ભ્રષ્ટાચારરૂપી સડાને દૂર કરવા કાયમી ઉપાયની જરૂર છે, નહીં કે બૂમબરાડા પાડવાની કે નાટકો કરવાની!

ઇટાલીની સરકારે આ કૌભાંડની તપાસ પૂર્ણ કરીને દોષિતને જેલમાં પૂરી દીધા છે, ત્યારે મોદી સરકારે છેલ્લાં બે વર્ષમાં આ કૌભાંડની તપાસ પણ હજુ શરૂ કરી નથી

ભ્રષ્ટાચારરૂપી સડાને દૂર કરવા કાયમી ઉપાયની જરૂર છે, નહીં કે બૂમબરાડા પાડવાની કે નાટકો કરવાની!

Tuesday May 10, 2016,

5 min Read

આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ભ્રષ્ટાચાર કેન્સર છે, સડો છે અને આ જ સડો ભારતને બરબાદ કરશે. વધુ કમનસીબ બાબત એ છે કે આ કેન્સરનો કોઈ ઇલાજ નથી. હવે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે – ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ. તેમાં નવાઈ પામવા જેવું કશું નથી. હકીકતમાં 2014ની લોકસભાની ચૂંટણી અગાઉ યુપીએના શાસનકાળમાં આ કૌભાંડે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પણ તાજેતરમાં ઇટાલીની મિલાન કોર્ટે ચુકાદો આપ્યો હોવાથી ફરી એ ચર્ચાના ચકડોળે ચઢ્યું છે અને છેલ્લાં થોડાં દિવસથી દેશમાં ઠેકઠેકાણે આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. શાસક પક્ષ ભાજપ આ માટે દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળે છે અને કોંગ્રેસે આ મુદ્દે ભાજપ સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે અગાઉની જેમ રાજકીય પક્ષો એકબીજા સાથે થૂંક જ ઉડાવી રહી છે, પણ ભ્રષ્ટાચારરૂપી સડાને દૂર કરવા કોઈ નક્કર સમાધાનની વાત કરતાં નથી.

આપણી વ્યવસ્થામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલાં ઊંડા ઊતરી ગયા છે, આપણી વ્યવસ્થા કેટલી આડા પાટે ચઢી ગઈ અને દેશનું રાજકારણ કેટલી હદે નીચે ઉતરી ગયું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ વેસ્ટલેન્ડના સોદાની શરૂઆત વાજપેયી સરકારમાં થઈ હતી અને એનડીએ સરકારે જ વર્ષ 2003માં વીવીઆઇપી હેલિકોપ્ટર્સની ખાસિયતો બદલવાનો ઓર્ડર આપ્યા હતાં. એવો આરોપ મૂકવામાં આવે છે કે આ ફેરફારથી ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપનીને ફાયદો થયો હતો અને પછી લાખો યુરોપ ચુકવવામાં આવ્યાં હતાં. વાજપેયી સરકાર 2004માં ચૂંટણી હારી ગઈ અને મનમોહન સિંઘ વડાપ્રધાન બન્યા હતા. તેમના ગાળામાં આ સોદો પાર પડ્યો હતો, પણ કૌભાંડ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી સમયે બહાર આવ્યું હતું. અત્યારે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે મિલાન કોર્ટના ચુકાદાને ભાજપ કોંગ્રેસ સામે રામબાણ સમજે છે અને વડાપ્રધાન મોદી સોનિયા-રાહુલને નિશાન બનાવવા આ ચુકાદાનો ઉપયોગ કરી રહ્યાં છે. કોર્ટના ચુકાદામાં સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો રેફરન્સ આપવામાં આવ્યો, પણ આ બંને કે અન્ય કોઈ પણ રાજકારણીને દોષિત ઠેરવવામાં આવ્યાં નથી.

