AC રીપેરિંગથી બૉલિવૂડ-હૉલિવૂડમાં સફળતાની ટોચ પર પહોંચેલા અભિનેતા ઈરફાન ખાનની અજાણી વાતો

AC રીપેરિંગથી બૉલિવૂડ-હૉલિવૂડમાં સફળતાની ટોચ પર પહોંચેલા અભિનેતા ઈરફાન ખાનની અજાણી વાતો

Thursday November 05, 2015,

6 min Read

એક સમયે એ.સી. રિપેર કરનારા ઈરફાન, આજે હિન્દી સિનેમા તથા હૉલિવૂડમાં પણ પોતાના અભિનયનો જાદૂ ચલાવી રહ્યાં છે!

આજે હિન્દી સિનેમાનાં અભિનેતા ઈરફાન ખાનને પરિચયની કોઈ જરૂર નથી. ‘લાઈફ ઑફ અ પાઈ’, ‘પાન સિંઘ તોમર’ તથા ‘ધ લન્ચબૉક્સ’ વગેરે, જેવી ફિલ્મ્સ માટે વિશ્વમાં પ્રખ્યાત ઈરફાન ખાને, ‘જુરાસિક પાર્ક’ અને દા વિન્સીની અનુગામી ફિલ્મ ‘ઈન્ફર્નો’ જેવી મોટી ફિલ્મોમાં રોલ મેળવીને, હૉલિવૂડ પર પણ સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે.

ઈરફાન ખાન

ઈરફાન ખાન


તેમણે તેમના પ્રેક્ષકો સાથે માત્ર બૌદ્ધિક રીતે જ નહીં, પણ ભાવનાત્મક રીતે પણ જોડાવામાં સફળતા મેળવી છે. ઈરફાનની ‘ધ લન્ચબૉક્સ’ ફિલ્મનાં સાજન ફર્નાન્ડેસની એકલતા તમે અનુભવી શકો છો, જ્યારે પણ લન્ચબૉક્સ આવતું ત્યારે તેમની આંખોમાં ચમક આવી જતી, ઘરે બનેલી રોટલીઓ ખાવા માટે નહીં, પણ પોતાની જીંદગીમાં અર્થ શોધતી એક મધ્યમવર્ગીય ગૃહિણી દ્વારા મોકલવામાં આવતી ચિઠ્ઠીઓ માટે. ‘લાઈફ ઈન અ મેટ્રો’ માં મૉન્ટી બનેલાં ઈરફાન, આપણને તેમની નિખાલસતા દ્વારા સંકોચ મહેસૂસ કરાવે છે, પણ તે માટે આપણે માત્ર તેમનું સમર્થન કરી શકીએ છીએ.

દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી સ્નાતક થયા બાદ, અભિનયમાં તેમની કારકિર્દીની શરૂઆત થઈ છતાં, તેઓને સતત એ વાતની ચિંતા થતી, કે તેઓ તેમના દર્શકો પર પોતાના અભિનયનો જાદુ ચલાવી શકશે કે નહીં.

થોડા સમય પહેલાં યોજાયેલા મુંબઈનાં INKTalks નાં પ્રેક્ષકોથી ભરચક રૂમમાં, એ-લિસ્ટર્સને તેમણે જણાવ્યું, “વર્ષ 1990 માં જ્યારે મેં શરૂઆત કરી, ત્યારે લોકો મને એક સારો અભિનેતા સમજતાં હતાં, પણ હું જોઈ શકતો હતો કે હું તેમને પ્રભાવિત નહોતો કરી શકતો. તેમને યાદગાર અનુભવ નહોતાં થતાં. તેઓ મારા કેરેક્ટર્સ તથા વાર્તાના અનુભવને, તેમની સાથે ઘર સુધી નહોતાં લઈ જતાં. પણ જ્યારે મેં મારી પસંદની વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું, તો તેમાં બદલાવ આવ્યો. જ્યારથી મેં મારા ચરિત્રોમાં આત્મવિશ્વાસ સાથે મારું અર્થઘટન દર્શાવવાનું શરૂ કર્યું, ત્યાર પછી આ બદલાવ આવવો શરૂ થયો. મેં એક એવી દુનિયા બનાવી જે, ભાવનાત્મક રીતે પ્રેક્ષકો સુધી પહોંચી શકી."

