વર્ષ 2015માં સ્ટાર્ટઅપ્સની બોલબાલાઃ યુવાનોને ઉદ્યોગસાહસિકતાનો રંગ લાગ્યો

વર્ષ 2015માં સ્ટાર્ટઅપ્સની બોલબાલાઃ યુવાનોને ઉદ્યોગસાહસિકતાનો રંગ લાગ્યો

Tuesday December 29, 2015,

6 min Read

સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા રતન ટાટા અને નારાયણમૂર્તિ જેવા દિગ્ગજો પણ આકર્ષાયા ત્યારે વર્ષ 2015માં આ ક્ષેત્રમાં આવેલા બદલાવો અને ટ્રેન્ડસ પર એક નજર કરીએ...

ચાલુ વર્ષે દેશમાં સ્ટાર્ટઅપ્સનો પવન પૂરજોશમાં ફેંકયો. જાતે કશું કરવાની ધૂન ધરાવતાં અને જોખમથી ન ગભરાતા મહત્ત્વાકાંક્ષી યુવાનોએ નિરાશાવાદ વચ્ચે આશાવાદનો સંચાર કર્યો. ચાલુ વર્ષે સૌથી વધુ ચર્ચા નાના પાયે સ્ટાર્ટઅપ્સ શરૂ કરનાર યુવાનોથી લઈને અલીબાબા અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓના સ્ટાર્ટઅપ્સમાં રોકાણની થઈ છે. આપણી વચ્ચેથી વર્ષ 2015 વિદાય લઈ રહ્યું છે અને વર્ષ 2016 ટકોરા મારી રહ્યું છે. વર્ષ 2015માં કેટલાંક ક્ષેત્રોમાં તેજી જોવા મળી છે, તો કેટલાંક ક્ષેત્રોમાં મંદી, તેમ છતાં સ્ટાર્ટઅપ્સે લોકોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે.

સ્ટાર્ટઅપ્સને સફળતાઃ ટાટા, મૂર્તિનું રોકાણ

સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયાએ ચાલુ વર્ષે 32 સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું હતું, જ્યારે ટાઇગર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટે 29 સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું હતું. ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ સ્ટાર્ટઅપમાં રોકાણ કરે તેમાં કોઈને નવાઈ ન લાગે. પણ વર્ષ 2015માં સ્ટાર્ટઅપમાં રહેલી સંભવિતતાથી ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ પ્રભાવિત થઈ ગયા હતા. જ્યારે ઇન્ફોસિસના સ્થાપક એન.આર.નારાયણ મૂર્તિ, ટાટાના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા જેવા દિગ્ગજો ઘણા સ્ટાર્ટઅપમાં રોકાણકાર બન્યા ત્યારે બધાને નવાઈ લાગી હતી અને સ્ટાર્ટઅપ ભવિષ્યની દિશા-દશા બદલી નાંખશે તેવો આશાવાદ પ્રબળ બન્યો હતો. ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબાએ પણ પેટીએમમાં રોકાણ કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં, બેંગલુરુ સ્થિત મોબાઇલ અને કોમર્સ કેન્દ્રિત નવા સાહસમાં પણ અલીબાબાએ રોકાણ કર્યું હતું. અલીબાબાને પગલે ચીનની ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની મોટી કંપની ઝાયોમીએ પણ ભારતમાં સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાની તેમજ ઇ-કોમર્સ વેરહાઉસ અને લોજિસ્ટિક્સ સ્થાપિત કરવાની યોજના જાહેર કરી હતી.

ઓલા અને ઉબેરની ટેકસી ચાલી પોમ પોમ પોમ...

image


સરકારે પ્રતિબંધ મૂક્યો અને ટેકસી યુનિયનોએ વિરોધ (મુંબઈ અને કેરળમાં) કર્યો તેમ છતાં આખું વર્ષ ટેક્ષી એગ્રીગેટરની સફળતામાં વધારો થયો હતો. ઓલા અને ઉબેર બંનેનો ડ્રાઇવર્સે વિરોધ કર્યો હતો અને તેમણે બંને કંપની મહેનતાણું ઘટાડી દે છે તેવો આક્ષેપ કર્યો હતો. આવા તમામ અવરોધો વચ્ચે પણ બંનેની કામગીરીમાં વધારો થયો હતો અને તેમની સાથે મેરુ અને જૂગનૂ જેવી અન્ય કંપનીઓને પણ સફળતા મળી હતી. હકીકતમાં અમેરિકન ટેકસી એગ્રીગેટર ઉબેર માટે ભારત બીજું સૌથી મોટું બજાર છે અને તેણે ભારતીય સ્ટાર્ટઅપ્સમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે.