ભાજપે સ્વાભાવિક રીતે કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસને ધૂળ ચાટતી કરવા ઇચ્છે છે. પણ કેટલાંક પ્રશ્રો પૂછવાની જરૂર છે. પ્રશ્ર 1 – ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ જાહેર થયા પછી ઇટાલીની સરકારે ઝડપથી કામગીરી કરી છે. સરકારે ઝડપથી તપાસ કરી, રિપોર્ટ સુપરત કર્યો, નીચલી અદાલતે ચુકાદો આપ્યો અને ઉપલી અદાલતે પણ ચુકાદો જાહેર કર્યો. અત્યારે કંપનીના બે વરિષ્ઠ અધિકારીઓ જેલના સળિયા ગણી રહ્યાં છે. તો ભારતમાં શા માટે આ કૌભાંડની તપાસ પણ શરૂ થઈ નથી? દોષિતોને સજા આપવાની વાત તો દૂરની છે, પણ ભારત સરકારે કેસની યોગ્ય તપાસ શરૂ કરવાની જહેમત પણ લીધી નથી.

મનમોહન સિંઘની સરકારની સ્થિતિ સમજી શકાય તેવી છે, પણ મોદી સરકાર શા માટે કેસની તપાસ કરવા આગળ વધતી નથી? છેલ્લાં બે વર્ષમાં મોદી સરકારે આ કેસની તપાસ કરવા શું પગલાં લીધા? સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ઝડપથી તપાસ કરવું કશું કર્યું નથી. તેમને કોણ અટકાવતું હતું અને શા માટે? મોદી ચૂંટણી સભાઓમાં દાવા કરે છે કે તેઓ ભ્રષ્ટાચારને નહીં ચલાવી લે, તેઓ ખાતા નથી અને ખાવા દેતા નથી. જો ખરેખર તેઓ તેમની વાત પર ગંભીર હોય, તો આ દેશની જનતાને હેલિકોપ્ટર કૌભાંડના ખરાં દોષિતોની જાણ થશે.

image


વળી ભાજપના નેતાઓ મોકો મળે ત્યાં બરાડા પાડે છે કે સોનિયા ગાંધીએ આ કૌભાંડમાં મોટી રકમ લીધી છે. તો મારો બીજો સવાલ એ છે કે તો પછી મોદી સરકારે અત્યાર સુધી સોનિયા ગાંધી સામે શા માટે કોઈ પગલાં ન લીધા? વડાપ્રધાન મોદીએ પોતે તમિલનાડુમાં એક ચૂંટણી સભામાં સોનિયા ગાંધી સામે આવા આક્ષેપો કર્યા, પણ સરકાર સોનિયા ગાંધી સામે કાયદેસર પગલાં લેતી નથી. અરે, હજુ સોનિયા ગાંધીને સામાન્ય નોટિસ પણ આપવામાં આવી નથી. પૂછપરછ અને ધરપકડ કરવાની તો વાત જ નથી. મૂર્ખતાપૂર્ણ અને હાસ્યાસ્પદ વાત એ છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સોનિયા ગાંધીને લાંચ લેનારાઓના નામ જાહેર કરવાનું કહે છે. કોંગ્રેસે પણ આ મામલે મોદી સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસના નેતાઓને બદનામ કરવાને બદલે બે મહિનામાં સંપૂર્ણ તપાસ પૂર્ણ કરવાનો પડકાર ફેંક્યો છે. પણ સરકારે આ મામલે પીછેહટ કરી છે અને કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

આ સંદર્ભમાં હેલિકોપ્ટર કૌભાંડને પગલે આપણી વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર સામે લડવાની તેની પ્રતિબદ્ધતાને લઈને કેટલાંક ગંભીર પ્રશ્રો ઉપસ્થિત થાય છે.

