છત્તીસગઢના રાયપુરના 'સાહુજી પૌંઆવાળા'- એક વણઓળખાયેલા હીરો!

0

મારા છત્તીસગઢના પ્રવાસ દરમિયાન હું ભિલાઈથી રાયપુર પહોંચ્યો. એક દિવસ સવારના સમયે ભિલાઈના લગભગ 200 મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ સાથેના મારી વર્કશોપ મેં મારા રસના વિષય ઉદ્યોગસાહસિકતા સાથે પૂરો કર્યો અને હું સેશનમાં લોકોને ઉદાહરણ આપવા માટે નવી સ્ટોરીની શોધમાં નીકળી પડ્યો.

બસ ઊભી રહી અને હું નીચે ઉતર્યો ત્યારે સવારના 7 વાગ્યા હતા. રાયપુરના રસ્તાઓ સૂમસામ હતા તેવામાં શાળાના વિદ્યાર્થીઓની અવરજવર શરૂ થઈ. તેઓ પોતાની સ્કૂલબસ પકડવા માટે આવ્યા હતા. હું નિર્ધારિત સમય કરતાં વહેલો પહોંચ્યો હોવાને કારણે મેં મારા કેમેરાથી તેમના ફોટા પાડવાનું શરૂ કર્યું. સીએલ ઓફિસ ખૂલવાને હજી એક કલાકની વાર હતી તેથી મારે તેટલો સમય પસાર કરવાનો હતો. મેં તે રસ્તા ઉપર આગળ ચાલવાનું નક્કી કર્યું.

હું થોડા ડગલાં જ આગળ ચાલ્યો હોઇશ ત્યાં એક લારી ઉપર મેં મોટું ટોળું જમા થયેલું જોયું. એ લારી આગળ વિવિધ કદની અને આકારની ગાડીઓ પણ પાર્ક કરેલી હતી. તે લારી એક છાપરા નીચે ઊભી રાખવામાં આવી હતી અને તે એક વિશાળ શોપિંગ મોલની એકદમ સામે ઊભી હતી. વહેલી સવાર હોવાને કારણે મોલ બંધ હતો. મેં ત્યાં જઈને અવલોકન કરવાનું શરૂ કર્યું. ટોળામાં મોટાભાગના યુવાનો અને કોલેજ જતા યુવકો હતા. તેમાંના અનેક લોકો ધનાઢ્યો હતા અને મોર્નિંગ વોક કે કસરત કરવા માટે આવ્યા હતા. એક વ્યક્તિ આ લારી સંભાળવામાં વ્યસ્ત હતી. તેની સાથે યુવાનો કામ કરી રહ્યા હતા અને તે લોકોને ગરમાગરમ પૌંઆ આપવામાં વ્યસ્ત હતી.

મેં ત્યાં રહીને થોડા ફોટા પાડ્યા અને ત્યાં ઊભેલા છોકરાઓ કે જેમના વિશે હું એમ માની જ શકું કે તેઓ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ હતા અને આજુબાજુમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હશે. તેમણે પોતાનો નાસ્તો કર્યો કેટલીક વધુ પ્લેટ પૌંઆની પેક કરાવીને નીકળી ગયા. તેમ છતાં લોકો અહીં આવતા રહેતા હતા. ચાર લોકો તેમનો ટ્રેક સૂટ પહેરીને આવ્યા હતા. તેઓ કારમાંથી આવ્યા અને પૌંઆનો ઓર્ડર આપીને સ્ટ્રેચિંગ અને રિલેક્સિંગ કરવા લાગ્યા. મેં તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો.

શું તમે કસરત કરીને આવો છો?

હા, અમે ગાંધી ઉદ્યાનમાં ચાલવા ગયા હતા. તે અહીંથી બે-એક કિલોમિટર દૂર છે.

ઘણા સમયથી અમે રોજ ચાલીને અહીં નાસ્તો કરવા માટે આવીએ છીએ.

તમે અહીં કેટલા સમયથી આવો છો?

અમે લગભગ છેલ્લાં ચાર વર્ષથી અહીં આવીએ છીએ.

અહીં એવું તે શું ખાસ છે કે તમે આવો છો?

