"શું ખરેખર દેશ બદલાઈ રહ્યો છે?"

"શું ખરેખર દેશ બદલાઈ રહ્યો છે?"

Friday May 27, 2016,

5 min Read

છેલ્લા દસેક દિવસથી હું દિલ્હીથી દૂર હતો અને ગઈ કાલે બપોરે જ હજી પાછો આવ્યો. આજે સવારે જ્યારે હું છાપાંના પાના ફેરવી રહ્યો હતો ત્યારે મને યાદ આવ્યું કે આજે તો મિ.મોદીએ દેશના વડાપ્રધાન તરીકે 2 વર્ષ પૂર્ણ કર્યા છે. સમય કેટલો ઝડપથી પસાર થાય છે. 2014ની લોકસભા ચૂંટણી હજી ગઈ કાલની જ વાત લાગે છે. જાણે થોડા દિવસો પહેલાં જ ચૂંટણી પૂર્ણ થઇ હોય. હજી મને યાદ છે મિ.મોદીના "અબ કી બાર મોદી સરકાર"ના મસમોટા હોર્ડિંગ્સ. લોકસભાની ચૂંટણી વખતે સૌથી ગાજેલી અને દેખાતી ટેગલાઈન મોદીના કેમ્પેઈન "અચ્છે દિન"ની જ હતી. 

આજે સવારે છાપાં વાંચતી વખતે ફરી એક વાત ઘાટ્ટા અક્ષરોમાં લખેલું "અબકી બાર" મોટાભાગના છાપાંના પહેલા પાને છપાયેલું જોવા મળ્યું. "મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ" સ્લોગન પાછળ ઘણો ખર્ચો કરાયો હોય એવું દેખાય છે. આ સ્લોગન દ્વારા જાણે તેઓ કહેવા માગે છે કે દેશ ઘણો ઝડપથી આગળ વધી રહ્યો છે અને એ બધું મિ.મોદીજીના કારણે થઇ રહ્યું છે. દરેક સરકારને પોતાની સિદ્ધિઓ લોકોની સામે લાવવાનો હક્ક છે. મારે આ બાબતે કોઈ ઝગડો નથી કરવો પણ આ દેશના નાગરિક તરીકે મને સવાલ કરવાનો હક્ક છે- શું ખરેખર દેશ બદલાઈ રહ્યો છે?

image


ચાલો, એક પાયાનો સવાલ કરીએ- કેમ "આપણે સૌએ" 2014માં મોદીને વોટ કર્યો અને તેમને 2014ની ચૂંટણીમાં ભારે બહુમતથી જીતાડ્યા? ભ્રષ્ટાચાર મીટાવવા, એ સમયે દેશમાં પ્રવર્તી રહેલી અનિર્ણાયક પરિસ્થિતિ, પોલિસી પેરાલિસીસમાંથી બહાર આવવા અને દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા. હવે સવાલ એ છે કે શું ખરેખર આ સરકારે આ તમામ બાબતોમાં જોઈતા પરિણામ આપ્યા છે? મને ખબર છે કે વિવિધ મીડિયા કેમ્પેઇન અને વિવિધ ઉજવણીઓથી મોદીને એક ક્રાંતિકારી નેતાની હરોળમાં આવી ગયા. મીડિયા કેમ્પેઇનમાં બતાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીએ દેશની સુકાન સંભાળી ત્યારથી દેશ બદલાયો છે. પણ સત્ય શું છે?

મનમોહનસિંઘની સરકારને એક ભ્રષ્ટ સરકાર તરીકે ઓળખવામાં આવે છે. લોકોને ગમે તે રીતે દેશમાં બદલાવ જોઈતો હતો. અને એ સમયે મોદી જાણે તાજી હવામાં શ્વાસ બનીને આવ્યા. લોકોને ખરેખર લાગવા લાગ્યું કે મોદી ભ્રષ્ટાચારને નાબૂદ કરી નાખશે. વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ તેમણે જાહેરાત કરી કે- "હું ક્યારેય ભ્રષ્ટાચાર નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં." પણ તેમના કેબિનેટે આ આશા પર પાણી ફેરવી દીધું. અડધો ડઝન એવા લીડર્સને કેબિનેટમાં સામેલ કરાયા જેમના પર ભ્રષ્ટાચાર અને અન્ય ગુનાઓના ગંભીર આરોપો હતાં. અને મોદીના ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના મિશનને પહેલો આંચકો લાગ્યો. 

લોકોએ અવારનવાર એ સવાલ પણ કર્યો કે જ્યારે મોદીને ભ્રષ્ટાચાર જડમૂળથી જ નાબૂદ કરવો છે તો છેલ્લા 2 વર્ષમાં તેમણે લોકપાલની નિમણૂંક કેમ ના કરે? મનમોહનસિંઘના કાર્યકાળમાં જ લોકપાલ બિલ પાસ કરી દેવાયું હતું પણ આજ સુધી તેના પર પ્રકાશ નથી પાડવામાં આવ્યો. ઓગસ્તા વેસ્ટલેન્ડ મામલે મોદી સરકાર ઘણી જ ઉગ્ર હતી અને ગાંધી નેહરૂ પરિવાર પર શાબ્દિક પ્રહારો પણ કર્યા પણ તેઓ એ જવાબ ન આપી શક્યા કે અત્યાર સુધી તેમણે આ મામલે કેમ કંઈ ના કર્યું જ્યાં સુધી ઇટલી સરકાર ત્યાની હાઈકોર્ટમાં આ મામલાના 2 આરોપીઓનો ગુનો સાબિત કરી શક્યા. સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે વચન આપ્યું હતું કે રોબર્ટ વાડ્રાના જમીન મામલે કાર્યવાહી કરશે પણ હજી સુધી તેના પર કોઈ એક્શન નથી લેવાયા. ઘણાં સર્વેના પરિણામો પરથી માલૂમ પડે છે કે છેલ્લા 2 વર્ષોમાં દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે.  

