ગુજરાતીઓનાં પ્રિય ફરસાણ માત્ર એક 'ક્લિક' પર, વડોદરાનાં દર્શનનું ઑનલાઈન ‘ફરસાણકાર્ટ’

ભારતનાં માર્કેટ સિવાય વિદેશમાં વસતાં ગુજરાતીઓ સુધી તેમનાં મનપસંદ ફરસાણ પહોંચાડવાનું દર્શનનું સપનું

ગુજરાતીઓનાં પ્રિય ફરસાણ માત્ર એક 'ક્લિક' પર, વડોદરાનાં દર્શનનું ઑનલાઈન ‘ફરસાણકાર્ટ’

Wednesday October 28, 2015,

3 min Read

image


ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા તેની સંસ્કૃતિ તથા કલા માટે પ્રખ્યાત છે. પણ એક ગુજરાતીને વિવિધ ફરસાણ અને 'ખાખરા' (હવે ડાયેટ ખાખરા) વગર ન ચાલે. જ્યારે અમદાવાદની પોતાની એક આગવી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે, ત્યારે વડોદરા જેવાં શહેરો પણ હવે સ્પર્ધામાં ઉતરી આવ્યાં છે. ‘ફરસાણકાર્ટ’ને અસ્તિત્વમાં લાવનાર દર્શન ધ્રૂવ, વડોદરાના એક ઘણાં જ ઉત્સાહિત વ્યક્તિ છે. કિશોરાવસ્થામાં દર્શન હંમેશા સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાનાં સપના જોતાં. તેઓ માતા-પિતા પર નિર્ભર રહેવા કરતા, જાતે કામ કરવાની ઈચ્છા ધરાવતાં હતાં. તેઓ જ્યારે વડોદરામાં કૉલેજનો અભ્યાસ કરી રહ્યાં હતાં, તે દરમિયાન તેમણે ડી.જે તરીકે પણ કામ કર્યું. ત્યાર પછી તેઓ તેમના માસટર્સ ડિગ્રીના અભ્યાસ માટે વિદેશ જતાં રહ્યાં જ્યાં. ભારત પાછા આવતાં પહેલાં તેમણે એક અગ્રણી મલ્ટીનેશનલ કંપની સાથે પણ કામ કર્યું હતું.

ભારત પાછા ફરીને દર્શન પૅકૅજિંગ, તેમનાં પારિવારિક વ્યવસાયમાં જોડાયા પણ તેમને ક્યારેય તે કામમાં સંતોષ મળ્યો નહીં અને પછી તેમને ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર આવ્યો. ખાવાના અત્યંત શોખીન હોવાનાં કારણે દર્શનનાં મનમાં એક વાત નક્કી હતી કે તેમનો વ્યવસાય ખાદ્યવસ્તુ સાથે જ સંબંધિત હશે. QSR સેગમેન્ટમાં વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો પણ પછી તેમણે તેમના પરિવારનાં પૅકૅજિંગના વ્યવસાયની કુશળતાનો લાભ લેવાનો વિચાર કર્યો. માટે જ્યારે તેમના ઑનલાઈન ફરસાણ વેચવાના વિચાર વિશે તેમની આસપાસનાં લોકોને ખબર પડી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં. કારણ કે આપણે સૌએ ઑનલાઈન ચોપડાં, કપડાં અને ફૂલ વેચવા વિશે તો સાંભળ્યું જ છે, પણ ઑનલાઈન ફરસાણ વેચવાની વાત ખરેખર અનન્ય છે.

દર્શન ધ્રૂવ

દર્શન ધ્રૂવ


અને કાદચ એટલે જ આ એક ઉત્તમ વિચાર છે. આજે ફરસાણકાર્ટ- વડોદરાનાં અગ્રણી ફરસાણ બનાવનાર અને વિક્રેતાઓ જેવા કે; પાયલ, સુખડિયા, જગદિશ તો બીજી બાજુ મુખવાસ માટે જે.કે મુખવાસ જેવાં વડોદરાનાં અગ્રણી સ્ટોર્સ મારફતે પોતાનાં ફરસાણ વેચે છે. દર્શન માત્ર લોકલ ફરસાણ વિશે જ નથી વિચારી રહ્યાં. તેઓ ભારતનાં માર્કેટ સિવાય, વિદેશમાં વસતાં ગુજરાતીઓ સુધી તેમનાં મનપસંદ ફરસાણ પહોંચાડવા માંગે છે. ફરસાણકાર્ટની આંતરરાષ્ટ્રીય પોર્ટલ: www.global.farsankart.com યુ.કે, યુ.એસ.એ, અને કેનેડામાં પણ ફરસાણ પીરસે છે. જોકે આવનારા વર્ષોમાં દર્શન પોતાના ફરસાણને 160 દેશોમાં પહોંચાડવા માગે છે. અત્યાર સુધી તેમણે ભારત તથા વિદેશમાં લગભગ 500 પૅકૅટ્સ વેચ્યાં છે.

દર્શનને આશા છે કે આવનારા વર્ષોમાં લોકોની ખરીદી કરવાની પદ્ધતિમાં ઘણો બદલાવ આવશે અને તેમાં ઈ-કૉમર્સ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. દર્શનને વિશ્વાસ છે કે, “રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વધી જવાના લીધે, લોકો નાની-નાની વસ્તુઓ ખરીદવા માટે દુકાનો પર નહી જાય”. તેઓ ભારપૂર્વક કહે છે કે માલ-સામાન દુકાનદારો કરતાં સીધો ગ્રાહકો સુધી જ પહોંચાડવામાં આવે.

વિવિધ શહેરોમાં સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમ વિશે વાત કરતાં દર્શન કબૂલે છે કે, એ માટે બેંગલુરુ આદર્શ શહેર છે. પણ વડોદરા જેવાં શહેરના પોતાના અલગ જ ફાયદાઓ છે, જેમ કે, સસ્તા સંસાધનો તથા ઝડપથી મદદ મળી રહે છે. તેમનું માનવું છે કે જો તમારી પાસે સારો વિચાર હોય તો અન્ય ઘણાં પરિબળો તમારી મનોકામના પૂર્ણ કરવામાં અવરોધક નહીં બને.

image


દર્શન વ્યવસાય અંગે સમજ આપતાં કહે છે, "નવો વ્યવસાય ઊભો કરવો એ એક મોટો પડકાર હતો. જ્યારે તમે પોતે જ રોકાણ કરી રહ્યાં હોય અને નાની-નાની વાતોનું ધ્યાન જાતે જ રાખવું પડે તો ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે”. પણ તઓ જરાય ચિંતિત નથી, કારણ કે રોજ સવારે ઉઠીને આવું કંઈક કરવામાં એમને ઘણો આનંદ આવે છે. અંતે તેઓ જણાવે છે, “હું જે કંઈ પણ કરું છું એમાં પૂરેપૂરો વિશ્વાસ રાખું છું અને મારા કામ પ્રત્યે ગંભીર તથા 100% સમર્પિત રહું છું. એક ડી.જેથી ઈ-કૉમર્સના વ્યવસાય સુધીની આ યાત્રા ખરેખર કઠિન હતી”. દર્શન ઈચ્છે છે કે ફરસાણકાર્ટ ઉત્તમ ગુજરાતી ફરસાણ વેચતી વિશ્વની પ્રસિદ્ધ બ્રાન્ડ બને. સાથે જ હંમેશા સમય પર ગ્રાહક સુધી ફરસાણ પહોંચાડવાની સર્વિસના કારણે પણ તેમણે લોકો જાણે, તે વિષય પર પણ ધ્રુવ કામ કરી રહ્યાં છે.