ગ્રામજનોના વિકાસ માટે પ્રોફેશનલ કરિયર છોડીને 22 વર્ષની મોના કૌરવ બની સરપંચ!

એક વર્ષમાં બદલી દીધી ગામની તસવીર!

0

કહેવાય છે કે, દુનિયામાં આવા પણ કેટલાક લોકો હોય છે જેઓ પોતાના માટે નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે, અન્યના જીવનમાં ઉજાસ પાથરવા માટે, અછતમાં જીવતા લોકોના ચહેરા પર ખુશી લાવવા માટે જીવતા હોય છે. આવા લોકો એક અલગ જ જુનૂન સાથે જીવતા હોય છે અને પોતાના માર્ગમાં આવતી તમામ બાધાઓને પરાસ્ત કરી નાખે છે.

આવામાં તમે માનશો કે એક 22 વર્ષીય વિદ્યાર્થીની શહેરમાં જઇ પ્રોફેશનલ કરિયર બનાવવાની જગ્યાએ ગામડામાં રહી સમાજસેવાનો રસ્તો અપનાવે છે. અને ગરીબ લોકોના જીવનને ઉજ્વળ બનાવવા માટે પોતાનો જીવન સમર્પિત કરી દે છે. આગળ જતા આ યુવતીને અહેસાસ થાય છે કે, ભ્રષ્ટ પ્રશાસનિક કર્મચારીયો અને જન પ્રતિનિધિઓ જ ગ્રામ્ય વિસ્તારના વિકાસના રસ્તામાં સૌથી સમસ્યા છે. આ યુવતીએ સરપંચ બનીને ગામની તસવીર બદલી દીધી. આ યુવતીનું નામ છે મોના કૌરવ.

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી આશરે 200 કીમીના અંતરે સ્થિત નરસિંગપુર જિલ્લાની એક મહિલા સરપંચ ફક્ત રાજ્ય માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે દાખલારૂપ સાબિત થઇ છે. જિલ્લાના ચાવરપાઠા વિસ્તારમાં આવેલા ગાડરવાડા ડિસ્ટ્રિકના સડૂમર ગામમાં રહેતા લોકોએ પ્રથમ વખત પંચાયતી રાજમાં સ્વરાજ, સ્વશાસન અને વિકાસમાં જનભાગીદારી નજરોનજર જોઇ છે.

વિકાસનો આ ચમત્કાર ગામની દિકરી મોનાએ કરી બતાવ્યો છે. આ 22 વર્ષની મહિલા સરપંચે પાતાના 1 વર્ષના કાર્યકાળમાં વિકાસની એવી હારમાળા સર્જી કે જે અગાઉના પુરૂષ સરપંચો ક્યારેય કરી શક્યા નથી. છેલ્લા એક વર્ષમાં ગામમાં વિજળી, પાણી, પિવાના શુદ્ધ પાણી અને રોડ રસ્તાના ઘણા કામો થયા છે.

ગરીબ વર્ગના લોકોને યલો અને રેડ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. ઇંદિરા આવાસ યોજના હેઠળ મકાન અને વૃદ્ધોને પેંશન મળવા લાગ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગામડાના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી તમામ યોજનાઓના લાભ અહીંના લોકોને મળી રહ્યા છે. સારી કામગીરી બદલ મોનાને સંખ્યાબંધ પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. મોના કહે છે,

"હજુ ઘણા કામો કરવાના બાકી છે, ગામને એક ઉર્જા ગામ બનાવવુ છે, જૈવિક ખેતી માટે ખેડૂતો અને ગ્રામજનોને પ્રેરિત કરવા છે. જેના માટે ગામડામાં 10 ગોબરગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. ગામડામાં 122 નવા શૌચાલય બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, 109 શૌચાલયોને રિપેર કરાવ્યા છે."

આગળ વાત કરતા મોના કહે છે, 

"આંગણવાડીની સ્કૂલોમાં બાળકોને સારું શિક્ષણ અને ઉચ્ચ ગુણવત્તાવાળું મધ્યાહન ભોજન મળે તેના માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ."

