ગરીબીનો માર સહન કર્યો છતાં અસહાયોની મદદ કરનાર મણિમારનનો અનોખો દાખલો

પિતાની ઇચ્છા હતી કે મણિમારન ખૂબ ભણે અને નોકરી કરે પણ મણિમારન ગરીબ દર્દીઓને મદદરૂપ બની તેમને સમર્પિત થવા માંગતા હતા!

0

સામાન્ય રીતે આપણા સમાજમાં લોકોની એવી માન્યતા છે કે સમાજસેવા માટે તગડા રૂપિયા કે મિલકતની જરૂરી છે. જેની પાસે બહુ રૂપિયા છે તેઓ જ દાન ધરમ કરી શકે છે, પરંતુ આ માન્યતાને ખોટી સાબિત કરી છે તમિલનાડૂના મણિમારન નામના એક યુવાને.

મણિમારનનો જન્મ તમિલનાડૂના તિરુવન્નામલઇ જિલ્લાના થલયમપલ્લમ ગામડાનાં એક ખેડૂત પરિવારમાં થયો. આ પરિવાર ખૂબ જ ગરીબ હતો. એટલો ગરીબ હતો કે તેમની ગણતરી ગરીબીરેખા હેઠળ રહેતા લોકોમાં કરવામાં આવતી હતી. ગરીબ હોવા છતાં પણ આ પરિવારના વડીલોએ મણિમારનનું સ્કૂલમાં એડમિશન લીધું. તેના પિતાની ઇચ્છા હતી કે મણિમારન ખૂબ જ ભણે અને એક સારી નોકરી કરે. પરંતુ સમય જતા તેમના ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ થતી ગઇ કે મણિમારને તેનું ભણતર અધવચ્ચે જ છોડી દેવું પડ્યું અને પરિવારની મદદ કરવા માટે નોકરીએ લાગવું પડ્યું. મણિમારને તેમના મોટા ભાઈ સાથે કાપડ મિલમાં જ કામ કરવાની શરૂઆત કરી દીધી. જ્યાં તેમને માસિક રૂપિયા 1000નો પગાર અપવામાં આવતો હતો.

આવી રીતે શરૂ થયો સેવાનો સિલસિલો!

મણિમારન પોતાના પગારમાંથી અડધો ભાગ પોતાના પિતાને આપતા અને બાકીનો અડધો ભાગ ગરીબોની સેવા પાછળ વાપરતા. બાળપણથી જ તેમને ગરીબો અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરવામાં વધારે રૂચિ હતી. તેમનો પરિવાર પણ ગરીબ હતો અને તેમના માટે આ બાકીના 500 રૂપિયા પણ બહુ મહત્ત્વ ધરાવતા હતા. મણિમારન આ 500 રૂપિયા પોતાની પાછળ પણ ખર્ચ કરી શકતા હતા. પરંતુ તેઓ એવી વ્યક્તિઓની મદદ કરવામાં વધારે તત્પર હતાં જેમની પાસે કશું જ નથી. જેઓ રસ્તા પર રહે છે તેમને કપડા, બ્લેન્કેટ તથા અન્ય જરૂરિયાતનો સામાન મણિમારન લાવીને આપતા. જ્યારે પોતે ગરીબીમાં જીવી રહ્યાં હોય ત્યારે ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હોય કે જે આવા કામો કરે છે. તેમના પરિવારજનોએ પણ તેમને આવા સેવાના કાર્યો કરવામાં ક્યારેય રોક્યા નહીં. મણિમારને પોતાના જીવનમાં એક લક્ષ નક્કી કરી લીધું હતું કે તેઓ ગરીબો માટે કંઇક ખાસ કરશે.

એક ઘટનાને કારણે બદલાઇ જિંદગી!