સરકારની સૂચના મુજબ ઓલાએ દિલ્હીમાં તેનો સંપૂર્ણ કાફલો વર્ષ 2015ના ત્રીજા ભાગ સુધીમાં સીએનજીમાં ફેરવી દીધો હતો. જોકે હજુ તેને રાજધાનીમાં કામગીરી શરૂ કરવાનું લાઇસન્સ મળ્યું નથી અને કોર્ટમાં લડાઈ ચાલુ છે. તેમને મોટી રાહત સરકારના સ્પષ્ટ કાયદાથી મળી છે, જેમાં ટેકસી એગ્રીગેટરની સેવાની રૂપરેખા સ્પષ્ટ કરવામાં આવી છે અને કડક માપદંડો બનાવવામાં આવ્યાં છે. સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ઓક્ટોબરમાં ઓન-ડિમાન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ટ્રાન્સપોર્ટેશન પ્લેટફોર્મ્સના લાઇસન્સ, નિયમો અને જવાબદારી માટે એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં ટેકનોલોજી આધારિત એગ્રીગેટર્સ અને ટેકસી કંપનીઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યો છે. તેમાં ડ્રાઇવર્સના ગુનાહિત બેકગ્રાઉન્ડનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે અને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે એગ્રીગેટર્સ પોતાની માલિકીના વાહનો નહીં ધરાવી શકે, કોઈ ડ્રાઇવરને નોકરીએ નહીં રાખી શકે કે પછી પોતાને ટેકસી સર્વિસ તરીકે રજૂ નહીં કરે.

સરકારના નીતિનિયમો

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની જબરદસ્ત વૃદ્ધિને જોઈને સરકારે પણ ચાલુ વર્ષે ઉદાર નીતિઓ બનાવી છે. જુલાઈમાં કેન્દ્ર સરકારે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઇએફ)માં રોકાણ કરવા વિદેશી કંપનીઓને મંજૂરી આપી હતી, જેથી સ્ટાર્ટઅપ્સ, પ્રાથમિક તબક્કાના સાહસો અને લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એસએમઇ) માટે વધુ ભંડોળ ઉપલબ્ધ થશે. વિદેશી રોકાણકારોને પણ એઆઇએફમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી છે.

ઉપરાંત સેબી (સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)એ જરૂરિયાત પ્રમાણે નીતિનિયમોમાં ફેરફાર કરવાની તૈયારી દાખવી છે. ઇન્ફોસિસના નારાયણ મૂર્તિની અધ્યક્ષતામાં સ્ટાર્ટઅપ્સ માટેના નિયમનકારી માળખા પર પેનલે દેશના એક્સચેન્જના નિયમોમાં છૂટ આપતા ફંડ સરળતાથી ઉપલબ્ધ થયું છે. જોકે સરકારે એનઆરઆઇના દેશમાં આવતા ભંડોળને સ્થાનિક નાણાં ગણવાનો નિર્ણય લેતાં સ્ટાર્ટઅપ્સને સૌથી મોટો ફાયદો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ડંકો વાગ્યો

ચાલુ વર્ષે થોડા સ્ટાર્ટઅપ્સે વિદેશમાં પ્રવેશ કરવાનું સાહસ કર્યું હતું. બેકપેકર હોસ્ટેલ ચેઇન ઝોસ્ટેલે વિયેતનામના બજારમાં પ્રવેશ કર્યો હતો અને હોટેલ બૂકિંગ એપ રૂમ્સટૂનાઇટે 1.5 મિલિયન ડોલરનું ભંડોળ મેળવી દુબઈમાં પ્રવેશવાની યોજના બનાવી છે. ઓનલાઇન ટિકિટ પ્લેટફોર્મ રેડબસે 8 મિલિયન ડોલરથી વધારેનું ફંડ મેળવ્યું છે અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં નજર દોડાવી મલેશિયા અને સિંગાપોરમાં સર્વિસ શરૂ કરી છે. જૂગનુએ પણ ફિલિપાઈન્સ તરફ દોટ મૂકી છે.

ઓલાએ અમેરિકન અગ્રણી ઉબેર સામે ગ્રેબ ટેક્ષી અને લિફ્ટ સાથે જોડાણ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. ઓલા અને આ ત્રણ કંપનીઓએ કુલ 7 અબજ ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે. હકીકતમાં દીદી કુઆઇદીએ ઓલા, ગ્રેબ ટેક્ષી અને લિફ્ટમાં રોકાણ કર્યું છે. દીદી કુઆઇદી ચીનના 360 શહેરોમાં, લિફ્ટ અમેરિકાના આશરે 200 શહેરોમાં અને ગ્રેબટેકસી મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ અને થાઇલેન્ડમાં કાર્યરત છે. આ જોડાણથી ઉબેર સામે મોટો પડકાર ઊભો થયો છે. ચારેય કંપનીઓ સંયુક્તપણે વર્ષ 2016ના પ્રથમ ક્વાર્ટરમાં તેમની કામગીરી શરૂ કરશે.

