સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે દેશના યુવાનોને એક મંચ પર લાવતો કાનપુરનો યુવા એન્જિનિયર!

સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે દેશના યુવાનોને એક મંચ પર લાવતો કાનપુરનો યુવા એન્જિનિયર!

Thursday March 10, 2016,

6 min Read

પ્રખર ભારતીયનાં માતા-પિતા ઉત્તર પ્રદેશના કાનપુરના એક નાના ગામથી આવે છે. જે વર્ષે પ્રખરનો જન્મ થયો ત્યારે તેનાં માતા-પિતાએ તેને શહેરની ટોચની શાળાઓમાંથી એકમાં પ્રવેશ અપાવવા માટે કાનપુર સ્થાયી થવાનો નિર્ણય કર્યો. તેનો ઉછેર ઝૂંપડપટ્ટીથી તદ્દન ઊલટા વિસ્તારમાં થયો, જ્યાં તેને કદી શાળાનું પાટિયું ન જોયેલાં બાળકોના સંપર્કમાં આવવાનું બન્યું નહોતું. દર વર્ષે ઉનાળા વેકેશનમાં માતા-પિતા તેને પોતાના ગામ લઈ જતા હતા, જ્યાં વીજળી અને પાયાની સુવિધા-સ્વચ્છતાનું નામોનિશાન નહોતું. આવી સ્પષ્ટ વિરોધાભાસે આ યુવાનના મનમાં ખટકવાનું શરૂ કર્યું.

image


આજે 30 વર્ષનો પ્રખર જણાવે છે કે એ વખતે અસમાનતા સાથે તેમનો પહેલો પરિચય હતો અને ખાસ કરીને શિક્ષણના મામલે. તેમની અસામાન્ય કરિયર વિકલ્પના બીજ ત્યારે જ રોપાઈ ગયા હતા, જ્યારે તે એક નાના બાળક હતા.

આજના યુગમાં જ્યારે આપણે ઝડપથી વાઇ-ફાઇ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ, પણ પ્રખરના ગામમાં આજે પણ વીજળી અને પાયાની સ્વચ્છતા-સુવિધાઓનો અભાવ છે. આપણા દેશમાં આજે પણ કેટલાય વિસ્તારોમાં આવી સ્થિતિ છે, તે અકળાવનારી બાબત છે.

કૉલેજના દિવસોમાં પ્રખરે યુવાન ભારતીયોને જોડવા માટે પોતાની સામાજિક જવાબદારીઓની પૂર્તિ કરવાના ઉદ્દેશ્યથી યુથ એલાયન્સ નામનું ગ્રૂપ તૈયાર કર્યું. વર્ષ 2009માં પ્રખર ટીચ ફોર ઇન્ડિયાના પ્રાથમિક ફેલો બનવામાં સફળ રહ્યો. વર્ષ 2011માં તેણે યુથ એલાયન્સને પુનર્જીવિત કર્યું અને ભારતમાં ચારેકોર વ્યાપ્ત સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે યુવાનોનું સંગઠન ઊભું કરવાના ઉદ્દેશથી અધિકૃત રીતે તેની નોંધણી કરાવી.

પ્રખરની સફર

પ્રખરે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરવા માટે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક એન્જિનિયરિંગ કૉલેમાં પ્રવેશ મેળવ્યો.

પ્રખર કહે છે,

"મારી કૉલેજમાં 2500થી વધારે વિદ્યાર્થીઓ હતા અને એમાંથી માંડ 25 એવા હતા, જેને ખ્યાલ હતો કે તેઓ શા માટે એન્જિનિયરિંગ કરે છે. પહેલા તો ચાર વર્ષ સુધી તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણો છો અને પછી કોઈ આઈટી કંપની તમને જાવા કોડિંગ કરવા માટે નોકરી આપે છે! આની પાછળ કોઈ તર્ક ખરો? આ ઉપરાંત ગ્રામીણ અને શહેરી ભારતની વચ્ચેની ખાઈ મને પહેલેથી જ ખટકતી હતી. મને કાયમ એવું લાગતું હતું કે ગ્રામીણ ભારતીય યુવાનોની એક આખી ફોજ છે, જેમના માટે કંઈ પણ કરવું અશક્ય નથી, પરંતુ છતાં પણ તેઓ જમીની વાસ્તવિકતાઓથી કેટલા દૂર હોય છે. મને લાગ્યું કે તેઓ જો એક વાર જાગૃત થઈ જાય તો તેઓ પણ આ દિશામાં જરૂર કંઈક કરવા ઇચ્છશે."

