનો કોઈ એક વળાંક જરૂરથી હોય છે. તેવીજ રીતે દિના પટેલ અને બીરજુ પટેલ સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે આ ગ્રુપ જો જોતામાં ફક્ત એક જ અઠવાડિયામાં પ્રચલિત થઇ ગયું અને સોશિયલ મીડિયા પર હકારાત્મક પ્રતિક્રિયા સાથે ૫૦-૬૦ જેટલા સ્વયંસેવકોનો સાથ મળ્યો.

જેમ-જેમ બધાનો સાથ મળતો ગયો તેમ તેમ આ ગ્રુપને ઉડવાની તાકાત પણ મળતી ગઈ.

પછી તેમના નેતૃત્વ હેઠળ અનેક લોકો જોડાઇ પોતાના ચોગાન તેમજ શેરીને સ્વચ્છ રાખવાના ઝુંબેશમાં આગળ નીકળી પડ્યાં. આ સમગ્ર અભિયાન પાછળ તેમણે VMSS તરફથી પણ સારો સપોર્ટ અને સાથ મળતો ગયો. તદુપરાંત એક વાર કોઈ જગ્યા સાફ થઇ જાય તેની દેખરેખ પણ RABVના સ્વયંસેવકો નિયમિતપણે રાખતા હતાં. તેઓ સદાય નાગરિકોના સંપર્કમાં આવી તેમને પૂછીને તેમને મૂંઝવતા પ્રશ્નોના નિવારણ માટે પણ સતત મથ્યા કરતા હતાં. તેમણે ઘણી વાર ઘણી સોસાયટી તેમજ ઘર તરફથી યોગ્ય રિસ્પોન્સ ન મળતો અને ધુતકારતા પણ હતાં. પણ બીરજુ પટેલ અને તેમની ટીમે તો મનમાં નક્કી કર્યું હતું કે એક સ્વચ્છ વડોદરા જોવાનું સ્વપ્ન.

તેમણે ઘણી જગ્યાએ કચરાપેટી પૂરી પાડીને કચરો ત્યાં નાખવાની સુવિધા પણ આપી. પરંતુ ઘણી વ્યક્તિઓને આવું પસંદ ન આવતાં તેમની સાથે અયોગ્ય વર્તન વ્યવહાર કરતા. 

વડોદરાના સંસદસભ્ય રંજનબેન ભટ્ટ સાથે RABV ટીમ
વડોદરાના સંસદસભ્ય રંજનબેન ભટ્ટ સાથે RABV ટીમ

આ કેમ્પેઈન દરમિયાન બીરજુને બીજો પણ વિચાર આવ્યો અને તેમને એ મુદ્દો તેમના ગ્રુપ સમક્ષ રજુ કર્યો. તેમણે જણાવ્યું કે, “જો આપણે એક ‘ડર્ટી બકેટ ચેલેન્જ’ શરુ કરીએ તો?" આ એક એવી ચેલેન્જ હતી કે જેમાં આપણે પોતાની આસપાસ દેખાતી ગંદકી કે કચરો એક બકેટમાં નાખવાનો અને તે જગ્યાની પહેલાં અને સ્વચ્છ થયા પછીનો ફોટો પડી તેમના બીજા પાચ મિત્રોને નોમીનેટ કરવાનું. તો આનાથી સમાજમાં જાગૃતતા આવશે અને લોકો પોતાના કામના શ્રેય માટે એકબીજાને સહાય પણ કરશે.

આ ચેલેન્જનું એક અદ્દભૂત પરિણામ મળ્યું કે ખૂબ ઓછા સમયમાં ઘણા બધા લોકોએ આમાં આગળ આવી મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ એક ચેલેન્જ શહેર ઉપરાંત બહારના દેશ –UK અને USA માંથી પણ લોકો તેમના કરેલ કામના ફોટો પાડી ફેસબુક પર મૂકતાં.

આ કેમ્પેઈનનો પ્રભાવ ચોમેર તરફ ગુંજતો હતો. ચોમાસા દરમિયાન કચરો યોગ્ય રીતે સાફ ન શકે તે બદલ તેમણે વડોદરામાં વૃક્ષારોપણ કરવાનું પણ શરુ કર્યું.

વૃક્ષારોપણ
વૃક્ષારોપણ

બીરજુ પટેલ તેમજ દિના પટેલના મનમાં કાયમ એક જ પ્રશ્ન ચાલતો હતો કે, “આ શહેરનું નામ વડોદરા છે. ‘વડ’નું નગર. પરંતુ અહી બધું ઓછા વડના વૃક્ષો છે. તેથી તેમણે એક નવા અભિયાન ‘વડ ફોર વડોદરા’ સાથે ૩૦ થી ૪૦ જેટલાં વડનું પણ રોપણ કર્યું હતું. તે ઉપરાંત ૧૦૦ જેટલાં બીજા વૃક્ષો વાવી આ પર્યાવરણને શુદ્ધ રાખવામાં પણ મદદ કરી હતી.

આ ગ્રુપના વ્યક્તિઓએ સ્વચ્છ અભિયાન સાથે સાથે બીજા અનેક અભિયાન ચલાવ્યાં. તેમણે માનવતાને અનુરૂપ શહેરના ટ્રાફિક પોલીસ કે પોતાની ડ્યુટી કોઈ પણ સંજોગોમાં ચુકતા નથી, તેમના પાસે જઇ છાશ પીવડાવી તેમણી ફરજને સલામી આપી સન્માન કર્યું હતું. તેમજ રસ્તા પર રખડતાં પશુઓનું વ્યક્તિગત રીતે નિરાકરણ લાવી લોકોને પશુઓથી હાનિ ન પહોંચે તેવા પગલા લીધા હતાં.

ટ્રાફિક પોલીસને છાશ પિવડાવતી દિના પટેલ
ટ્રાફિક પોલીસને છાશ પિવડાવતી દિના પટેલ

VMSS ને તેમને રખડતાં પશુઓ, કચરાના નિકાલ તથા ચોમાસાના પાણીના નિકાલની સમસ્યા માટે અરજી પણ આપી હતી. તેના પ્રત્યાય રૂપે કોર્પોરેશને તેમણે આ સમસ્યાઓ હલ કરવા માટે સહભાગી બનાવ્યા હતાં. તદુપરાંત ૨૦૧૪ માં આવેલ પૂરમાં તેમને ફૂડ પેકેટ્સ આપીને જરૂરીયાતમંદોની સહાય કરી હતી.

પૂરમાં અસરગ્રસ્ત લોકોને કપડા ભેગા કરતા RABV ના સ્વયંસેવકો
પૂરમાં અસરગ્રસ્ત લોકોને કપડા ભેગા કરતા RABV ના સ્વયંસેવકો

વધુમાં દિના પટેલ જણાવે છે,

“હવે મારું તેમજ ગ્રુપનું આગામી કેમ્પેઈન વડોદરા શહેરમાં વધતા ટ્રાફિકના નિયંત્રણ તેમજ તેમને લગતા અનુરૂપ નિયમની જાગરૂકતાનો છે. જો આ અભિયાન પણ સમગ્ર રીતે સફળ બનશે તો વડોદરા પાછળનું અમારું સ્વપ્ન, એક સ્વચ્છ અને બહેતર વડોદરા માટે પૂરું થશે. આ કેમ્પેઈન માટે અમે શહેરના નવ યુવાનોને સાથે જોડાવવા તેમજ સહાય માટે પણ આવકારીએ છે.”


ફેસબુક પેજ