યુનિકોર્ન્સનો પાવર, ઝોમેટોને સફળતા

ચાલુ વર્ષે યુનિકોર્ન ક્લબમાં પેટીએમ, ઝોમેટો અને ક્વિકરની સાથે ઓલા, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, ઇનમોબી અને મુ સિગ્મા જોડાયા હતા. હકીકતમાં ઝોમેટો આખું વર્ષ ચર્ચાસ્પદ રહ્યું. તેણે અમેરિકાના બજારમાં પ્રવેશ કરવા અર્બન સ્પૂન એક્વાયર કરી, ફૂડ ડિલિવરી માટે અલગ એપ લોન્ચ કરી અને નવેમ્બરમાં આશરે 300 કર્મચારીઓને છૂટા કર્યા. ઝોમેટોએ ટ્રાવેલ પાર્ટનર ટ્રિપહોબો સાથે ભાગીદારી કરીને તેના યુઝર્સને ઝોમેટો મારફતે રેસ્ટોરાંની ડીલ સુધી પહોંચવાની સુવિધા આપી હતી.

વધુ મજાની વાત એ છે કે જ્યારે ઘણા ફૂટ-ટેક સ્ટાર્ટઅપ્સનું બાળમરણ થઈ ગયું, ત્યારે ઝોમેટોને આખું વર્ષ સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્પૂનજોય, ઇટલો અને ડેઝોએ ફંડિંગ ન મળવાથી કામગીરી બંધ કરી દીધી, ત્યારે ટિનીઆઉલે 200 કર્મચારીઓને છૂટા કરી દીધા અને કેટલાંક શહેરોમાં તેની ઓફિસ બંધ કરી દીધી.

જ્યારે ફ્લિપકાર્ટના સચિન બંસલ અને બિન્ની બંસલ ફોર્બ્સના બિલિયોનેરના લિસ્ટમાં આવ્યા હતા ત્યારે યુનિકોર્ન્સનો પાવર એક વખત ફરી દેખાયો હતો. સ્નેપડીલે સ્ટાર્ટઅપ્સમાં 1 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું, જેમાં ફ્રીચાર્જ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે ફ્લિપકાર્ટ, ઓલા અને એમેઝોને હાયપરલોકલ ગ્રોસરી ડિલિવરી કરવા પેપરટેપ, ગ્રોફર્સ અને જૂગનુ સાથે રેસ લગાવી હતી.

ઇ-કોમર્સનો નાના શહેરોમાં પ્રસાર

આખું વર્ષ મોટી ઇ-કોમર્સ કંપનીઓ સમાચારોમાં છવાયેલી રહી હતી. તેમના સંપાદનો, એપ-ઓન્લી સ્ટ્રેટેજી, કરોડો ડોલરનું ફંડિંગ અને ફેસ્ટિવલ સિઝનમાં વેચાણના આંકડાની ચર્ચા થઈ હતી. યુનિકોર્ન પેટીએમે ફ્લિપકાર્ટ અને સ્નેપડિલની જેમ તેમની 'લાઇટ' મોબાઇલ સાઇટ્સ લોંચ કરીને ઓનલાઇન શોપિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો ત્યારે બજારમાં હલચલ થઈ ગઈ હતી.

અગાઉના વર્ષો કરતા, દિવાળી 2015માં વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટસ પર બહુ ડિસ્કાઉન્ટ અને ઓફર જોવા મળી નહોતી તેમ છતાં વેપારીઓને સારું એવું વેચાણ મળ્યું હતું. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં સુધારો થવાથી આ કંપનીઓને 60 ટકા ઓર્ડર ટિયર ટૂ અને ટિયર થ્રી સિટીમાંથી મળ્યા હતા અને અગાઉના વર્ષોની સરખામણીમાં વેચાણ બમણું અને ત્રણ ગણું થયું હતું.

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

સરકાર જાન્યુઆરી 2016માં ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા’ અભિયાન પરથી પડદો ઊંચકશે. પણ ચાલુ વર્ષના અંતે સ્ટાર્ટઅપ જગતમાં ઘણાં પ્રશ્રોનો જવાબ મળવાનો બાકી છેઃ ગ્રોફર્સ અને ઓવાયઓ રૂમ્સ 100 મિલિયન ડોલરની ક્લબમાં સામેલ થયા છે. તેઓ આગામી યુનિકોર્ન્સ બનશે? સ્નેપડીલ અને ક્વિકરે એકથી વધારે ભાષામાં સેવા શરૂ કરી છે, તો સ્થાનિક ભાષામાં સેવાઓ વેપારવાણિજ્ય માટે નવું પ્રેરકબળ બનશે?ઇન્ફોસિસે છ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે, જેમાંથી ફક્ત એક સ્ટાર્ટઅપ ભારતનું છે... શું આ ટ્રેન્ડ જળવાઈ રહશે? કે ભારતીય સ્ટાર્ટઅપ્સ તેમનું રોકાણ મેળવવામાં સફળ રહેશે? ઉબેર હૈદરાબાદમાં સૌથી મોટી ગ્લોબલ ઓફિસ બનાવવા 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં સ્પર્ધા વધવાથી આપણને શ્રેષ્ઠતમ સેવા મળશે? આ તમામ પ્રશ્રોનો જવાબ સમય જ આપશે. 


લેખક- અથિરા એ નાયર

અનુવાદક- કેયૂર કોટક