એક સમયે મણિમારન બસમાં બેસીને કોઈમ્બતુરથી તિરુપુર જઇ રહ્યાં હતાં. જ્યાં અચાનક બસમાં કંઇ ખરાબી આવવાના કારણે બસને અધવચ્ચે જ રિપેર કરવા માટે રોકવી પડી. તે સમયે એક વૃદ્ધ મહિલા જે કૃષ્ઠરોગથી પીડાતી હતી. તે દરેક વ્યક્તિ પાસે પીવા માટે પાણી માંગી રહી હતી. પરંતુ ત્યાં ઊભેલી દરેક વ્યક્તિ તેની મદદ કરવાની જગ્યાએ તેને ધુતકારી ભગાડી દેતા હતાં. વૃદ્ધ મહિલાના હાવભાવ પરથી સ્પષ્ટ દેખાતું હતુ કે તે ખૂબ જ તરસી છે. વૃદ્ધાએ તેની તરસ છીપાવવા માટે દૂર પડેલું ગંદુ પાણી પીવા માટે હાથમાં લીધું. આ જોતાની સાથે જ મણિમારન તરત જ તેમની પાસે દોડીને ગયા અને તે વૃદ્ધાને ગંદું પાણી પિતા અટકાવી. મણિમારને જોયું કે કૃષ્ઠરોગના કારણે આ વૃદ્ધ મહિલામાં ઘણી જ નબળાઈ આવી ગઈ હતી. મણિમારને તે વૃદ્ધાનું મોઢું સાફ કર્યું અને તેને ચોખ્ખુ પાણી પીવડાવ્યું. મણિમારની આ સેવા જોઇ તે મહિલા ખુશ થઇ તેણે મણિમારને ગળે લગાવી દીધો અને કહ્યું કે તું મને તારી સાથે લઇ જા. મણિમારન પણ તે મહિલાને પોતાની સાથે લઇ જવા માંગતા હતા, પરંતુ તે સમયે તેમની પરિસ્થિતિ એવી નહોતી કે તેઓ આ વૃદ્ધ મહિલાને પોતાની સાથે લઇ જાય. પરંતુ મણિમારને એક રિક્ષાવાળાને 300 રૂપિયા અપ્યા અને 2 દિવસ સુધી તે વૃદ્ધ મહિલાની સારસંભાળ લેવાનું કહ્યું. મણિમારને તે મહિલાને વિશ્વાસ સાથે કહ્યું કે ત્રીજા દિવસે તે મહિલાને લઇ જશે.

ત્રણ દિવસ પછી જ્યારે મણિમારન તે મહિલાને મળવા ગયા ત્યારે તે મહિલા ત્યાં ન હતી. મણિમારને તેને શોધવાના ઘણાં પ્રયત્નો કર્યા પણ તે ના મળી તેથી મણિમારન ખૂબ નિરાશ થઇ ગયા. ત્યારે મણિએ કુષ્ઠ રોગીઓ માટે જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો અને તેના જીવનની જાણે દિશા જ બદલાઇ ગઇ. પોતાના સંકલ્પ પ્રમાણે મણિમારને કુષ્ઠ રોગીઓની મદદ શરૂ કરી દીધી. રસ્તે રઝળતાં રોગીઓને પોતાના ઘરે લઇ જઇ મણિ સારવાર કરવા લાગ્યા. એ દિવસોમાં લોકો કુષ્ઠ રોગીઓને ખૂબ જ હીન ભાવનાથી જોતા હતા. કુષ્ઠ રોગથી પીડાતા દર્દીથી પરિવારજનો પણ દૂર રહેતા અને ઘરની બહાર કાઢી દેતા. કુષ્ઠ રોગીને સ્પર્શ કરવામાં પણ લોકોને બીક લાગતી. અને એવા સમયે આવા લોકોની મદદ કરવા માટે મણિમારને તો જાણે અભિયાન જ છેડી દીધુ હતું.

મધર ટેરેસા અને સિસ્ટર નિર્મલા છે મણિમારનના આદર્શ

જ્યારે ભારતના જાણીતા વૈજ્ઞાનિક ડૉ.અબ્દુલ કલામને મણિમારનની સેવાઓની માહિતી મળી ત્યારે તેઓએ મણિને એક સંસ્થા શરૂ કરવાની સલાહ આપી. ડૉ.કલામની સલાહ માનીને મણિમારને પોતાના કેટલાક મિત્રોની મદદથી વર્ષ 2009માં ‘વર્લ્ડ પીપલ સર્વિસ સેન્ટર’ની સ્થાપના કરી. કુષ્ઠ રોગીઓની સારવાર માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલી મણિની સંસ્થાને બિરદાવતા તમિલનાડૂ સરકારે પણ સંસ્થાને તેની જરૂરીયાત પ્રમાણે જગ્યાની ફાળવણી કરી.

મણિમારને પોતાની સંસ્થા થકી હજારો કુષ્ઠ રોગીઓની મદદ કરી, અને જોત જોતામાં તેની ખ્યાતિ દેશ-દુનિયામાં ફેલાઇ ગઇ. તેમને સેવાકીય કાર્યો બદલ અનેક પુરસ્કારોથી સન્માનિત પણ કરાયા. આ વાતમાં કોઇ બેમત નથી કે પોતે ગરીબ હોવા છતાં મણિમારને લોકોની સેવા કરી એક અનોખો પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે.

Related Stories