એક પરિવર્તન લાવવાની આશા સાથે પ્રખરે યુથ એલાયન્સ (યુએ)ના પાયા નાખ્યા. તેમણે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો વગેરે અભિયાનોના માધ્યમથી કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2009માં પોતાના કાર્યનો વિસ્તાર વધારીને પ્રખરે 'ટાટા ચાય'ના કેમ્પેઇન જાગો રે... સાથે હાથ મિલાવ્યા અને ગાઝિયાબાદના પ્રભારી બની ગયા. તેમનો મુખ્ય ઉદ્દેશ આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલાં યુવાનોને મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે જાગૃત કરવાનો હતો. તેમનું આ અભિયાન ખાસ્સું સફળ સાબિત થયું અને પ્રખરને પ્રેરણા મળી કે યુવાનોને પોતાની સાથે જોડીને ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેની ખાઈને પૂરી શકાય છે.

ત્યાર પછી 'ટેક ફોર ઇન્ડિયા' બિલકુલ યોગ્ય સમયે તેમની સામે આવી. પ્રખરને તેના થકી વંચિત સમાજના લોકો સાથે કામ કરતાં કરતાં તેમની સામે આવતી સમસ્યાઓનો જાણવાની તક મળી. તે કહે છે,

"મેં ટીએફઆઈનો હિસ્સો બનવાનો નિર્ણય માત્ર એટલા માટે લીધો, કારણ કે હું અસલી ભારતની જરૂરિયાતોને સમજવા માગતો હતો. મેં એ લોકો સાથે જોડાઈને, તેમના જીવનનો એક હિસ્સો બનીને યુવાનોને આ વાસ્તવિક ભારત સાથે જોડવાનો માર્ગ ઇચ્છતો હતો, જેથી તેઓ આ સમસ્યાઓને ઉકેલવામાં મને સહયોગ આપી શકે."

ટીએફઆઈમાં તેમના સાથીઓ તેમના જેવું જ વિચારનારા હતા, તેઓ બધા પરિવર્તનના વાહક બનવા માગતા હતા. આનાથી પ્રખરના મનમાં યુવાનોની તાકાત અંગે જે વિશ્વાસ હતો તે વધારે મજબૂત થયો. વર્ગખંડ અને સમાજે તેમને એવી પાયાની સમસ્યાઓને નજીકથી સમજવાની તક પૂરી પાડી, જેને સમાજ અને સરકાર હાંસિયા પર રાખતી આવી છે.

યુથ એલાયન્સનો કાયાકલ્પ

આ અંતર્ગત બે ફ્લેગશિપ કાર્યક્રમ છે. પહલો છે ગ્રામ્ય મંથન, જે પાંચ વર્ષથી ચાલી રહ્યો છે. આ એક નવ દિવસનો આવાસીય કાર્યક્રમ છે, જેમાં શહેરીને યુવાનો કાનપુરના અંતરિયાળ ગામોમાં રાખીને વાસ્તવિક ભારતથી રૂબરૂ કરાવવામાં આવે છે. જ્યારે કે તેમનો બીજો કાર્યક્રમ ઓનસ તરીકે ઓળખાય છે. આ કૉલેજ જતાં વિદ્યાર્થીઓ માટે આખું વર્ષ ચાલતો કાર્યક્રમ છે, જેમાં તેમને એક ખોજપૂર્ણ યાત્રા પર નીકળીને પોતાની ઉદ્યમિતા અને કુશળ નેતૃત્વના ગુણો નિખારવાની તક મળે છે. આ ઉપરાંત યુથ એલાયન્સ કૌશલ નિર્માણ અભ્યાસો તરીકે ડિઝાઇન માનસિકતા, સંસાધનો મેળવવાં, પ્રભાવશાળી પ્રત્યાયન વગરે પર આધારિત જુદી જુદી કાર્યશાળાઓ (વર્કશોપ)નું આયોજન પણ કરવામાં આવે છે.

