રાજાના હાથ-પગ નથી પરંતુ તેના ‘કદ’ સામે દિલ્હીની એક કંપની પણ ટૂંકી પડી ગઈ! 

રાજાએ સૌથી પહેલા નક્કી કર્યું કે તે તેના બધા રોજિંદા કામ જાતે કરશે અને કોઇના પર નિર્ભર નહીં રહે! 

0

જિંદગીથી દુઃખી રહેતી કોઈ પણ વ્યક્તિ માટે રાજા મહેન્દ્ર પ્રતાપનું જીવન ખૂબ જ પ્રેરણાદાયક બની રહેશે. રાજા ફક્ત નામથી જ નહીં, પરંતુ દિલથી પણ રાજા જ છે. શારીરિક રીતે અક્ષમ હોવા છતા પણ રાજા મહેન્દ્ર પ્રતાપે જીવનમાં ક્યારેય કોઇની પાસેથી મદદ નથી લીધી, રાજા પોતાનું બધું જ કામ જાતે જ કરે છે એટલું જ નહીં, તેઓ ઓએનજીસી જેવી કંપનીમાં ફાઇનાન્સ મેનેજરની પોસ્ટ શોભાવે છે. મહિને લાખ રૂપિયા કરતાં પણ વધુનું સેલેરી પેકેજ મેળવતા રાજાએ જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે.

બાળપણમાં કરેલી ભૂલને કારણે રાજાના જીવન પર મોટું પ્રશ્નાર્થચિહ્ન મૂકાઇ ગયું!

રાજા જન્મજાત દિવ્યાંગ નહોતા. સામાન્ય બાળકની જેમ તેઓ પણ તંદુરસ્ત અને મસ્તીખોર હતા. પણ બાળપણના મસ્તીભર્યા દિવસોમાં રાજાથી એક ખૂબ મોટી ભૂલ થઇ ગઇ જેના કારણે જીવનભર માટે તેઓ દિવ્યાંગ બની ગયા. રાજા કહે છે,

“અમારા ઘરની સામેથી વિજળીનો હાઇ ટેન્શન વાયર પસાર થતો હતો. જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે મારા મિત્રો સાથે શેરીમાં રમી રહ્યો હતો. અમારા હાથમાં ક્યાંકથી લોખંડનો લાંબો સળીયો આવી ગયો. અને મસ્તી મસ્તીમાં અમેં વિચાર્યું કે ચલોને આ લોખંડના સળીયાને વાયર સાથે અડાડીને જોઇએ. મારા હાથમાં લોખંડનો સળીયો હતો વિજળીના વાયર પર સળીયો મુકતાની સાથે એક જોરદાર ધડાકો થયો અને હું દુર ફેંકાઇ ગયો. માર બન્ને હાથ અને પગ નિષ્ક્રિય થઇ ગયા. મારા હાથ કોણીએથી અને પગ ઘૂંટણથી કાપવા પડ્યા.”

આ સ્ટોરી પણ વાંચો:

ન બોલી શકે છે, ન સાંભળી શકે છે છતાં કરે છે કરોડોનું ટર્નઓવર!

હાથ અને પગ કપાઇ ગયા પણ હિંમત ન હારી

“મારા બન્ને હાથ અને પગ કપાઇ ગયા હતા જે હવે ક્યારેય પાછા આવી શક્વાના નહોતા. મારા માતા પિતાના માથા પર તો જાણે આભ તૂટી પડ્યું. પણ હવે જે થવાનું હતું એ થઇ ચૂક્યું હતું. મારી પાસે પરિસ્થિતિઓ સામે લડવા અને નવી શરૂઆત કરવા ઉપરાંત કોઇ રસ્તો નહોતો. સૌથી પહેલા મેં નક્કી કર્યું કે હું મારા બધા રોજિંદા કામ જાતે કરીશ અને કોઇના પર નિર્ભર નહીં રહું. સૌથી પહેલા ઘરમાં સ્વાવલંબન સ્થાપી શકીશ તોજ બહારની દુનિયામાં પણ પોતાના પગે ઉભો રહી શકીશ.”