ડોક્યૂમેન્ટ્રી ફિલ્મમાં વિકાસની બ્રાન્ડ એમ્બેસેડર બનશે મોના

ગામમાં થયેલા વિકાસ કામો પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બની રહી છે. મહિલા સશક્તિકરણ અને દિકરીઓની સફળતા દર્શાવનારી આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં મોના વિકાસની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દેખાશે. 

જેથી કરીને અન્યોને પણ પ્રેરણા મળે!

ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા આવેલી ટીમના પ્રમુખ શિવકુમાર શર્મા કહે છે, 2 મિનિટની ફિલ્મમાં મોનાએ કરેલા કાર્ય દર્શાવવાનો મુખ્ય હેતુ એ છે કે, સડૂમરમાં થયેલા કામો બીજા લોકો સુધી પહોંચી શકે અને પ્રદેશની અન્ય દિકરીઓ અને મહિલાઓને પણ પ્રેરણા મળે. અને તેઓ મોનાની જેમ સમાજ અને ગામડાના વિકાસમા યોગદાન આપી શકે .

પોતાની પગારમાંથી ચૂકવે છે ગરીબ દિકરીના ભણતરનો ખર્ચ

ગામડાની દિકરીઓને ઉચ્ચ અભ્યાસમાં કોઇ સમસ્યા ન નડે તે માટે સરપંચ મોનાએ કમર કસી છે. ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની સોનમના અભ્યાસનો પૂરેપૂરો ખર્ચ મોના પોતાના પગારમાંથી ચૂકવે છે. જેથી કરીને સોનમનું ભવિષ્ય સુરક્ષિત થઇ જાય.

મુક્તિધામ જઇને પરંપરા તોડી!

આસરે 4000ની વસ્તી ધરાવતા આ ગામમાં 2.50 એકર જમીન મુક્તિધામ અને કબ્રસ્તાન માટે ફાળવવામાં આવી છે પરંતુ આ જમીન પર અસામાજીક તત્વો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યુ છે. જેના કારણે લોકો આ જમીનનો ઉપયોગ કરી શકતા નથી. આ બાબતની જાણ થતા મોના મુક્તિધામની મુલાકાતે પહોંચ્યા અને નિરીક્ષણ કરી કલેક્ટરને રિપોર્ટ મોકલ્યો. મુક્તિધામની મુલાકાત લઇને મોનાએ એ પરંપરા તોડી કે યુવતીઓ અને મહિલાઓ મુક્તિધામમાં ન જઇ શકે.

સરપંચ બનવા સુધીનો સફર સરળ નથી રહી!

ગામડાના એક સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલી મોના ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં એમએસીના ફાઇનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી હતી, સરપંચ બનવાની મોનાની કહાની આસાન નથી. મોનાએ યોરસ્ટોરીને જણાવ્યું, 

"ફેબ્રૂઆરી 2015માં મેં જ્યારે સરપંચના ઇલેક્શનમાં ઉભા રહેવાનો સંકલ્પ કર્યો ત્યારે ગામડામાં મારા આ નિર્ણય સામે જબરજસ્ત વિરોધ થયો. અહીં સુધી કે મારા પરિવારમાં પણ બે ફાટા પડી ગયા. ઇલેક્શન સુધી ગામડામાં જોરદાર રાજકરણ ચાલ્યું. ઇલેક્શનના દિવસે ગામડામાં ફાયરિંગ પણ થયું. અને છેલ્લે મારા સૌથી નજીકના વિરોધી ઉમેદવાર જે મારા મામી હતા તેઓ મારાથી 108 વોટથી પાછળ રહ્યા."   

લેખક- હુસૈન તબિશ 

અનુવાદક- YS ટીમ ગુજરાતી 

આવી જ અન્ય પ્રેરણાત્મક જીવનસફર વિશે જાણવા અમારું Facebook Page લાઈક કરો

Related Stories