પ્રેરિત કરનારી વાર્તાઓ

અધિકૃત સ્થાપના થયા પછી યુથ એલાયન્સ 350થી વધારે લોકો સાથે સીધી રીતે કામ કરી ચૂક્યું છે. આના જૂના સાથીઓ જુદાં જુદાં પ્રકારનાં સંગઠનો સાથે 35 પ્રકારના અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે. આમાંથી અત્યારે 80 જેટલા યુવાનો તો સામાજિક વિકાસના ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

પ્રખર એવા યુવાનોના પ્રયાસોની વાત કરીને તેમને ઉદાહરણ તરીકે રજૂ કરે છે, જેમણે પોતાની મનમરજીનું કામ કરવા માટે સખત સંઘર્ષ કરવો પડે છે. દાખલા તરીકે તે એક અત્યંત અમીર પરિવારમાંથી આવતી પલ્લવી કકાનો ઉલ્લેખ કરે છે, જેણે સામાજિક ક્ષેત્રમાં કામ કરવાના તેના નિર્ણય અંગે પોતાના પરિવારજનોને સમજાવવા માટે આકાશ-પાતાળ એક કરવું પડ્યું હતું. આવી જ એક બીજી ગ્રામ્ય મંથન કાર્યક્રમમાં ભાગ લેનારી યુવતી હતી, જે હવે બિહારમાં શિક્ષણના ક્ષેત્રે સક્રિય છે.

સંકટભરી સભર

યુથ એલાયન્સની સામે આવનારા એક મુખ્ય પડકાર અંગે વાત કરતાં પ્રખર કહે છે,

"અમારું કામ મુખ્યપણે માનસિકતાને બદલવા અંગેનું છે, જેમાં ખાસ્સો સમય લાગે છે. આવામાં તેની અસર માપવાનું બહુ અઘરું હોય છે, એટલે ભંડોળ મેળવવું વધારે મુશ્કેલ થઈ જતું હોય છે."

આ ઉપરાંત યુથ એલાયન્સ અંગે વાલીઓને સમજાવવા વધુ એક મુશ્કેલ પડકાર છે, કારણ કે તેમના કાર્યક્રમો તેમના જીગરના ટુકડાને એક બિલકુલ અલગ માર્ગે જ જવા માટે પ્રેરિત કરતા હોય છે. આ અંગેનો માતા-પિતાનો અભિપ્રાય તદ્દન અલગ હોય છે. શરૂઆતના તબક્કામાં બિલકુલ આવું જ થતું હોય છે, ખુદ પ્રખર સાથે પણ આવું જ બન્યું હતું. સમય જતાં તેના પરિવારે જોયું કે તે જે કામ કરે છે, તેનાથી એને આનંદ મળે છે અને પછીથી તેમને પૂરેપૂરો સાથ-સહકાર મળવા લાગ્યો.

ભવિષ્યની યોજનાઓ

પ્રખરનો ઈરાદો આવનારાં ત્રણ વર્ષો સુધી આ કામને પૂર્ણપણે પતાવ્યા પછી તેનું નેતૃત્વ બીજા કોઈને સોંપી દેવાનો છે. તે જણાવે છે,

"આ સંગઠન એક એવી વિચારધારાની જેમ ફેલાવું જોઈએ, જે યુવાનોના રોલમોડલ અને સામાજિક ઉદ્યમીઓને વિકસવા માટે સક્ષમ બનાવી શકે. આ પછી પણ યુવાનોની સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. પરંતુ એક એવી સંસ્થાની સ્થાપનાથી જે ‘રાષ્ટ્ર નિર્માણ’ સાથે સંબંધિત કાર્યક્રમો ચલાવશે. બની શકે કે હું ‘ઇન્ડિયન સ્કૂલ ઑફ ડેમોક્રસી’ની સ્થાપના કરું, જે આ યુવાનો માટે એક પૂર્ણકાલીન આવાસીય કાર્યક્રમ હોય, જે લોકશાહીના ચારેય સ્તંભો- ન્યાયતંત્ર, કાર્યપાલિકા, સંસદ અને મીડિયાનો ભાગ બની ભારતીય લોકશાહીને મજબૂત કરવામાં ભૂમિકા ભજવવા આતુર હોય."

પ્રખરના જીવનનો મુખ્ય ઉદ્દેશ માત્ર એક વધારે માનવીય, સન્માનજનક દુનિયાનું નિર્માણ કરવાના સપનાને પૂર્ણ કરવાનો છે. આખરમાં પ્રખર જણાવે છે,

"આ એક સતત અને લાંબી પ્રક્રિયા છે, જેમાં કેટલીક સદીઓનો સમય લાગે શકે છે અને હું આ કાર્યમાં મારી પોતાની ભૂમિકા એક એવી વ્યક્તિ તરીકે જોઉં છું, જે માત્ર પ્રેમ, આશા અને વિશ્વાસનાં બીજ રોપી શકે છે."

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...