અત્યંત ગરીબ પરિવાર અને પિતાની સામાન્ય નોકરી, છતાં પરિસ્થિતિયો સામે રાજાએ મેળવી જીત

પોતાના રોજીંદા કાર્યોમાં સ્વાવલંબન સ્થાપવાની સાથે રાજાએ ભણવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. રાજાને ખબર હતી કે એ શારીરિક શ્રમ કરવા સક્ષમ નથી તેથી એણે એવું જ કરિયર પસંદ કરવું પડશે જેનામાં શરીર કરતા માનસિક ક્ષમતાઓની વધુ જરૂર હોય. સ્કૂલિંગ પછી રાજાએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને ફાઇનાન્સ વિષય સાથે એમ.બી.એ. થયા. ભણવામાં તેજસ્વી એવા રાજાને એમબીએ કરતાની સાથે દિલ્હીની એક કંપનીમાં નોકરી મળી ગઇ. રાજા સ્વાવલંબી હતા તેથી તેમના પરિવારને દિલ્હી મોકલવામાં કોઇ વાંધો નહોતો, રાજાની ક્ષમતાઓ પર માતા-પિતાને પૂરેપૂરો વિશ્વાસ હતો.

દિલ્હી પછી રાજાએ અમદાવાદ તરફ કૂચ કરી

દિલ્હીમાં રાજાએ સારા પદ પર 5 વર્ષ સુધી નોકરી કરી અને ફાઇનાન્સની આંટીઘૂંટીઓ પર માસ્ટરી હાંસલ કરી લીધી. આમ તો પગ કપાઇ જવાને કારણે રાજાની હાઇટ ખૂબ ઓછી થઇ ગઈ હતી પરંતુ કદાચ રાજાના ‘કદ’ સામે હવે દિલ્હીની કંપની ટૂંકી પડી રહી હતી. કદાચ એના કારણે જ રાજાએ દિલ્હી છોડી અમદાવાદ આવવાનો નિર્ણય કર્યો. ઓએનજીસીમાં રાજાને ડેપ્યુટી ફાઇનાન્સ મેનેજરની નોકરી મળી, છેલ્લા 15 વર્ષથી રાજા અમદાવાદમાં એક સફળ પ્રોફેશનલની રીતે જીવન જીવી રહ્યા છે.

આજે રાજા એમના એક સંતાન સાથે સુખી વિવાહીત જીવન જીવી રહ્યા છે, ગાડી છે, બંગલો છે, ઓફિસમાં રાજાની ટીમમાં 4 કર્મચારીઓ છે. મહિને લાખથી વધુનું સેલેરી પેકેજ છે. રાજાના જીવનની આ સાચી વાતો જાણ્યા પછી એવો વિચાર આવે છે કે, જો હાથ અને પગ ગુમાવ્યા પછી રાજા જીવનમાં આટલું ઉંચું મુકામ હાંસલ કરી શકતા હોય તો કોઇ પણ વ્યક્તિ આ કરી શકે છે. બસ, જરૂર છે સંકલ્પ અને યોગ્ય દિશામાં મહેનત કરવાની...

લેખક- શેફાલી કે કલેર

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો

આ સ્ટોરીઝ પણ વાંચો:

વ્હીલચેરનાં પૈડાં થકી દિવ્યાંગ લોકોના જીવનને નવી ઉંચાઈ પર લઇ જવાના પ્રયાસો!

જેને ગળું દબાવીને મારી નાખવાની સલાહો અપાતી હતી તે 'મુખલા' આજે પગથી લખી રહી છે ઇતિહાસ!

ઓડિશાના જંગલોમાંથી એડ એજન્સી ચલાવતા ચમકી દત્તા

Related Stories