કોર્પોરેટ નોકરી છોડી 'વન ટ્રી ડેઇલી ટિલ ડેથ' અભિયાનને સાર્થક કરતાં રુચિન મહેરા

કોર્પોરેટ નોકરી છોડી 'વન ટ્રી ડેઇલી ટિલ ડેથ' અભિયાનને સાર્થક કરતાં રુચિન મહેરા

Wednesday October 21, 2015,

5 min Read

'કૌન કહેતા હૈ કિ આસમાન મૈં સુરાખ નહીં હો સકતા,

એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો'

કોઈ પણ માણસ પોતાના જન્મથી માંડીને મૃત્યુ સુધી વૃક્ષો મારફતે મળનારા ઓક્સિજનથી જ જીવતો રહી શકે છે. પરંતુ આ જીવાદોરીને ઉત્પન્ન કરનારાં વૃક્ષો કોઈ જ વાવવા તૈયાર નથી. સોશિયલ મીડિયામાં ક્યાંક વાંચ્યું હતું કે બધાને પોતાની કાર ઝાડનાં છાંયડા નીચે રાખવી છે પણ ઝાડ કોઈએ વાવવા નથી. આપણું જીવન વૃક્ષોની આસપાસ જ ફરે છે અને છોડ-વૃક્ષ વિના મનુષ્ય જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. તેમ છતાં પણ મોટાભાગના લોકો વૃક્ષોને સાચવવા અંગે ખૂબ જ ઉદાસ વલણ દાખવે છે તેમ ગાઝિયાબાદમાં રહેતા રુચિન મહેરા જણાવે છે.

image


ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયર રુચિન પર્યાવરણનું રક્ષણ કરવા માટે પોતાના તરફથી એકલા જ પ્રયાસ કરે છે. તેમણે પોતાના તરફથી પર્યાવરણનાં રક્ષણ માટે ફેબ્રુઆરી 2015થી એક અભિયાનની શરૂઆત કરી છે. જેનું નામ છે 'વન ટ્રી ડેઇલી ટિલ ડેથ.' જેમાં તેમણે આજીવન રોજ એક છોડ વાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત તેઓ અત્યાર સુધી 300 છોડ સફળતાપૂર્વક વાવી ચૂક્યા છે અને તમામ છોડોની સારસંભાળ પણ લે છે. જોકે, આ અભિયાન શરૂ કર્યું ત્યારે તેઓ એકલા જ હતાપરંતુ પર્યાવરણ સુરક્ષા પ્રત્યે તેમની ઘેલછા જોઈને ઘણા સ્થાનિક લોકો તેમની મદદમાં આગળ આવી ગયા છે. અને તેમના આ અભિયાનમાં સહભાગી બની રહ્યા છે.

પોતાનાં આ અભિયાન વિશે જણાવતાં રુચિન કહે છે, "હું દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે ખૂબ જ ચિંતિત રહેતો હતો. મારું માનવું છે કે આજે આપણી ચારેય તરફ રહેલાં વાતાવરણની હવાની આવી જ હાલત છે તો આગામી પેઢીને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા પૂરતા પ્રમાણમાં નહીં મળી શકે. શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા એટલે કે ઓક્સિજનની ખાસ જરૂર છે અને તેના માટે વૃક્ષો વાવવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ ઉપરાંત આપણે જન્મ લઈએ ત્યાંથી મૃત્યુ પામીએ ત્યાં સુધી વૃક્ષમાંથી મળતાં લાકડાનો ઉપયોગ કરીએ છીએ. વળી, આપણા હિન્દુ ધર્મમાં તો વ્યક્તિનાં મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર માટે પણ લાકડાની જરૂર પડે છે. આપણે આપણી જરૂરીયાતોને પૂરી કરવા માટે વૃક્ષો કાપીએ છીએ પરંતુ આપણામાંથી કોઈ પણ વૃક્ષો વાવવા તરફ ધ્યાન થી આપતું."

આ ઉપરાંત રુચિનને પક્ષીઓ તેમજ જાનવરો પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ છે. તેઓ જણાવે છે, "ઘણાં સમયથી આ વિસ્તારમાં પક્ષીઓનો કલરવ સંભળાતો બંધ થઈ ગયો છે. પક્ષીઓનું જીવન ટકાવી રાખવા માટે વૃક્ષોની ખૂબ જ જરૂર છે. કારણ કે જો વૃક્ષો નહીં હોય તો તેઓ પોતાનાં માળા ક્યાં બનાવશે અને તેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહીં હોય તો તેઓ ક્યાં રહેશે. ઉપરાંત વાંદરી, ખિસકોલી જેવાં અનેક નાનાં જાનવરો તો આ વિસ્તારમાંથી લુપ્ત જ થઈ ગયાં છે. આ જ ચિંતાઓનો જવાબ શોધવાના મનોમંથન બાદ રુચિને વૃક્ષારોપણ કરવાનું શરૂ કર્યું."