પરિવારનાં વિરોધ તથા પ્રેરણાત્મક રોલ ન મળવા છતાં, થિયેટર તથા ટેલિવિઝને તેમને વ્યસ્ત રાખ્યાં. વર્ષ 2001માં તેમની ફિલ્મ ‘ધ વૉરિઅર’ નાં પહેલાં આવેલી તેમની પ્રારંભિક ફિલ્મો, ક્યારે આવીને જતી રહી તેની કોઈને ખબર ન પડી. તેમણે યૉરસ્ટોરીને જણાવ્યું કે, એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમણે વિદેશમાં જઈને પૈસા કમાવાની આશા સાથે, ઍર-કંડિશનર રિપેર કરવાની કળા શીખી લીધી હતી અને આ ક્ષેત્રમાં થોડા સમય કામ પણ કર્યું હતું. પણ થોડા સમય બાદ તેઓ કંટાળી ગયાં અને તેમણે તેમનું એ સપનું નેવે મૂકી દીધું.

52 વર્ષનાં ઈરફાન માટે, આ ખરેખર ઘણી લાંબી યાત્રા હતી. તેઓ હવે પાછળ જોઈને નિશ્ચિતપણે કહી શકે છે કે તેમને અત્યારે મળેલી સફળતા પાછળ, તેમની પ્રારંભિક નિષ્ફળતાનો મોટો ફાળો છે.

યૉરસ્ટોરીએ કૉન્ફરૅન્સ દરમિયાન તેમની સાથે વાત કરવાની તક મેળવી લીધી, જેમાં ઈરફાનનાં મત અનુસાર સફળતાની ચાવીના ત્રણ પાયા- નિષ્ફળતા, ઉત્કટતા, તથા પોતાની જાતની પુન:શોધ વિશે તેમની સાથે વાત કરી. યુવાન ઉદ્યોગસાહસિકો નિશ્ચિતપણે આ વાત પર ધ્યાન આપી શકે છે.

image


નિષ્ફળતા જ શ્રેષ્ઠ શિક્ષક છે!

ઈરફાન કહે છે, “નિષ્ફળતા તમને કંઈક શીખવાડવા માટે હોય છે, જેથી તમે જ્યાં છો, ત્યાંથી આગળ વધી શકો. તેમાં હંમેશા એક પાઠ છુપાયેલો હોય છે. ડ્રામા સ્કૂલ પછી મને પહેલો બ્રેક મળ્યો ત્યારે મેં પ્રથમવાર નિષ્ફળતાનો સામનો કર્યો હતો. મને મીરા નાયરની ફિલ્મ ‘સલામ બોમ્બે’માં મુખ્ય ભૂમિકાઓમાંથી એક મળી હતી. અમે બે મહિના માટે વર્કશોપ કરી અને જ્યારે ફિલ્મ શરૂ થવાની જ હતી ત્યારે મને કહેવામાં આવ્યું કે, હવે હું એ ચરિત્ર નથી ભજવી રહ્યો. હું બાળકની જેમ રડ્યો હતો." તેમની ભૂખરા રંગની આંખો, ડ્રામા સ્કૂલમાંથી સ્નાતક થયેલાં 21 વર્ષનાં યુવાનનું દુ:ખ દર્શાવે છે, જે કૉલેજ પછી તરત જ આવો પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ મેળવવાં બદલ, પોતાને શાબાશી આપી રહ્યો હતો.

“ડ્રામા સ્કૂલમાંથી સ્નાતક થયાં પછી શું થશે, એ વાતને લઈને હું ઘણો બેચેન રહેતો કારણ કે, ત્યાં જીંદગી ખુબ સુરક્ષિત હતી. ત્યાં મેસ હતી, હૉસ્ટેલ હતી અને તમારા રહેવા માટે સરકાર પૈસા ખર્ચે છે. તમારે માત્ર ભણવાનું અને તમારા ક્રાફ્ટમાં રોકાણ કરવાનું. તો જ્યારે મને ફિલ્મની ઑફર મળી ત્યારે હું ઘણો ખુશ હતો કે મને ડ્રામા સ્કૂલ પછી તરત જ આટલો સારો બ્રેક મળ્યો. પણ જ્યારે મને ખબર પડી કે હવે એવું નથી થવાનું, તો હું નાના બાળકની જેમ રડ્યો હતો."