મોદી સરકાર લોકોને કહી રહી છે કે ભારતે આર્થિક વૃદ્ધિમાં ચાઈનાને પણ પાછળ રાખી દીધું છે અને આર્થિક રીતે સૌથી ઝડપથી વધી રહેલો દેશ બની ગયો છે. પણ હકીકતમાં, આવો જ વિશ્વાસ બિઝનેસ અને ટ્રેડ કમ્યુનિટી વ્યક્ત નથી કરી રહી. આંકડાઓ કંઇક અલગ જ વાત કરી રહ્યાં છે. વર્તમાનપત્રોએ જણાવ્યા પ્રમાણે, "સરકારી આંકડાઓ કહે છે કે ગયા નાણાંકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 4.5% હતો જે ઘટીને 2015-16માં 2.7% થઇ ગયો જે છેલ્લા એક દાયકાનો સૌથી ઓછો વૃદ્ધિ દર હતો."  

વિદેશી રોકાણકારો માટે ભારત દેશ હજી પણ એક આદર્શ જગ્યા નથી. નોકરીની તકો ઉભી કરવામાં પણ ભારે નિરાશા જોવા મળી રહ્યાં છે. 2014માં મોદી યુવાનોના લોકપ્રિય નેતા તરીકે ઉભરીને બહાર આવ્યા, મોદીએ તેમણે હથેળીમાં ચાંદ જો બાતાડ્યો હતો. બદનસીબે, આપણે વર્તમાનપત્રો દ્વારા જાણ્યું કે "રોજગારીનો દર છેલ્લા 6 વર્ષોમાં સૌથી નીચો જોવા મળ્યો છે." "2015ના પહેલાં 9 મહિનામાં માત્ર 1.55 લાખ જેટલી નોકરીની તકો ઉભી થઇ." તેવામાં નિષ્ણાતો પણ વૃદ્ધિના નવા માપદંડો જાણવા સરકારને સવાલો કરી રહ્યાં છે. સરકારી એજન્સીઓ જે આંકડા દર્શાવી રહી છે તેને લઈને નિષ્ણાતોના મનમાં ઘણાં સવાલો ઉભા થઇ રહ્યાં છે. 

કોમી સંવાદિતા પરનું મોદીનું મૌન મને સૌથી વધુ નિરાશાજનક લાગે છે. આજે લઘુમતીઓ ડર સાથે જીવી રહ્યાં છે અને તેમના માટે એકસમાન નાગરિક તરીકેના તેમના સ્ટેટસ પર બહુમતી કોમ દ્વારા ઘણાં પ્રશ્નાર્થચિહન મૂકયા છે. અખલકની મોત પરના વડાપ્રધાનના મૌનના કારણે લઘુમતીઓના મનમાં તેમના પરનો વિશ્વાસ ડગમગી ગયો છે. રાષ્ટ્રવાદ પર થતાં સંવાદો જાણે તેમની દેશભક્તિ પર સવાલ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આમીર ખાન અને શાહરુખ ખાન પરના દ્વેષી પ્રહારો અસુરક્ષાની લાગણી જન્માવે છે. 

આજે આપણો દેશ ધાર્મિક દ્રષ્ટિએ વહેંચાઇ ગયો છે. અને આપણા વડાપ્રધાને આ પરિસ્થિતિને દૂર કરવા કોઈ પ્રયત્નો કર્યાં હોય તેવું મને નથી લાગતું. ભારત દેશના લોકોએ તેમને ઘણી આશાઓ અને અપેક્ષાઓ સાથે પસંદ કર્યાં હતાં પણ 2 વર્ષમાં આ આશા ઠગારી નીવડી રહી છે. આપણા દેશમાં પ્રવર્તતી ઉદારતાને જાણે કોઈએ ઠગી હોય તેવું લાગે છે અને છેતરાયાની લાગણી થાય છે. અને વડાપ્રધાન મોદી આ ગંભીર આક્ષેપોને નજરઅંદાજ કરી રહ્યાં છે. હજી તેમની પાસે બીજા 3 વર્ષો છે એ સાબિત કરવા કે તેઓ કોઈ એક આઈડિયોલોજીના કેદી નથી. આઈડિયોલોજી ભૂતકાળમાં જીવી શકે પણ બહુમતીથી ચૂંટાયેલા વડાપ્રધાન નહીં. તેમને વર્ષ 2019માં પણ લોકોની બહુમતીની જરૂર પડશે તે વાત તેમણે ભૂલવી ન જોઈએ.

લેખક પરિચયઃ આશુતોષ

આશુતોષ ટીવીના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. તેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)