સ્ત્રી સશક્તિકરણઃ વારાણસીની વણકર મહિલાઓ અગરબત્તી વેચીને ઘર ચલાવે છે!

5

દુનિયાભરમાં બનારસી સાડી જાણીતી છે, પણ તેને બનાવનારા વણકરોની હાલત પણ કોઈનાથી છુપી નથી. પાવરલૂમના કારણે આ વણકરોની રોજીરોટી પર ખરાબ અસર પડી છે. ઉધારીનો બોજ વધતો ગયો ઘરની હાલત વધુ કફોડી થતી ગઈ. કહેવાય છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ મળી જ જાય છે. એક રસ્તો બંધ થયો તો બીજો આપોઆપ ખૂલી જાય. એક વાત સાચી છે કે કંઈક બંધ થવાથી જીવન અટકી જતું નથી. કંઈક આવું જ બન્યું વારાણસીની પાસેના સારનાથ જોડે આવેલા ભાસૌડી ગામમાં. પોતાના પતિની રોજીરોટી અટકી ગયા બાદ અહીંની મહિલાઓએ પોતાની જાતને મજબૂત કરીને પોતાને તથા પોતાના પરિવારને આર્થિક રીતે પણ મજબૂત બનાવ્યો.

વારાણસી સારનાથના ભાસૌડી ગામની મહિલાઓ હાલમાં સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. પોતાના ઘરની કફોડી હાલત જોઈને ગામની મહિલાઓએ એક નિર્ણય કર્યો હતો. તેમણે સાથે મળીને નિર્ણય કર્યો કે એક એવું કામ કરવામાં આવે જેથી તે ઘરકામ કરવાની સાથે ઘરની આવકમાં વધારો કરવાના પણ રસ્તા શોધે. આ દરમિયાન તેમણે અગરબત્તી બનાવવા માટે પ્રેરણા મળી. મહિલાઓને લાગ્યું કે કામ સારું છે અને પૈસા પણ સારા મળે છે. ગામની મહિલાઓએ નક્કી કર્યું કે તે એકસાથે જ અગરબત્તી બનાવશે અને બજારમાં જઈને વેચશે. કામ શરૂ થયું અને ધીમે ધીમે તેમને તેમાં સફળતા પણ મળવા લાગી. મહિલાઓ એકસાથે જ રહીને અગરબત્તી બનાવતી અને તેને બજારમાં વેચવા જતી. તેનાથી પૈસા આવવા લાગ્યા અને ઘરની આર્થિક હાલતમાં સુધારો થવા લાગ્યો. અગરબત્તી બનાવવા માટે વધારે મગજમારી કરવી પડતી નથી. તેના કારણે તેમનો પ્રયોગ સફળ થવા લાગ્યો. આ વિસ્તારમાં કામ કરતા એક સમાજ સેવિકા સંતારા પટેલે યોરસ્ટોરીને જણાવ્યું કે,

"જ્યારે વણકરોનું કામ બંધ થવા લાગ્યું તો પુરુષો કામ શોધવા બહાર જવા લાગ્યા. આ દરમિયાન મહિલાઓએ વિચાર્યું કે તેમણે પણ પોતાના પરિવાર માટે કંઈક કરવું જોઈએ. ત્યારબાદ મહિલાઓએ અગરબત્તી બનાવવાનું શરૂ કર્યું અને આજે તેમની સ્થિતિ સુધરી ગઈ છે."

એક સમય હતો જ્યારે પંદરસોની આબાદી ધરાવતા ગામમાં દરેક ઘરમાં વણાટનું કામ થતું હતું. વણકરો સાડીઓ બનાવતા અને બજારમાં વેચતા. તે સમયે પણ તેમની હાલત એવી નહોતી કે સારી કહી શકાય. થોડા સમય બાદ વધુ સાડીઓ બનાવવા માટે પાવરલૂમ આવ્યા. તેના પરિણામે આ લોકોની જિંદગી સાવ કફોડી થઈ ગઈ. ધીમે ધીમે હાથવણાટનું કામ બંધ થવા લાગ્યું. વણકરો દેવા તળે દબાવા લાગ્યા. રોજ કમાઈને રોજ ખાવાવાળા આ લોકો દેવાના ખપ્પરમાં હોમાવા લાગ્યા. હવે તેમની જિંદગી ફરીથી પાટે આવી ગઈ છે. તેમની મહેનત રંગ લાવી છે અને દિવસો સુધર્યા છે.

આ જ ગામની રહેવાસી ગુડ્ડી યોરસ્ટોરીને જણાવે છે કે,

"ઘરમાં રસોઈ અને અન્ય કામ કરીને મહિલાઓ દરરોજ એક જગ્યાએ ભેગી થતી અને ગીતો ગાઈને મનોરંજન કરવા સાથે અગરબત્તી પણ બનાવતી. ત્યારબાદ તૈયાર થયેલી અગરબત્તીને બજારમાં જઈને વેચી આવતી. અમને આનંદ એ વાતનો છે કે ઘરનું કામ પણ થઈ જતું અને અગરબત્તી બનાવીને કમાણી પણ થઈ જતી. ઘર સારી રીતે ચાલવા લાગ્યું અને દેવામાંથી પણ મુક્તિ મળી ગઈ."

પ્રગતિ કોને પસંદ નથી હોતી. ભાસૌડી ગામની મહિલાઓએ પોતાના આસપાસના લગભગ અડધો ડઝન ગામની મહિલાઓને પણ તેમ કરવા માટે પ્રોત્સાહિત કરી. આસપાસના ગામની મહિલાઓએ પણ તેનું અનુસરણ કર્યું અને પોતાના પરિવારને સંતુલિત કરવામાં જોડાઈ ગઈ. સ્થિતિ એવી આવી ગઈ કે તેમના પતિ પણ પોતાની મજૂરી કર્યા બાદ તેમની પત્નીઓના વ્યવસાયમાં મદદ કરવા લાગ્યા. ભાસૌડી ગામની આ મહિલાઓએ એ કરી બતાવ્યું જે સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ બની ગયું. આજે તેઓ સશક્ત છે અને તેમનો આ જુસ્સો દરેકને તેમની જેમ આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.

મહિલા સશક્તિકરણ અંગે દેશમાં ઘણી યોજનાઓ ચાલે છે. વારાણસી પાસેના આ ગામમાં અગરબત્તી બનાવી રહેલી મહિલાઓએ આ અંગે ન તો કોઈ યોજના બનાવી ન તો કોઈની પાસે મદદની માગણી કરી. પોતાની બચતથી કામ શરૂ કર્યું અને જોતજોતામાં તે આત્મર્નિભર થવા લાગી. સ્વાભાવિક છે, મહેનત અને હિંમતથી કંઈક કરવાની ક્ષમતા જ કાર્યને સફળતા સુધી પહોંચાડે છે.


લેખક- નવીન પાંડે

અનુવાદક- મેઘા નિલય શાહ

Related Stories