પોતાના આ 'વન ટ્રી ડેઇલી ટિલ ડેથ' અભિયાન વિશે રુચિન કહે છે, "આગામી પેઢીને આ જ બધા પડકારોમાંથી બચાવવા માટે મેં એકલા જ વૃક્ષારોપણ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ લોકોમાં જાગરૂકતાના અભાવે મારા દ્વારાવાવવામાં આવેલા છોડ ઝડપથી સૂકાઈ જતા હતા. એટલે જ મેં નક્કી કર્યું કે રોજ એક વૃક્ષ વાવીશ અને જ્યાં પણ વૃક્ષ વાવીશ ત્યાંના સ્થાનિક લોકોને તેની સંભાળ લેવા માટે મારીસાથે જોડીશ. ધીમે ધીમે લોકોને મારો આ વિચાર ગમવા લાગ્યો અને તેઓ આપમેળે મારી સાથે જોડાવા લાગ્યા."

રુચિન જણાવે છે કે રોજ એક છોડ વાવ્યા બાદ તેને રોજ પાણી આપવું એક પડકારજનક કામ છે. આ સમસ્યાનાં નિવારણ માટે તેમણે પુસ્તક અને ઇન્ટરનેટની મદદ લીધી અને ટપક સિંચાઈ પદ્ધતિ (ડ્રિપ ઇરિગેશન) અપનાવી. આ પદ્ધતિ અંગે જણાવતા તેઓ કહે છે, "તેમાં અમે લોકો દ્વારાફેંકી દેવામાં આવેલી કોલ્ડ ડ્રિંકની બે લિટરની બોટલનો ઉપયોગ કરીએ છીએ. અમે બોટલને નીચેથી કાપી નાખીએ છીએ, તેમાં પાણી ભરીને તેના ઢાંકણાંમાં કાણું કરીને છોડ સાથે ઊંધી દાટી દઈએ છીએ. આમ ઢાકણાંમાંથી ટીપું ટીપું પાણી ટપક્યા કરે છે જે છોડ માટે એક સપ્તાહ સુધી પાણીની જરૂરીયાત પૂરી કરી દે છે. આ પદ્ધતિનો લાભ એ છે કે તેમાં છોડને અઠવાડિયે એક જ વખત પાણી આપવું પડે છે."

રુચિનનું આ અભિયાન ધીમેધીમે લોકોમાં ખૂબ જ પ્રિય થઈ રહ્યું છે. હવે લોકો તેમને પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા માટેનું આમંત્રણ આપે છે. પોતાના આ અભિયાન માટે રુચિનને છોડ ગાઝિયાબાદના વનવિભાગની સ્થાનિક નર્સરીમાંથી મળે છે. રુચિન જણાવે છે કે શાળાઓ, બગીચાઓ, રસ્તાની વચ્ચે બનેલા ડિવાઇડર્સ વગેરે જગ્યાએ છોડ વાવવામાં આવે છે. "ઉપરાંત, અમે એવા વિસ્તારો શોધતા રહીએ છીએ કે જ્યાં સરળતાથી વૃક્ષારોપણ કરી શકાય. અત્યાર સુધી અમે વડ, લીમડો, આમળા, અર્જુન, આંબો, જાંબુ વગેરે જેવા 300 વૃક્ષો વાવી ચૂક્યા છીએ. મને આશા છે કે જ્યાં સુધી હું જીવતો રહીશ ત્યાં સુધી રોજ એક વૃક્ષ વાવવાના અભિયાનમાં સફળ રહીશ. અમારો પ્રયાસ એ રહે છે કે અમે એવા વૃક્ષને પસંદ કરીએ કે જે આવનારી સદીઓ સુધી જીવતા રહે અને માનવજાતનાં કામમાં આવે. રુચિન ક્યારેક તો એક દિવસમાં સ્થાનિક લોકોની મદદ લઈને એક કરતાં વધારે છોડ પણ વાવે છે."

પોતાનાં આ અભિયાન ઉપરાંત રુચિન છેલ્લાં આઠ વર્ષથી પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પિપલ ફોર એનિમલના પણ સક્રિય સભ્ય છે. અત્યાર સુધી અનેક અભિયાનો અંતર્ગત તેઓ ઘણા પ્રાણીઓને પ્રાણીના તસ્કરોની ચુંગાલમાંથી મુક્ત કરાવી ચૂક્યા છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્સમાં એન્જિનિયરિંગ કરી ચૂકેલા રુચિન અગાઉ એચસીએલ ઇન્ફોસિસ્ટમ તેમજ ભારત ઇલેક્ટ્રોનિક્સ જેવી નામાંકિત કંપનીઓમાં નોકરી કરી ચૂક્યા છે. પરંતુ કુદરત પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ આ કંપનીઓમાં લાંબો સમય ટકી ન શક્યા અને નોકરીને તિલાંજલિ આપીને વૃક્ષો તેમજ પ્રાણીઓની સેવામાં લાગી ગયા. રુચિન હવે પોતાનું ગુજરાન ચલાવવા માટે 9થી 12 ધોરણનાં ટ્યુશન કરે છે. અને બાકીના સમયમાં પોતાનાં ઝનૂનને પૂરૂં કરે છે.


image


અંતે રુચિન જણાવે છે, "આ અભિયાન મારફતે મારો પ્રયાસ એ રહેશે કે સામાન્ય લોકોમાં પર્યાવરણ તેમજ કુદરત અંગે જાગરૂકતા લાવી શકું. આ ઉપરાંત મારો પ્રયાસ એ પણ છે કે વધુમાં વધુ લોકો આગળ આવે અને આગામી પેઢીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ વૃક્ષો વાવે."