1. દેશમાં સુસ્થાપિત રાજકીય પક્ષોને ભ્રષ્ટાચાર સામે લડવામાં ખરેખર રસ છે? તેનો જવાબ છેઃ ના. હકીકતમાં તેમને પોતાના વિરોધીઓ પર ભ્રષ્ટાચારના આરોપો મૂકીને બદનામ કરવામાં જ રસ છે. અત્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે એટલે ભાજપ ચૂંટણીમાં લાભ ખાટવા ઓગસ્ટા વેસ્ટલેન્ડના બહાને કોંગ્રેસને બદનામ કરી રહી છે. જો ભાજપ ખરેખર ગંભીર હોત તો અત્યારે આ કેસની તપાસ પણ પતી ગઈ હોત અને ઇટાલીની જેમ ભારતમાં પણ દોષિતો જેલના સળિયાની પાછળ હોત.

2. દેશના રાજકીય પક્ષો ભ્રષ્ટાચારના મુદ્દે દૂધે ધોયલા છે? તેનો જવાબ છેઃ ના. જો કોંગ્રેસ ખરેખર દોષિત હોય તો ભાજપ પણ ઓછો જવાબદાર નથી, કારણ કે ઓગસ્ટા વેસ્ટલેન્ડના સોદામાં પાછળથી ફેરફાર એનડીએની સરકારે કર્યો હતો, નહીં કે કોંગ્રેસે.

3. તપાસ એજન્સીઓને નિષ્ક્રિયતા બદલ જવાબદાર ઠેરવવી જોઈએ? તેનો જવાબ પણ છેઃ ના. ઓગસ્ટા વેસ્ટલેન્ડ સૂચવે છે કે દેશમાં તપાસ કરવા અને દોષિતોને સજા કરાવવા માટે સંસ્થાકીય માળખું જ નથી. તપાસ એજન્સીઓના અધિકારીઓ શાસક પક્ષોના ઇશારે કામ કરે છે. એટલે સીબીઆઈ અને ઇડીને જવાબદાર ન ઠેરવી શકાય.

4. ભ્રષ્ટાચારરૂપી કેન્સરનું સમાધાન શું છે? ભ્રષ્ટાચાર સામે કેવી રીતે લડી શકાશે? જવાબ સીધો અને સરળ છે. તપાસ એજન્સીઓને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરવી જોઈએ, જેથી તેઓ સ્વતંત્ર રીતે અને ઝડપથી તપાસ પૂર્ણ કરી શકે.

5. આવું ક્યારેય શક્ય બનશે? તેનો જવાબ પણ છેઃ ના. શા માટે? અણ્ણાના આંદોલન દરમિયાન સ્વતંત્ર અને શક્તિશાળી લોકપાલની રચનાની માંગ કરવામાં આવી હતી. પણ સરકારે નબળો લોકપાલ કાયદો પસાર કરી દીધો અને હજુ સુધી લોકપાલની નિમણૂક કરવામાં આવી નથી. આ પદ હજુ પણ ખાલી જ છે. જો મોદી ભ્રષ્ટાચાર સામે લડવા માટે પ્રતિબદ્ધ હોય તો પહેલાં તેમણે લોકપાલની નિમણૂક કરવી જોઈએ. પણ કમનસીબે તેઓ બે વર્ષથી ભ્રષ્ટાચાર સામે લડવાની વાતો જ કરે છે.

મને ડર છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડના કૌભાંડના હાલ પણ બોફોર્સ જેવા જ થશે અને કશું બહાર નહીં આવે. ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરશે અને પ્રજાના નાણાંની અગાઉની જેમ લૂંટફાટ ચાલુ રહેશે. દેશમાં ફરી સંતુલન સ્થાપિત કરવા આપણા બંધારણ મારફતે પુનઃ એક ક્રાંતિની જરૂર છે. શું આવી ક્રાંતિ ફરી થશે? આ બહુ મોટો પ્રશ્ર છે, કારણ કે ભ્રષ્ટાચારરૂપી સડાને દૂર કરવા કાયમી ઉપાયની જરૂર છે, નહીં કે બૂમબરાડા પાડવાની કે નાટકો કરવાની.

લેખક પરિચયઃ આશુતોષ

આશુતોષ ટીવીના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. તેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

અનુવાદકઃ કેયૂર કોટક

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)