કસરત કર્યા પછી પણ અમારી વાતો ચાલુ જ રહે છે અને વાતોની સાથે ગરમાગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તેનાથી વિશેષ બીજું શું જોઇએ અને સાહુજીના પૌંઆ એ શ્રેષ્ઠ છે.

દરમિયાન સાહુજી તેમને આવીને ગરમાગરમ પૌંઆ આપી જાય છે અને હું ઉઠીને તેમની લારી પાસે જાઉં છું.

હજી પણ લોકો આવી રહ્યા છે. હું અન્ય એક માણસ પાસે ગયો તે પોતાની ત્રીજી પ્લેટ પૂરી કરી રહ્યો હતો. મેં તેની સાથે વાત શરૂ કરી અને પૂછ્યું કે તે અહીં નાસ્તો કરવા માટે શા માટે આવે છે? તેનો પોતાનો શેવરોલેનો શો રૂમ છે અને તે અહીં અઢી વર્ષથી નિયમિત રીતે આવે છે.

સાહુજી કામમાં વ્યસ્ત હતા. મેં તેમના વ્યાપાર વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. આ વિશે માહિતી મેળવવાનો મારો ઇરાદો યુવાનોને પ્રોત્સાહન આપવાનો હતો પણ સાહુજી થોડા રિઝર્વ હતા અને તેમણે કોઈ જ પ્રકારના આંકડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે બીજી માહિતી સરળતાથી આપી હતી. મારી સાથે વાત કરતાં તેમણે બીજા સ્ટોકના પૌંઆ પણ તવા ઉપર મૂક્યા.

મેં તેમની સાથે કરેલી વાતચીતના થોડા અંશો.

- તેમનો દિવસ સવારે 4 વાગ્યાથી શરૂ થાય છે.

- સવારે 6-30 વાગે તેઓ તેમની સાધનોથી સજ્જ લારી ઉપર આવી જાય છે.

- સવારે 10 વાગતા તેઓ ખૂબ જ થાકી જાય છે.

- ત્યારબાદ તે એક કલાક સુધી બીજા દિવસની ખરીદી કરે છે.

- 12 વાગ્યા સુધી તેઓ વ્યાપારમાંથી નવરા થઈ જાય છે.

આંકડાઓ

તેઓ રોજ 20 કિલો પૌંઆ બનાવે છે.

દરેક પ્લેટમાં 50 ગ્રામ પૌંઆ હોય છે.

તેથી એક કિલો પૌંઆમાંથી 20 પ્લેટ બને છે.

20 કિલો પૌંઆમાંથી 400 પ્લેટ બને છે.

એક પ્લેટના રૂ. 20 લેખે તેમનો રોજનો વ્યાપાર રૂ.8000નો છે. 

તેમની પડતર પ્રતિદિન રૂ.1500થી વધારે નથી.

ખૂબ જ રૂઢિચુસ્તતાપૂર્વક હિસાબ કરીએ તો તેઓ મહિને રૂ.2 લાખ કમાતા હશે.

ત્યારબાદ જ્યારે હું રાયપુરમાં કોલેજમાં મોટિવેશન લેક્ચર માટે ગયો. ત્યારે મેં આ ઉદાહરણથી વાતની શરૂઆત કરી. ત્યારે બધાએ મને કહ્યું કે તે પૌંઆવાળાનું નામ સાહૂજી છે અને તેમને લોકો સાહૂજી પોહેવાલે તરીકે ઓળખે છે.

જો દરેક એમબીએ થયેલો વિદ્યાર્થી તેની પાસે જાય અને તેને આવી અનેક લારીઓ કરવાની સલાહ આપે અને શરૂ કરાવે તો આવી પૌંઆની અનેક લારીઓ શરૂ થઈ શકે છે અને તેમની પ્રખ્યાતિને આધારે તેઓ પોતાનો આ સ્વાદ અનેક લોકો સુધી પહોંચાડી શકે છે.

આપણામાંથી કેટલા એમબીએ થયેલા લોકો આ પડકાર ઉપાડવા માટે તૈયાર છે.

લેખક- આર. શ્રીનિવાસન

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Related Stories