“ફિલ્મની લેખક, સૂની તારાપોરવાલાએ પણ મને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે મને જણાવ્યું હતું કે તેમની ફોટોગ્રાફી બૂકને પણ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી હતી. પણ તમે પોતાની જાતે જ શીખી શકો છો. જ્યારે યથાર્થચિત્ર મારી સામે આવ્યું, ત્યારે મને ભાન થયું કે જીંદગી મને આ ક્ષેત્રની પ્રકૃતિ માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે મને એ વાત સમજાવવા માંગતી હતી કે, આ વ્યવસાય ક્ષેત્રમાં કંઈ પણ નિશ્ચિત નથી. માટે, તમારે તૈયાર રહેવું પડશે. નહિતર શરૂઆતમાં જ્યારે મને કોઈ ઑફ મળતી, ત્યારે હું તેની આજુબાજુના ઘટનાક્રમ પણ ઘડી લેતો. તો જીંદગી મને કહી રહી હતી કે કોઈ પણ વસ્તુને નિશ્ચિત ના સમજીશ.”

ઉત્કટતા જીવન જીવવા બરાબર છે

તેઓ જણાવે છે, “મેં વિવિધ વસ્તુઓ પર મારો હાથ અજમાવ્યો છે. હું નાની ઉમરમાં જ સુનિશ્ચિત થઈ જવા માંગતો હતો. મેં ટેક્નિકલ કુશળતા શીખી લીધી અને એ.સી રિપેર કરવાનું શીખી ગયો. હું વિચારતો હતો, કે હું વિદેશ જઈને ખૂબ પૈસા કમાઈશ. પણ તે ક્ષેત્રમાં થોડા જ સમય કામ કર્યા બાદ હું કંટાળી ગયો હતો."

“હું માનું છું કે, તમને જ્યાં સુધી તમારા કામમાં રસ નહી પડે, ભલે ને તે જમીન પર પોતા મારવાનું કામ કેમ ન હોય, ત્યાં સુધી તમે કંઈક અસાધારણ વસ્તુનું સર્જન નહીં કરી શકો. તમારે સૌ પ્રથમ તમારા રસને પારખવો પડશે, અને ત્યાર પછી પૈસા તેની આડપેદાશ હોવા જોઈએ. હું આ વાતમાં વિશ્વાસ કરું છું. તેમાં સમય લાગશે, પણ જો તમે કોઈ એવું કાર્ય કરી રહ્યાં છો જેમાં તમને રસ છે, તો તમારી જીંદગી સેટ છે. જો તમે સુરક્ષિત થવા માટે કંઈક કરી રહ્યાં છો, તો તમે ઘણાં પૈસા કમાઈ શકશો, પણ તમે જીંદગીનો ક્યારેય આનંદ નહી માણી શકો."

પુન:શોધ જ જીવનની રમતનું નવું નામ છે

ઈરફાન અનુભવે છે કે, જો તમે કોઈ વસ્તુમાં ઉત્કટતાપૂર્વક સામેલ છો, તો પુન:શોધ આપમેળે જ થઈ જશે. “પુન:શોધ આપમેળે જ આવે છે. તમારે તેને બળજબરીથી નથી લાવવી પડતી. તમે જ્યારે રસ લેશો, તો સર્જનાત્મકતા વહેવા માંડશે, અને એ સર્જનાત્મકતા તમને નવા વિચાર તરફ લઈ જશે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા હોવી જોઈએ, તમે પોતાની સાથે બળજબરી ન કરી શકો, કે મારે હમણાં નવો આઈડિયા વિચારવાનો છે."

શરૂઆતમાં INK નાં મંચ પર, ઈરફાને ‘જિમ કૉર્બૅટ નેશનલ પાર્ક’ માં વાઘ સાથે થયેલા તેમના સામનાનું વર્ણન કર્યું હતું. એક એવી જગ્યા, જ્યાં ઈરફાન શાંતિ તથા નિશ્ચલતા મેળવવા માટે જાય છે. પણ આ વખતે તેમણે તેમનાથી માત્ર થોડા જ ફૂટ દૂર ઊભેલાં એક વાઘનો સામનો કર્યો હતો. ઉત્સાહી પ્રેક્ષકોને જણાવતાં તેઓ કહે છે કે, “આગલા કેટલાક કલાકો માટે અમારા મોઢાં થીજી ગયાં હતાં અને અમારા ગોઠણ જાણે પ્રવાહી બની ગયાં હતાં." ઈરફાન જેવાં અભિનેતા માટે, આ એક સુવર્ણ ભાવના છે, અને કદાચ તેમણે આને પોતાના મનમાં સુરક્ષિત રીતે સંગ્રહી લીધી છે, જેથી તેઓ બીજી વાર જ્યારે કૅમૅરા સામે જાય ત્યારે તેને બહાર લાવી શકે.

લેખક- Dipti Nair

અનુવાદક- નિશિતા ચૌધરી